એન્જીનીયરીંગ એડ્મિશનની માર્કેટિંગ સ્ટ્રેટેજી


NIT

This image has no relevance with the article. Copy right of image belongs to respective website

‘હેલ્લો… સર આપ જીજ્ઞેશભાઈના વાલી બોલો છો?’
‘હા. આપ કોણ બોલો છો?’
‘હું N.I.T.માંથી પૂજા બોલું છું. તમારી દીકરાનું થઇ ગયું?’
‘તમે શું બોલો છો તમે બેન એનું ભાન છે? હજી મારો દિકરો આજે સવારે જ બાર સાયન્સમાં ૯૨.૪ પરસેન્ટાઈલ સાથે પાસ થયો છે.’
‘બસ મેં એના માટે જ ફોન કર્યો છે. અમારી એન.આઈ.ટી. એકદમ આધુનિક સગવડો સાથેની છે અને ભણવા તથા પ્લેસમેન્ટ માટેની બેસ્ટ તકો રહેલી છે. સવારે રીઝલ્ટ આવ્યું ત્યારથી ધસારો એટલો છે કે અત્યારે બધી બ્રાન્ચોમાં બહુ જૂજ સીટો જ બાકી છે. આપના દીકરાને અમારી કોલેજમાં મુકશો તો કેરિયર બની જશે.’
‘તમારી કોલેજ NIT એટલે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી?’
‘ના. નટુભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી’
‘હેં ? એ ક્યાં આવી?’
‘સાબરકાંઠા જીલ્લાના બાયડ તાલુકાના બાપાના તગારા ગામ પાસે. પણ તમે જ્યાં રહેતા હશો ત્યાંથી તમારો દીકરો અપડાઉન કરી શકે એ માટે કોલેજ બસની વ્યવસ્થા છે.’
‘પણ હું તો બેન વાપી રહું છું!’
‘કોઈ વાંધો નહિ. એની પણ વ્યવસ્થા થઇ જશે. બીજી કોઈ પણ તકલીફ હશે તો એનું પણ અમે સોલ્યુશન આપીશું. બસ અવાજ કરો સર.’
‘કોઈ પણ તકલીફનું સોલ્યુશન આપશો?’
‘હા. કોઈ પણ તકલીફનું.’
‘મારે રોજ સવારે નહાઈ-ધોઈને આઠ વાગે નોકરીએ નીકળી જવાનું હોય છે અને એમાં મને દાઢી કરવાનો બહુ કંટાળો આવે છે. એનું કંઈ કરી આપો?’
‘અરે સર એ બધાનો ફીમાં ઇન્ક્લુડ જ છે. તમે ફી ભરો એ દિવસથી અમારો માણસ રોજ સવારે આવીને તમારી દાઢી કરી જશે એટલું જ નહિ પણ અઠવાડિયે એકવાર ફેશિયલ પણ કરી આપશે. મહિને એકવાર બે જણના વાળ કાપી આપવાનું પણ એક સેમેસ્ટરની ફીમાં સામેલ છે. લેડીઝ માટે કોલેજમાં બ્યુટીપાર્લર પણ છે. મહિનામાં એકવાર પેડીક્યોર, મેનીક્યોર અને આઇબ્રો ઇન્ક્લુડેડ છે.’
‘તો એક સેમેસ્ટરની ફી કેટલી છે?’
‘ફક્ત બે લાખ નવ્વાણું હજાર રૂપિયા… એમાં પણ EMIની સગવડ છે’
‘તમારી કોલેજના ફોટા આ નંબર ઉપર વોટ્સેપ કરી શકશો?’
‘સર અત્યારે તો કોલેજ અમારા ટ્રસ્ટની ધર્મશાળામાં ચાલે છે પણ વર્ષના એન્ડમાં પોતાના મકાનમાં આવી જશે. એક્ચ્યુઅલી જમીન એન.એ. પણ થઇ એના ગુડ ન્યુઝ અમારા સરે આજે જ આપ્યા !’

આ કાલ્પનિક સંવાદ છે.કોલેજ અને યુનીવર્સીટી ખોલવામાં આકડે મધ જોઈ ગયેલા આગેવાનો (શિક્ષણવિદો નહિ) એન્જીનીયરીંગ કોલેજોની મજુરી તો લઇ આવે છે, પણ રોજગારલક્ષી અભ્યાસક્રમ અને ક્વોલીટી એજ્યુકેશનનાં અભાવે અંતે સીટો ખાલી રહે છે.એટલે હવે તો રીઝલ્ટ આવતાની સાથે જ વાલીઓ ઉપર ફોન, મેસેજ, અને જાહેરાતોનો મારો શરુ થઈ ગયો છે. રેડિયો/ ટી.વી. ઉપર જે રીતે એન્જીનીયરીંગ કોલેજો પોતાનું માર્કેટિંગ કરે છે એમાં સાબુ-શેમ્પૂ વેચવા માટે જે પ્રકારની આક્રમકતા જોવા મળે છે એવી આક્રમકતા જોવા મળે છે. સૌનો ઉદ્દેશ એક છે કે ઘરાક પાછો કે બીજે ન જવો જોઈએ, ભલે પછી પ્રોફિટ ઓછો થાય.તો હવે કેવા પ્રકારની જાહેરાતો અને માર્કેટિંગ ગીમિક જોવા મળશે તેની અમે કલ્પના કરી છે.

કેન્ટીનમાં બેઠા બેઠા પ્રેક્ટીકલ કરવાની સગવડ, કેમ્પસ સર્ટીફાઇડ એજન્સીઓ દ્વારા જર્નલ અને ટર્મવર્ક કરવા માટે આઉટસોર્સિંગની સુવિધા, વોટ્સેપ/મિસકોલથી હાજરી, યુનીવર્સીટી પરીક્ષા પહેલાં વોટ્સેપ પર IMP. યુનિવર્સીટી મેનેજમેન્ટ ગ્રુપનાં મલ્ટીપ્લેક્સમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટીકીટો 50% ડિસ્કાઉન્ટ તથા મેનેજમેન્ટ દ્વારા ફાઈનાન્સ થયેલી ગુજરાતી અર્બન ફિલ્મમાં ચમકવાની તક.
આપણી ઇન્સ્ટીટયુટનું કેમ્પસ બધી જ મોડર્ન એમીનીટીઝ ધરાવે છે જેવી કે સારી બ્રાન્ડ્સનાં ફૂડ આઉટલેટ્સ. બધી જ જાણીતાં પીઝા, વડાપાઉં, સેન્ડવીચ, દાબેલીનાં આઉટલેટ તેમજ કોફી શોપ્સ કોલેજ કેમ્પસ પર, જેમાં આપણી ઇન્સ્ટીટયુટનાં વિદ્યાર્થીઓને માટે ખાસ ડિસ્કાઉન્ટ. આ ઉપરાંત જીમ, મીની થિયેટર, ગેમિંગ ઝોન, સેલ્ફી ઝોન, ફ્રી વાઈફાઈ-પાસવર્ડ સહિત.

ગ્રુપ ડિસ્કાઉન્ટ. એક સાથે પાંચ વિદ્યાર્થીનાં ગ્રુપ એડમિશન પર ફીમાં ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો પ્રોસેસિંગ ફી અને સરળ હપ્તાની સગવડ એ પણ ગેરંટર વગર. પાસ થયા પછી બે વર્ષ સુધી નોકરી ન મળે તો ફીમાં સમાવેશ ઇન્સ્યોરન્સ કવરેજ અંતર્ગત અનએમ્પ્લોયમેન્ટ એલાવન્સ આપવામાં આવશે. શહેરની જ બીજી જાણીતી સારી કોલેજના પ્રોફેસરો દ્વારા ચાલતા કલાસીસની ફીમાં ૧૦ થી ૨૫% જેટલું ડિસ્કાઉન્ટ આપણી કોલેજનું આઈ કાર્ડ બતાવવાથી મળશે.

તો આપના સંતાનના ગમે તેટલા ટકા હોય એની ડીગ્રીની ચિંતા અમારા ઉપર છોડી દો. નીચે જણાવેલા નંબર પર મિસ કોલ કરવાથી અમારા પ્રતિનિધિ તમારા ઘેર આવી એડ્મિશનની કાર્યવાહી કરી જશે.

મસ્કા ફન
ભારતમાં પારસીઓ જેમ દુધમાં સાકરની જેમ ભળી ગયા હતાં
એમ અમદાવાદમાં વાહનચાલકો ટ્રાફિકમાં જગ્યા ન હોય તો પણ ભળી શકે છે.

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s