ગલીપચી


Feelings title-1

ગલીપચી

કેટલાક પ્રકારની અનુભૂતિને વ્યક્ત કરવા માટે સામાન્ય રીતે અમુક ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહ વપરાતો જોવા મળે છે. એ શબ્દ વાપરનાર વ્યક્તિ બોલચાલમાં એની યોગ્યતા બાબતે સભાન ન હોય તો સામેવાળી વ્યક્તિને એના અર્થ બાબતે ગુંચવણ થતી હોય છે. આની મોટેભાગે પેલા મહાશયને ખબર પણ હોતી નથી. ‘વેદના’ એક એવો શબ્દ છે.

વેદના જાત જાતની હોય છે. વિરહની વેદના, ફૂલની પાંખડીથી ઘાયલ થયેલા કવિની વેદના અને બેંચ ઉપર બેસવા જતા પૃષ્ઠ ભાગે વાગેલી ખીલીની વેદના જુદી જ હોય છે. સામેની બાલ્કનીમાં ઉભેલી કન્યાને જોવા જતાં બાઈક ડિવાઈડર ઉપર ચઢી જાય પછી થતી વેદના અને ‘મૈ માં બનનેવાલી હૂં …’ ડાયલોગ સાંભળીને એક જમાનામાં હિરોઈનના બાપને છાતીમાં ઉપડતી હતી એ વેદનામાં પણ મોટો ફરક છે. આ પૈકીની શોખથી વહોરેલી વેદનાઓને બાદ કરતાં બાકીની તમામ પ્રકારની વેદનાઓના ડોકટરો પણ જુદા હોય છે અને એની સારવારનો ખર્ચો પણ અલગ હોય છે. આમ છતાં આ બધું ‘વેદના’ શબ્દમાં સમાવિષ્ટ ગણાય છે! આવો જ બીજો શબ્દ છે ‘ગલીપચી’!

આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે જીવનમાં ક્યારેય પણ ગલીપચીનો અનુભવ ન કર્યો હોય. ટેકનીકલ રીતે કહીએ તો શરીરના મર્મ સ્થાન જેવા કે કમર, બગલ, પગના તળિયા, કાન પાછળ કે કાનના ખુલ્લા ભાગ વગેરે ઉપર આંગળી ઘોંચવાથી, સુંવાળી વસ્તુથી જરાક અમથો સ્પર્શ કરવાથી કે જે તે ભાગની ત્વચાને અનાયાસે કોઈ જાતની હળવીથી મધ્યમ ખલેલ થવાથી અનુભવાતી સંવેદનાને ગલીપચી કહે છે. આ વિરલ પ્રકારની અનુભૂતિ છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે.

ગલીપચીના મુખ્યત્વે બે પ્રકાર છે : કૃત્રિમ અને કુદરતી. કૃત્રિમ પ્રકારની ગલીપચી દ્વારા કોઈપણ રમુજી ટુચકા કે અન્ય હાસ્યપ્રદ વાત કહ્યા વગર વ્યક્તિને હસતી કરી શકાય છે. શરત એ કે આવા ઘોંચપરોણા અન્ય વ્યક્તિએ કરવા પડે. આ હાસ્ય પણ એવું છે જેની ઉપર એ વ્યક્તિનો કાબૂ હોતો નથી. એટલે સુધી કે એ વ્યક્તિ ગલીપચી કરનારનો પ્રતિકાર કરી શકવાની સ્થિતિમાં પણ હોતી નથી. આ પ્રક્રિયા લગભગ ઘી કાઢવાની પ્રક્રિયા જેવી જ છે. ઘીની જેમ ગલીપચીમાં પણ સીધી આંગળીથી સારા પરિણામો ન મળે તો આંગળીને ‘ટેઢી’ કરી શકાય છે. ફેર એટલો કે ઘીમાંથી પછીથી આંગળી કાઢી લેવાની હોય છે જયારે આમાં સતત હલાવ્યા કરવાની હોય છે. બરણીમાંથી ઘી કાઢતા હોવ એ રીતે આંગળી વાળીને વ્યક્તિની કમર, પગના તળિયા કે બગલમાં ખોસવાથી કાર્યક્રમ શરુ કરવાનો હોય છે. એડવાન્સ સ્ટેજના સાધકો આંગળીના બદલે સાવરણીનું છુંછું, પીંછું કે સળીનો ઉપયોગ કરી શકે છે. સામાન્ય પ્રતિક્રિયા રૂપે શિકાર હસવા ઉપરાંત વાંકાચૂકા થવા કે આળોટવા સિવાય બીજો કોઈ પ્રતિકાર કરી શકતો નથી. બગલમાં ગલીપચી કરનારે શિકારની બાગબાની/ ઉદ્યાનકલા અને સ્વચ્છતાના ધારાધોરણોને ધ્યાને લઈને પ્રયોગ કરવો.

અનાયાસે ઉદભવતી કે અનુભવાતી ગલીપચી એ ગલીપચીનો કુદરતી પ્રકાર છે. વાળ કપાવતી વખતે બોચી ઉપર અસ્ત્રો ફરતો હોય એ વખતે ઉપલા હોઠ ઉપર માખી બેસે અને એ નાકના ફોયણા તરફ ગતિ કરે ત્યારે જે અનુભૂતિ થાય એ ગલીપચીનો કુદરતી પ્રકાર છે. તમે અંધારામાં લાઈટની સ્વીચ પાડવા જાવ અને સ્વીચબોર્ડ ઉપર આરામ ફરમાવી રહેલી ગરોળી એકએક તમારા હાથ ઉપરથી સરકીને અંધકારમાં વિલીન થાય એ પણ આ પ્રકારની ગલીપચી છે.

ધરતીકંપના રીક્ટર સ્કેલની જેમ ગલીપચીની તીવ્રતાની માત્રા અલગ અલગ હોય છે. કાનમાં કે પગના તળિયામાં પીંછું ફેરવીને કરવામાં આવતી ગલીપચી અને આંગળી વડે કોઈની કમરમાં ખોસીને કરવામાં આવતી ગલીપચીની તીવ્રતા અલગ હોય છે. એની પ્રતિક્રિયા પણ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. ગલીપચીને વાનગી સાથે સરખાવો તો બરડા પરની અળાઈઓ ઉપર ગંજીફરાક કે જનોઈ ઘસાવાથી થતી ગલીપચી એ ચેવડા કે ચવાણા સમાન છે, તો પિયુના કાનમાં મીઠી વાત કરતી પ્રિયતમાના શ્વાસના સ્પર્શથી થતી ગલીપચી એ રસ મલાઈ કે ગુલાબ જાંબુથી કમ નથી. ખરજવા ઉપર ખંજવાળતી વખતે થતી મીઠી ગલીગલી એ ગરીબોને ય પોસાય એવી સુખડી છે. જયારે રસ મલાઈ ખાવી હોય તો તમારે પ્રિયતમા વસાવવી પડે!

આમાં ધંધાની રીતે innovation એટલું સુઝે છે કે વજન ઉતારવાના સોના બેલ્ટની જેમ જો ગલીપચી કરવાના બેલ્ટ બનાવવામાં આવે તો ટીવીના કોમેડી શોમાં એની સારી ઘરાકી નીકળે. એવા શોમાં કોઈના દેખાવ, જાતિ કે શારીરિક ખામીની હલકી કક્ષાની મજાક ઉડાડતા અપમાનજનક જોક્સ ચાલતા હોય છે. આવા જોક ઉપર ભાડુતી ઓડિયન્સને હસાવવા માટે એમની કેડે બેલ્ટ બાંધીને બેસાડી દેવાના રહે અને પછી કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા એમને રીમોટથી ગલીપચી કરીને મન ફાવે ત્યારે હસાવી શકે.

Galipachi-2

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s