પતિ નામના પતંગિયાને રમતું રાખો આંગણમાં


શુ-પક્ષીઓમાં નર અને માદા વચ્ચેની વર્તણુકનો ફેર એ પ્રાણીશાસ્ત્રીઓ માટે હજી પણ અભ્યાસનો વિષય છે. એમાં સતત સંશોધન ચાલુ છે. જયારે મનુષ્ય જાતિમાં તો માનસશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોથી લઈને

MS-Nov15-1

મારી સહેલી, નવેમ્બર, ૨૦૧૫

લેખકો અને વિચારકોએ બંને જાતિની પ્રકૃતિગત ભિન્નતાના દરેક પાસાનું અનેક રીતે વિશ્લેષણ કર્યું છે. બધાનો સામાન્ય સૂર એ છે કે પુરુષની જાત સ્વભાવે જરા રુક્ષ,બેફિકરી અને બેદરકાર હોય છે, જયારે નારીનું લાગણી તંત્ર ઋજુ અને ઊર્મિપ્રધાન હોય છે. वज्रादपि कठोराणी એવા જામદગ્નેય પરશુરામને આદર્શ માનતા પુરુષો માટે પરાક્રમ એ એમની ઓળખ ગણાય, જયારે નારીઓ मृदुनी कुसुमादपि એટલે કે ફૂલ જેવી મૃદુ અને કોમળ ગણાય. પુરુષો મુક્ત હવા જેવા, જેને બાંધી ન શકાય કે એનું પોટલું ન વાળી શકાય, જયારે સ્ત્રી એ ઉછેરમાં કાળજી માગી લેતો છોડ ગણાય. એક વખત આવે ત્યારે બદમાશી પર ઉતરી આવતા વાર ન કરે, જયારે બીજું કુદરતી રીતે જ નિર્દોષ! એક તેજાબ અને બીજું ગુલાબજળ! પણ ધન્ય છે બ્રહ્માંડના સૌથી મોટા ખેલાડી એવા ઈશ્વર અને એમની સેન્સ ઓફ હ્યુમરને કે જેમણે પ્રકૃતિથી ભિન્ન એવા આ પાત્રોને લગ્ન નામની ગ્રંથીથી બાંધીને હાસ્યકારો, હસ્યકલાકારો તથા અમારા જેવા હાસ્ય લેખકો માટે હાસ્યનો અખૂટ સ્ત્રોત ઉભો કરી આપ્યો છે!

પરિણયની પિછોડી ઓઢ્યા પછી પુરુષ જયારે એની પ્રકૃતિથી વિપરીત એવી નરમાશ ઉપર ઉતરી આવે ત્યારે તો ખરેખર ગમ્મત થાય છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે કઠણમાં કઠણ કાષ્ઠને કોરી નાખનારો ભ્રમર જયારે સંધ્યા કાળે પોયણીમાં પુરાઈ જાય તો એ પોયણીની કોમળ પાંદડીઓને છેદીને બહાર આવવાને બદલે પ્રભાત થવાની રાહ જુએ છે! પુરુષની હાલત કૈંક એવી જ હોય છે. મમ્મીના વારંવારના આગ્રહ છતાં ન કર્યા હોય એવા કામ એ પત્નીના ઈશારે કરવા માંડે છે. સરખેસરખા મિત્રોમાં વધુ પડતું એટેન્શન માગતા મિત્રને ‘come on, grow up’ કહી શકનાર પુરુષને લગ્નજીવનમાં એનું સંપૂર્ણ ધ્યાન તેની તરફ જ છે એવી અનુભૂતિ પત્નીને કરાવવી પડે છે. પત્ની સાથેના સંબંધોમાં આ પ્રકારનું સંતુલન જાળવવું એ પુરુષ માટે એક હાથે ઘંટડી વગાડતા વગાડતા બીજા હાથે આરતી ઉતારવા જેટલું અઘરું છે. જેમણે આરતી ઉતારી હશે એમને ખબર હશે કે એક હાથે ઘંટડી વગાડવી અને બીજા હાથે આરતી ઉતારવી એ કેવું અઘરું કામ છે. એમાં જરા પણ બેધ્યાન થયા તો કાં આરતીવાળો હાથ ‘ટનટન ટનટન’ કરવા માંડે કાં ઘંટડી વાળો હાથ ‘જયો જયો …’ સાથે ગોળ ફરવા માંડે. લગ્નજીવનમાં પોતાનો પુરષ સહજ અહમ માનભેર જાળવી અને સ્ત્રીના મનને ભાવતી બાનીમાં વાત કરવી એ કામ પણ આરતી ઉતારવા જેટલું જ અઘરું છે.

MS-Nov15-2માનસશાસ્ત્રીઓ કહે છે કે સુખી લગ્નજીવન માટે જીવનસાથી સાથે હકારાત્મક સંવાદ જરૂરી છે. ઘણી વાર સાધકો અમને પૂછતાં હોય છે કે આ હકારાત્મક સંવાદ એટલે શું? ત્યારે અમે કહીએ છીએ કે હકારાત્મક સંવાદ એટલે ‘યા-યા વર’ બનવું! યા-યા વર બનવું એટલે એમ નહિ સમજતા કે તમે ’યાયાવર’ પંખી બનીને ટૂંટિયું વાળીને માળામાં બેસી રહેશો એટલે ઘરમાં શાંતિ થઇ જશે. અમારું કહેવું એમ છે કે પત્નીની દરેક વાતમાં અમેરિકનોની જેમ yeah yeah એટલે કે હાજી હા કરતા વર બનશો તો લગ્નજીવનમાં શાંતિ રહેશે.

ગુજરાતીમાં આને માટે બહુ સરસ કહ્યું છે કે

‘જિસકે તાબે રીઝીએ ઉસકા કેહના કીજીએ
ઊંટ બિલાડી ગળી ગયું, તો હાંજી હાંજી કીજીએ’

બાકી એમ ટૂંટિયું વાળીને માળામાં બેસવાથી શાંતિ થતી હોત તો જંગલમાં આશ્રમ બાંધીને રહેવાને બદલે બધિરદાસ બાપુએ ઘરમાં જ માળો બાંધીને અંદર જ ના જમાવી હોત? આ કંઈ હલવો નથી કે આમ લીધો અને આમ ગપકાવી ગયા, સમજ્યા?

જીવનસાથી સાથેના હકારાત્મક સંવાદમાં પણ સૌથી અગત્યનો છે સંયમ. તમારા લેંઘાને કમર ઉપર ટકાવવા માટે જેટલું નાડુ જરૂરી છે એટલો જ લગ્નજીવનમાં સંયમ જરૂરી છે. ઘણા ઘરોમાં બે પાર્ટી વચ્ચે એવો ‘સંવાદ’ ચાલતો હોય છે કે એમાં પડોશીઓ તો ઠીક પણ ઘણીવાર વકીલ અને પોલીસને પણ રસ પડતો હોય છે! એવું ના ચાલે. સંવાદ ફક્ત વાણીથી જ કરવાનો, પાણિ (હાથ)થી નહિ! બાકી આપણા કવિઓએ ‘લવિંગ કેરી લાકડી’ અને ‘ફૂલ કેરા દડુલીયા’ના હથિયારો આપ્યા જ છે. જરૂર પડે તો એનાથી લડો. અને ઝઘડો એનો પણ વાંધો નથી પણ મહેરબાની કરીને ઝઘડાનું લોકાર્પણ કરશો નહિ.

સોશિયલ મીડિયા નવું નવું હતું ત્યારે એમાં એક જોક ફરતી હતી જેમાં કહેવાયું હતું કે ‘પત્ની સાથેના ઝઘડામાં તમારી પાસે બે વિકલ્પ હોય છે – જીતીને દુઃખી થાવ અથવા હારીને સુખી થાવ!’ કદાચ ફિલ્મ ‘બાઝીગર’ના ફેમસ ડાયલોગ ‘હારકર જીતનેવાલે કો બાઝીગર કહતે હૈ…’માં આ વાત તરફ જ અંગુલી નિર્દેશ હતો! પોતાની આગવી એવી પ્રવક્તા શૈલીમાં ખુબજ ચિંતન પ્રેરક નવલકથાઓ આપનાર મુ. ર. વ. દેસાઈ એ એક જગ્યાએ કંઇક એવું લખ્યું હોવાનું આછું પાતળું યાદ છે કે ‘સ્ત્રીને જીતવી પડે છે અને સ્ત્રીએ પણ જિતાવું જ રહ્યું…’. એમાં પણ બંને એ સુખી થવું હોય તો નમતું જોખવાની તૈયારી રાખવી પડે. આની પાછળનું રહસ્ય કવિ શ્રી મુકુલ ચોક્સીની આ પંક્તિઓમાં છે –

‘કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે’

આ બધું વાંચીને તમને લાગશે કે પુરુષ માટે આ મોરચે જીતવું અઘરું છે, પણ એવું નથી. પુરુષ નામનું પ્રાણી એક જન્મજાત કલાકાર હોય છે. બસ એને તક મળવી જોઈએ. બાકી અમે ઓસ્કાર વિનિંગ એક્ટિંગના અનેક કિસ્સાઓ જોયા છે.

જેમ બોલીવુડમાં અમુક કલાકારોને સદાબહાર કલાકાર કહેવાય છે એમજ અમુક પતિ નામના કલાકારો પણ સદા બહાર રહેવાનો કસબ અજમાવતા હોય છે. પણ આ ‘સદા બહાર’ બોલીવુડના ‘સદાબહાર’ કરતા જરા જુદા છે. આવા લોકો ‘સદા’ ‘બહાર’ રહેતા હોય છે અને એ લોકોના લગ્નજીવન આભાસી રીતે સફળ પણ જણાતા હોય છે. એમનું લોજીક એવું હોય છે કે તમે ઘરે જાવ તો કોઈ તમારી મેથી મારે ને? આ જ કારણસર ઘણા પતિદેવો મીટીંગ, ઓવરટાઈમ કે સામાજિક કામસર ઘરની બહાર રહેવાનું પસંદ કરતા હોય છે. આ પલાયનવૃત્તિ કે શાહમૃગવૃત્તિ છે. જોકે આ સદા-બહારગીરી બહુ લાંબી ટકતી નથી. બાજનજર પત્ની એની જાતિગત સિકસ્થ સેન્સથી મોડા વહેલા એમને પકડી જ પાડતી હોય છે. આવા કિસ્સામાં પતિ નામના પ્રાણીને પણ તમારી હૂંફની જરૂર છે એ સમજવું જરૂરી છે. એને ઘરે રહેવાનું કારણ આપો. ઘણાની દશા એવી હોય છે કે ઘરવાળા એમને તગેડે એટલે ઓફીસ જાય અને ઓફીસવાળા તગેડે એટલે પાછા ઘરે આવે. તમે પતિ હોવ અને તમારી પણ આવી હાલત હોય તો મનની શાંતિ માટે શુક્રવારે આવતી સોમવતી અમાસેની રાત્રે કોઈ ધોબીના લાલ રંગના કૂતરાને ડબલ ચીઝ બર્ગર ખવડાવજો. તમને નહિ તો છેવટે કૂતરાને તો રાહત થશે જ. બીજું કંઈ થઇ શકે એમ નથી.

એક વાત સમજો. ખરેખર તો પતિના રોલમાં રહેલા પુરુષને પતંગિયું બનીને મુક્ત રીતે વિહરવું હોય છે. એક ફૂલથી બીજા ફૂલ ઉપર જઈને એની ખુશ્બુ લેવી હોય છે. પણ કામ નસીબે એને પતંગિયાની જેમ ઉડવા દેવાને બદલે પતંગની જેમ ઠુમકા મારી મારીને ચગાવવામાં આવે છે. બળદને જેમ રાશ બાંધતા હોય એમ લગ્નરૂપી કિન્ના બાંધીને એને ધાબાની બહાર ધકેલી દેવામાં આવે છે. એ ઉંચે અને દૂર જઈ શકે છે, પણ જેટલી ઢીલ છોડવામાં આવે એટલું જ. પુરુષ એના સ્વભાવ મુજબ ગુલાંટબાજી કરવા માંડે કે છાશ ખાય તો એને ઠુમકા મારીને સીધો કરી દેવામાં આવે છે. અમુકના તો ઢઢ્ઢા એવા મચડવામાં આવે છે કે માણસ આખી જીંદગી જમીન ઉપર પડી ગયેલો રૂપિયો શોધતા હોય એમ ફર્યા કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં માણસ લચ્છા મારે એમાં નવાઈ નથી. એને પ્રેમ આપો, મુક્ત ગગન આપો. જેમ ઘાણીના બળદને મેદાનમાં છુટ્ટો મુકો તો પણ એ આદતવશ ગોળ ગોળ જ ફરે એમ પતિ નામનુ પતંગિયું પણ ફરી ફરીને પાછું તમારા આંગણામાં જ આવશે.

—-X—-X—-

 

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Monkey बात and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s