પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા અર્થાત ભાંગરો વાટવો!


NGSદિમાનવના આજદિન સુધી મળી આવેલા અવશેષોમાં સંશોધકોને ધારદાર ચોપર જેવા પથ્થરના છરા અને ચપ્પા બનાવ્યા હોવાના પુરાવા મળે છે. અગ્નિની શોધ પછી ક્રમશ: પૈડામાંથી બનેલી ઘંટી, પથ્થરની આડણી, ડાયનોસોરની જાંઘના હાડકાનું વેલણ, ગોરિલ્લાની ખોપરીનું ફ્રાયપેન અને ચૂલા જેવા કિચન એપ્લાયન્સીસ શોધાયા હશે. ત્યારબાદ રસોડું એનું આધુનિક સ્વરુપ પામ્યું હશે એમ કહી શકાય. સંશોધનમાં પથ્થરના બનેલા બીજા ઘણા ઓજારો મળ્યા છે પણ ખલ-દસ્તો કે ખાંડણી-પારાઈ મળ્યા નથી એ બતાવે છે કે એ લોકો ગ્રેવી વગરની સબ્જી કે નોનવેજ ડીશીઝ ખાતા હશે કારણ કે એવી વાનગીઓમાં તેજાના, આદુ-મરચાં-કોથમીર જેવો લીલો મસાલો, સુકો મેવો વગેરે જેવા અમુક ઘટકોને વાટીને કે પીસીને નાખવા પડતા હોય છે. આજકાલ. મેગી નુડલ્સ ઉપર પ્રતિબંધ આવ્યા પછી અખતરે ચડેલી કન્યાઓએ બનાવેલી વાનગીઓને સુપેરે ખાવા માટે આમ તો લોકો હથોડી અને બંદૂકથી લઈને તીર કામઠા સુધીના હથિયારો શોધતા હોય છે પણ એ માટે ખંડણી દસ્તાથી વધુ અસરકારક સાધન એક પણ નથી. જોકે જે લોકો બોલીને વાટવા માટે પંકાયેલા છે એમને તો ખાંડણી દસ્તાની જરૂર પડતી નથી.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

બોલીને વાટવાનો અવગુણ કદાચ બોલીના વિકાસ જેટલો જ જુનો છે. ઈંગ્લીશમાં એને પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા કહેવામાં આવે છે. ઈંગ્લીશમાં એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા એટલે ભૃંગરાજ એટલે કે ભાંગરો. પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા એટલે ભૃંગરાજનું પિષ્ટપેષણ અથવા સરળ ગુજરાતીમાં ભાંગરો વાટવો. અમુક રાજકારણીઓ ભાંગરો વાટવાના મશીન જેવા હોય છે જે બહુ ઓછા સમયમાં લસોટીને મોટો ઘાણ ઉતારી શકતા હોય છે.

અભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબનાં નિધનના બે અઠવાડિયા પહેલાં ઝારખંડનાં શિક્ષણ મંત્રીએ એમને જીવતેજીવ અંજલિ આપી દીધી હતી એવા સમાચાર હતાં. દારુ પીને એરહોસ્ટેસનો હાથ પકડનાર મંત્રીનો કિસ્સો જુનો થયો, પણ સુસુ કરીને ડેમ ભરવાની ઓફર આપતાં મંત્રીનો કિસ્સો નવો છે પણ નવાઈનો નથી. ૨૦૧૧માં એસએમ ક્રિશ્ના વિદેશ મંત્રી હતાં ત્યારે યુનોમાં પોર્ટુગીઝ મંત્રીની સ્પીચ વાંચવાની ચાલુ કરી દીધી હતી. તો ૨૦૧૨માં આ કિસ્સો કાનપુરમાં બનેલ. કોલસામંત્રીએ જૂની પત્ની વર્ષો થતાં પોતાનો ચાર્મ ગુમાવી બેસે છે એવું બોલીને પોતાની જીભ કાળી કરી હતી જેનાં કારણે કેટલાય મહિલા સંગઠનો એમનું મ્હો કાળું કરવા તત્પર થયાં હતાં. એક સીનીયર રાજકારણીએ બીજા જાણીતા મહિલા રાજકારણીને ‘સો ટચનો માલ’ જાહેર કર્યા હતા. આ રીતે વાટવા માટે ખાસ લાંબી સ્પીચની જરૂર નથી હોતી, નિર્ભયા કેસમાં ટીવી પ્રસારણ બાદ માત્ર બે શબ્દ ‘ઠીક હૈ?’ માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનજીએ વાટી બતાવ્યું હતું.

ચીની પ્રેસિડેન્ટ જીનપિંગ જયારે ભારતમાં આવવાનાં હતા ત્યારે દુરદર્શનની એક ન્યુઝ રીડરે Xi Jinpingનો ઊલ્લેખ ઈલેવન જીનપિંગ કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડમાં જેમ જ્યોર્જ પાંચમા અને એલીઝાબેથ બીજા હોય છે અને આપણે ત્યાં પણ નામ આગળ એકસો આઠ તથા એક હજાર આઠ જેવા નંબરો લગતા જ હોય છે એટલે સોશિયલ મીડિયા પર કાગારોળ ન થઈ હોત તો આપણી પ્રજા આ ઈલેવનને એક માનવાચક વિશેષણ જ સમજત. જોકે અઘરાં નામને કારણે ઘણા લોકો આવી વિકટ પરિસ્થિતિમાં મુકાતાં હોય છે એ જોતાં આ ન્યુઝ રીડરને સોશિયલ મીડિયા પર સારી એવી સિમ્પથી મળી હતી. આ બાબતે ગુજરાતી ન્યૂઝ રીડર્સ જોકે વધુ નસીબદાર છે એવું ચોક્કસ કહી શકાય. ગુજરાતી સમાચારોએ સ અને શ, અને ળ અને ર વચ્ચેની ભેદરેખા મિટાવી ગુજરાતી ભાષાને ‘શરર’ બનાવી દીધી છે.

ભાંગરો વાટ્યા પછીનુ કામ થયેલ બફાટનો ડેમેજ કન્ટ્રોલ છે. અલીયા ભટ્ટને યાદ કરો. ફિલ્મોમાં આઈઆઈએમમાં ભણી પૃથ્વીરાજ ચૌહાણને ભારતના પ્રેસિડેન્ટ જાહેર કરનાર આલિયાનાં જોક સોશિયલ મીડિયા પર એટલા ફરતાં થઈ ગયા હતા કે પાછળ એણે ડેમેજ કન્ટ્રોલ પીઆર માટે સારા એવા રૂપિયા ઢીલાં કરીને પ્રમોશનલ વિડીયો ‘જીનીયસ ઓફ ધ યર (જીઓટીવાય-ગોટી) બહાર પાડ્યો હતો. જોકે આમ છતાં તાજેતરમાં યાકુબને હેંગ કરવામાં આવ્યો ત્યારે લોકોને કોમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાવાળી જોકમાં આલિયાને જોડી જ કાઢી હતી. આમ ભાંગરો વાટ્યા બાદ વાટ્યા હોય છે. એક સમાન ડીએનએ ધરાવતાં ઘણાં ફિલ્મ સ્ટાર્સ પાછાં આલીયાના આ વીડિયોના સમર્થનમાં આવ્યા હતા. આવો જ બફાટ જેકી ભગનાનીએ નોબેલ પ્રાઈઝ વિનર મલાલાનું નામ મસાલા તરીકે ટ્વીટ કરી કર્યો હતો, પાછળથી વિડીયો બનાવી માફી માંગી હતી, તેમજ પ્રશંસા પણ કરી હતી. જોકે જેની પાસે રૂપિયા ન હોય એવી મહેસાણાની માલતી કે જસદણની જીજ્ઞાસા આવો બફાટ કરે તો એની જિંદગી નર્ક બની જાય એ નક્કી છે.

ડેમેજ કન્ટ્રોલના ભાગ રૂપે ક્યાંક માફી મંગાય છે તો ક્યાંક થૂંકેલું ચાટવામાં આવે છે. પ્રિન્સ ફીલીપે અંગ્રેજીમાં આને માટે ડોન્ટોપેડાલોજી એવો સરસ શબ્દ શોધ્યો છે. ડોન્ટોપેડાલોજી એટલે સ્ટરીલાઈઝ કરેલાં કે વગર કરેલાં, પોતાનાં ખુદનાં ચરણકમળ ઉર્ફે ટાંટિયા, પોતાનાં જ મોઢામાં નાખવાની આવડત અને વિજ્ઞાન !

મસ્કા ફન
ત્રીજું વિશ્વયુદ્ધ માઉસથી લડાશે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s