જુગારમાં અધિક માસ – કહીં ખુશી કહીં ગમ


NGSપણે ત્યાં ગુજરાતી મહિનાઓના નામ એના સાચા ક્રમ પ્રમાણે આવડતા હોય એવા લોકોના ગાલ ઉપર બકી ભરી લેવી જોઈએ. બાકી મોટે ભાગે તો તહેવારો આવે ત્યારે જ પબ્લિકને સબંધિત ગુજરાતી મહિનાની જાણ થતી હોય છે જેમ કે હોળી એટલે કે ફાગણી પૂનમ અને અષાઢી બીજ એટલે રથયાત્રા. ઉત્તરાયણ કયા ગુજરાતી મહિનામાં આવે એ ભાગ્યે જ કોઈને ખબર હશે કારણ કે એ તારીખ પ્રમાણે ઉજવાય છે, પણ જુગારના રસિયાઓ શ્રાવણ મહિનો ક્યારે આવે છે એની પાકી ખબર રાખતા હોય છે. શોખીન લોકો તો નવા વર્ષનું કેલેન્ડર આવે ત્યારે જ સાતમ-આઠમની તારીખો પર ચકેડા કરી દેતાં હોય છે જેથી દીવ-દમણ કે આબુની હોટેલોમાં રૂમના બ્લેક બોલાય એ પહેલાં રૂમ બુક કરી શકે. જોકે આ વખતે એમણે થોડો વધુ ઇન્તજાર કરવો પડે એમ છે કારણ કે આ વખતે શ્રાવણ આડે અધિક અષાઢ મહિનો છે!

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

ગઈ સાલ જન્માષ્ટમી સત્તર ઓગસ્ટે આવી હતી જે આ વખતે અધિક મહિનાને લીધે છે…ક પાંચમી સપ્ટેમ્બરે આવશે. એટલે બાજી પાડવા માટે અધીરા શકુનીભાઈઓએ રાહ જોવી પડશે. બાકી હોય એમ એ દિવસે શિક્ષક દિન છે, એટલે છાપાવાળા શકુનીઓની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરનારા કે રેડ પાડ્યા પછી તોડ-પાણી કરનારા પોલીસો ઉપર ફિટકાર વરસાવશે. એમાં નવી પેઢીનું ચારિત્ર્ય ઘડતર કરવામાં નિષ્ફળ ગયેલ શિક્ષણ ખાતાને પણ બે ડંડા પડશે. એટલે આ વખતે ‘જુગારમાં અધિક માસ’ કહેવત લાગુ યથાર્થ થશે એમ ચોક્કસ લાગે છે.

લેકિન કિન્તુ પરંતુ બટ, જેમ બર્ગર સાથે મળતી વધારાની વેફર્સ બહુ મઝાની લાગે છે. પત્ની સાથે સગપણમાં મળતી સાળી પ્યારી લાગે છે. વિદેશ યાત્રા વખતે વિમાનમાં મળતી ડ્રીન્કસની મીની-બાટલી વ્હાલી લાગે છે. એક પર એક ફ્રીની ઓફર સારી લાગે છે. કશું મફતમાં મળતું હોય, અને એ ગમાડવા માટે અમદાવાદી હોવું જરૂરી નથી. એવી જ રીતે કહ્યું છે કે ‘अधिकस्य अधिकम् फलम्’. મતલબ કે અધિકનું ફળ અધિક હોય છે. આ વખતે ચોમાસામાં અધિક માસ છે એના વિષે પાપ-પુણ્ય અને અપરાધભાવ દૂર રાખીને વિચારીએ તો ઘણી તક પણ છુપાયેલી જોવા મળે.

અષાઢ મહિનો કવિઓનો લાડકો છે. મહાકવિ કાલીદાસે પણ મેઘદૂતમાં અષાઢનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી લઈને આજ સુધી આપણા કવિઓએ દરેક સદીમાં અષાઢનો મહિમા ગાયો છે. મોર અને કોયલનાના ટહુકા, વરસાદના છાંટા-વાછંટ, મેઘાડંબર અને ભીની માટીની મહેક અષાઢી કવિઓને કવિતા લખવા માટે ઉશ્કેરતી, સોરી, પ્રેરણા આપતી હોય છે. અમુક કવિઓ માટે અષાઢ મહિનો પોતે જ પ્રેરણા રૂપ હોય છે એટલે એ તો આજકાલ કવિકર્મમાં લીન જ હશે. ફેસબુક ઉપર પણ મોટી સંખ્યામાં અવેતન કવિઓ વરસાદની રાહમાં શબ્દો સજાવીને બેઠા છે. એમાં આ વખતે ડબલ અષાઢ મહિના છે અને જો આકાશમાંથી કાચુ સોનું વરસ્યું તો ફેસબુક ઉપર કવિતાઓના મારાને લીધે ભુવા પડે એવી દહેશત સેવાય છે.

ભલે બબ્બે અષાઢ મહિના હોય પણ ચોમાસું તો ઓક્ટોબર મહિના સુધીમાં પુરુ થઇ જ જશે એ વાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ, ગટર અને સફાઈ ખાતામાં રાહતની લાગણી છે. રક્ષા બંધન નિમિત્તે સાડીઓનું સ્ટોક ક્લીયરન્સ સેલ રાખતા વેપારીઓને ધંધા માટે આ વખતે ઓગસ્ટના અંત સુધીનો સમય મળશે. ભિખારીઓને પણ શ્રાવણ પહેલાંના આ ડ્રાય પીરીયડમાં સામાન્ય કરતાં વધુ વકરો કરવાનો મોકો છે. આપણે ત્યાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ઓછો વરસાદ પડતો હોય છે એટલે જન્માષ્ટમીના મેળામાં સ્ટોલ રાખનારનો તાડપત્રી-મીણીયાનો ખર્ચો બચી જશે. બે વર્ષ પહેલાં પાછોતરા વરસાદે ખેલૈયાઓને નવરાત્રીના ત્રણ ચાર દિવસ રેઈન દાંડિયા રમવાની તક આપી હતી. આ સાલ અધિક માસના લીધે નવરાત્રી પાછી ઠેલાતા ખેલૈયાઓ એ લાભ ગુમાવશે.

પક્ષીઓમાં આમ પણ કેલેન્ડર જોવાનો રીવાજ નથી હોતો. સૂર્ય દક્ષિણનો થવા માંડે અને ગરમી ઓછી થાય એટલે મોર એનો ટહુકા કરવાનો અને કળા કરવાનો સીઝનલ ધંધો ચાલુ કરી જ દેતો હોય છે. ટીટોડી પણ જેઠ મહિનાથી નીચાણવાળી કે ઉંચાણવાળી જગ્યા ઉપર કાંકરાથી માળો બાંધીને અખબારના ફોટોગ્રાફરથી માંડીને ટીટોડી શાસ્ત્ર મુજબ વરસાદનો વર્તારો કરનારાને ધંધે લગાડી દેતી હોય છે. એમને અધિક અષાઢ મહિના સાથે નિસ્બત નથી હોતી. અમે પણ મોર કે કોયલને ચાલુ અધિક મહિનામાં ટહુકાનો ઓવરટાઈમ કરતાં જોયા નથી.

આમ તો અષાઢ મહિનો એ વરસાદનો મુખ્ય મહિનો ગણાય અને આ વખતે તો એક નહીં પણ બબ્બે અષાઢ મહિના હોવા છતાં પણ વરસાદના ઠેકાણા નથી એ વિધિની વક્રતા છે! વરસાદની રાહ જોઇને બેઠેલા છત્રી, રેઇનકોટ અને મીણીયા વેચનારથી લઈને મકાઈ ડોડાવાળા, દાળવડા ખાવાના રસિયા અને લારીવાળા તમામ માટે ધરમ સંકટ ઉભું થયું છે. શકુનિના સગલાઓ પણ ‘વરસાદ પડે તો બેઠક કરીએ’ની તાકમાં છે. અમારું તો માનવું છે કે એક હિન્દી ફિલ્મી ગીતમાં કહ્યું છે એમ ‘સાવન આયે યા ના આયે, જીયા જબ ઝૂમે સાવન હૈ …’ના ધોરણે વરસાદની રાહ જોયા વગર જ જીયાને ઝૂમાવીને મચી પડવું જોઈએ.

મસ્કા ફન
તમારા મોબાઈલમાં ‘H+’ સિગ્નલ સ્ટ્રેન્થ આવતી હોય તો
તમે અત્યારે મોબાઈલના ટાવર ઉપર બેઠા છો અને
ત્યાંથી નીચે કેવી રીતે ઉતરશો એની ચિંતા કરવી જોઈએ.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s