ગાલિબ કી હવેલી – બસ, બગલ મેં હી હૈ!


કોઈ જાણીતા શહેરમાંના અજાણ્યા વિસ્તારમાં આવેલું કોઈનું ઘર કે ઓફીસ શોધવામાં તકલીફ પડે તો સમજી શકાય, પણ જૂની દિલ્હીનો મુલ્કમશહુર ચાંદની ચોક જેવો વિસ્તાર હોય અને હરદિલ અઝીઝ શાયર મિર્ઝા અસદૂલ્લા ખાં ‘ગાલિબ’ની હવેલી શોધવામાં તકલીફ પડે એ માની શકાય? થોડા સમય પહેલાં જ દિલ્હીમાં આમારી સાથે આવું બનેલું. એમાં પણ ત્યાંના લોકોની ટર્મિનોલોજી અમને એવી નડી કે અમે અમારી ભાષા ભૂલી ગયા. એ દિવસના અનુભવે એટલું શીખ્યા કે ત્યાંના લોકોને સરનામું પૂછો અને જવાબમાં એ ‘બગલ મેં હી હૈ’ કહે તો સમજવાનું કે ઓછામાં ઓછું બે કિલોમીટર અંતર હશે અને ‘બસ અગલે ચૌરાયે પે હૈ’ કહે તો સમજવાનું કે ચાર કિલોમીટર દૂર છે. ‘બસ બગલ મેં હી હૈ … બસ બગલ મેં હી હૈ …’ કરીને અમને એવા ફેરવ્યા કે ટાંટિયાની કઢી થઇ ગઈ.

અમે ચાંદની ચોકમાં આવેલા ગુરુદ્વારા શીશગંજ સાહિબથી ગાલીબની ગવેલી જ્યાં આવેલી છે એ વિસ્તાર બલ્લીમારાં માટે પૂછવાનું ચાલુ કરેલું. કચોરીવાળા ભૈયા એ ‘બગલ’માં જ છે એવું કહેલું એટલે અમે ‘આટો’ (એ લોકો છકડાને ‘રીક્ષા’ અને રીક્ષાને ‘આટો’ કહે છે) પણ નહોતી કરી એટલે મારા પગમાં તોતા કેરી જેવડો ગોટલો તો બલ્લીમારાં પહોંચતા પહોંચતા જ બની ગયેલો! બીજી તકલીફ એ થઇ કે ગાલીબ પ્રેમી શાયર ગુલઝારે ભલે ‘કાસીમ જાન’ને બલ્લીમારાંના મહોલ્લાની पेचीदा दलीलों की सी गलि કહી હોય પણ એ ગલી સમગ્ર વિશ્વ માટે યાત્રા સ્થળ છે એની બલ્લીમારાંના રહેવાસીઓને તો ખબર હોવી જોઈએ ને! ત્રણ વાગ્યાનું પૂછતાં પૂછતાં નીકળેલા, અંધારું થયું ત્યારે પહોચ્યા! ગલીના નાકે બેઠેલા એક ભાઈને પૂછ્યું કે, ‘મિર્ઝા ગાલીબ કા ઘર કહાં પર હૈ?’

તો પેલા પંટરે મને સામું પૂછ્યું કે ‘ગાલીબ ચચા કહાં કામ કરતે હૈ?’

ઢીશક્યાંવ … ઢીશક્યાંવ … ઢીશક્યાંવ …

મારા હાથમાં બંદૂક હોત તો એને મેં ત્યાં જ ઢાળી દીધો હોત કારણ કે એ ઉભો હતો એનાથી પચાસ ફૂટ દૂર જ ગાલિબની હવેલી હતી!

ખેર, એ તો એ જ લાગનો હતો, પણ અહીં મૂળ વાત સરનામું બતાવવાની છે. આમ તો આ બાબતે આપણો ભૂતકાળ ઉજ્જવળ છે. ઈતિહાસ એવું નોંધે છે કે વાસ્કો-દ-ગામાને ભારત સુધીનો રસ્તો કાનજી નામના એક ગુજરાતીએ બતાવેલો. એ હિસાબે કોલંબસે કોઈ ગુજરાતીને પકડ્યો હોત તો આજે અમેરિકનો ભારતનો વિઝા લેવા માટે લાઈનો લગાડતા હોત અને આપણે એરપોર્ટ ઉપર એમના મીનીસ્ટરો અને હોલીવુડના એકટરોના કપડા ઉતરાવીને ચેકિંગ કરતા હોત નહિ? જસ્ટ જોકિંગ, પણ સરનામું બતાવવા બાબતે આપણે બહુ હરખાવા જેવું રહ્યું નથી. આજકાલ આપણી પબ્લિક નરોડાનું સરનામું પૂછનાર વ્યક્તિને બરોડા પહોંચાડી દે તો પણ નવાઈ નહિ, અને એટલે જ હવે ગૂગલ મેપ્સ ઉપર ભરોસો કરવો વધુ હિતાવહ છે. કમસે કમ એ બાર કિલોમીટર દૂરની જગ્યાને ‘બગલ મેં હી હૈ…’ તો નહિ જ કહે.’

જોકે દર વખતે સરનામું બતાવનારનો વાંક નથી હોતો, ઘણીવાર સરનામું આપવાની પદ્ધતિ ખોટી હોય છે. સામાન્ય રીતે સરનામામાં નજીકના જાણીતા લેન્ડમાર્કનો ઉલ્લેખ કરવાનો રીવાજ છે. આ લેન્ડમાર્ક વિષે સરનામું આપનાર ઉપરાંત એ વિસ્તારના લોકોને પણ ખબર હોવી જરૂરી છે. પેલો જ્યાં દાઢી કરાવતો હોય એ સલૂનને વર્લ્ડ ફેમસ ગણતો હોય અને આ વાતની એના પાડોશીને ખબર જ ન હોય એવું બને. અમુક લોકો સરનામામાં અસ્થાયી લેન્ડમાર્કનો ઉલ્લેખ કરતા હોય છે. જેમ કે ‘ઝાંપા આગળ ગાય બેઠી હોય એ ઘર’ કે પછી ‘લાબ્રાડોર કૂતરાવાળું ઘર’. હવે એ ગોપાલકનું ઘર હોય તો ઠીક છે બાકી ગાય ઉઠીને ચરવા જતી રહી હોય કે કૂતરો શેઠાણી સાથે ગાડીમાં ફરવા ગયો હોય તો આપણે તો ધંધે લાગી જઈએ ને! પણ એમાં ક્યારેક ક્યારેક ગમ્મત પણ થતી હોય છે. મારા એક મિત્રે એના સસરાનું સરનામું આપતા કહ્યું –

‘ઘર તરત જડી જાય એવું છે. ઘર આગળ વ્હાઈટ હોન્ડા જાઝ પડી હશે. એ જ ઘર.’

મેં કહ્યું ‘અલા, તારા સસરા ગાડી લઈને બહાર ગયા હશે તો હું રખડી પડીશ. જરા સરખું સરનામું આપ.’

તો એ કહે ‘ચિંતા ના કર. મારા સસરા ચિંગૂસ છે. ગાડીની સાત વાર સફાઈ થાય ત્યારે એકવાર એમની સવારી નીકળે છે!’

ઘણા લોકો સરનામામાં પોતાના ઘરનું નામ લખતા હોય છે પણ ઘરની ઉપર એ નામ લખતા નથી હોતા. આ જુલમ છે. તમે તમારી પત્નીને બકુડી કે ચકુડી કહેતા હોવ અને એ વાત ખાનગી રાખો તો બરોબર છે, પણ ઘરનું નામ ખાનગી રાખવાનો શો અર્થ? તમે ઘરનું નામ ‘તંબૂરા સદન’ રાખ્યું હોય તો દરવાજા ઉપર ગર્વભેર ‘તંબૂરા સદન’ એવું લખો જેથી શોધનારા અમથા ભેખડે ન ભરાય. જોકે અમુક ઘર અમસ્તા જ મશહુર હોય છે. અમારી સોસાયટીના એક ઘરનું નામ લોકોએ જાતે જ ‘પતંગ કૃપા’ પાડ્યું છે કારણ કે એ ઘરના લોકોનું પતંગ પકડવાનું કૌશલ્ય અમારા આખા વિસ્તારમાં અજોડ છે. એમનાં દીકરી-દીકરો સોસાયટીમાં ‘ફીરકી’ અને ‘પીલ્લુ’ તરીકે જ ઓળખાય છે. એ ઘર પણ પકડેલા પતંગ-દોરીના પૈસામાંથી જ બાંધ્યું હોવાની લોકવાયકા છે. આવા ઘર તરત જડી જાય.

અમુક લોકો પોતાનું સરનામું આપતી વખતે કહેતા હોય છે કે ‘ત્યાં પહોંચીને કોઈને પણ મારું નામ દેજે, છેક ઘર સુધી મૂકી જશે.’ પછી તમે તૂટતા તૂટતા એના વિસ્તારમાં પહોંચો અને મેલેરીયાના કર્મચારીની જેમ ઘેર ઘેર ફરી ને પૂછો તો ભોજીયો ભ’ઇ ય એને ન ઓળખતો હોય! અને ભૂલેચૂકે કોઈ ઓળખીતું મળે તો એ પણ લાકડી લઈને એને શોધતો હોય! આવું ઘણા સાથે બન્યુ હશે. એમાં લોનની રીકવરી કરનારા પઠ્ઠાઓથી બચવા માટે વારંવાર ઘર બદલતા લોકો તો ખાસ અધૂરું સરનામું આપતા હોય છે. આનો એક ફાયદો પણ છે. અધૂરા સરનામાં સાથે આવા લોકોનું ઘર શોધવા નીકળેલા લોકોને લીધે નવો પાડોશી કેવો કડકો અને કલરીયો છે એની આપણને જાણ થાય છે. કમનસીબી એ લોકોની છે જેમની પાસે સરનામા જ અધૂરા હોય છે અથવા તો જેમને અધૂરા સરનામાં આપીને મોકલી દેવામાં આવતા હોય છે.

તમે સરનામું શોધવાના એક્સપર્ટ હોવ તો તમને ખબર હોવી જોઈએ કે કોને સરનામું પૂછાય અને કોને ન પૂછાય. आकृति गुणान कथयति સૂત્ર અનુસાર અમુક લોકોના હાવભાવ પરથી જ ખ્યાલ આવી જાય કે પાર્ટી ડીમ-લાઈટ છે. એની પાછળ સમય ન બગાડવો. પાણી-પુરીના ખુમચાવાળાને અમુક ઘર કે ઓફીસ ક્યાં આવી એ ન પૂછાય. હા, એની પાસે એ વિસ્તારની મહિલાઓ વિષે મબલખ માહિતી મળી રહે. જે તે વિસ્તારના કરીયાણાવાળા કે ઇસ્રીવાળાને પૂછાય. ટપાલીને અને રામલાને પૂછાય. જોકે હવે રામલા એવા ‘ડૂડ’ બનીને ફરતા હોય છે ને કે ખબર જ ન પડે એ રામલો છે. ઘણીવાર આપણે રામલો સમજીને પૂછીએ અને સામેવાળી પાર્ટી ઘર-કંકાસથી કંટાળેલો હસબંડ નીકળે એવું પણ બનતું હોય છે! આપણે ત્યાં બીજી તકલીફ એ છે કે જેમને ખાધાની ખબર ન હોય એવા લોકો વધારે પડતા ઉત્સાહી હોય છે. આવા લોકો તમને સરનામું પૂછતાં જોઇને સાતે કામ પડતા મુકીને તમારી પાસે દોડી આવશે અને આખું સરનામું તમારી પાસે ત્રણ વાર બોલાવશે, પછી છેલ્લે મોં વકાસીને કહેશે ‘ખબર નથી હોં ભાઈ. અમે અહી બે મહિના પહેલાં જ રહેવા આવ્યા છીએ.’

તમારા એરિયાના લોકો તમારૂ ઘર પૂછતાં આવતા લોકોને તમારા જ વિસ્તારના લોકો કેવા ફેરવે છે એ જોવું હોય તો એક પ્રયોગ કરી જોજો. તમારા પોતાના ઘરથી બે ત્રણ કિલોમીટર દૂરથી તમારા જ ઘરનું સરનામું પૂછતા પૂછતા નીકળજો અને લોકો તમને જ્યાં મોકલે એ દિશામાં જજો. તમને તમારા જ ઘરે જવાનો નવો રસ્તો, અલબત્ત લાંબો, તો મળશે જ ઉપરાંત નસીબ હશે તો તમારા પોતાના વિષે નવું જાણવા પણ મળશે.

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Monkey बात and tagged , , , . Bookmark the permalink.

1 Response to ગાલિબ કી હવેલી – બસ, બગલ મેં હી હૈ!

  1. અનામિક કહે છે:

    hahahahha sometimes even google gives a long route. But this is hilarious

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s