ભેંશ પાણીમાં જાય એ બ્રેકીંગ ન્યુઝ નથી!


Feelings title-1

ભેંશ પાણીમાં જાય એ બ્રેકીંગ ન્યુઝ નથી!

પણી બોલચાલની ભાષામાં કોઈ અઘરી કે સમજાવવામાં તકલીફ પડે એવી વાતને સરળ બનાવવા માટે કહેવતો કે રૂઢી પ્રયોગોનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર આમ કરવાથી વધુ દલીલ કે સ્પષ્ટતાની જરૂર પણ ટાળી શકાય છે. આમ તો આવી કહેવતો કે રૂઢી પ્રયોગોનો અર્થ સ્વયં સ્પષ્ટ હોય છે, નહીતર પણ વાતના સંદર્ભમાં એને જોવાથી સમજાઈ જાય એવો હોય છે. પણ અમુક કહેવતો અને રૂઢી પ્રયોગો વર્ષોથી કર્ણોપકર્ણ ચાલ્યા આવતા હોય છે જેની પાછળ કોઈ દ્રષ્ટાંત, ઘટના કે અનુભવને પરથી તારવેલો કે નિષ્પન્ન થતો બોધ હોય છે જે ક્યારેક સમજવામાં અઘરો પડે છે. અમારે તો પહેલેથી જ મગજમાં કેમિકલ લોચો છે એટલે કેટલીકવાર અમુક કહેવત ઉપર અમારી પીન અટકી જાય છે.

દાખલા તરીકે હિન્દીમાં એક કહેવત છે કે ‘સોયા ગધા ઘાસ નહિ ખાતા’. જેનો ગુજરાતીમાં અનુવાદ થાય છે ‘સુતેલું ગધેડું ઘાસ નથી ખાતું!’ હવે આમાં જે કહેવાયું છે સમજવું અઘરું નથી. ગધેડું સુતું હોય ત્યારે ઘાસ નથી ખાતું એ તથ્ય કદાચ ગધેડાના માલિક, ગધેડા પાળનાર કે ગધેડા ઉપર સંશોધન કરનારે એ પ્રાણીના અભ્યાસ ઉપરથી તારવ્યુ હશે. અને સ્વાભાવિક છે એને સુતા સુતા ખાવાનું ન ફાવતું હોય તો ન ખાય એમાં નવાઈ નથી. એને તો બે હાથ પણ નથી કે જેના વડે એ પૂળાના બાચકા ભરીને મોંમાં ઠાલવી શકે. અરે હાથ હોય તો પણ સુતા સુતા ખાવામાં તકલીફ પડે છે એવો મારો અંગત અનુભવ છે. અમે પલંગમાં સુતા સુતા ટીવી ઉપર મુવી જોતી વખતે ખાખરા, શક્કરપારા કે બિસ્કીટ ખાવાની જેટલીવાર કોશિશ કરી છે એટલી વખત કાં એનો ભુકો બગલ સુધી પહોચ્યો હોય કે પછી પથારીમાં પડખું બદલતા નાસ્તાની કણીઓ વાગી હોય એવું અચૂક બન્યું છે અને ઘરવાળી સાથે પથારી બગાડવા બાબતે ઝઘડો થયો હોય એ જુદો. જોકે ગધેડાને આવી બબાલ ન હોય, પણ તોયે સુતા સુતા ખાવાનું એને ન ફાવે એ દેખીતું છે. ઘાસના બદલે ગાજર હોય તો પણ એ ન ખાય એ સમજી શકાય. તો પછી આ કહેવત બનાવવાનું કારણ શું? એમાં બોધ શો? હવે તો કોઈ ગધેડું સુતું હોય તો એના મોઢા આગળ ઘાસનો પૂળો ધરીને ચેક કરવું છે કે એ આળસમાં નથી ખાતું, એને સુતા સુતા ચાવતા નથી ફાવતું એટલે નથી ખાતું કે ખાતી વખતે એના લાંબા કાન નડે છે? આ વાતની ચોખવટ થાય એટલે તારણો સાથે હું ફરી હાજર થઈશ.

એક હિન્દી રૂઢી પ્રયોગ છે ‘ગઈ ભેંસ પાની મેં!’

બોલો, આમાં નવું શું છે? સુરજ ઉગી રહ્યો છે, પંખીઓ ઉડી રહ્યા છે, છોકરાં સ્કૂલે જઈ રહ્યા છે એવું સાદું વિધાન છે. જગતગુરુ શંકરાચાર્યે પાણી માટે કહ્યું છે ‘आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम्’ અર્થાત આકાશમાંથી પડતું પાણી (અંતે તો) સાગર તરફ જાય છે. કદાચ એજ રીતે ભેંસનો એવો સ્વાભાવ હોઈ એ પાણીમાં જતી હોય એવું બની શકે છે. અને ભેંસે દૂધ આપી દીધું હોય, ચારો પણ ચરી લીધો હોય પછી એ નવરી પડી હોય અને બે ઘડી માદણાં (કાદવકીચડથી ભરપૂર ખાબોચિયું)માં પડીને આળોટે એમાં તમને શું તકલીફ છે? એ એની જરૂરિયાત પણ હોઈ શકે છે. જેમ કે ચારો પચે ત્યાં સુધી શરીરને એનો ભાર ન લાગે એ માટે કે ઠંડક માટે એ બે ઘડી પાણીમાં બેસતી હોય. એમાં તમારા બાપનું શું જાય છે તે એને બદનામ કરો છો? એના દૂધથી કામ રાખોને!

અને ભેંસ પાણીમાં જાય એ ઘટના બ્રેકીંગ ન્યુઝ નથી કે એને આટલું મહત્વ આપવું પડે. જો એવું હોત તો કવિઓ જે રીતે મોર અને કોયલના ટહુકા ઉપર મોહી પડીને કવિતાઓ ખેંચી કાઢે છે એમ ભેંસનાં ભાંભરવા ઉપર પણ કવિતાઓ રચી હોત. માદણાંમાંથી નીકળેલી સદ્યસ્નાતા (તાજી નહાયેલી) ‘મહિષી’ (જેના સંસ્કૃતમાં બે અર્થ થાય છે ભેંસ અને પટરાણી) ઉપર એના કદ પ્રમાણે સોનેટ કે ગઝલ નહિ તો છેવટે એના પૂંછડા ઉપર નાનું મુક્તક તો લખ્યું જ હોત. જોકે પછી ચોપડા ફેંદતા ફેંદતા એક ગુજરાતી કહેવત જડી એટલે આ હિન્દી કહેવત પણ સમજાઈ ગઈ અને એ કહેવત હતી ‘ઘાંચમાં ગયેલું ગાડું, નેફામાં ગયેલું નાડુ અને પાણીમાં ગયેલું પાડું જલ્દી બહાર નીકળતા નથી!’

જોયું? એક કહેવતથી વાત કેટલી સરળતાથી સમજાઈ ગઈ? મેં અમથી કીકો મારીને?

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , . Bookmark the permalink.

2 Responses to ભેંશ પાણીમાં જાય એ બ્રેકીંગ ન્યુઝ નથી!

 1. Deejay.Thakore. કહે છે:

  છો પાકા અમદાવાદી! મઝાના આર્ટીકલ લખીને વંચાવો છો તે પણ મફતમાં પણ બીજા મારફત.
  ડાયરેક્ટ વાંચકને મોકલાવવાની માથાકુટ વગર!

  Like

  • હાહાહા … આભાર.

   આપનું ઈમેઈલ આઈડી આપશો તો દરેક નવો લેખ સીધો ઇમેઇલથી મળી જશે. (અથવા નવા લેખની લીંક મળી જશે.)
   બ્લોગને ઇમેઇલથી સબસ્ક્રાઈબ કરવાની સગવડ પણ છે. જમણી બાજુના સાઈડ બારમાં પણ છે.

   Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s