લાઇસન્સ ટુ કિસ


બોન્ડની ફિલ્મ ‘સ્પેક્ટર’ આવી ત્યારથી ચર્ચામાં રહી. જેમ્સ બોન્ડના પાત્ર માટે એવું કહેવાય છે કે એને બધું જ આવડે. નાગા બાવાનું ખિસ્સું કાપવા સિવાયના બધા સાહસો એ કરી શકે છે. એ કામ ફક્ત આપણા દેશી સુપર હ્યુમન રજનીકાંત જ કરી શકે એટલે એ રીતે બોન્ડ ભ’ઈને  ‘Mr Q’ કરતાં રજનીકાંતની ટ્રેઈનીંગની વધારે જરૂર ગણાય. ખેર, રજનીભાઈ તો આ બધું શોખથી કરે છે જ્યારે બોન્ડ ભ’ઈની તો નોકરી છે. એ ભાઈ પાસે ‘લાઈસન્સ ટુ કિલ’ પણ છે જેના આધારે જરૂર પડે તો એ કોઈને મારી નાખી શકે છે. આવા પરાક્રમી બોન્ડની ફિલ્મ ‘સ્પેક્ટર’ એમાં બતાવેલા ચુંબનને કારણે આપણા સેન્સર બોર્ડમાં અટવાઈ! લો કહો! સાલું દુનિયા ભરની હુંશિયારી ભરી છે તોયેએ ટોપાને એટલી ખબર ન પડી કે ‘લાઈસન્સ ટુ કિલ’ની જેમ આધાર કાર્ડ, બર્થ સર્ટી અને ફોટો આઇડી પ્રુફની કોપીઓ સાથે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતામાં અરજી કરીને ‘લાઇસન્સ ટુ કીસ’ મેળવી લઈએ!

જોકે 007ને આવું ‘લાઈસન્સ ટુ કિસ’ આપવામાં આવ્યું હોત તો પછી સાવ ડોહાની કક્ષાએ ન પહોંચ્યા હોય એવા જૂથો દ્વારા આ લાભ છેવાડાના નાગરિક સુધી પહોચી શકે એ માટે માગણી જરૂર ઉઠી હોત. અમે તો કહીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયામાં આ મામલે વાતાવરણ ગરમ છે તો યુવા પેઢીએ ‘લાઈસન્સ ટુ કિસ’ની માગણી સાથે આંદોલન છેડી દેવા જેવું છે. ક્યાં સુધી બગીચામાં, રીવરફ્રન્ટ પર, અટીરા અને લો ગાર્ડનનાં ઝાડ પાછળ બેઠેલા યુગલો સિક્યોરીટીવાળા સાથે તોડ-પાણી કર્યા કરશો? એવું હોય તો વચન આપો કે આ હકનો ઉપયોગ અમે જવાબદારી પૂર્વક કરીશું. સામે સરકારને ઠીક લાગે તો જે તે લાભાર્થી માટે જાહેરમાં ચુંબન કરતા અગાઉ મામલતદાર (મનોરંજન) પાસેથી આગોતરી પરવાનગી લેવી ફરજીયાત કરી શકે. ઉપરાંત સદર ઘટના સ્થળ ઉપર ઉપર ભીડ થવાની શક્યતાને ધ્યાને લઇને સભા, સરઘસ અને દેખાવો કરવા માટેનું પોલીસ ખાતા પાસેથી ક્લીયરન્સ મેળવવાનો કે ઉંમરનો દાખલો સાથે રાખવાનો આગ્રહ રાખી શકે. આમાં માઈક વગાડવાનું ન હોઈ રસિયાઓ આ પ્રવૃત્તિ રાત્રે દસ પછી પણ ચાલુ રાખે તો સરકાર વાંધો લઇ શકે નહિ.

વાત હક્કની અને મોટા સામાજિક પરિવર્તનની છે એટલે ડ્રાઈવિંગ લાઇસન્સ, હથિયાર રાખવાના પરવાના તથા દારૂની પરમીટ મેળવવા માટે હોય છે એમ શરતો રાખી શકાય.જરૂર પડે તો IPC Section 294માં શરતોને આધીન છૂટછાટો મૂકી શકાય. આમાં દારૂની પરમીટોની લ્હાણી બાબતે અવારનવાર હોબાળો કરતી ડોહાઓની ગેંગ કડક શરતો લાદવા દબાણ લાવી શકે છે. આવા લોકોને વિનંતી કે આટલા વર્ષ તમારી આમન્યા રાખી, હવે ખમી ખાવ. જે ડોહાઓ હજી પણ જવાન છે અને પોતાના ભાગે આવેલી ડોશીને વહાલ કરે છે એમને પણ સીનીયર સીટીઝન તરીકેની વિશેષ સવલતો આપવામાં આવશે એની ખાતરી રાખે. એટલું જ નહિ પણ જે આધેડો ડોહત્વ તરફ આગળ વધી રહ્યા છે એમને પણ આ ઝુંબેશમાં જોડાઈ જવા હાકલ છે.

સેન્સર બોર્ડને કિસની લંબાઈ બાબતે વાંધો પડ્યો હોવાનું કહેવાય છે એટલે કિસ કેવી હોવી જોઈએ અને કેટલી લાંબી હોય તો એને લાં……બી કહેવાય એ બાબતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પાસે ‘Code of Practice for Kissing and Allied Activities in Public Places’ બહાર પડાવીને વિગતે માર્ગદર્શન આપી શકાય. આના આધારે રમત-ગમત વિભાગ ઇમરાન હાશ્મીની દોરવણી નીચે ‘કિસ રેફરીઓ’ની ફોજ તૈયાર કરી શકે જે ચુંબનની કાર્યવાહી નિયમસર થાય તેનું ધ્યાન રાખે. જે કોઈ યુગલ ઠરાવેલા સમય પહેલાં ચુંબનનો કાર્યક્રમ પૂરો ન કરે તો રેફરી સિસોટી વગાડીને ફાઉલ જાહેર કરી શકે. મજાની વાત એ છે કે અત્યારે પણ રાત પડે ગામના બાગ-બગીચા અને એકાંત જગ્યા ઉપર સિસોટીઓ વગાડી વગાડીને રેફરીના ફેફસા ફાટી જાય એવો માહોલ છે. ક્યારેક એવું પણ બની શકે કે કોઈ એકાંત ખૂણામાં રેફરીના ઘરનો દાગીનો નીકળે અને એના મોઢામાંથી સિસોટીના બદલે ચીસ નીકળી જાય! આવામાં પણ નિયમોનું પાલન કરનારા જાગૃત યુગલોનું શોષણ થતું અટકે એ માટે સિક્યોરીટી તરીકે ફરજ બજાવતા જવાનો સાથે આવા કિસ રેફરી રાખવા ફરજીયાત કરી શકાય.

બાકી અમે તો માનીએ છીએ કે ભાઈઓ, આ સમય છે બોલવાનો. (બહેનોને આમાં કંઈ લેવાદેવા નથી) અત્યારે નહિ બોલો તો સેન્સરવાળા એવી આચાર સંહિતા દાખલ કશે કે ભારતમાં રીલીઝ થતી ફિલ્મમાં ચુંબન દ્રશ્ય બતાવવું હોય તો હીરોએ પહેલાં માથાબોળ સ્નાન કરી, અબોટિયું પહેરી, કપાળમાં કંકુ ચોખા ચોડી અને હાથે નાડાછડી બાંધવી પડશે. હિરોઈને પણ સ્નાન કર્યા પછી રેશમી વસ્ત્રો ધારણ કરવા પડશે અને ત્યારબાદ જ ચુંબન ઈત્યાદીની કાર્યવાહી હાથ ધરી સોરી, કાર્યવાહી મોં ધરી શકાશે. બોલો ફાવશે? જોકે આપણને આ સુવિધા મળવાની ન હોઈ અમથી કીકો મારવાનો સવાલ નથી, પણ ગાલીબ, અમથી ચુમ્માચાટી દેખને સે યે ખયાલ અચ્છા હૈ!

મસ્કા ફન
આપવું હોય તો અત્યારે જ આપ રોકડું
ચુંબનનાં કંઈ પોસ્ટડેટેડ ચેક ના હોય !

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s