કઈ લાઈન સારી?


NGSમ તો સપ્લાય કરતાં ડીમાંડ વધે ત્યારે ઇકોનોમિકસની થિયરી સાચી પાડવા લાઈન લાગે છે. આપણા દેશમાં રેશનીંગની લાઈન સૌથી ફેમસ છે. એ પછી પોપ્યુલારીટીમાં રેલ્વે રીઝર્વેશનની લાઈન આવે. એક જમાનો હતો જયારે માણસ ક્યાંય લાઈન જુએ તો કંઇક મળશે એ આશાએ ઉભો રહી જતો. હવે ઘણી બધી વસ્તુઓ ઓન-લાઈન થતાં ઓફ-લાઈનનો મહિમા દિવસે દિવસે ઘટતો જાય છે. જોકે વસ્તીવધારો લાઈન પદ્ધતિને સાવ નામશેષ તો નહીં જ થવા દે એટલી શ્રધ્ધા અમને સાક્ષી મહારાજો, એમનાં જેવાઓના ફોલોઅર્સ અને આપણા કુટુંબનિયોજન કાર્યક્રમો પર છે.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

છોટી સી બાત ફિલ્મમાં અમોલ પાલેકર જયારે વિદ્યા સિન્હાનો પીછો કરતો હોય છે ત્યારે લીફ્ટ અને બસની લાઈનમાં એની પાછળ પાછળ જવામાં એને આનંદ આવતો જણાય છે. પણ બાકી કોઈ એવો વીરલો નહિ મળે જેને લાઈન સારી લાગતી હોય. એકંદરે લાઈનને સારી કહેનાર કોઈ નહિ મળે. જેમાં જીવન-જરૂરિયાતનું મેળવવા પણ ઊભા રહેવું પડે એ લાઈનને સારી કઈ રીતે કહી શકાય? હા, ધારોકે એક જ વસ્તુ માટે ત્રણ લાઈન લાગી હોય અને તમારી પાસે ચોઈસ હોય તો તમે એમાંથી સારી લાઈન નક્કી કરી શકો છો. જેમ કે રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ પર ચેક-ઇનની લાઈન.

આમ છતાં, બોર્ડના પરિણામ જાહેર થાય એટલે ‘કઈ લાઈન સારી?’ એ ચર્ચા ચૌરે અને ચૌટેથી લઈને ચેટમાં થવા લાગે છે. ગુજરાતી મા-બાપના બે મુખ્ય ધ્યેય હોય છે. એક તો છોકરાંને સારી લાઈન પકડાવવી અને બીજું છોકરાં આડી લાઈને ન ચઢી જાય એનું ધ્યાન રાખવું. આમાં આડી લાઈન છોકરાં જાતે પકડે. સ્કૂલમાં આડી લાઈને ચઢી ગયેલા સારી લાઈને નથી ચઢી શકતા એવી માન્યતા છે. તમે એક્ટર્સ કે રાઈટર્સનો ઈતિહાસ કે આત્મકથા વાંચશો તો એ લોકો કોલેજમાં ગુલ્લી મારી ફિલ્મો જોવા જતાં હોય એવું વાંચવા મળશે. આ ગુલ્લીવીરોમાંથી ગણ્યા-ગાંઠ્યા ફિલ્મ લાઈનમાં કે પત્રકારત્વમાં સફળ થયા હશે, બાકીનાની હાલત વોશરમેનના ડોબરમેન જેવી થાય છે.

કઈ લાઈન સારી એ પ્રશ્ન નહીં, યક્ષ પ્રશ્ન છે. અગાઉ ‘સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે’ એવી કહેવત હતી. હવે સાવ એવું નથી. હવે સઈનો દીકરો ડોક્ટર કે કવિ પણ હોઈ શકે છે અને માછીમારનો દીકરો રોકેટ સાયન્ટીસ્ટ બની શકે છે. અમુક કિસ્સામાં તો આવું બને તો ફાયદો પણ થાય. જેમ કે સુથારીકામ કરનારનો દીકરો ઓર્થોપીડીક સર્જન બને તો હાડકાના સાંધાનું ફીનીશીગ સારું આવે અને એણે બેસાડેલું મીજાગરુ વર્ષો સુધી લાઈન દોરીમાં રહે. એજ રીતે એમ્બ્રોઈડરીની માસ્ટર છોકરી ડોક્ટર બને તો ફાયદો એટલો થાય કે એ ઓપરેશન કર્યા પછી ટાંકા લેતી વખતે એવા કલાત્મક સાંકળી ટાંકા કે ઈયળ ટાંકા લઇ આપે અથવા ઇન્સીઝીયનની આસપાસ સૂચર વડે એવું સરસ રબારી કે ધારવાડી ભરતકામ કરી આપે કે પેશન્ટ ટાંકા તોડાવવા માટે પણ પાછો ન આવે!

કઈ લાઈન લેવી એની સલાહ આપનારા અનેક મળશે પણ એ પોતે ભણ્યા હોય એ જરૂરી નથી. ‘હું કવ છું ને મીકેનીકલ જ લેવાય’ કહેનારને સ્કુટરનો પ્લગ સાફ કરવાથી વિશેષ અનુભવ મીકેનીકલ એન્જીનીયરીંગનો ન હોય એવું પણ બને. અમુક તો ભણવું બિલકુલ જરૂરી ન ગણતા હોય એવા પણ મળશે. એમાય ભણતરના મુદ્દે સ્મૃતિ ઈરાની અને સચિન તેન્ડુલકર આ બે કુંભ રાશિના જાતકોના ઉદાહરણ આજકાલ હાથવગા છે. સચિન જેવા જોકે કરોડોમાં એક પાકે છે. જૂની કહેવત છે કે ભણે ગણે તે નામું લખે ને ન ભણે તે દીવો ધરે. આમાં હવે સુધારો થયો છે. હવે એવું કહેવાય છે કે ‘ભણે ગણે તે નામું લખે, ન ભણે તે મીનીસ્ટર થાય, અબજપતિ થાય, ઓડીમાં ફરે, લાલબત્તીવાળી ગાડીમાં ફરે, માનનીય અને આદરણીય સંબોધન પામે.

હવે તો ગુજરાતમાં એન્જીનીયરીંગ કોલેજોમાં તો ડીમાંડ કરતાં સપ્લાય વધી ગયો છે. આજકાલ હાઈવે પર જતાં દરેક ચોકડી ઉપર પાનનો ગલ્લો અને એન્જીનીયરીંગ કોલેજ મળી આવે છે. જેમ ૯૦ના દાયકામાં એગ્રો ફૂડ બનાવતી કંપની આઈટી ફર્મમાં કન્વર્ટ થઈ ગઈ હતી એમ હવે નર્સરી અને બાલમંદિર સીધાં એન્જીનીયરીંગ કોલેજ બની ગયા છે. આ ભવિષ્યમાં સ્ટુડન્ટના મા-બાપ વચ્ચે આવી ચર્ચા થતી સાંભળવા મળે તો નવાઈ નહિ.

‘તે તમાર બાબાન શોમાં મેલ્યો?’

‘મારો બાબો? એ તો એન્જીનીયરનું કર છ’

‘એ તો ખબર છ, પણ ચ્યોંકણ મેલ્યો?’

‘આપડે રીંછોલ ચોકડી નઈ, ઈની ફાયે જે કોલેજ છ ત્યોં’

‘ત્યોં તો આપડા અરવિનભઈ ટ્રસ્ટીમોં છ એ જ કે બીજી?’

‘અરવિનભઈનું તો ખબર નઈ, ત્યોં મારા સાઢુભાઈના મોમા ટ્રસ્ટીમોં છ, ગોપાલભઈ કરીન’

‘ઈમ? પણ તે રીંછોલ ચોકડી ફાયે બે કોલેજ છ ? હાહરું મન ખબર જ નઈ’

‘તી રોડ પર ભળાય એવી નહિ, એ તો ગોપાલભઈની શિમેન્ટ પાઈપની ફેક્ટરી છ ન, ઈમો ચાલુ કરી છ’

‘ઓહો એ તો મીએ ભાળી હ, તે ચેટલા આલ્યા એડમીશન માટે?’

‘આલ્યા કે લીધા? હવ તો ઇમને કોલેજ ચાલુ રાખવા ટુડન્ટ જોઈઅ છ. તી હોમ્ભેથી ઘેર આઈ ન ફોરમ ભરી આલે છ, મફત મોં, અન ઉપરથી પિજ્જાની ડીશકાઉન્ટ કુપન આલઅ છ’.

‘લ્યા તો પેલેથી કે’વું જોઈએ ન, અમેં તો ફોરમ ફીના પોનસો ખોટા ખર્ચ્યા’.

‘હવઅ તમાર નેના સોકરામોં ધ્યાન રાખજો તાણઅ બીજું શું….’

 

મસ્કા ફ્ન
પાણી-પુરીનો ખુમચો એ મહિલાઓનું મયખાનું છે.
પૂરી એ જામ છે
અને
ભૈયો સાકી છે.
n

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s