દીપાવલીમાંથી દીપ બાદ કરો તો ફક્ત પાવલી જ વધે


દિવાળી પ્રકાશનું પર્વ છે એટલે દીવા વગરની દિવાળીની કલ્પના કરવી અશક્ય છે. હવે ગોખલા અને ટોડલાઓ તો રહ્યા નથી એટલે ગૃહિણીઓ પરંપરાગત કરતાં અલગ ચીલો ચાતરીને બારીમાં, બાલ્કનીમાં, તુલસીના કૂંડા આગળ, વોક વેની બે બાજુ ઉપર કે પછી અમે પણ રંગોળી પૂરી છે એ બતાવવા રંગોળીની આજુબાજુ દીવા મુકીને ઉત્સવ પ્રેર્યો હર્ષ વ્યક્ત કરે છે. આ દીવાને લીધે જ ઉત્સવ ઉત્સવ જેવો લાગે છે. ખરેખર તો દીપાવલીના તહેવારમાંથી દીપ બાદ કરો તો ફક્ત પાવલી વધે છે, જેને સરકારે ચલણમાંથી રદ કરી છે. તમારે પણ એવા કોઈ સગા કે ફેસબુકના મિત્રો હોય જે દિવાળીના દિવસે પણ દીવા ન કરતા હોય તો નવા વર્ષે એવી પાવલીઓને તમારા લીસ્ટમાંથી રદ કરવાનો સંકલ્પ કરજો. અમે દીવાઓથી આખું ઘર શણગાર્યું હતું એ આપ સહુની જાણ સારું.

અણુશક્તિની શોધ થયા પછી એની ઉપર કાબુ મેળવતા બહુ વર્ષો નહોતા લાગ્યા. પણ અગ્નિની શોધ અને ત્યારબાદ એની ઉપર નિયંત્રણ મેળવવામાં લાખો વર્ષ ગયા હશે એવું સંશોધન કહે છે. એમાં પણ રસોઈ માટેના ચૂલા અને દીવાની શોધ કરવામાં વર્ષો ગયા હશે એમ માનવાને કારણ છે. ચૂલાની શોધ પછી માનવી ઘરનું ખાતો થયો હશે. અહીં બહાર ખાવું એટલે ગમે ત્યાં હરણનો શિકાર કરીને ત્યાંજ ઉજાણી કરવાને બદલે એને ઘરે લાવ્યા પછી પત્ની એને ચૂલા ઉપર રાંધીને એમાંથી ડીશ બનાવે એને જ ઘરનું ખાવું ગણવું. દીવાની શોધ અજોડ ગણાય. દીવાની શોધને કારણે એને રાત્રીના પણ પોતાની પત્નીનું મુખારવિંદ જોવાનો સંયોગ પ્રાપ્ત થયો હશે. તહેવારોના ટાઈમે ભાવવધારો કરતી ઓઈલ મિલો એ જમાનામાં નહિ જ હોય અને તહેવાર ટાણે હેલ્થ ખાતાની રેઇડની ચિંતા પણ નહિ હોય એટલે એ સમયે પ્રાણીની ચરબીથી જ દીવા પ્રગટાવતા હશે એવું માની શકાય. બાકી તો એ જમાનામાં રાત્રે અજવાળું થાય એ ઘટના જ તહેવાર જેવી ગણાતી હોય તો પણ નવાઈ નહિ.

દીવાને હિન્દીમાં દિયા કહે છે. બોલીવુડમાંતો દિયા મિરઝા નામની હિરોઈન પણ છે અને દીપક તિજોરી અને દીપક પરાશર નામના કલાકારો પણ છે. આ બધા પ્રકાશ ફેલાવનાર દીવાબત્તીવાળા દીવા કે દીપકો નથી. એ લોકો અભિનયના અજવાળા પાથરે છે. એ સિવાય પણ અખબારના પેજ થ્રી પર વારંવાર ચમકનારી તારિકાઓ અને મેટ્રો સીટીઝની હોટ સોશ્યલાઈટસને પણ ‘Diva’ કહેવાનો ઉપક્રમ છે. એ પણ પોતપોતાના ક્ષેત્રમાં અજવાળા પાથરતી હોય છે. એ ‘દિવા’થી ઘરમાં અજવાળું થઇ શકતું નથી એટલું સમજી લેજો. આવી ’દિવા’ જેમણે વસાવી છે એમને પણ મોંઘી પડે છે. તમારી માશુકા કે પત્ની આવી ‘દીવા’ હોય કે એને ‘દિવા’ હોવાનો વહેમ હોય તો એને બાલ્કની કે કમ્પાઉન્ડની પાળી પર બેસાડીને રોશની કરવાની કોશિશ કરશો નહિ. ક્યાંક એ ત્યાંથી પડશે તો તમારા રૂપિયાથી ઓર્થોપીડીક સર્જનને ત્યાં રોશની થશે.

દીકરાને પણ ઘરનો દીવો કહે છે. માણસને તારે, ઊંચો લાવે કે એના કુળને ઉજાળે એવા દીકરાને કુળદીપક કહે છે. મા-બાપની સેવા કરનારને શ્રવણની ઉપમા આપવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘દી વાળે દીકરા, કાં ધોરી કાં ધરા, કાં તો વનનાં ઝાડવાં, નહિ તો તલ ખરા’. કમનસીબે આજકાલ શોર્ટકટથી પૈસા કમાવાના ચક્કરમાં દીકરાઓ દી વાળવાને બદલે બાપને દેવાળું કાઢવાના આરે લાવીને મૂકી દેતા હોય છે. મોટા પાયે કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરીને ઉદ્યોગપતિ બનવાના સપના સેવતા અમારા એક સ્નેહીના જમાઈને એના પિતાશ્રી કોઈ રીતે કોઠું આપતા નહોતા અને સસરા શીશામાં ઉતરતા નહોતા. થોડા વર્ષ પછી એ સ્નેહી અમને મળ્યા ત્યારે અમે પૂછ્યું કે આજકાલ શું બનાવે છે તમારા જમાઈ? તો મોઢું કટાણું કરીને એમણે કહ્યું ‘એ હજી એના બાપાને જ બનાવે છે. હું શીશામાં ઉતરું એવો નહોતો છતાં એણે મને પણ પંદર લાખનો ચૂનો લગાડ્યો છે!’ જોકે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. લોકો ભલે કકળાટ કરતા હોય કે હવે શ્રવણ જેવા કુળદીપકો ક્યાં પાકે છે? પણ જમીની હકીકત એ છે કે હવે કયા મા-બાપ શ્રવણના ખભે જાત્રા કરવા ઈચ્છે છે? હવે તો છોકરાં વિદેશ હોય તો મા-બાપ કેસિનો અને દેશમાં હોય તો હિલ-સ્ટેશન ફરવા ઝંખે છે. માનવામાં ન આવતું હોય તો ઢીલા જીન્સમાં ‘ઇન’ કરેલા ટી-શર્ટમાં સજ્જ ડોહા-ડોહીઓએ હોલીવુડના યુનિવર્સલ સ્ટુડિયો આગળ પડાવેલા ફોટા ફેસબુક ઉપર જોઈ લેજો.

તથાગત ભગવાન બુદ્ધનો છેલ્લો સંદેશ હતો ‘આત્મદીપો ભવ’-તું તારા દિલનો દીવો થાજે. યાદ છે એક દીવાની વાત બીરબલની ખીચડીવાળી વાર્તામાં આવતી હતી? એ જમાનામાં પણ રાજાઓ પ્રોમિસ આપીને ફરી જતાં હતાં. વાર્તામાં બ્રાહ્મણ ઠંડા પાણીના હોજમાં આખી રાત વિતાવે છે અને સવારે રાજા એ તો દીવાની હૂંફથી તું ટકી ગયો એ કારણ આગળ ધરી એને ઇનામથી વંચિત રાખે છે. આ ઇનામ એટલે ચૂંટણી સમયના વચનો, ઠંડા પાણીનો હોજ એટલે પાંચ વરસ પ્રજાએ વેઠવા પડતી તકલીફો, અને મુદ્દાની વાત એ છે કે પ્રજા જેને બીરબલ સમજીને ફરિયાદ કરવા જાય છે એ સત્તામાં આવીશ તો તમારી બધી સમસ્યાઓ સોલ્વ કરી દઈશ એવા ઠાલા વચનો સહીત બ્રાહ્મણને ફરી હોજમાં ઉભો કરી દે છે. માટે પોતાની સમસ્યાનું સોલ્યુશન બીજા પાસે શોધવા જવામાં સાર નથી. તું તારો જ દીવો થા!

મસ્કા ફન
અમુક લોકો દીવાના હોય છે એમ
ઘંટડીના કે અગરબત્તીના કેમ નથી હોતા?

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s