બોલીવુડનાં ગીતોનો આતંકવાદ


મુક ગીતો કર્ણપ્રિય હોય છે. બાકીના એફ.એમ. સ્ટેશનો વગાડે છે એ. અમને એવું કહેવામાં આવ્યું છે કે એફ.એમ. સ્ટેશનો પર ક્યા ગીતો વગાડવા તથા એનો ક્રમ ‘ઉપર’થી નક્કી થાય છે અને નક્કી એ ‘મને બધું આવડે’ ટાઈપ મેનેજરો જ કરતાં હશે. અત્યારે તો ખરાબ ગીત વાગતું હોય અને સ્ટેશન ચેન્જ કરીએ તો બીજા પર અચૂક વિદ્યા બાલનબેનની માખીવાળી જાહેરાત વાગતી હોય છે. પછી પેલા ટાંગ ઉઠાવ ગીતની ફાલતુતા(!)ને લીધે વિદ્યાની જાહેરાત પણ આપણે સહન કરી લઈએ છીએ. ‘પપેટ ઓન અ ચેઈન’ નામની એલીસ્ટર મેકલીનની થ્રીલરમાં હીરોને હેડફોન પહેરાવીને એમ્પ્લીફાય કરેલી ઘડિયાળની ટક ટક સંભળાવી ત્રાસ અપાય છે. આપણે પણ ગયા જન્મમાં કરેલ કર્મને પરિણામે કારમાં રેડિયો ઉપર વિદ્યાની કચકચ, આર.જે.ની બકબક અને બોલીવુડના ગીતોની ધકધક સાંભળવી પડે છે. આ કારણથી જ શહેરના કારચાલકો પિત્તો ગુમાવતા જોવા મળે છે.

એવા સમાચાર છે કે એક મૂળ પાકિસ્તાની એવા ઇન્ટેલીજન્સ અધિકારીના સૂચન ઉપર હવે બ્રિટીશ સેના બોલીવુડના સંગીતનો ઉપયોગ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ વિરુદ્ધ હથિયાર તરીકે કરી રહી છે. અહીં જરા વિચારો કે પ્રીતમ અને અનુ મલિક જેવાના ઉઠાંતરી કરેલા ગીતોથી આટલું પરિણામ આવતું હોય તો એમનું ઓરીજીનલ સંગીત સંભળાવે તો તો આતંકવાદીઓ જાતે જ લમણામાં ગોળી મારી દે કે નહિ?

વાતમાં દમ છે. સંગીતમાં વિવિધ લાગણીઓ જગાવવાની શક્તિ છે એ નિર્વિવાદ સત્ય છે. સારું સંગીત સાંભળવાથી ગાયો વધુ દૂધ આપે છે એ વૈજ્ઞાનિક તથ્ય છે. બૈજુ બાવરાએ પથ્થરને પણ પીગળાવી દીધો હતો એવી દંતકથા છે. હિન્દી ફિલ્મમાં તો સંગીતની અસરના અનેક પૂરાવા મળી આવે છે જેમ કે, ‘બીસ સાલ બાદ’ ફિલ્મમાં ‘કહીં દીપ જલે કહીં દિલ …’ ગીત વાગે ત્યારે ગામના લોકો ભયભીત થઇ જતા બતાવ્યા છે. એવી જ રીતે ‘ગુમનામ’નું ‘ગુમનામ હૈ કોઈ ….’ અને ‘વોહ કૌનથી’નું ‘નૈના બરસે રીમઝીમ રીમઝીમ …’ સાંભળીને લોકોના હાંજા ગગડી જતા, અલબત્ત ફિલ્મમાં જ. ૧૯૮૦ની ફીલ્મ ‘કર્ઝ’માં હિમેશ રેશમિયાનું મ્યુઝીક નહોતું તો પણ ગીટાર પર અમુક ધૂન વગાડતાં જ રિશી કપૂરને આંચકીઓ આવતી બતાવી છે. જ્વેલથીફ, શોલે, શાન, અમર અકબર એન્થની, વિધાતા, ત્રિદેવ વગેરે મુવીઝમાં ક્લાઈમેક્સમાં આવતા ગીત પછી જ હીરોલોગમાં વિલનની ધૂલાઈ કરવાનું જોમ આવતું એવું ચોક્કસ પણે જોઈ શકાય છે. આ પરથી અમને તો લાગે છે કે બોલીવુડના સંગીતથી આતંકવાદીઓને જેર કરી શકાય એ વાતમાં દમ છે.

ઓસામા ઠાર મરાયો એ અરસામાં જ હની સિંઘ લાઈમ લાઈટમાં આવ્યો બાકી લાદેનને પકડવા માટે જે ઓપરેશન કરવું પડ્યું એનાં બદલે એનાં ઘર આગળ ‘ઇન્ડિયન રેપર’ તરીકે ઓળખાતા (અને ખરેખર ભારતીય સંગીત પર બળાત્કાર કરી રહેલા) યો યો હનીસિંઘના ગાળયુક્ત ગીતો વગાડ્યા હોત તો ત્રાસીને એ જાતે શરણે આવી ગયો હોત. અગાઉની હિન્દી ફિલ્મોમાં સારું સંગીત પીરસાતું હતું, એટલે એ સમયે ડાકુઓને શરણે લાવવા માટે સામાજિક કાર્યકરોએ મહેનત કરવી પડતી હતી. પણ એ વખતે અત્યારના જેવું ટાંગ ઉઠાવ ગીત-સંગીત હોત તો ડાકુઓ ઓછી મહેનતે શરણે આવી જાત. અમે તો માનીએ છીએ કે હજી પણ દાઉદને ઝબ્બે કરવો હોય તો એના ઘરની આસપાસ ૨૪ કલાક નવા હિન્દી ગીતો વગાડવા જોઈએ– એ શરણે નહિ આવે તો પણ અધમુઓ તો જરૂર થઇ જશે.

સંજય દત્ત હમણાં જ જેલની સજા કાપી બહાર આવ્યો છે. સંજયને જેલની સુવિધાઓ અને પરિસ્થિતિ અંગે ઘણી કડવાશ છે. સંજયે જેલમાં કાપેલ આશરે સાડા ત્રણ વર્ષ દરમિયાન ઘણી શાયરીઓ પણ લખી છે અને, કદાચ જેલવાસ દરમિયાન પડેલી મુશ્કેલીઓનો વિરોધ કરવા, એ પ્રસિદ્ધ કરવાની ધમકી પણ આપી છે. અમને પાકી માહિતી નથી કે સંજય દત્તે સ્વરચિત કવિતાઓ જેલરને સંભળાવી હતી કે નહીં, પણ એને ૧૦૨ દિવસ વહેલો છોડવામાં આવ્યો એની પાછળનો ભેદ આ પણ હોઈ શકે છે. હવે તો સંજય દત્તની કવિતાઓ પરથી કોઈ આલ્બમ બનાવે તો એ સાંભળીને જેલો તો ઠીક પણ પોલીસો ય સુધરી જાય એવું બને.

ભારત સામે પ્રોક્સી વોર ચલાવવાનો પાકિસ્તાન પર આરોપ છે. ભૂતકાળમાં ખાલિસ્તાની આતંકવાદીઓને અને હાલમાં કાશ્મીરી આતંકવાદીઓ આશ્રય આપવાની ગુસ્તાખી કરી રહેલું પાકિસ્તાન સંગીત જેવા નિર્દોષ માધ્યમ દ્વારા ભારતમાં આવા તો અનેક હુમલા કરી ચૂક્યું છે! ભૂતકાળમાં ‘હવા હવા એ હવા ખુશ્બુ લુટા દે …’ ગીતવાળા હસન જહાંગીર જેવાઓનો ભારત સામે ઉપયોગ કરી જ ચૂક્યું છે. હાલમાં આતિફ અસલમ દાવ લઇ રહ્યો છે જેની ગાયકીને આદેશ શ્રીવાસ્તવ, આશા ભોંસલે અને અભિજિત જેવા સિંગર/ કમ્પોઝરો વખોડી ચૂક્યા છે. અને અમને તો પાક્કી ખાતરી છે કે પાકિસ્તાન જે અણુ બોમ્બની આપણને ધમકી આપે છે એ એમનો મહાકાય સિંગર તાહેર શાહ જ છે. ટ્વિન્કલ ખન્નાએ પણ એને ‘પર્પલ બોમ્બ’ ગણાવ્યો છે! માન્યામાં ન આવતું હોય તો યુ-ટ્યુબ ઉપર એનો ‘એન્જલ’ નામનો વિડીયો જોઈ લેજો. આપણે ત્યાં જો ઇન્કમટેક્સ ન ભરનારાને ‘એન્જલ’ વિડીયો બતાવવાની સજા નક્કી કરવામાં આવે તો બી.પી.એલ. કાર્ડ ધરાવનારા પણ ટેક્સ ભરી જાય એવો ખોફનાક વિડીયો છે! આ જોતાં અમને લાગે છે કે બ્રિટીશ લશ્કરે ભારતીય મ્યુઝીકને બદનામ કરવાને બદલે ‘મેક ઇન પાકિસ્તાન’ની ઝુંબેશ નીચે પાકિસ્તાની કલાકારોને આતંકવાદીઓ સામે સંગીતમય લડત આપવા માટે સંગઠિત કરવા જોઈએ અને તો જ એના સૈનિકો ઘરનો રોટલો ખાઈ શકશે.●

મસ્કા ફન
બોર્ડમાં સેમિસ્ટર પ્રથા બંધ થઈ.
કેટલાય શિક્ષકોએ દિવાળીના સ્વિત્ઝરલેન્ડ પ્રવાસો રદ કર્યા.

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s