વિજય લોન સ્કીમ


બેંકમેનેજર
વિજય લક્ષ્મી વિકાસ બેંક
નવરંગપુરા, અમદાવાદ.
રેફરન્સ: લોન નંબર : ૧૨૦-૧૬૦

સાહેબ શ્રી,
સવિનય જણાવવાનું કે આજથી લગભગ પાંચ વર્ષ પહેલા હું આપને મળવા માટે ધક્કા ખાતો હતો. હા, તમારી જ બેન્કનો ગ્રાહક હોવા છતાં સાહેબ કયા ટેબલ પર બેઠા છે એ શોધવામાં એકવાર અડધો દહાડો નીકળી ગયો હતો. છેવટે તમે સાથી કર્મચારીનાના ટેબલ પર સિંગ-ચણા ખાતાં મળ્યા અને એ વખતે મેં તમને મકાન ખરીદવા માટે મારે દસ લાખની લોનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં તમે મોઢામાં દાણા ઓરવાનું ચાલુ રાખીને નીરસ રીતે ‘એ તો તમારું ખાતું અને ઇન્કમટેક્સ રીટર્ન વગેરે જોવું પડે’ કહી ફોર્મ પકડાવી રવાના કરી દીધો હતો. એ દિવસે માર્ચની આઠમી તારીખ હતી એ મને બરોબર યાદ છે કારણ કે એ દિવસે જ મેં ચંપલની નવી જોડી ખરીદી હતી,જેનું પછી શું થયું હશે એ કોઈની પણ કલ્પનાનો વિષય છે!

Vijay Malya Loan Scheme

ગ્રાહકને ભગવાન સમજવાની શિખામણ આપનાર પૂ. બાપુના આત્માને આ જોઇને કેટલું દુ:ખ થતું હશે? (વધુ દુખી ન થવું હોય તો ફોટામાં વંચાતી બાપુની શિખામણ વાંચશો નહિ…)

 

આપને યાદ હશે કે પછી એ ફોર્મ ભરી, મને સમજ પડ્યા એ ડોક્યુમેન્ટ લઈને તમારી બેન્કના ધક્કા ખાવાના શ્રી ગણેશ કર્યા હતાં. સૌથી પહેલા પત્નીને કો-એપ્લીક્ન્ટ બનાવવાની ફરમાયશ આવી હતી. પછી તમારી જ બેંકના સ્ટેટમેન્ટ, આવકનો પુરાવો, એપોઇન્ટમેન્ટ લેટર, ઇન્કમટેક્સ રીટર્નની કોપી, પાન કાર્ડ, આધાર કાર્ડ,  અને એમ ફાઈલ બનતી ગઈ. પછી મકાનના ડોક્યુમેન્ટસનો વારો આવ્યો. જુનું મકાન હતું એટલે તમને ગમે એવા ડોક્યુમેન્ટ શોધવામાં નાકે દમ આવી ગયો હતો એ યાદ છે. આમ કરતા કરતા તમારી જાહેરાતોમાં જે આવે છે એ પ્રકારની ‘ઇઝી લોન’ મેળવતા અસ્થમા થઈ ગયો હતો. પણ છોકરીના સાસરિયાની જેમ અમે તમારી કોઈ ફરિયાદ ક્યાંય કરી નહોતી.

આપને યાદ હોય તો મારી દસ લાખની હોમ લોન તમે લબડાઈ લબડાઈને છ મહીને પાસ કરી હતી જેના લીધે મને મકાનના પઝેશન લેવામાં તકલીફ પડી હતી અને ત્રણ મહિના વધારે ભાડું ભરવું પડ્યું હતું. અગાઉના મકાનમાલિકે સોદો ફોક કરી બાના પેટે આપેલા રૂપિયા જપ્ત કરવાની ચીમકી પણ આપી હતી. આ દરમિયાન મારું બ્લડપ્રેશર પણ હાઈ થઈ ગયું હતું અને મારી પત્ની જોડેના સંબંધો વધારે તંગ બન્યા હતા. મારા સસરાએ પણ ભાડે રહેવાની હાડમારી ભોગવતી મારી પત્નીના લાભાર્થે મારાથી ‘કોઈ પણ કામ ટાઈમ પર કરી શકતા નથી’ એવું વધુ એકવાર જાહેર કર્યું હતું.

આજે છાપામાં જોયું કે આદરણીય વિજયકુમાર વિઠ્ઠલરાય માલ્યાને આપની બેન્કે ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા છે અને એ વિજય સાહેબ કાયદેસર રીતે એ ચાઉં કરીને ઉડી ગયા છે, અને તમે મંજીરા વગાડવા સિવાય ખાસ કંઈ કરી નથી રહ્યા તેવું જણાય છે. આ તો થયું કે તમને યાદ કરાવું કે વીસ વરસથી પ્રમાણિકતાથી એક જ કંપનીમાં નોકરી કરી મેનેજરની પોસ્ટ પર પહોંચેલા એન્જીનીયરને દસ લાખ આપવામાં તમે કેટલી ખો આપી હતી. હશે, લેનારનો હાથ હમેશા નીચો જ રહે છે. તમારે પણ હવે વિજયકુમાર પાસે લેવાના જ થાય છે.

અમારા જેવા આલ્યા-માલ્યા-જમાલ્યાને લોન માટે લબડાવનાર તમારી બેન્કનું કોક માલ્યો ‘કરી’ ગયો અને એ તો પાછું વ્હીસ્કીમાં પડેલા બરફના ગાંગડાની ટોચ જ છે. હજી દેશમાં આવા તો કૈંક ગાંગડાથી માંડીને ગ્લેસીયારો નીચે તમારા રૂપિયા દબાયેલા છે એવી પણ વાત વાંચવામાં આવી છે. આ સાંભળીને ખુશ થવું કે દુખી, તે ખબર નથી પડતી. પણ જો આ સાચું હોય તો પછી અમને લોન આપવા માટે તમારી પાસે શંખલા જ વધ્યા હોય તો નવાઈ નથી. છતાં જો એમની લોન LJBJ (લે જાઓ ઔર ભાગ જાઓ) યોજના હેઠળ માંડવાળ જ કરવાની હોય તો પછી એ યોજનાની ટી. એન્ડ. સી. જણાવવાની કૃપા કરશો, જેથી અમે એ કેટેગરી નીચે અમારી બાકી લોન ટ્રાન્સફર કરાવી લઈએ.

હશે, થતા થઇ ગયું પણ હવે એનો ઉકેલ પણ કાઢવો પડશેને? એક કામ કરો. આજકાલ ઈ-મેઈલ એકાઉન્ટ ધરાવતી દર ત્રીજી વ્યક્તિને કોઈ અજાણી કંપની તરફથી કરોડો રૂપિયાનાં વણવપરાયેલા ફંડ ટ્રાન્સફર કરવાની ઓફર કરતી ઈમેઈલ આવે છે. આવા ફંડ રૂપી અપ્સરા અને જન્નતની હુરોને પામવા અસંખ્ય લોકો ભોળવાય છે. પણ હવે જો કોઈ વિજયભાઈ પ્રકારની લોન લેવા આવે, તો એવા લોકોને એમને પેલા નાઈજીરીયનો/ કરુબાજો સાથે તમે મેચ-મેકિંગ કરાવી આપી બદલામાં પ્રોસેસિંગ ચાર્જીસ અને વ્યાજબી કમીશન બેંક દ્વારા ચાર્જ કરવાનું ચાલુ કરો! આમાં શું છે, કે બેઉ બાજુ ફ્રોડ એકબીજા સાથે ફોડી લેશે, અને વચમાં જે કમીશન બેન્કને મળે તેમાં અમારા જેવાની દસ-વીસ લાખની લોન નીકળી જશે. છે ને વિન-વિન સિચ્યુએશન? આ તો શું કે જે પૈસો પરદેશ જતો અટક્યો એ ખરો, અને તમને એમાંથી આચમન કરવા મળશે એ મફતનું!

બીજું, આ આખા કિસ્સામાં જોયું કે વિદેશગત બાકીદારને દેશ છોડતો રોકવા માટે તમારી બેંક કોર્ટ અને પોલીસ તંત્ર ઉપર જ આધારિત છે. અમુક બેંકો ઉઘરાણી માટે અનાધિકૃત રીતે ‘લઠૈત’ એટલે કે ‘મસલ મેન’ની સેવાઓ લેતી હોય છે, પણ તમારા જ લેણા માટે આમ ‘લવિંગ કેરી લાકડી’ સ્ટાઈલથી ઉઘરાણી કરવાને બદલે કાયદેસર ‘LRP’ (Loan Recovery Police)ની જ ભરતી કરોને! અહીં તલાટીની નોકરી માટે એન્જીનીયરો લાઈન લગાવે છે એના કરતા આ કામ એમને વધુ ગમશે. અને ત્યાં સુધી તમારા એ.ટી.એમ.ની એ.સી. કેબીનમાં ટાંટિયા લંબાવીને પડ્યા પડ્યા ગ્રાહકોને ‘મશીન બંધ છે’ કે ‘કેશ નથી’ કહેવાની અઘરી સેવા બજાવતા ખખડી ગયેલા કાકાઓને બંદૂકો આપો અને એમને એક કરોડથી વધુ લોન લેનારની પાછળ લગાડી દો. કમસેકમ લોન પૂરી થાય ત્યાં સુધી એમના ચા-પાણી અને રહેવા-જમવાનો ખર્ચ તો એના માથે રહેશે !

લી. એક
અદના અમદાવાદીના જયહિન્દ.

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s