ડીસેમ્બર મહિનાના વહીવટો


થોડા સમય પહેલાં જ અખબારમાં સમાચાર વાંચ્યા કે ‘હેલ બોપ’ ધૂમકેતુ પછી બીજા નંબરનો તેજસ્વી અને સક્રીય એવો ‘લવ જોય’ નામનો ધૂમકેતુ દર સેકન્ડે ૫૦૦ બોટલ જેટલો આલ્કોહોલ અવકાશમાં છોડે છે! અહેવાલમાં બોટલની સાઈઝ તો નહોતી જણાવી પણ આપણે ત્યાં જેને ‘ફૂલ’ કહે છે એ સાઈઝની હોય તો પણ સેકન્ડે ૫૦૦ એટલે મિનીટની ૩૦,૦૦૦, એટલે કલાકની ૧૮ લાખ બોટલ અને દિવસની ૪ કરોડ ૩૨ લાખ બોટલથી પણ વધુ થઇ! એને ગુણ્યા ૭૫૦ એમએલ કરશો તો વગર પીધે લુઢકી જશો! એમાં પણ આ બધીય પછી ‘દેશી’ કે ‘ઈંગ્લીશ’ નહીં પણ ‘અવકાશી’ અને તે પણ હજારોથી લઈને લાખો વર્ષ જૂની! વાંચીને તબિયત હલી ગઈ!

બિનસત્તાવાર સૂત્રો મુજબ આ સમાચાર વાંચીને સુરત બાજુ તો પૂછપરછ પણ ચાલુ થઇ ગઈ છે કે ‘આ જે ઢૂમકેટુ કેવ છો ટે  હુરત બુરત પરથી ઉડવાનો કે ની?’ જયારે અમદાવાદ બાજુ તો લોકોએ દારૂની બ્રાન્ડ અને પ્રકાર પણ પૂછ્યા સિવાય ધાબા ઉપર ડોલ, ડબલા, ટબ-તગારા અને કેરબા જે હાથમાં આવ્યું તે ચડાવવાનું ચાલુ કરી દીધું છે. આ બધી ધમાલનું કોમન કારણ એ છે કે ડીસેમ્બર એટલે પાર્ટીઓનો મહિનો અને ડીસેમ્બર આવે ત્યારે અહીં ગુજરાતમાં મદિરાના વહન ઉપર પોલીસની એટલી ધોંસ હોય છે કે બાટલી મેનેજ કરવી એ રસિયાઓ માટે એક મિસન બની જાય છે. છેલ્લે જાગનારાઓએ તો ક્રિસમસ અને ન્યુ યર પાર્ટી માટે ઓન આપીને ખરીદવી પડતી હોય છે. અહીં જ્યાં પાર્ટીમાં દોસ્તોની સંખ્યા પણ બોટલની લંબાઈ અને સંખ્યા પ્રમાણે રાખવી પડતી હોય ત્યાં પોલીસની બબાલ વગર ડાયરેક્ટ આસમાનમાંથી ટેરેસ ડીલીવરી થતી હોય અને બધું આમ જ ચોગડે પાંચડે પતી જતું હોય તો રસિયાઓને તો જલસા જ પડી જાય! પણ રસિયાઓ, તમારા ખયાલી પૂલાવનું તપેલું ચૂલા ઉપરથી ઉતારી લો, કારણ કે એ ધૂમકેતુ સાત કરોડ કિલોમીટર દૂરથી પસાર થઇ ગયો છે અને એટલે દૂરથી મદિરા વર્ષા થાય તો પણ આપણે જેને ‘છાંટો પાણી’ કહીએ છીએ એટલું ય અહીં સુધી ન પહોચે!

ખેર, ડીસેમ્બર આવે એટલે આ પ્રકારના આયોજનો માટે શોખીન ગુજરાતીઓએ તૈયાર રહેવું જ પડે છે. એટલું ખરું કે મોંઘવારીને લીધે આજકાલ ઉજવણીના કોઈ પણ જાતના આયોજનો થોડા મોંઘા થઈ ગયા છે. બાકી હોય એમ ડીસેમ્બર એ લગન-પદૂડા લોકોનો મહિનો કહેવાય છે. સૌથી વધુ લગ્નો પણ ૫ થી ૧૫ ડીસેમ્બર વચ્ચે જ આવતા હોય છે. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. ગમ્મેતે બાબ્ભ’ઈ કે બચુ ભ’ઈને ઉભા રાખીને લગ્નતિથી પૂછશો તો કહેશે ૧૧મી કે ૧૨મી ડીસેમ્બર! જોકે આ લખનારનું નામ બાબ્ભ’ઈ કે બચુ ભ’ઈ નથી પણ એમની આઝાદીની પૂણ્યતિથી પણ ૧૨મી ડીસેમ્બરે જ આવે છે અને એમના ખાસ મિત્ર મેહુલની પણ. અલ્યા ભ’ઈ અમે તો પરણ્યા એ પરણ્યા પણ તમે લોકો શું રહી ગયા છો? બીજો કોઈ મહિનો પકડોને! એક તો ઓક્ટોબર-નવેમ્બરમાં આવતી દિવાળીમાં કપડા, ખાણીપીણી અને દારૂખાનાં પાછળ ખર્ચો કર્યો હોય કે ફાર-મિડલ ઇસ્ટ કે યુરોપની ટુર કરીને બેંક બેલેન્સને ડામાડોળ કર્યું હોય અને એ પછી આવતા આ લગ્નો લીટરલી ‘પડ્યા ઉપર પાટુ’ જેવા લાગે છે. પરણેલા લોકોને તો ખાસ. નોકરિયાત માણસને તો ડીસેમ્બરની પંદરમી તારીખ સુધીમાં પગારનું અચ્યુતમ કેશવમ થઇ ગયું હોય ત્યાં ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી શું તંબૂરાથી કરવાના હતા?

ક્રિસમસ અને ન્યુ યરના તહેવારો પણ પાછલા કેટલાક વર્ષોથી ધંધાવાળાને ટર્નઓવરનો સારો એવો મોકો આપે છે. એમાં ઘણા પપ્પા અને મમ્મીઓના બજેટ ઓવર ટર્ન થઇ જતા હશે એ અલગ વાત છે. જોકે આજકાલ છોકરાં ચીલ-આઉટ કરતાં હોય એમાં મોમ-ડેડ લોકો બહુ વાંધો લેતાં નથી. અહીં ન્યુ યર પાર્ટી માટે ‘ગાય્ઝ’ તરીકે ઓળખાતા પ્રાણીઓએ આગોતરું આયોજન કરવું પડે એવો માહોલ છે. ગર્લફ્રેન્ડને ઝકાસ ટાઈપનું એમ્બીયંસ, હોટ લૂકિંગ ગર્લ્સથી ભરેલું ક્રાઉડ, ફાડુ ટાઈપનો ડીજે અને ડિલિશ્યસ ફૂડ સાથેના મોસ્ટ હેપનિંગ ઇવેન્ટના ઈન્વાઈટસ કે પાસીસ ન બતાવી શકો તો તમારે ‘ઓના કરતા તો અમાર ગણપતિ મોં ડીજે આ’વ છઅ એ ટોપ જમાવ’છ … આ શું ભીડમોં  હૈશો હૈશો કરવું. હેડો ઘેર …’ ટાઈપની ગર્લફ્રેન્ડથી ચલાવી લેવું પડે. તમારામાં આ આવડત તો હોવી જ જોઈએ. હવે તો જે છોકરાંને ગર્લફ્રેન્ડ ન હોય એના મા-બાપ ચિંતા પણ કરતાં જોવા મળે છે, પણ ઉપરવાળાની કૃપાથી કીડીને કણ, હાથીને મણના ધોરણે  આવા માંકડાને પણ એના લાયક લાકડું મળી જ રહેતું હોય છે.

ગર્લફ્રેન્ડ અને પાર્ટીનું ગોઠવાય પછી ડ્રેસ કોડ કે થીમ પ્રમાણેના ડ્રેસનું સેટિંગ કરવાનું આવે છે. અમારે અમદાવાદમાં મોટે ભાગે હજી ડિઝાઈનરોને ખાસ ઘરાકી નથી મળતી એટલે લોકો ‘વેસ્ટર્ન’ અને ‘એક્સક્લુઝીવ’ લાગે એવું કૈંક પહેરીને નીકળી પડતા હોય છે. ડ્રેસ કોડ ન હોય ત્યાં પણ મોટેભાગે બ્લેક-ઓન-બ્લેક કે રેડ એન્ડ બ્લેકનું કોમ્બીનેશન કોમન હોય છે. અમુક જગ્યાએ તો ગાય્ઝ માટે બ્લેક ઓન બ્લેકના ડ્રેસ કોડને લીધે ડાન્સ ફ્લોર ઉપર હોટ ગર્લ્સ સાથે બાઉન્સરો ડાન્સ કરતા હોય એવો સીન જોવા મળે છે. પણ અમદાવાદની એક વાત કહેવી પડે કે કડકડતી ઠંડી હોય તો પણ અહીં કોઈ વાંદરા ટોપી કે બાંડીયું સ્વેટર પહેરીને ડાન્સ ફ્લોર પર નાચતું જોવા મળતું નથી, સિવાય કે ફ્લેટ કે સોસાયટીના યુવક મંડળે ‘છોકરાં બહાર જઈને બગડી જાય એના કરતાં આપણે કોમન પ્લોટમાં જ ગોઠવો’ના ધોરણે આયોજન કર્યું હોય! બાકી ઘરે બે ગોદડા ઓઢીને સુઈ જનારી છોકરીઓ ડીસેમ્બરની કડકડતી ઠંડીમાં પણ મીની સ્કર્ટ, ફ્રોક કે શોર્ટ્સ પહેરીને મોડી રાત સુધી ઝૂમતી જોવા મળે છે એ નવાઈ ખરી!

આ તો અમુક તહેવારો અને સામાજિક પ્રસંગોની વાત કરી પણ ઉપર વાત કરી એ ઠંડીનો સામનો કરવો ફરજીયાત છે, કારણ કે ભૌગોલિક રીતે આપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવીએ એટલે ડીસેમ્બર એ આપણા માટે ઠંડીનો પાવરપ્લે ગણાય છે. આમાં શું આયોજન કરવું એ તો સહુ જાણે જ છે. જોકે છેલ્લા વર્ષોમાં ઠંડીના પાછલા રેકોર્ડ તૂટી રહ્યા છે અને સીઝન પણ હવે સીઝનલ નાટકો બતાવી રહી છે એ ચિંતા જનક છે. ડબલ સીઝનની વાત જૂની થઇ હવે તો સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે માવઠું અને મોડી રાત્રે છવાતું ધૂમ્મસ પણ અમને ચોંકાવતું નથી. અમારે અમદાવાદીઓને કન્ફયુઝન માત્ર આવી રાખી સાવંત છાપ સીઝન દરમ્યાન શું ખાવું-પીવું એ બાબતનું વધુ હોય છે. કોઈ ‘ડોશી’ કે ‘માજી’ કહી જશે એ ભયે મોડર્ન ગૃહિણીઓ અડદિયા પાક બનાવવાનું ટાળી રહી છે. મેથી પાક ફક્ત હસબંડો માટે હોય છે અને એ સમય સંજોગો પ્રમાણે રોકડમાં અને હાથોહાથ જ આપવામાં આવે છે. ઠંડી હોય તો ઊંધિયું ખાવાનો રીવાજ છે અને વરસાદ હોય તો દાળવડા ખાવાનો રીવાજ છે એ વાત જાણીતી છે. ઠંડી ને વરસાદ ભેગા હોય તો ઊંધીયામાં મુઠીયાને બદલે દાળવડા નાખવાના પણ પ્રયોગો થાય છે. બપોરે ગરમી પડે અને કોઈ હરખ પદૂડો કેરીનો રસ માગે તો ‘તમારા પિતાશ્રી આંબા વાવી ગયા હોય તો કેરીઓ તોડી લાવો તો અમે પણ વાટકી વાટકી પીએ’ એવું સાંભળવા મળી શકે છે.

ટૂંકમાં ડીસેમ્બર પહેલાં તમારે વિન્ટરવેર ઉપરાંત રજાઈ, બ્લેન્કેટ અને છત્રી-રેઇનકોટનું પણ આયોજન કરવાનું રહેશે અને એ મારે તમને કહેવું પડે એટલા તમે નાના નથી. એવું જ શિયાળામાં બ્રશ કરવો અને દાઢી ઘસવા બાબતે છે. એમાં પણ કોઈ આગોતરા આયોજનની જરૂર નથી. બ્રશ કરવામાં આગલા દિવસે કોઈને કહેવડાવવાનું નથી હોતું કે દાઢી કરવામાં પણ નજીકના સગા વહાલાને બોલાવી લેવા પડે એવું કંઈ હોતું નથી. એ બધું એકલા જ પતાવવાનું હોય છે. શરત એટલી કે ઠંડી ગમ્મે તેટલી હોય પણ બ્રશ-દાઢી ગોદડાની અંદર કરવાની મનાઈ છે.

ગરમ પ્રદેશમાંથી અત્રે આવેલા સાધકો ઠંડી ઉડાડવા માટે અહીંની ‘ટૂંટિયાપ્રથા’  પ્રથા વિષે પૂછપરછ કરતાં હોય છે. એમાં જોકે આગોતરું આયોજન કરવાની જરૂર હોતી નથી, બસ ઠંડી વાય કે તરત ઘટના સ્થળ ઉપર જ ટૂંટિયાસનની મુદ્રા ધારણ કરવાની હોય છે. પણ આ વિષે માર્ગદર્શન વગર પ્રયોગ કરવાથી ગૂંચવણ ઉભી થઇ શકે છે અને હાથ પગ છુટા પડવા માટે ફીઝીયોથેરાપિસ્ટની મદદ લેવી પડે એવી પણ શક્યતા છે. છતાં પ્રાથમિક માર્ગદર્શન માટે ટૂંટિયાર્થીઓ અમારા ફેસબુક પેજ ઉપર ટૂંટિયાસન વિષે શાસ્ત્રીય માર્ગદર્શન મેળવી શકે છે. બસ, ટૂંટિયા વિષે એક વાત સહુ સમજી લે કે સૌએ પોતપોતાનું ટૂંટિયું જાતે જ વાળવાનું હોય છે અજીત વતી રાબર્ટ, મોગેમ્બો વતી ડાગા-તેજા કે ગબ્બરસિંઘ વતી સાંભા ટૂંટિયું વાળે એ ન ચાલે.

છેલ્લે આઠથી બાર ડીગ્રી ઠંડીમાં નહાવાની વાત આવે છે. ઘણા સાધકો અમને પૂછતાં હોય છે કે ઠંડીમાં નહાવાની બાબતમાં રાહત મળે એવું કોઈ આગોતરું આયોજન થઇ શકે? તો જવાબ છે હા, થઇ શકે. જેમ ગ્રીન હાઉસ ગેસીઝ પેદા કરતા દેશો કાર્બન ક્રેડીટ લેતા હોય છે એમ આગોતરા આયોજન રૂપે ઉનાળામાં દિવસમાં બબ્બે કે ત્રણ ત્રણવાર નહાઈને ‘બાથ ક્રેડીટ’ લઇ શકો અને પછી શિયાળામાં એના આધારે નહાવાનું ગુપચાવી શકો. જોકે આ કામગીરીની પાકી નોંધ કેલેન્ડરમાં કરવી ફરજીયાત છે નહીં તો ઘરમાં ઝઘડા થશે અને અમારી જેમ સાબુ ચોળીને નહાયા બાબતની એફિડેવિટ કરવાનો વારો પણ આવશે. બાકી અમારી તો નમ્ર અરજ છે કે માણસ એકલું ડીઓડરન્ટ છાંટીને ચલાવે એના કરતાં ડીઓ જેટલું જ પાણી શરીર ઉપર ચોપડે એને પણ નહાયા બરોબર જ ગણવું જોઈએ. તમે પણ આવું જ માનતા હોવ તો આવી જાવ ઓટલા ઉપર …

 —–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Monkey बात and tagged , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s