ભુવા ટુરીઝમ


Bhuva Tourismર્ષો પહેલાં અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં વિશ્વપ્રસિદ્ધ જાદુગર કે. લાલે દેશમાં પ્રથમ વાર સ્ટેજ ઉપરથી આખી મારુતી કાર ગાયબ કરી બતાવી હતી! આપણી તો કલ્પનામાં પણ ન આવે કે આ બની જ કેવી રીતે શકે? જોકે, કે. લાલ પોતે નમ્ર પણે જણાવતા કે આ ઝડપ અને કરામતની કમાલ છે. આવો કસબ બહુ ઓછા પાસે હોય છે. અમને આનંદ છે કે હવે અમારા શહેરની મુનસીટાપલીએ વાહનો ગાયબ કરવાના કસબમાં મહારત હાસિલ કરી છે. થોડા વર્ષ પહેલાં શહેરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે એક જગ્યાએ એવો ભૂવો પડ્યો કે એમાં એક બહેન એક્ટીવા સહીત ગરકાવ થઇ ગયા હતા! એ પછી તો કાર ગરક થવાની ઘટનાઓ પણ બની હતી. જોકે કે. લાલે ગાયબ કરેલી મારુતી તો બીજા શોમાં હાજર હતી પણ ભૂવામાં ગાયબ થયેલા એક્ટીવાનો પત્તો નહોતો મળ્યો! ઈશ્વર કૃપાથી ગંભીર રીતે ઘવાયેલા એ બહેન બચી ગયા હતા.

ખેર, એકટીવાવાળી ઘટના બની એ જગ્યાએ તો ૬૦ વર્ષ જૂની ડકટ લાઈનને કારણે ભૂવો પડ્યો હતો પણ ભુવાબાજીનો ખેલ અમારા શહેર માટે નવો નથી. આજકાલ શહેરની એફ.એમ. ચેનલના આરજેઝ અને વોટ્સેપ ગ્રુપો માટે ભુવા એ ગમ્મતનો વિષય છે. છાપાવાળા માટે ભુવા એ સરકારી તંત્રને આડે હાથ લેવા માટેનો મસાલો છે. બાકી અમારા જેવા લોકો માટે ભૂવા એ માશૂકાના ગાલ ઉપર પડેલા ખંજનથી કમ નથી. આ તો એક એક્ટીવા ગાયબ થયું છે, બાકી હવેના વરસાદમાં તો કામિનીની ગાલ જેવી લીસ્સી સડકો ઉપર પડેલા આવાં ભુવા રૂપી ખંજનોમાં ગરક થતી ચોર્યાશી લાખ ઓડી, બીએમડબલ્યુ અને મર્સીડીઝથી લઈને હોડકા જેવી અલ્ટોના દ્રષ્યો તરવરે છે.

અમારા માટે ભૂવા નવાઈની વાત નથી. હવે તો કયા મહિનામાં, કયા દિવસે, કયા ચોઘડીયામાં શહેરની કઈ જગ્યાએ ભૂવો પડશે એનું અનુમાન અમે સફળતાથી લગાવી શકીએ છીએ, પછી ભલે વરસાદ પડતો હોય કે નહિ. આ કળા છે જે અમને સુપેરે સાધ્ય છે. આ વિષેનો અમારો એક વોટ્સેપ ફોરવર્ડ અહીં શેર કરવાનું મન થાય છે. સીન કંઇક આવો છે –

બે મજુરો પાવડા-તગારા લઈને શહેરના અતિવ્યસ્ત રોડની વચ્ચોવચ બીડી પીતા બેઠા હતા.

અમે પૂછ્યું, “અલા કેમ રસ્તાની વચ્ચોવચ બેઠા છો?”

તો એમાંનો એક કહે “શાયેબ, જ્યાણ જ્યાણ ગોમ મોં વરહાત પ’ડ છ તાણ તાણ ઓંય ભૂવો પ’ડ છ. અતાણે વરહાત પ’ડ એવું લા’ગ છ એટલે ભૂવો પ’ડ ઇની રાહ જોઈને બેઠા સીએ”

મણીનગરમાં ભૈરવનાથ અને પોલીટેકનીક વિસ્તારમાં જાહ્નવી રેસ્ટોરાં પાસે રહેનારા લોકો આ વાતમાં સંમત થશે. હવે આ બાબતે કાગારોળ કરવાના બદલે હકારાત્મક અભિગમ અપનાવીને પ્રજા ભૂવાની ખુબસુરતીને માણતી થાય એ સમયની માંગ છે.

શહેરના જાગૃત નાગરિક તરીકે સહુએ શહેરના સૌન્દર્યમાં ભૂવાઓ કેવી રીતે અભિવૃદ્ધી કરી શકે એ વિચારવું જોઈએ. પ્રથમ તો જેમ વાવનું નામ કારણ ‘જળ મંદિર’ કરવામાં આવ્યું છે એમ જ ભૂવાને ‘વાયુ કુંડ’ કે ‘પથ કંદરા’ જેવું કંઇક સન્માન જનક નામ આપવું જોઈએ. પછી એની ઊંડાઈ અને વિસ્તાર પ્રમાણે વર્ગીકરણ કરીને પ્રાથમિકથી શરુ કરીને ફાઈવ સ્ટાર પ્રકારની વિવિધ સુવિધાઓ આપવી જોઈએ. દાતા મળી રહે તો ભૂવાગ્રસ્તો પૈકી કોઈનું નામ પણ આપી શકાય. જેમ કે ‘જીગ્નેશ કુમાર ડાહ્યાલાલ વાયુ કુંડ’ કે પછી ‘કિંજલ બહેન રતિલાલ પથ કંદરા’ એવું નામ આપી શકાય. મોટા દાતાના નામની તકતી પણ મૂકી શકાય.

ભૂવામાં ખાબકેલા લોકોની તાત્કાલિક સારવાર થઇ શકે એ માટે ભૂવાની અંદર આરોગ્ય કેન્દ્ર હોવું આવશ્યક છે. એટલું જ નહિ પણ મુનસીટાપલીએ ભૂવાની અંદર જ પૂરતા સ્ટાફ અને સાધનો સાથેનું એક નાગરિક સુવિધા કેન્દ્ર પણ ખોલવું જોઈએ જ્યાં ભૂવામાં ઉદભવતી આરોગ્ય અને સુખાકારી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ આપવામાં આવે. અન્ડર પાસની જેમ ભૂવામાં પણ પાણી ન ભરાય એ માટે અંદર જ પંપિંગ મશીનરી રાખી શકાય. આ પ્રાથમિક જરૂરિયાત ગણાય.

આ ઉપરાંત ભૂવાની સાઈટની આસપાસ લાઈટ્સ, બાંકડા, રેઈલીંગ, ઝાડ અને ફૂટપાથ અત્યંત જરૂરી ગણાય. આટલું થશે એટલે ફુગ્ગા-ચકડોળ-ચકરડીવાળા, વડા-પાઉં, પાણીપુરી અને પાથરણાવાળા તો વગર નિમંત્રણે આવી જ જશે એટલે સ્થાનિક તંત્રના હપ્તા પણ ચાલુ થઇ જશે. ભૂવામાં ગરક થયેલા લોકો સરળતાથી બહાર આવી શકે એ માટે લીફ્ટ અને એસ્કેલેટર મૂકી શકાય. વાહનો રીપેર થાય ત્યાં સુધી લોકો ટાઈમપાસ કરી શકે એ માટે ગેમિંગ ઝોન રાખી શકાય. ભૂવામાં પડ્યા પછી જે લોકો અંદર વધુ સમય ગાળવા માગતા હોય એમના માટે લક્ઝુરીયસ એ.સી./ નોન એ.સી. રૂમ્સ અને ફાસ્ટફૂડના સ્ટોલ્સથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાના ફૂડ-જોઇન્ટ્સ ખોલી શકાય. ભૂવો મોટો હોય તો અંદર મલ્ટીપ્લેક્સ થીયેટરનું આયોજન પણ કરી શકાય. ભૂવાને શહેરના દરેક વિસ્તાર સાથે સાંકળી લેતી બસ સર્વિસ શરુ થઇ શકે તો મહીં પડેલા લોકો પોતાના બગડેલા વાહન સામે ટોકન લઈને પોતાના વિસ્તારની બસ પકડી શકે.

આ તો ફીઝીબીલીટી રીપોર્ટ બનાવવા માટેના પ્રાથમિક સૂચનો છે બાકી ભૂવાને લીધે પ્રજાના રોષનો ભોગ બનતા મુનસીટાપલીના અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી વિચારે તો આમાં ભુવા ટુરીઝમ શરુ કરી શકાય એટલો સ્કોપ છે. ભુવા ક્ષેત્રે સારી કામગીરી કરનાર અધિકારીને ‘ભુવા મિત્ર’ કે ‘માર્ગ વિવર શોરોમણી’નો એવોર્ડ આપવામાં આવે તો મહેનતુ અને નિષ્ઠાવાન અધિકારીઓને પ્રોત્સાહન રહેશે.

सुन भाई साधो …

વાંદરા મનુષ્યના પૂર્વજો ગણાય છે,
પણ શ્રાદ્ધ પક્ષમાં માલપાણી કાગડાને જમાડવામાં આવે છે!

—–X—–X—–

Bhuva Tourism

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , . Bookmark the permalink.

2 Responses to ભુવા ટુરીઝમ

  1. Vimala Gohil કહે છે:

    ભૂવા ટુરીઝમના પ્રચારક શ્રી બધિર અમદવાદીને અભિનંદન.
    ગુજરાત ટુરીઝમની આની સામે શું હેસિયત?

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s