અંગત માન્યતાઓ


Angat Manytaoગ્રીક ફિલોસોફર અને એ સમયનો વિચક્ષણ વૈજ્ઞાનિક એરીસ્ટોટલ માનતો કે પૃથ્વી ગોળ છે. આ માત્ર એની માન્યતા નહોતી પણ એણે એ જમાના પ્રમાણે એના પ્રમાણ પણ આપેલા કે ચંદ્ર ગ્રહણ વખતે ચંદ્ર ઉપર પડતો પૃથ્વીનો પડછાયો ગોળ હોય છે તથા જેમ જેમ ઉત્તરમાં જાવ તેમ આકાશમાંના તારાઓના ગણ ક્ષિતિજથી વધુને વધુ ઉંચે દેખાય છે. આટલા પુરાવા પરથી તો આપણો રામલો પણ સ્વીકારી લે કે પૃથ્વી ગોળ છે! પણ એરીસ્ટોટલનો પટ્ટ શિષ્ય સિકંદર પૃથ્વી સપાટ છે એવું માનતો અને તે પોતાના દુશ્મનોને પૃથ્વીના છેડા સુધી ખદેડીને મહા સમુદ્રમાં ડૂબાડી દેવાની ઈચ્છા સાથે એ ભારતને જીતવા નીકળ્યો હતો, પણ એને ભારતની પશ્ચિમ સરહદેથી જ પાછા વળી જવું પડ્યું હતું એવી કથા છે. આપણે ત્યાં શાળાઓમાં ભણતા સિકંદરો પણ એમના ગુરુઓ જે શીખવતા હોય એનાથી જુદી માન્યતા ધરાવતા હોય છે અને પરીક્ષાઓમાં પોતે માનતા હોય એ લખી આવતા હોય છે. પછી રીઝલ્ટ આવે ત્યારે એમના બાપાઓનો માર ખાતા હોય છે.

આવી અંગત માન્યતાઓ દાઢી-મૂછ જેવી હોય છે. જેમ લોકો મન ફાવે તેવી સ્ટાઈલની દાઢી-મૂછ રાખતા હોય છે એમ જ લોકો પોતાને ગમતી અને ફાવે તેવી માન્યતાઓ ધરાવતા હોય છે. જેમ બે જણાના દાઢી મૂછ સરખા નથી હોતા એમ બે જણાની માન્યતાઓ સંપૂર્ણપણે મળતી આવતી હોય એવી શક્યતા નહીવત છે. દાઢી-મૂછમાં વાળના જથ્થા કે આકારમાં વત્તોઓછો ફેર હોઇ શકે એમ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મતભેદો પણ રહેતા હોય છે. પૂ. બાપૂ અને નહેરુ ચાચા વચ્ચે પણ અમુક બાબતોમાં વિચારભેદ હતો, પણ દેશના હિત બાબતે બન્ને એકમત હતા. જોકે બાપુ મૂછો રાખતા અને ચાચા ક્લીન શેવ હતા એ યોગાનુયોગ છે!

આ તો ફક્ત સરખામણી કરી બાકી કોઈપણ જાતની માન્યતા ધરાવવા માટે દાઢી-મૂછ જરૂરી નથી. સ્ત્રીઓને તો દાઢી મૂછ ઉગતી જ નથી છતાં એમનામાં પણ જાતજાતની માન્યતા ધરાવવાની પ્રથા છે. દા.ત. પોતે ૨૫-૨૭ વર્ષની કન્યા જેવી જ દેખાય છે એવી માન્યતા ૫૫-૬૦ વર્ષની યુવતીઓમાં સામાન્ય છે. લોકો જેમ દાઢી-મૂછને ટ્રીમ કરી અને યોગ્ય માપ-આકારમાં રાખતા હોય છે એવું માન્યતામાં પણ છે. લોકો ક્યારેક જરૂરીયાત અનુસાર, ક્યારેક અંગત સલામતી ખાતર અથવા અમુક કિસ્સામાં જખ મારીને પોતાની માન્યતાઓને એક દાયરામાં સીમિત રાખતા હોય છે. જયારે કમાલ આર. ખાન અને રાખી સાવંત જેવા કેટલાક લોકોને પોતાની માન્યતા સરાજાહેર પ્રદર્શિત કરવાની ચળ રોકી શકતા નથી અને પરિણામે એ પબ્લિકના ટપલા પણ ખાતા હોય છે.

પોલીસો અને એમણે પકડેલા આરોપીઓની માન્યતામાં પણ આભ જમીનનો ફેર હોય છે. મોટે ભાગે તો બંનેનું કાયદાનું અર્થઘટન જુદું દુજુ હોય છે. અમુક લોકો એવું માનતા હોય છે કે બીજાના પાકીટ, મોબાઈલ કે અછોડા આપણને ગમતા હોય તો એના માલિકને પૂછ્યા વગર લઇ શકાય, જયારે પોલીસની માન્યતા જુદી હોય છે. છેવટે બંને વતી કાળા કોટધારી વકીલો એ મામલામાં ઝંપલાવતા હોય છે અને આખરે કોર્ટ મારફતે એનું નિરાકરણ લાવવાનો વારો આવતો હોય છે.

દરેકને પોતાની માન્યતા સાચી લાગતી હોય છે, પણ તમે માનો છો એ સાચું છે કે નહિ એની સમજ હોવી ખુબજ જરૂરી છે. તમારી પાસે દ્રષ્ટિ હશે તો સત્ય તરત સમજાઈ જશે બાકી તો આ જોક જેવું થશે – ટ્રાફિક જામમાં ફસાયેલી એક મહિલાએ કારમાં બેઠા બેઠા એના પતિને ફોન કર્યો કે “અત્યારે હું જે રસ્તા ઉપર છું ત્યાં કોઈને ટ્રાફિક સેન્સ જેવું કંઈ છે જ નહિ. એટલા બધા લોકો રોંગ સાઈડ પર ચલાવી રહ્યા છે કે મારી ગાડી એક તસુ પણ આગળ વધી શકે એમ નથી. તમે ઘરે આવતી વખતે બીજો રસ્તો લેજો.” પતિએ કહ્યું “મેં પણ રેડીઓ પર સાંભળ્યું કે એ રસ્તા ઉપર એક ગાડી વન-વેમાં ઘૂસી છે એને લીધે ટ્રાફિક જામ છે. તું સાચવજે.” એટલા માટે જ ચિંતકો કહે છે કે તમારી અંગત માન્યતાઓનો વાસ્તવિકતા સાથે મેળ ન ખાતો હોય તો આત્મમંથન કરવું. ક્યાંક તમારી ગાડી વન-વેમાં તો નથી ઘૂસીને!

સાવ એવું પણ નથી કે દુનિયા કરતા ઉંધી માન્યતા ધરાવનારા સાવ ખોટા જ હોય છે. પંદરમી સદીના એ જમાનામાં કે જયારે પૃથ્વી જ સૂર્યમાળાનું કેન્દ્ર છે અને સૂર્ય સહિતના અવકાશી પિંડો એની આસપાસ ફરે છે એવી માન્યતા સર્વસ્વિકૃત હતી ત્યારે નિકોલસ કોપરનિકસ એવો વિરલો નીકળ્યો હતો જેણે દ્રઢતા પૂર્વક થીયરી રજુ કરી કે સૂર્ય જ કેન્દ્રમાં છે અને પૃથ્વી સહિતના ગ્રહો એની આસપાસ ફરે છે! પણ એ અપવાદ હતો. તમને કંઈ આવું તથ્ય હાથ લાગે તો ‘યુરેકા… યુરેકા…’ કરીને દોડતા પહેલાં ચાર જણને પૂછી લેજો.

सुन भाई साधो …
આંખો કી ગુસ્તાખીયાં માફ હો – મજનુ ભાઇઓની એક લીટીની અરજી.

 

 

—–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s