માર્કણ્ડેય કાત્જુની પ્રેરકવાણી


NGSમાર્કણ્ડેય કાત્જુ કાયમ ટ્વેન્ટી-ટ્વેન્ટીની જેમ ફટકાબાજી કરતા હોય છે. કટે-રનની જેમ એકપણ બોલ એ ખાલી છોડતા નથી. એકપણ દિવસ એવો નથી જેમાં એમણે વિવાદાસ્પદ નિવેદન ન કર્યું હોય. સોશિયલ મીડિયા પર એ સીક લીવ પણ લેતાં નથી. એમની પ્રેરકવાણીથી ઉશ્કેરાટ ફેલાય છે એવો એક મત પ્રવર્તે છે, પણ એ જ્યાં સુધી સરકાર વિરુદ્ધ બોલે છે ત્યાં સુધી એ વાચાળ ટીવી પત્રકારોની નજરમાં ખાસ આવ્યા નથી. જે લોકો એવું માનતા હોય કે ભારતમાં વાણી સ્વતંત્રતા ખલાસ થઈ ગઈ છે, એમણે રોજ શ્રી કાત્જુનાં સ્ટેટમેન્ટ વાંચી લેવા જોઈએ. એમાં પાછું શ્રી કાત્જુ અમુક તો એવું કહી જાય છે કે પહેલી નજરે આપણને થાય કે, હાળું વાત તો વિચારવા જેવી કરે છે!

બધાં પોલીટીશીય્ન્સ ગુંડા અને ગેંગસ્ટર છે: નેતા અને ગુંડાઓનો ચોલીદામનનો રિશ્તો રહ્યો છે. પહેલાનાં સમયમાં નેતાઓ ગુંડા રાખતાં જે એમનાં આડાઅવળાં કામ કરી આપતાં. પછી એ ગુંડાઓનો બૌદ્ધિક વિકાસ થયો હશે કદાચ. અથવા તો ચૂંટણી સમયે ઈલેકશન જીતી શકે એવા ઉમેદવારોની ખોટ પડી હશે, એ ગમે તે હોય ગુંડાઓને જ ટીકીટ મળવા લાગી. પણ અમારા મતે બધા રાજકારણીઓ ગુંડા કે ગેંગસ્ટર ન હોઈ શકે. થોડાં ફ્રોડ પણ હશે. થોડાં વ્હાઈટ કોલર ક્રાઈમ કરનારા હશે. બધા થોડાં બાહુબલિ હોય? અને ગેંગસ્ટર્સ ભારતમાં ગુના કરી આજુબાજુના દેશોમાં આશ્રય લે છે, જયારે રાજકારણીઓ કોઈ દેશ છોડવાનું વિચારતું નથી, એટલે કાત્જુની વાતમાં માલ નથી.

નેવું ટકા ભારતીયો મૂર્ખ છે:આ એમનું સૌથી વિવાદાસ્પદ વિધાન છે. આ વિધાનને કારણે અમે લાઈનમાં ઉભા રહેવાનું હોય કે ક્યાંય લીસ્ટમાં નામ લખાવવાનું હોય, અમે અમારો નંબર નેવું ઉપર આવે એનું ધ્યાન રાખીએ છીએ. એક્ટિંગના નામે માત્ર નખરાબાજી ધરાવતી જમરૂખની ફિલ્મો અને સ્ટોરી વગરની સલમાનની ફિલ્મો બસો અને ત્રણસો કરોડનો વકરો કરતી જોઈને પ્રાથમિક રીતે એમની આ વાત માનવા જેવી પણ લાગે. પછી એમ થાય કે કાત્જુ જેવા વિચારો ધરાવનાર ઉંચા પદો સુધી પહોંચી શકે છે એ બતાવે છે કે આ દેશની ધરતીમાં કંઈક પ્રોબ્લેમ તો છે જ.

ગાંધીજી બ્રિટીશ એજન્ટ હતા: કાત્જુનો જન્મ ૨૦, સપ્ટેમ્બર ૧૯૪૬નાં રોજ થયો હતો. ભારતને આઝાદી મળી ત્યારે એ ચડ્ડી પહેરીને મોટે ભાગે ભાંખોડિયા ભરતાં હશે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ ત્યારે એ દોઢ વરસના હશે. પછી એ મોટા થયા હશે. એમને જ્ઞાન લાધ્યું. એમનાં રીસર્ચનાં તારણો મુજબ ગાંધીજીએ પોલીટીક્સમાં ધર્મ મિક્સ કર્યો હતો, કારણ કે એ રઘુપતિ રાઘવ રાજારામ ભજન ગાતાં હતાં. સનાતન હિંદુ ધર્મ પાળતાં હતાં. ગૌરક્ષા અને રામરાજ્યની વાત કરતાં હતાં. આવી વાતો તો બ્રિટીશ એજન્ટ જ કરી શકે. અમને લાગે છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ગૌરક્ષાનું તૂત ચલાવનારા બધા બ્રિટીશ એજન્ટ જ હશે. એમને આવું કરવા માટે કદાચ ઇંગ્લેન્ડથી ફંડ મળતું હશે. મણિનગરમાં એક યુવકે ગાયને ઘાસ ખવડાવ્યું તો એનાં ખાતામાં બીજા દિવસે દસ હજાર યુરો જમા થઈ ગયા હતાં, આવું સાંભળવા મળે તો એ કાત્જુની થીયરી પ્રમાણે સાચું ગણી લેવું. એ રીતે તો જેમ્સ બોન્ડ ગાંધીજીનો અનુગામી બ્રિટીશ એજન્ટ થાય, જેની પ્રેરણા ઇઆન ફ્લેમિંગને ગાંધીજી પાસેથી મળી એ બાબતે ગાંધીજીનાં હાલનાં વહીવટદારો રોયલ્ટી પણ માંગી શકે.

ગૌમાંસ પર પ્રતિબંધ છે ગાયનાં છાણ પર નહિ: કાત્જુ દાળના ભાવથી વ્યથિત છે. પહેલા પ્રતિબંધ મૂકી ગરીબોના મોઢામાંથી ગાયનું માંસ છીનવી લેવામાં આવ્યું, અને હવે દાળ દુર્લભ થઇ છે. એટલે જ શ્રી કાત્જુએ સમાધાન આપ્યું છે કે હિન્દુઓએ ગોબર ખાવું જોઈએ, કારણકે એ પવિત્ર છે અને મફત મળે છે. જોકે ૯૬ કરોડ હિન્દુઓનો જઠરાગ્નિ જો જાગે તો છાણની કણી પણ હાથ ન લાધે. કાત્જુ અને કાત્જુ જેવા કેટલાય ગાય, અને હિન્દુઓનાં ગાય પ્રત્યેના પ્રેમથી વ્યથિત છે. રાજકારણીઓ જોકે કાત્જુની જેમ ખૂંખારીને બોલી નથી શકતાં કારણ કે હિન્દુઓની પણ વોટ બેંક છે, અને આ બેન્કના લીધે એમને ગાયમાં ઇન્ટરેસ્ટ છે. કાત્જુ ગાયદ્વેષમાં આગળ વધતાં કહે છે કે ગાય પ્રાણી છે એ માતા કઈ રીતે હોઈ શકે?આમારું માનવું છે કે આ વાત ટ્વીટર પર કરવાને બદલે એમણે કોઈ વાછરડાને પકડી સમજાવવી જોઈએ. આમ પણ ભેંશ આગળ ભાગવતની કહેવત છે જ, એ વાછરડા માટે વાપરી શકાય. બાકી કાત્જુ ભૂલી ગયા લાગે છે કે મનુષ્ય પણ એક પ્રકારનું પ્રાણી છેઅને ઝૂઓલોજીકલ ક્લાસિફિકેશન પ્રમાણે એહોમો  સેપિયન્સ વર્ગમાં આવે. આમ તો કાત્જુ પોતે પણ એક વિચિત્ર પ્રાણી જ છે ને?

ઇન્ડિયન્સ જાહિલ છે, એમનાં દિમાગમાં ગોબર અને ભુંસું ભર્યું છે: કાત્જુ સાહેબના આ વિધાનને સાચું માનીએ તો તેઓશ્રી આવું બધું આપણને ‘જાહીલિયત’ (મૂર્ખ, અજ્ઞાની, ઉતાવળીયો નિર્ણય લેનારા) થી ઉપર ઉઠાવવા માટે કહે છે. સામાન્ય રીતે પોતાને સાચી લાગતી હોય એ વાતને કોઈ ધ્યાન ઉપર પણ ન લે ત્યારે સામેવાળાના મગજમાં ‘हरितगोमय’ (તાજું લીલું છાણ) ભરેલું હોય એવું તે વ્યક્તિને લાગે. કદાચ આવું એમની સાથે અનેકવાર બની ચૂક્યું હશે એટલે જ એમણે ભારતીયોને જાહિલ ગણ્યા હશે. બાકી જે રીતે તેઓ પોતે અને ઈલેક્ટ્રોનિક મીડિયાવાળા એમના ભવાઈ છાપ ન્યુઝ બુલેટીનોથી આપણા દેશની પ્રજાનું દિમાગ ચાટી રહ્યા છે એ જોતાં ઇન્ડિયન્સના દિમાગમાં ગોબર હોવાની શક્યતા નહીવત છે.

આ બધામાં આપણને સંબંધકર્તા બાબત એ છે કે તેઓશ્રી ૭૦ વર્ષના છે, કોઈ રાજકીય પક્ષના સમર્થક નથી અને આ બધું તેઓ તેમની ફરજ ગણીને જીવનના અંત સુધી કરતા રહેવાનો ઈરાદો જાહેર કરી ચુક્યા છે! હાળું, બોમ્બમારો થતો હોય તો બચવા માટે તમે કોંક્રીટના બંકરમાં સંતાવ, પણ આમાં પ્રજાએ જવું ક્યાં?

મસ્કા ફન
પોદળા પર કાજુ લગાડવાથી એ પેંડો નથી બની જતો.


 

 

 

 

 

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s