કટપ્પા – બાહુબલી સિવાય પણ ઘણા કેસો પેન્ડીંગ છે


 

MS-Oct15-2

MS-Oct15-1છેલ્લા મહિનામાં આપણી પ્રજાએ અને એમાં પણ ખાસ કરીને ફેસબુક અને વોટ્સેપ સમાજના સભ્યોએ તાજેતરમાં રીલીઝ થયેલી સુપર ડુપર હીટ ફીલ્મ ‘બાહુબલી’ ઉપર જે રીસર્ચ કર્યું છે એટલું રીસર્ચ એમણે રોકેટ સાયન્સમાં કર્યું હોત તો કદાચ આવનારા વર્ષોમાં મંગળ ઉપર ગુજરાતીઓના પાનના ગલ્લા, સોડાની લારીઓ અને ગાંઠીયાની દુકાનો સ્થાપવાનું શક્ય બની ગયું હોત. અત્યાર સુધી આપણે ‘આ સૃષ્ટીની ઉત્પત્તિ કેવી રીતે થઇ?’, ‘પહેલાં મરઘી કે પહેલાં ઈંડું?’ કે પછી ‘તમે પહેરેલા ગંજીમાં પડેલું કાણું જો ગંજી જેવડું જ હોય તો તમે પહેર્યું શું કહેવાય?’ એવા પ્રશ્નોમાં જ અટવાયેલા હતા, પણ આ કટપ્પા-બાહુબલીના બખેડામાં એક નવો સવાલ ઉભો થયો છે કે ‘કટપ્પાને બાહુબલી કો કયું મારા?’ આમ તો આ પ્રશ્નનો જવાબ ૨૦૧૬માં મળી જ જવાનો છે પણ અધીરી પબ્લિક સોશિયલ મીડિયામાં જાત જાતની થીયરીઓ આગળ કરી રહી છે. અમારું આ બાબતે એટલું જ કહેવું છે કે આપણી કોર્ટોમાં જુના કેસોનો એટલો ભરાવો છે કે એમાં આવા નવા કેસો ઘૂસાડવાની જરૂર જ નથી.

આમ જુઓ તો કયા ક્ષેત્રમાં આવા પ્રશ્નો નથી? સામાન્ય રીતે ખેલકૂદની બાબતમાં આપણી પ્રજા ખાસ બોલતી નથી, બાકી લલિત મોદીથી લઈને શ્રીનિવાસનના જમાઈ મયપ્પન સુધીના મામલામાં કટપ્પા-બાહુબલી કેસ કરતાં વધુ મોટા કોયડા છે. પણ એ ગંદકીમાં હાથ ન નાખીએ તો પણ બીજા ઘણા પ્રશ્નો અનુત્તર છે. જેમ કે ૨૦૦૩ના વર્લ્ડકપની સેમી-ફાઈનલ્સની પહેલી જ ઓવરમાં સચિને શોએબ અખ્તરની બેરહેમીથી ધોલાઈ કેમ કરી હતી? કિરણ મોરે એ એવું શું કહ્યું કે જાવેદ મિયાંદાદ વાંદરાની જેમ કૂદકા મારવા માંડ્યો હતો? ‘Monkey બાત’ના લેખક તરીકે એ મંકી કાંડ વિષે જાણવામાં તો અમને આજે પણ રસ છે. બીજું બધું બાજુએ મુકો પણ પાકિસ્તાન સામેની મુલતાન ટેસ્ટ વખતે સચિન ૧૯૪ ઉપર હતો અને એની પ્રથમ ડબલ સેન્ચુરી માટે માત્ર ૬ રન ખૂટતા હતા ત્યારે કેપ્ટન રાહુલ દ્રવિડે દાવ ડીકલેર કેમ કરી દીધો હતો એ પૂછોને! સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપનો ભોગ લેનાર અને એને ટીમમાંથી બહાર કરનાર વિવાદાસ્પદ ઓસ્ટ્રેલીયન કોચ ગ્રેગ ચેપલ યાદ છે? એણે ગાંગુલીના પ્રસંશકો તરફ વિશિષ્ઠ અદામાં હાથની મિડલ ફિંગર કેમ પ્રદર્શિત કરી હતી એ ભુલાઈ ગયું છે અને લોકો કટપ્પાનું લઇ માંડ્યા છે! હાળું, આપણે એવા આંગળા કરતા તો ઘરવાળા આપણને ધોઈ નાખતા હતા!

હિન્દી ફિલ્મોનો ઈતિહાસ તપાસીએ તો આવા કૈંક કિસ્સા મળી આવે. એક જ ગુના માટે કોઈ વ્યક્તિને બે વાર સજા કરી શકાય કે નહિ? આ મુદા ઉપર અશોક કુમાર-રાજેન્દ્ર કુમારની ‘કાનૂન’ અને બચ્ચન-રજનીકાંત સ્ટારર ‘અંધા કાનૂન’ નામની ફિલ્મો બની ચુકી છે. ‘સ્પેશિયલ 26’માં ઝવેરાતની લૂંટ ખરેખર કોણે કરી હતી એ ફિલ્મી પોલીસને ખબર જ નહોતી પડી! ફીલ્મ ‘કહાની’માં આખી કહાણીને અંજામ આપનાર ‘બીધ્ધા બાગચી’ ખરેખર કોણ હતી એ જાણવા માટે ઘણાએ એ ફીલ્મ બબ્બે વાર જોઈ હતી! એક કિસ્સો મુકાદ્દ્ર્કા સિકંદરનો પણ છે. એમાં દિલાવર (અમજદ ખાન) ઝોહરા બાઈ (રેખા)ના એકતરફી પ્રેમમાં હોય છે. ઝોહરા બાઈ સિકંદર (બીગ બી)ના એકતરફી પ્રેમમાં હોય છે અને સિકંદર ભાઈ કામણગારી ઝોહરાને પડતી મૂકીને પીપડા જેવી ‘કામના મેમસાબ’ (રાખી)માં મૂડી રોકાણ કરીને બેઠા હોય છે. આ લવના લાંબા લંગસીયામાં સિકંદર કોઈ રીતે દિલાવરનો કોમ્પીટીટર નહોતો છતાં એણે સિકંદરને શું કામ માર્યો એ પ્રશ્ન પ્રજા નહીં પણ વિશાલ બનતા વિનોદ ખન્નાએ પૂછવો જોઈતો હતો કારણ કે કલાઇમેકસમાં સિકંદર છેલ્લા ડચકા ખાતા ખાતા વિનોદ ખન્નાના ભાગનું ફૂટેજ પણ ખાઈ ગયો હતો!

ફિલ્મ બહુબલીમાં કટપ્પાનું પાત્ર મહાભારતના જે પાત્રથી પ્રેરિત ગણાય છે એ ભીષ્મ પિતામહની નજર સામે દુર્યોધન અધર્મ અને દુરાચરણની હદ વટાવતો રહ્યો છતાં પણ એ એને કેમ રોકી ન શક્યા એ પણ મોટો પ્રશ્ન છે. ખેર, ભીષ્મ તો હસ્તિનાપુરની ગાદીને વફાદાર હતા અને શાપિત વસુ હતા એટલે એમનો રોલ તો અગાઉથી લખાઈ જ ગયો હતો પણ એ પાપી દુર્યોધનને પૂરો કરવા માટે પ્રભુ જેવા પ્રભુ અંચાઈ કરે એ કેમ ચાલે? આપણે તો માણસો છીએ છતાં આપણે સહુ જાણીએ છીએ કે બોક્સિંગ અને ફેન્સીંગ જેવા દ્વંદ્વ યુદ્ધ પ્રકારની રમતોમાં Below the Belt પ્રહાર કરવાની મનાઈ છે. આમ છતાં ગદાયુદ્ધમાં દુર્યોધનને ખતમ કરવા માટે રણછોડરાયજીએ ભીમને એની જાંઘ ઉપર પ્રહાર કરવાનો ઈશારો કેમ કર્યો એ પ્રશ્નનો ગળે ઉતરે એવો ઉત્તર મળ્યો નથી. આ હિસાબે કટપ્પા બાહુબલી કેસ તો બાજુ ઉપર રહ્યો પણ પહેલાં બોક્સર માઈક ટાઈસને ઇવાન્ડર હોલીફીલ્ડનો કાન કેમ કરડી ખાધો હતો? ફ્રાંસના ફૂટબોલર ઝિનેડિન ઝિડાને માતારાઝીને ભેટું (Head Butt) કેમ માર્યું હતું? અને ઉરુગ્વેના ફૂટબોલર લુઈ સુઆરેઝ કરોડો લોકોના દેખતાં ઇટાલીના ચીએલ્લીનીને કેમ કરડયો હતો? એ પ્રશ્નોના જવાબ મેળવવા જોઈએ.

જોકે આવા પ્રશ્નો પૂછી પૂછીને આપણા મગજની ક્રેનીયલ નર્વઝને તંગ કરીને એની ઉપર તંબૂરો બજાવવાની પદ્ધતિ આપણી શિક્ષણ પ્રથા જેટલી જૂની છે. સિકંદરની જ વાત આગળ ચલાવીએ તો ઇતિહાસના વિષયમાં અસલ સિકંદર વિષે ૬ માર્કનો પ્રશ્ન પૂછાતો કે ‘સિકંદર એના સૈન્ય સાથે ભારતની પશ્ચિમ સરહદેથી પાછો કેમ વળી ગયો હતો?’ એ જમાનામાં મોબાઈલ ફોન પણ નહોતા કે માણસ પત્નીનો મિસકોલ જોઇને ઘરભેગો થઇ જાય. એ વખતે તો અમને થતું કે અલા ભ’ઈ છોડોને પંચાત. રસ્તામાં ભૂવો-બુવો પડ્યો હશે કે અન્ડર-પાસમાં પાણી ભરાયા હશે. થોડું ફરીને ગયો હોત તો પહોંચી જાત. અમે મીઠાખળી અન્ડર-પાસમાં પાણી ભરાયું હોય તો વાયા નવરંગપુરા ક્રોસિંગ જઈએ જ છીએ ને? તો સિકંદર થોડો ફરીને ગયો હોત તો એના બાપનું શું જવાનું હતું? આપણા અને સિકંદરમાં આટલો ફેર. પણ આમાંને આમાં મારા છ માર્ક ગયા!

આવો જ એક પ્રશ્ન જાણકારોને અને તાજમહલ જોવા જનારા પર્યટકોને પણ થાય છે કે પોતાના ચૌદમા બાળકની ડીલીવરી વખતે ગુજરી ગયેલી મુમતાઝમાં એવો તે શું જાદુ હતો કે દેવાળું ફૂંકવાની હદે જઈને પણ શાહજહાંએ તાજમહલ બાંધી પાડ્યો? અમુક અદકપાંહળા તો એવું પણ કહે છે કે એ જ તાજમહલ શાહજહાંએ મુમતાઝની હયાતીમાં બાંધ્યો હોત તો એણે સ્પેસ પ્લાનિંગ, લેન્ડસ્કેપીંગ અને ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ એટલો ખર્ચો કરાવ્યો હોત કે બાંધકામ પૂરું થયા પછી એ જ તાજમહલની બહાર સીંગ ચણાની લારી લઈને ઉભા રહેવાનો વારો આવ્યો હોત. આ આડવાત છે.

એ તો સારું થયું કે તોફાનોના પગલે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકાયો એટલે પરિસ્થિતિ કાબુમાં આવી બાકી પબ્લિકે તો કટપ્પાના કેસમાં વિવાદાસ્પદ ‘મા’, બાપુ, આલિયા ભટ્ટ અને અનામત આંદોલનને જોડીને આખી ઝુંબેશ નવેસરથી ઉપાડવાની તૈયારી કરી જ દીધી હતી. એવું કહેવાય છે કે તાજેતરના તોફાનોને કારણે ગુજરાત પાંચ વર્ષ પાછળ જતું રહ્યું છે. તો સામે પક્ષે સોશિયલ મીડિયા બંધ રહેવાથી નવરા પડેલા લોકો રચનાત્મક કામે લાગ્યા એનાથી ગુજરાત પાંચ વર્ષ આગળ આવ્યું છે. સરવાળે આપણે ત્યાંના ત્યાં જ છીએ. ફરી સોશિયલ મીડિયા શરુ થશે એટલે લોકો ફરી કટપ્પા-બાહુબલી નહીં તો ડુંગળીના ભાવવધારાના પાટે ચઢી જશે. બાકી અમારા મતે તો ‘કટપ્પાને બાહુબલી કો કયું મારા?’ પ્રશ્નનો એક જ જવાબ હોઈ શકે કે – બાહુબલી મુ. શાહબુદ્દીન ભાઈના મિત્ર વનેચંદ જેવો હશે જેને મારવા માટે કોઈ કારણની જરૂર જ નહોતી!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય, Monkey बात and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s