કટિંગ વિથ અધીર–બધિર અમદાવાદી
પૂ. બાપુવાળી દાંડીકુચ અમદાવાદથી દાંડી સુધીની હતી. હવે એનાથી રીવર્સ યાત્રા થવા જઈ રહી છે. દાંડીથી અમદાવાદ વચ્ચેની. હજુ જોકે કશું નક્કી નથી. આ યાત્રા થાય તો ‘અમદાવાદ કુચ’ નહીં તો ‘પ્રતિ દાંડી કૂચ’ તરીકે ઓળખાવી જોઈએ. આ કૂચમાં કૂચાર્થીઓ એટલે કે ભાગ લેનારા લોકો સીધા ચાલશે કે ઉંધા પગે ચાલશે એ બાબતે સ્પષ્ટતા થવાની પણ બાકી છે. જોકે આંદોલનકારીઓ સીધા ચાલે એવું સરકાર પહેલેથી જ ઇચ્છી રહી છે, એટલે જ એના વિરોધના પ્રતિકરૂપે આંદોલનકારીઓએ રીવર્સમાં ચાલીને વિરોધ પ્રદર્શિત કરવો જોઈએ એવો અમારો અંગત અભિપ્રાય છે, જે અમે જાહેરમાં કહીએ છીએ.
અમદાવાદ આવવું એ કોઈ મોટી વાત નથી. એમ તો રોજ હજારો લોકો ટ્રેઈન, બસ, અને હવાઈ યાત્રા કરી અમદાવાદ આવે છે. જોકે ચાલતા આવવાની વાત જુદી છે. ચાલતાં આવવાનો એક મોટો ફાયદો છે. તમે ચાલતાં અમદાવાદ પહોંચો તો રિક્ષાવાળા તમારું સ્વાગત કરવા, ‘ક્યાં જવું છે?’ પૂછવા, અને ‘મીટર પર લઈ જઈશ’ કહીને બકરો બનાવવા સામે આવતાં નથી. ચાલતાં આવનારનું સ્વાગત ટીવી ચેનલ્સ કરે છે. રિક્ષાવાળા અને ટીવી ચેનલ્સના ઉત્સાહી રીપોર્ટસ વચ્ચે કેટલો ફેર છે એ તમે જ નક્કી કરજો! બાકી નસીબ કામ કરતુ હોય તો રીવર્સમાં અમદાવાદ આવનારને એ લોકો બાળ દોડવીર બુધિયાની જેમ મશહુર પણ કરી દે!
વાહનમાં મૂળ કરતાં ઉંધી દિશામાં ગતિ કરવી એને રીવર્સ કર્યું કહેવાય છે. પેચ કપાયા પછી ફીરકી લપેટવી એ ઢીલ છોડવાનું રીવર્સ છે. વરસાદના પાણીને જમીનમાં ઉતારી રીચાર્જ કરવી એ કૂવામાંથી પાણી ખેંચવાનું રીવર્સ છે. ઉર્દૂ ભાષામાં ગુજરાતી-હિન્દી-ઈંગ્લીશ કરતા ઉંધી દિશામાં વાંચવાનું હોય છે. અવળું કરવાના અમુક રેકોર્ડઝ પણ થાય છે. જેમ કે ભારતનાં જ ડી. જોસેફ જેમ્સે અવળા પગે અવળું દોડીને એક માઈલનું અંતર ૬ મિનીટ ૨.૩૫ સેકન્ડમાં કાપી ગીનીઝ રેકોર્ડ બનાવ્યો હતો. અવળું કરવાનાં આવા તો અનેક રેકોર્ડઝ છે ગીનીઝ બુકમાં. પોલીસ જયારે ડંડાવાળી શરુ કરે ત્યારે ટોળું પહેલા થોડે સુધી રીવર્સમાં જાય છે, અને પછી સીધી દોટ મુકીને ભાગે છે. ટોળું ભાગવામાં સફળ થાય એ પછી શું થાય એ અમારે કહેવાની જરૂર નથી..
ઓડિયો કે વિડીયો કેસેટ પ્લેયરમાં ટેપને રીવાઈન્ડ કરવાની સગવડ આવતી. લગ્નનો વિડીયો રીવાઈન્ડ કરીને જોવાની મઝા ખુબ આવે. એમાં કન્યા શ્વસુરગૃહેથી પાછી કારમાં બેસે ત્યારથી શરૂઆત થાય. પછી એ રડતી હોય. ત્યાંથી પાછી લગ્ન મંડપમાં જાય. ત્યાં ફેરાં ઉલટા થાય. હસ્તમેળાપનો હસ્ત-છુટકારો થાય. એ પછી હાર પહેરાવેલા હોય એ ઉતારવાની ઘટના બને. એનાથી આગળ કન્યાને એના મામા મંડપમાંથી ઉઠાવે અને પાછા પગલે કન્યાના ઉતારામાં પરત જાય એવા દ્રષ્યો જોવા મળે. અંતમાં મહેંદી ભર્યા હાથ કોરાં થતા જાય. પછી કોરી સ્લેટ, અને આઝાદી! આ રીતે રીવાઈન્ડ થતા વિડીયોના દ્રષ્યો જોઈને ઘણા હિબકે ચઢી જતા હોય છે.
અમુક ઘટનાઓ રીવર્સીબલ નથી નથી હોતી. કવિઓ ના કહેવા મુજબ મન, મોતી અને કાચ તૂટે તો સાંધી શકતા નથી. એમાં મોતી અને કાચ તો ફેવીક્વીકથી પાંચ રૂપિયામાં સાંધી શકાય, પણ કવિઓનું માન રાખવા આપણે એમ નહીં કરીએ. વેણ અને તીર છૂટ્યા પછી પાછા વાળી શકતા નથી એવું પણ કવિઓ જ કહે છે. બુમરેંગ ફેંકનારના હાથમાં પાછું આવે છે, પણ બ્રહ્માસ્ત્રમાં રીવર્સ ગીયર હોતું જ નથી! પુરાણ મુજબ એકવાર બ્રહ્માસ્ત્ર છોડ્યા પછી એને પાછું વાળી શકાતું નથી. દૂધ ફાટે તો આખું થતું નથી. આમ તો છાશમાંથી પાછું દૂધ પણ બનાવી શકાતું નથી, પણ એ છાશ ભેંસને પીવડાવી દઈએ પછી ભેંસ જે દૂધ આપે એમાં રીસાયકલ થયેલી પેલી છાશનો ભાગ ગણવો પડે, પણ તમે નહીં માનવાના. તમારામાંના અમુક તો વળતો સવાલ કરશે કે ભેંસ છાશ પીવે? આ પ્રશ્નનો જવાબ મેળવવા તમારે પશુપાલન ખાતાની કચેરીમાં આર.ટી.આઈ. કરીને પૂછાવવું પડશે.
ગુજરાતીમાં ‘નેવાના પાણી મોભે ચઢાવવા’ એવો રૂઢીપ્રયોગ છે. તાત્વિક રીતે જોઈએ તો એમાં અમુક કાર્યો રીવર્સમાં કરવા પાછળ કરવા પડતા પરિશ્રમ અને એમાં રહેલી નિરર્થકતા તરફ નિર્દેશ હોય છે. બાકી આજકાલ તો મોટર મુકીને પાણી જ્યાં ચડાવવું હોય ત્યાં ચડાવી શકાય છે, એટલે જ કદાચ આપણી પ્રજા સતત નેવાનું પાણી મોભે ચડાવવા પ્રયત્નશીલ રહે છે. લગ્નના દશ વર્ષ પછી પાનેતરની જોડના બ્લાઉઝમાં ઘુસવાનું કે મેરેજ સૂટમાં ઘૂસવું એ ચોક્કસ નેવાનાં પાણી મોભે ચઢાવવા જેવું અઘરું જ નહિ, ડોનને પકડવા જેટલું નામુમકિન કામ છે. જેમના માથામાં ટાલ હોય એવા ઘણા લોકો કાન પાસેના વાળને વધારીને એના વડે ટાલ ઢાંકતા હોય છે, એ પણ નેવાના પાણી મોભે ચડાવવા જેટલું જ દુષ્કર કાર્ય છે.
ઓનલાઈન શોપિંગથી મંગાવેલી વસ્તુ ગ્રાહકને પસંદ ન આવે તો એને ‘રીવર્સ લોજીસ્ટીક્સ’ની સેવા દ્વારા પરત મંગાવી લેવામાં આવે છે. અમુક પ્રકારના જેકેટ રીવર્સીબલ આવે છે જેને ઉલટાવીને પણ પહેરી શકાય છે. લેંઘા રીવર્સીબલ નથી હોતાં. ઘણીવાર લેંઘો પહેર્યા પછી આ વાતનો ખ્યાલ આવે છે – તે પણ ફ્લાઈઝના બટન ઉલટી દિશામાં આવે ત્યારે. બાકી બટન વગરના લેંઘા ઘણીવાર ધોવા નખાય ત્યારે સીધા થતા હોય છે. સૂલટાવ્યા વગર ધોવા નાખેલો લેંઘો ધોવાયા પછી ઉલટાવેલી હાલતમાં જ પાછો મળે છે. એને પહેરવા માટે રીવર્સ કરીને ‘સીધો’ કરવો પડે છે. ગંજી અને પગના મોજાનું પણ એવું જ છે.
અને છેલ્લે વિચાર આવે છે કે જિંદગી રીવર્સમાં જીવાય તો ? સ્મશાનમાંથી ડોહાને ઘેર લઈ આવવાના, પછી ધીમેધીમે તબિયત સારી થતી જાય. ધોળા વાળ કાળા થાય, શરીર રોગમુક્ત થતું જાય. પતિ-પત્ની ઝઘડા થાય. પછી લગ્ન થાય. પછી પ્રેમ થાય. કોલેજ પછી સ્કુલ અને છેલ્લે ફરી બાળપણ! પણ કમબખ્ત, લાઈફમાં રીવર્સ ગીયર નથી આવતું! પગનો અંગુઠો મ્હોમાં નાખીને મમ્મી-પપ્પાની ઘેલછા જોવાની મઝા લાઈફમાં સૌથી છેલ્લે આવે તો કેવો સુખદ અંત બને?
મસ્કા ફન
તમારી પાસે કાર આવે પછી જ તમને સાયકલીંગ કરવાનું જોશ ચઢે છે.
સુંદર હાસ્ય લેખ.
LikeLiked by 1 person
જવાબ આપવામાં મોડું કરવા બદલ ક્ષમા કરજો.
આપને લેખ ગમ્યો એનો આનંદ છે.
LikeLike