હવે પતંગ-દોરી સાંભા-કાલીયાના રોલમાં છે!


પાછલી સદીમાં જુના મુલ્યોને અનુમોદન આપનારા, પરંપરાઓનું અનુસરણ કરનારા અને સમજણ વગરની શ્રદ્ધાથી પ્રેરિત આચરણ કરનારાઓને મ્હેણું મારવામાં આવતું કે દુનિયા વિમાનમાં સફર કરે છે અને તમે હજી બળદ ગાડામાં ફરો છો? એ પછી તો સાબરમતીમાં નર્મદાના ઘણા પાણી વહી ગયા છે. એકવીસમી સદી પણ આવી ગઈ. હવે તો જે સોસયટીમાં મોંઘામાં મોંઘુ વાહન લ્યુના કે બજાજ સુપર રહેતું એમાં ઘર દીઠ બબ્બે કારો આવી ગઈ છે અને અવકાશમાં આપણું સ્વદેશી યાન મંગળ ગ્રહ સુધી પહોંચ્યું છે. આ માહોલ વચ્ચે નવા મીલેનીયમની આ ૧૫મી ઉત્તરાયણ આવી રહી છે ત્યારે પણ આજની તરુણ અને યુવા પેઢી ફીરકી પકડવાની અને પતંગને કિન્ના બાંધીને આકાશમાં ઉડાડવાની કળા ભૂલી ચુકી છે એનું રડનારા મળી આવે છે એ કમનસીબી છે. આવું કોઈ ભટકાય તો એને પૂછજો કે કાકા, તમે જુરાસિક યુગ પછી સીધા આજે જ ગુફામાંથી બહાર આવ્યા છો કે શું? અલા ભ’ઈ, આજકાલ ઉત્તરાયણ પર કયો ચંબૂ પતંગ ચગાવવા માટે ધાબામાં જાય છે? અને ધાબે જઈને પતંગ જ ચગાવવાનો હોય તો સેલ્ફી, સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો સંભારો કરીને ગાંઠીયા સાથે ખાવાનો છે? હવેની ઉત્તરાયણમાં તો આ બધું લીડ રોલમાં ગણાય છે અને પતંગ, બોર, જામફળ, ચીકી ઈટીસી એ બધું સાંભા, કાલીયા, ઈમામ ચાચા અને રામલાલના રોલમાં આવી ગયું છે.

MS-Jan16-1

મારી સહેલી, જાન્યુઆરી, ૨૦૧૬ સંગત રંગત પૂર્તિ

પણ જેમ હજામતનો ધંધો કરવો હોય તો અસ્ત્રો, બ્રશ અને શેવિંગ ક્રીમ વસાવવા પડે એમ ઉત્તરાયણ નિમિત્તે ધાબામાં ચઢવું હોય તો પતંગ દોરી તો લાવવા જ પડશે. એના વગર ધાબે ચઢશો તો લોકોને શંકા પડશે. પહેલાની વાત અલગ હતી. એ જમાનામાં લોકો પકડેલા પતંગથી ઉત્તરાયણ કરી શકતા હતા. હવે તો કોઈ તમને દોરી પાછળ દોડતું જોઈ જશે તો ફ્રેન્ડ સર્કલ અને સોસાયટીમાં આબરૂ જશે. અમારી સોસાયટીમાં એવું એક ખાનદાન છે જેમના મકાનનું નામ લોકોએ ખાનગીમાં ‘પતંગ કૃપા’ રાખ્યું છે. એમની દીકરી ‘ફીરકી’ અને દીકરો ‘પીલ્લુ’ નામથી આખા એરિયામાં પ્રખ્યાત છે. એટલે જો બાજુના ધાબાવાળું તમારું ગમતું ફૂમતું તમને ઝંડો લઈને પતંગ પકડતા, ફાટેલો પતંગ સાંધતા કે પકડેલી દોરીનો લચ્છો વાળતા જોઈ જશે તો એ બોયફ્રેન્ડ બદલી નાખશે એ નક્કી જાણજો. એના દેખતા તો સેલ્ફી સ્ટીક પણ ઉંચી ન કરશો. ક્યાંક એટલે દૂરથી એ એને પતંગ પકડવાનો ઝંડો સમજી બેસશે તો પણ તકલીફ થશે.

આ બધું પરિવર્તન રાતો રાત નથી થયું. સરકારી ભાષામાં કહું તો શરૂઆત ૧૯૯૬માં પાંચમાં પગાર પંચ (5th pay commission)થી થઇ અને ૨૦૦૬માં છઠ્ઠા પગાર પંચમાં થયેલા પગાર વધારા પછી તો લોકોએ પતંગ સાંધવાનું અને દોરીનો ઝોલ લુંટવાનું પણ બંધ કરી દીધું હતું. તમને થશે કે આમાં સરકારી સિવાયના લોકો શું કમાયા? તો એટલું જાણી લો કે ૨૦૦૬ પછી લોકોની ખરીદ શક્તિ એટલી વધી કે મોપેડના ફાંફા હોય એવા લોકો એર ટ્રાવેલ કરતા થઇ ગયા અને ગાડી પણ વસાવવા માંડ્યા. રૂપિયો છૂટો થયો એમાં બીજાને પણ કમાવા મળ્યું! સરવાળે બાપાઓ છોકરાંને પતંગ-દોરી માટે રૂપિયા આલતા થયા અને લચ્છા-લંગસીયા-ગુંદરપટ્ટી પ્રથાનો અંત આવ્યો! આ હું નથી કહેતો, અર્થશાસ્ત્રીઓનો અહેવાલ કહે છે. અલબત્ત લચ્છા-લંગસીયા-ગુંદરપટ્ટીવાળું સંશોધન અમારું છે. હવે સાતમું પગાર પંચ મારી સહેલીનો આ અંક બહાર પડે તેની સાથે જ લાગુ પડવાનું છે એટલે હવે પતંગને છૂટ અપાવવા, ઠુમકા મારવા, કિન્ના બાંધવા માટે કે દોરી લપેટવા માટે રામલા રાખવાની પ્રથા શરુ થાય તો પણ નવાઈ નહિ.

હવે ફિલ્મો, ટીવી ચેનલો અને રીયાલીટી શોની અસર નીચે ધાબાનું વાતાવરણ પણ થોડું મુક્ત બન્યું છે. પહેલાં આજુબાજુના MS-Jan16-2ધાબા ઉપરના ગમતા ફૂમતા સાથે સંપર્ક સ્થાપવો હોય તો ‘આ દોરી જાય …’, ‘તમારા કમ્પાઉન્ડમાં પતંગ પડ્યો છે …’ કે ‘પતંગ ભરાયો છે, જરા કાઢી આપોને પ્લીઝ …’ એવા બહાના નીચે ચાન્સ મારવો પડતો. પણ આજકાલ બીગ બોસ, કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને એના જેવા બીજા શોમાં બોલીવુડની હોટ સેલીબ્રીટી ગર્લ્સ સાથે મજાક મસ્તી અને ફ્લર્ટિંગના નામે જે વળગા-વળગી, ભેટા-ભેટી અને ચુમ્મા-ચાટી બતાવવામાં આવે છે એ જોઈને પ્રજા પુરેપુરી નહિ તો ૧૦% જેટલી પણ અસરમાં આવી ગઈ હોય કે ગમે તેમ પણ જવાનીયા તો ઠીક પણ કાકાઓ પણ ઝાલ્યા ઝલાતા નથી. એમાં કાકીઓની ફિલ્ડીંગ પણ વધી ગઈ છે. એનાથી નીચેની પેઢી તો વાત જ થાય એમ નથી. એટલે કોણ કોને રોકે એ સવાલ છે! જેના ધાબામાં ગર્લ્સનો ઝમેલો હોય એ ધાબાના ધણીની હાલત પોલ્ટ્રી ફાર્મના માલિક જેવી હોય છે.

અગાઉ તો સવારની ઠંડીના કારણે ગર્લ્સ સોરી, બહેનો સ્વેટર ઉપર શાલ, કાનમાં પવન ન જાય એ માટે માથે સ્કાર્ફ બાંધી અને આશા પારેખ જેવા ગોગલ્સ પહેરીને ધાબા ઉપર આવતી અને સાંજ સુધી એમ જ ફરતી. એ જમાનામાં આવી ધોબીએ બાંધી હોય એવી કપડાની હરતી ફરતી ગાંસડીમાંથી નીકળેલા લચ્છો વીંટતા હાથ કે શેરડી છોલતા દાંત જોવા મળે તો એ જોઈને આસપાસના ધાબાનો યુવા વર્ગ રાજી રહેતો હતો. હવે ગ્લોબલ વોર્મિંગ ને કારણે હોય કે પછી હવામાનખાતાની ભાષામાં જેને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કહે છે એની અસર હોય, પણ ઉત્તરાયણ ઉપર ગર્લ્સમાં ખાસ પ્રકારના ચેન્જીસ જોવા મળે છે. જે છોકરી નાકા ઉપરના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે નીકળે ત્યારે ધાડ પાડવા નીકળી હોય એમ મોં ઉપર બુકાની બાંધીને એમ સજ્જ થઇ ને નીકળતી હોય એ જ કન્યા ધાબા ઉપર બપોરના તાપમાં જીન્સ ઉપર ટ્યુનિક, ઓફ શોલ્ડર કે હોલ્ટર નેક ટોપ સાથે ગ્લેર્સ/ ગોગલ્સ અને કેપ પહેરીને સેલ્ફીઓ ખેંચતી જોવા મળે છે.

હવે લોકો માટે તહેવાર એ મોજ મસ્તી માટેનું બહાનું માત્ર છે અને આજકાલ લોકો જયારે મોકો મળે ત્યારે ઉજવણી કરવા તત્પર હોય છે. જેમ કે આપણે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા ત્યારે આખું અમદાવાદ બહાર નીકળી પડ્યું હતું! ઉત્તરાયણ ઉપર પણ હવે તો ધાબા ઉપર એકાદ બે ઉત્સાહીઓ વસાવ્યા હોય હોય જે હવા હોય કે ન હોય ઠુમકા મારે રાખતા હોય છે. બાકીના ખાણીપીણી, સેલ્ફી લેવા, પતંગ ચગાવતા ફોટા પડાવવા અને એને સોશિયલ મીડિયા ઉપર એને શેર કરવામાં મગ્ન હોય છે. આવા સીન સામાન્ય થઇ ગયા છે. હવે પતંગ ચગાવવાનું ગૌણ થઇ ગયું છે. પહેલાં તો ક્યાં દોરી પવડાવી, કેટલા પતંગ ખરીદ્યા, રાત્રે કેટલા વાગ્યા સુધી બેસીને કિન્ના બાંધી, એક પતંગ ઉપર કેટલા કાપ્યા વગેરેનું મહત્વ હતું. હવે તો મમ્મી કિન્ના બાંધી આપે, બેન ફીરકી પકડે, પપ્પા છૂટ અપાવે અને દાદા ચગાવી આપે પછી ૨૮ વર્ષનો બકો એ પતંગ હાથમાં લે અને ગોથ મરાવીને ઝાડમાં કે આગળના ધાબાના સંડાસના વેન્ટ પાઈપમાં સલવાડે એટલે દાવ પૂરો! હવે પતંગ કાપ્યો હોય તો પણ કોઈ ખાસ બુમો પડતું નથી કારણ કે પોતાનો પતંગ ચગે છે કે આગળથી કોઈ કાપી ગયું છે એનો ખ્યાલ ઠુમકો મારવા જતાં છાતીમાં ઘુંબો વાગે ત્યારે જ આવે છે.

જે ઘરોમાં ૫૦-૫૫ વર્ષની ‘યુવતી’ઓ જુની પરંપરાઓની ધરોહર સાચવીને બેઠેલી બેઠી છે તે ઘરોમાં હજી પણ ઉત્તરાયણ ઉપર વિરાટ કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થવાળી તલ અને સીંગની ચીકી બને છે અને બોર, જામફળ અને શેરડી ખરીદાય છે. મોટે ભાગે તો આ બધો દારૂગોળો સવારે ધાબે ચઢે અને દિવસ દરમ્યાન એનું કોઈ ઘરાક નીકળે તો એમાંથી થોડું ઘણું ખપે છે બાકીનું રાત્રે એમનું એમ પાછું નીચે આવે છે. બપોરે ઊંધિયું, જલેબી, પુરી અને રાત્રે ધાબામાં ફટાકડા ફોડવા તથા ચાઈનીઝ ટુક્કલ ઉડાડવા સાથે પાઉં-ભાજી કે છોલે ભટુરેની જાફત ઉડતી હોય છે. નવીનમાં ગઈ સાલ એક-બે ધાબામાં ખુમચા સાથે પાણી-પુરીવાળા ભૈયાને જોયા હતા. લાગે છે કે આ સાલ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રોડ ઉપરથી પાણી-પુરીવાળા ભૈયાઓ ગાયબ થઇ જાય તો નવાઈ નહિ.

અમને સૌથી વધુ દયા વિદેશથી અહી ચોકલેટો, ચ્યુઈન્ગમ, પિત્ઝા, બર્ગર, ફ્રેંચ ફ્રાઈઝ, પોટેટો ચિપ્સ અને પોલીપેકમાં મળતા જાત જાતના મંચિંગ વેચવા વિદેશથી આવેલી કંપનીઓની આવે છે. એ લોકોને ક્યાંય નહિ થયો હોય એવો અનુભવ આપણા ગુજરાતમાં થયો હશે. ચોકલેટ-ચુઇન્ગમ-કન્ફેક્શનરીવાળાને અહીંના લોકોના મોઢા માવા-ફાકીથી ભરેલા મળ્યા! બાકીના મંચિંગવાળાને ચેવડો, ચવાણું, સીંગ ભુજીયા, સેવ, ચના જોરગરમથી લઈને શક્કરપારા, શીંગ-ચણા અને ફૂલવડીની કોમ્પીટીશન નડી. કાર્ડ, કવર અને ગીફ્ટવાળા પણ મીડિયા અને બોલીવુડની પગચંપી કરીને વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડે દબાવીને બેસી ગયા! દશેરા પર ફાફડા-જલેબી, ચાંદની પડવો ઉપર ઘારી અને ઉત્તરાયણ પર ઊંધિયા જલેબીનો ઉપાડ જોઇને પિત્ઝા-બર્ગરવાળાને પણ થતું હશે કે સાલું આપણા માટે કોઈ તહેવાર જ નહિ? વરસાદનું એક ઝાપટું પડે ત્યારે તો મારા બેટા દાળવડાની લારીવાળા પણ વેચાણના ચાર્ટમાં આપણાથી ઉપર હોય છે! આ જોઇને એમના અમેરિકન કાઉન્ટપાર્ટને આંચકા આવતા હોય તો પણ નવાઈ નહિ. પણ ખાણીપીણી બાબતે એક વાત કહેવી પડે કે મીલેનીયમ બદલાયું પણ તહેવારો સાથે સંકળાયેલી પરંપરાગત વાનગીઓમાં કોઈ ફેર નથી પડ્યો. એમ ગણોને કે ઘારી, ખાજા, ફાફડા, જલેબી અને ઊંધિયામાં જ આપણા તહેવારો જીવે છે!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Monkey बात. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s