ઓફ લાઈન શોપિંગ નો મહિમા …


NGS

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી

ત્યારે ઓનલાઈન શોપિંગ ચલણમાં છે. ઘરબેઠાં મોબાઈલમાં આંગળીના લસરકે જો ધારી વસ્તુ ખરીદી શકાતી હોય તો શું કામ બજારમાં જઈ, વાહન પાર્કિંગની માથાકૂટમાં પડી, સેલ્સમેનને અમુક આઈટમ્સ બતાવવા ભાઈ-બાપા કરી, ટ્રાયલ લઈ, રૂપિયા આપી, સામાન ઊંચકી ઘેર લાવવો? ઓનલાઈન ખરીદી આનો ઉપાય છે. હવે તો ટ્રેઈન, પ્લેન, સિનેમા ટીકીટ બુકિંગ બધું ઓનલાઈન થાય છે, પણ બધું ઓનલાઈન હોય એ આવકાર્ય નથી. આ વાત એકવીસમી સદીમાંથી વીસમી સદીમાં જવાની નથી, પરંતુ કેન્ડી ક્રશની સામે ગીલ્લીદંડા રમવાની વાત છે.

To read this and other articles online on Navgujarat Samay, click on the imge above.

બે-ત્રણ વર્ષ પહેલાં ‘શાદી સે પહલે આપ કી સિર્ફ ફોટુ હી દેખીથી’ પંચલાઈનવાળી એડ મશહુર થઇ હતી. પણ એવી રીતે ફોટો જોઈને ફિલ્ડીંગ ભરવામાં અમારા ભરતકાકા ભરાઈ ગયા હતા. એમણે ‘ડફલ બેગ’ની ફ્રી ગીફ્ટ મેળવવા માટે આખો મહિનો કુપનોકાતરી કાતરીને ફોર્મમાં ચોંટાડીને બદલામાં મેળવેલી ‘ડફલ બેગ’ એટલી વિશાળ હતી કે એમાં દાઢીનો સામાન ભર્યા પછી બ્લેડની કાર્ટરિજખોસવાની પણ જગ્યા નહોતી!‘બેગ’ની સાઈઝ જોઈને અમારા ભરતકાકા એટલું જ બોલ્યા હતા કે ‘ફોટા મોં તો મારી હારી બિસ્તરા જેવડી દેખાતી’તી!’ એટલે ઓનલાઈન શોપિંગમાં તમે ખરીદેલો કડછો બાબાને ગ્રાઈપ વોટર પાવાની ચમચી જેવડો નીકળે કે જેને ડોલ તરીકે પસંદ કરી હોય એ ટમ્બલર નીકળે તો ‘હિંમત ના હાર ફકીરા ચલ ચલા ચલ’ ગાઈને આગળ વધી જવું!આમાં તો સો રૂપિયાની સેલ્ફી સ્ટીક પર દોઢસો ડિલીવરી ચાર્જ આપતાં હૈયામાંથી હાય ન નીકળે એટલું મજબુત દિલ હોવું જરૂરી છે.

દિલના મામલે પણ ડાયરેક્ટ એપ્રોચ જ રાખજો. ઓનલાઈન છોકરી પસંદ કરવી બહુ જોખમી છે. ફેસબુક પર જે છોકરી તમને પહેલી નજરે ગમી જાય એ છોકરો નીકળે, અને કદાચ તમારો જ કોઈ દોસ્તાર નીકળે તેવા ચાન્સ ભરપુર છે. અને ધારો કે છોકરો નથી, તો આંટી નીકળે તેવી પણ શક્યતા ભારે રહી છે. અને ધારો કે આંટી પણ નથી તો જે ફોટો જોઈ તમે મોહી પડ્યા હોવ એ ફોટોશોપ કરેલ કે ઈસવીસન પૂર્વે અમુક તમુક વર્ષ પહેલાનો નીકળે તેવું પણ બની શકે. અમારી સોસાયટીના સતિષ ઉર્ફે સત્તુ સેટિંગે જેની સાથે દોઢ વર્ષ ચેટિંગ કર્યું અને ફોટા-વિડીયો શેર કર્યા એ ‘રાધા કાનાની’ એનો ખુદનો જ ભાણિયો નીકળ્યો! એની બેને તો રાખડી બાંધવાનું પણ બંધ કરી દીધું છે! આ સંજોગોમાં છોકરીતો ઓફલાઈનજોઈ પારખીને જ પસંદ કરાય. આ વાત નિર્વિવાદ છે, જેની સાથે ફેસબુક પર ફિશિંગ કરીને પરણેલા સહિતના મોટાભાગનાં પીડિતો સહમત થશે. એમાંય પાછું છણકા, નખરાં, રિસામણા આ બધામાં ઓનલાઈન ક્યાં મઝા છે?ફેસબુક ઉપર તમે એકબીજાની ગમે તેટલા ક્લોઝ હોવ પણ સાથે બેસીને શિંગ ખાવાની જે મજા રૂબરૂમાં આવે એ ઓનલાઈન ન જ આવે. સારી વાત એ છે કે ભલે બાજુબાજુમાં બેસીને એકબીજાને મેસેજ કરતાં હોય, તેમ છતાં ઓફલાઈન આઉટ ડેટેડ થયું નથી, અને થશે પણ નહીં.

સીધી ઓફલાઈન ખરીદીનો અનુભવ અનેરો છે.જેમ કે, તમે દુકાનમાં જાવ તો દુકાનદાર તમારી સાથે વાતો કરશે, તમે ‘વ્યાજબી’ કરવાની વાત કરશો તો સામે એ ચા-ઠંડાનો આગ્રહ કરશે. ચંપલ વાઈફના લેતાં હશો તો પણ વખાણ તમારા ઉંચા શોખના કરશે. જોકે અમને તો આ ખરીદીમાં અમુક ક્રિયાઓ સંપન્ન ન થાય તો ડીલ અધૂરું હોય એવું લાગે છે. જેમ કે તમે સ્લીપર ખરીદતાં હોવ તો સેલ્સમેન તમનેસ્લીપર બતાવતા પહેલાં ઝંડીથી એની ઉપરની ધૂળ ઝાપટશે, પછી એને મચડીનેએની લવચીકતા બતાવશે, પછી બન્ને સ્લીપર સામસામે ભટકાવીને ફટાકો બોલાવીને પછીહવામાં ૩૬૦ ડીગ્રીની પલટી ખવડાવીને પછી ‘સાહેબ, ‘તંબૂરા’ બ્રાન્ડની આવશે. એકદમ ટોપ કોલેટી. વરસ સુધી જોવું નહિ પડે’ કહીને તમને જોવા આપશે.ઓનલાઈન ખરીદીમાં ચંપલનો ૩૬૦ ડીગ્રી વ્યુ બતાવે તો પણ આવી આવી ધામધૂમ એમાં ન આવે.

હવે મીઠાઈ પણ ઓનલાઈન મળે છે. પણ જે સંતોષ દુકાન પર જઈને ચાર મોંઘી મીઠાઈ ચાખ્યા પછીઅઢીસો ગ્રામ મોહનથાળ ખરીદવામાં મળે એ ઓનલાઈનમાં ક્યાં મળવાનો? વસ્તુ ચાખવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અમદાવાદમાં તો મીઠાઈની દુકાનોમાં ફરી ફરીને એક ટંકનું જમી આવનારા પણ મળી આવે. દિવાળીની ખરીદીમાં અમે તો મુખવાસ પણ ત્રણ જગ્યાએ ચાખી, રિજેક્ટ કરી, ચોથી જગ્યાએથી જ લેવામાં માનીએ છીએ,અને એ લેવા માટે ખાસ જમ્યા પછી જ નીકળીએ છીએ. આનાથી ઉલટું સુરતમાંતોતમે મીઠાઈ ન લેવાના હોવ તો પણ તમને હાથમાં ડીશ આપીને આગ્રહ કરીને મીઠાઈ ચખાડનારા દિલદારો પણ હાજરાહજૂર છે. ઓનલાઈનમાં શું આપણે સ્ક્રીન ચાટવાનો?

ઓનલાઈનમાં આંખોનો ઉપયોગ થાય છે, ઓફલાઈનમાં બધી ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. માટલું અને કાચના ગ્લાસ અથડાવીને એનો અવાજ સાંભળી લેવાય છે. કેરી, તેજાના, સૂંઘીને. કાપડ અને સાડી સ્પર્શ કરીને ખરીદાય છે. અને સૌથી અગત્યનું બાર્ગેઈનિંગ છે. જે બોલીને થાય છે. એક સંશોધન મુજબ સ્ત્રીઓ ઓનલાઈન ખરીદી ઓછી કરે છે. એનું કારણ આ જ હશે. ભાવમાં રકઝક કરી છેવટે વિજયી થવાની મઝા પહેલેથી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરતી વેબ્સાઈટ ક્યાંથી આપી શકે?

અમને સૌથી વધુ આળસ હેર-કટિંગ સલુનમાં જવાની અને ત્યાં બેસીને વારાની રાહ જોવાની આવે છે. એ હિસાબે ઓન લાઈન વાળ કાપી આપે કે દાઢી કરી આપે એવી કોઈ વેબસાઈટ ખુલે તો અમને મળજો યા લખજો.જોકે એમાં ‘કામ’ ચાલતું હોય ત્યારે દુનિયાભરની વાતો સાંભળવાની મજા ગુમાવવી પડે. પણ એનોય રસ્તો છે. એ લોકો ધારે તો કોઈ સલુનમાં જઈને ત્યાની વાતચીતનું રેકોર્ડીંગ કરીને બેકગ્રાઉન્ડમાં વગાડી શકે.આ સ્ટાર્ટ અપ આઈડિયા છે, જે અમે અમારા વાચકોને ફ્રીમાં આપીએ છીએ !

મસ્કા ફન
શિયાળામાં બેબી શાવર રાખો તો કંઈ પાણી ગરમ ના કરવું પડે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ઓફ લાઈન શોપિંગ નો મહિમા …

  1. kavyendu કહે છે:

    બધીરભાઈ સરસ વર્ણન અને સુંદર લેખ
    ઓફ લાઈન શોપિંગ અને એક કિસ્સો, મારા એક મિત્ર એક રીઅલ એસ્ટેટ ડેવેલપર ના સેમીનાર માં ગયા હતા, એમની પ્રોપર્ટી અને એમના કામકાજ અંગે બે કલાક સાંભળીને કંટાળ્યા, છેલ્લે એક ડ્રો કરવામાં આવ્યો અને અમારા મિત્રને એક બોટ ઇનામમાં લાગી,મિત્ર તો આઘા પાછા થઇ ગયા કે આ બોટને ઘેર કઈરીતે લઇ જવાશે? દિવસના અંતે એમને એક બોક્સ આપવામાં આવ્યું એમાં હવા ભરીને ફુલાવવાની રબર ની એક માણસ હલેસા મારી ને નાના તળાવમાં બોટિંગ કરી શકે એટલી હતી, — આ ડફલ બેગ જેવું જ થયું, એક સત્યકથા છે,

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s