ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ


NGS

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી

હાનાયક, સુપર સ્ટાર, પ્રોફેશનલીઝમની જીવતી મિસાલ,નમ્રતાનાં મહાસાગર હ્રદયસમ્રાટ અમિતાભજીનો આજે જન્મદિવસ છે. બચ્ચન સાહેબના પિકચરો જોઈ જોઇને મોટાં થયા છીએ એટલે અમારી જીંદગીમાં, અમારા કપડામાં, અને ક્યારેક હેરસ્ટાઈલમાં પણ એમનો ભારે પ્રભાવ હતો. હજીય અમે તો વાતચીતમાં એમનાં ડાયલોગનો ઉપયોગ કરીએ છીએ. સારા ડાયલોગ તો લખાતાં રહે છે પણ અમિતજીનાં મોઢે બોલાય ત્યારે એ અમર થઈ જાય છે.હજુય એમની ફિલ્મના ડાયલોગ્સમાંથી સૌને પ્રેરણા મળે છે.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

વાદે અક્સર તૂટ જાતે હૈ કોશિશે કામયાબ હો જાતી હૈ: વિકિપીડિયા કરતાં વધુ જ્ઞાન ફિલ્મ શરાબીમાં વિકીબાબુ અને મુનશીજીનાં સંવાદોમાં ભર્યું છે. અહીં મીનાજી જયારે બર્થ ડે પાર્ટીમાં આવવાની કોશિશ કરીશ એવું કહે છે તેનાં જવાબમાં અફલાતુન અદા અને અવાજમાં વિકીબાબુ ઉપરોક્ત ડાયલોગ ‘હમે આપકી ઉસ કોશિશકા ઇન્તેઝાર કરેંગે’ કહે છે. અહીં જે માણસ ૧૧૦% કામ થઈ જશે એવું કહે તેનાંથી સાવચેત રહેવાનો સંદેશ છુપાયેલો છે. એનાં કરતાં, હું કોશિશ કરીશ એવું કહેનારનાં સફળ થવાના ચાન્સ વધારે હોય છે. એમાંય કારીગર વર્ગ અને ગર્લફ્રેન્ડનાં વાયદા કદી મનાય જ નહિ.

ક્યા કરું મૌસી મેરા તો દિલ હી કુછ એસા હૈ:શોલેમાં બસંતીની માસી આગળ મેન્યુફેક્ચરિંગ ડીફેક્ટવાળી પ્રોડક્ટ એટલે કે વિરુનું માંગુ નાખવા જનાર જય માર્કેટિંગની બેમિસાલ મિસાલ છે.આમાં માંગુ બકબક કરીને કાન પકવી નાખતી બસંતી માટે નાખ્યું છે એ જાણવા છતાં એ જેઈમાનદારીથી રજૂઆત કરે છે તે જોતાં એ આજના ટેલી શોપિંગ શોના એન્કરો કરતા આગળ હતો એ બતાવે છે. માસી આગળ વીરૂનાં એક એક અવગુણને એ ગુણ તરીકે એવી રીતે રજૂ કરે છે કે માસીને પણ એની સેલ્સમેનશીપ પર માન થઈ આવે છે, જેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરતાં જય ઉપરોક્ત ડાયલોગ કહે છે. અહીં, મૌસી રૂપી ક્લાયન્ટના નકારાત્મક ફીડબેકવચ્ચે એ વિરુ નામની બેકાર પ્રોડક્ટને પ્રમોટ કરવામાં એ જરાય કચાશ રાખતો નથી.. આજકાલ સેલ્સ અને માર્કેટિંગમાં નબળી પ્રોડક્ટ ચલાવવા માટે આવી સ્કીલની જરૂર છે. સૌથી છેલ્લે કોલ પૂરો થાય ત્યારે પાર્ટીના રીએક્શન જાણવા છતાં ઓર્ડર ફોર્મ ખોલીને બેસવાની (તો મેં યે રિશ્તા પક્કા પાક્કી સમજુ?) જયની અદા એક અઠંગ સેલ્સમેનનાં ગુણ ઉજાગર કરે છે.

દારુ પીને સે લીવર ખરાબ હોતા હૈ : સત્તે પે સત્તામાં બચ્ચન સાહેબે અમજદ ખાનને દારુ પીતાં પીતાં આ જ્ઞાન આપ્યું હતું. કોર્પોરેટ વિશ્વમાં પાર્ટી કલ્ચર ઘર કરી ગયું છે તેમના માટે આ ડાયલોગ ચેતવણી સમાન છે. અમિતજી અહીં રવિ નામ ધરાવે છે તે દારુ પીતાં પીતાં વારંવાર લવારો કરે છે કે ‘મુઝે આદત નહિ હૈ’. દરેક દારુડીયો એમ માનતો હોય છે કે એ કન્ટ્રોલમાં જ પીવે છે. પણ એ પીને જે ખેલ કરતો હોય છે એનાં વિડીયો બનાવો તો ચોક્કસ વાઈરલ થાય.

ડોનપાન નહીં ખાતા થા: ડોનમાં અમિતાભે એક ખૂંખાર સ્મગલરનો યાદગાર રોલ કર્યો હતો.એ પછી બીજા ઘણાં સેલ્ફ પ્રોકલેઈમ્ડ ડોન આવી ગયા પણ આજે પણ લોકો અસલ ડોનને જ યાદ કરે છે. આ ફિલ્મમાં ડોનના એક ખૂખાર ગેંગના લીડર તરીકે કેટલાક ગુણો હતા. શોલેનો ગબ્બર દેશી તમાકુ ખાતો હતો જયારે ડોન પાન પણ નહોતો ખાતો. બીજું, એણે પોતાની ગેંગમાં નવી ભરતી કરવા માટે જીપીએસસીની જેમ રીટન ટેસ્ટ રાખી, અને પેપરમાં ખોટા પ્રશ્નો પુછાઈ જાય તો પાછળથી ગ્રેસીંગ આપવાના લફરામાં પડવાને બદલે, સીધો પ્રેક્ટીકલ ટેસ્ટ લેવામાં માનતો હતો. ઝીન્નત અમાન જેવી સેક્સ બોમ્બને પણ ભરતી થવા માટે ડોનના પહેલવાનને ધોબીપછાડ આપવી પડી હતી. એ બતાવે છે કે ડોનનાં રીક્રુટમેન્ટ રૂલ્સ મજબૂત હતા.‘છોકરી જંગલી બિલ્લી જેવી સ્ફૂર્તીલી અને ખતરનાક હોવી જોઈએ’ એવા એક માત્ર ક્રાઇટેરિયાથી ઉમેદવારની પસંદગી કરી હોવા છતાં એની ભરતીને ગેંગમાંથી કોઈએ હાઈકોર્ટમાં પી.આઈ.એલ. કરીને પડકારી નહોતી એ એનો લીડર તરીકેનો હોલ્ડ બતાવે છે.

I can talk English, I can walk English, I can laugh English:નમકહલાલમાં આ ડાયલોગ ગામડિયા એવા અર્જુન સિંગનાં મોંઢે સાંભળવા મળે ત્યારે કોન્ફિડન્સનું મહત્વ સમજાય છે. અર્જુન ગામડેથી શહેરમાં આવ્યો છે અને ઈન્ટરવ્યુમાં જયારે મેનેજર એને પૂછે છે કે અંગ્રેજી આવડે છે? ત્યારે એનો ફુલ્લ કોન્ફિડન્સથી જવાબ આપે છે, એ પણ પૂરી દોઢ મિનીટ સુધી ધાણીફૂટ અંગ્રેજીમાં. એ સમયે પણ મેનેજરો અત્યારની જેમ દોઢડાહ્યા હતાં,પોસ્ટની (બેલબોય) જરૂરિયાત હોય કે નહીં અંગ્રેજી આવડતું હોય એવો આગ્રહ રાખતા હતાં. પણ અર્જુન સિંગ જરાય મોળો પડ્યા વગર ઈન્ટરવ્યુ પાસ કરી નોકરી સિક્યોર કરી લે છે. બેકારીના સમયમાં યુવાનો માટે આએકદમ પ્રેરણાદાયકઉદાહરણ છે.

ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ : આવું એ કહેતો અને માનતો. ધંધો ચલાવવો હોય તો આ ગુણ જરૂરી છે. તમારી બિઝનેસ સ્ટ્રેટેજીમાં તમને કોઈ આંબી જાય કે તમારી મહેનત બધી ટેક્સમાં જતી હોય તો પછી તમારા અને ડુંગરપુરિયામાં કોઈ ફેર નથી. બીજું કે અગિયાર અગિયાર દેશોની પોલીસ ડોનની પાછળ હતી. પોલીસ પાછળ દોડતી હોય એને ક્વોલીફીકેશન ગણવું જરા વધારે પડતું છે. આપણે ત્યાં ત્રણ દરવાજા દબાણ ખસેડવાની ગાડી આવે ત્યારે ગંજી-જાંગીયા અને બંગડી-બુટ્ટીની લારી ચલાવનારાની પાછળ હોમગાર્ડ અને કોન્સ્ટેબલોનું ધાડું દોડતું હોય છે, પણ એમાંથી એકોય ડોન બન્યો હોય એવું અમારી જાણમાં નથી. આ ઉપરાંત છેલ્લા શ્વાસ સુધી લડત ચાલુ રાખવી એ એનો મૂળ મંત્ર હતો અને એટલે જ એ ઝખ્મી હતો પણ એણે એનું ‘ડોનત્વ’ (ગુણુદાદાઅનેબક્ષીબાબુની જેમ અમને પણ નવા શબ્દો બનાવવાનો હક્ક છે) ટકાવી રાખ્યું હતું અને શ્વાસ હતાં ત્યાં સુધી ડી.એસ.પી.ને શરણે થયો નહોતો.

જન્મદિન પર અમારા સાદર ચરણસ્પર્શ સ્વીકારશો અમિતજી.

મસ્કા ફન
અમાં…ઇતની દેર સે મૈ કાર કી બાતે કરતા હું ઓર તુમ યે બેકાર કી (શાન)

 

 

 

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s