અત્યારે તો સડેલા ટામેટા પણ વક્તા પર ફેંકવામાં આવે તો વક્તા એને બહુમાન સમજી બેસે


Cutting With ABચીન અને અમેરિકા પછી ભારત ટામેટાના ઉત્પાદનમાં નંબર-૩ ઉપર છે તોયે ટામેટાના ભાવ પેટ્રોલના ભાવને પાર કરી ગયાં છે. આજકાલ પેટ્રોલ સસ્તું અને ટામેટા મોંઘા થતાં જાય છે. જોકે વાહનમાં કોઈ પેટ્રોલને બદલે ટોમેટો પ્યુરી પુરાવતું નથી. અથવા બોરિંગ વક્તા ઉપર ટામેટાને બદલે કોઈ પેટ્રોલ બોમ્બ ફેંકતું નથી. આ તો સરખામણી કરવાનો રિવાજ છે એટલે કરી છે. બાકી આવી સરખામણીઓ અર્થહીન હોય છે એ લખનાર સિવાય સૌ કોઈ જાણતું હોય છે.

Tometoesપરચુરણની તંગી માટે એવું કહેવાય છે કે સિક્કાની ધાતુની કિંમતને કારણે લોકો સિક્કા ગાળી એની ધાતુ વેચી મારતાં હતા. તો ટામેટાનાં ભાવ માટે વરસાદ અને સંગ્રહાખોરી સિવાય શું જવાબદાર હશે? કદાચ આખો દેશ પાણીને બદલે ટામેટા સૂપ પીતો અને જમવામાં ભાખરી અને સેવ-ટામેટાનું શાક જ ખાતો હશે. બાકી ટામેટાના ભાવ વધારા માટે કોઈ મલ્ટીનેશનલ કંપનીને પણ દોષ દેવાય એવો નથી. ટામેટા અમારી જાણકારી મુજબ પાકિસ્તાનથી આયાત નથી થતાં એટલે આ અંગે પાકિસ્તાન ઉપર પણ દોષનો ટોપલો ઢોળી શકાય એમ નથી. આજકાલ જે રીતે બધી ચીજવસ્તુના ભાવ વધ્યા છે તે જોતાં આમેય ટોપલામાં કશું પણ ભર્યું હોય એ ઢોળવામાં શાણપણ ચોક્કસ નથી.

ટામેટા સૂપ, સલાડ અને સોસમાં (મેનેજમેન્ટની ભાષામાં ૩-S of Tomatoes !) વધુ વપરાય છે. આમ તો વર્ષોથી અમે લગ્નપ્રસંગો અને શતાબ્દી જેવી ટ્રેનોમાં ટામેટાનો પાણી જેવો લોટ મિશ્રિત સૂપ પીધો છે. ભાવ તો હવે વધ્યા. હવે લગ્નો અને શતાબ્દીમાં શું થશે એ માટે કલ્પના કરવાની ખાસ જરૂર નથી. આપણે ત્યાં લોકશાહી છે એટલે લોકો પોતાની ઈચ્છા મુજબના સૂપ બનાવી શકે છે. લગ્નના મેન્યુમાં જયારે કેટલી આઇટમ છે એનો આંકડો વધારે મહત્વનો હોય ત્યારે ટોમેટો સુપમાં ટોમેટો છે કે કેમ એ પૂછવું મુર્ખામી છે. હવે ટામેટાના ભાવ જોતાં મેન્યુમાં ટોમેટો સૂપ રાખનાર બ્રોકોલી આલમંડ સૂપ રાખનાર જેટલી જ હોંશિયારી મારી શકશે.

એક જાણીતી ટોમેટો સોસની બોટલમાંથી સોસ ૦.૦૨૮ માઈલ પ્રતિ કલાકથી વધુ ઝડપે નીકળે તો એ કેચપ રીજેક્ટ કરી દેવામાં આવે છે. એ અલગ વાત છે કે કેચપની બોટલ અડધા ઉપર થાય એટલે આસાનીથી કેચપ નીકળે એ માટે કેચપની બોટલમાં પાણી નાખવાનો રીવાજ છે. જોકે બોટલમાં પાણી નાખ્યું છે, એવું નાખનાર સિવાયના લોકોને કમનસીબે બોટલ ઉંધી વાળ્યા પછી જ ખબર પડે છે. સોસનો ધોધ વહે ત્યારે. શેમ્પુની બોટલમાં પણ આવું જ નથી થતું? જો તમારે આવું ન થતું હોય તો તમે મિડલ ક્લાસમાં નહિ આવતાં હોવ!

આમ તો ટામેટા ફ્રુટ છે. પણ અમેરિકામાં ૧૮૯૩માં કોર્ટે ટામેટા ફ્રુટ નહિ બલ્કે શાકભાજી છે એવું ઠરાવ્યું હતું. આ માહિતી ઉપવાસ કરનારા માટે અગત્યની છે. કારણ કે ઉપવાસમાં શું ખવાય અને શું ન ખવાય એ અંગે કોઈ સરકારી સરક્યુલર નથી બહાર પાડવામાં આવ્યો એટલે લોકો એનું મનઘડત અર્થઘટન કરે છે. એમાંય જેનાથી ભૂખ્યા ન રહેવાતું હોય એને ફ્રેંચ ફ્રાઇઝ સાથે કેચપ ખાવાની કોઈ ના પાડે તો શું થાય?

સ્પેનમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા બુધવારે લા ટોમેતીનો ફેસ્ટીવલ ઉજવાય છે. ત્યારે શેરીઓમાં ટોમેટો યુદ્ધ થાય છે. એક અંદાજ મુજબ ત્રીસ હજારથી વધારે લોકો આ ફેસ્ટિવલમાં સો ટનથી વધારે ટામેટા એકબીજા ઉપર ઝીંકે છે ‘ઝીન્દગી ના મિલેગી દોબારા’ નામની ફિલ્મમાં સ્પેનના આ ઉત્સવમાં હ્રીતિક રોશન અને કેટરીનાને ટામેટામાં આળોટતા બતાવ્યા હતાં.વિદેશમાં જઈને ટામેટામાં આળોટવું એ કોઈ નબીરાને જ પોસાય. અને એ જેને પોસાય એને પોતાની પત્નીને ભરણપોષણનાં ૪૦૦ કરોડ આપવા પણ પોસાય.

આપણે ત્યાં તો સડેલા ઈંડા-ટામેટાનો ઉપયોગ સભા સરઘસમાં વક્તાને વધારે ત્રાસ આપતાં રોકવા માટે થાય છે, સ્પેનની જેમ ઉત્સવ માટે નહિ. એમાં ઈંડા કરતાં ટામેટા ફેંકવામાં વધારે સહેલા પડે છે, એવો અમારો સ્વઅનુભવ છે. ભાવ વધારા પછી જો સડેલા ટામેટા પણ કોઈ કવિ પર ફેંકવામાં આવે તો કવિ એને બહુમાન સમજી બેસે એવું બને. આમેય કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ કીધું છે કે ‘અમથીય દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ, તરત જ થાઉં પ્રસન્ન એવો આસુતોષ છું’ આપણા નવા કવિઓ પણ આવા હરખપદુડા છે. એમાંય કવિઓ આસાન ટાર્ગેટ છે. નેતાઓ તો હવે પબ્લિકની પહોંચની (ટામેટાનાં ઘાની) બહાર ઊભા રહી પ્રવચન આપે છે. તો બાકીના સોશિયલ મીડિયા, હેંગઆઉટ અને થ્રીડી સભાઓ કરે છે. હવે ટામેટા ફેંકવા હોય તો પોતાનાં જ ટીવી પર ફેંકવા પડે.

નાના હતાં ત્યારે એક રમતમાં આવું આવતું હતું.નદીકિનારેટામેટું, ટામેટું,ઘીગોળખાતુંતું, ખાતુંતું,નદીએનાવાજાતુંતું, જાતુંતું,આજ સુધી ટામેટું નદીએ કેમ નહાવા જાતું હતું એ અમને સમજ નથી પડી. ટામેટાના ઘરમાં બાથરૂમ નહીં હોય તેવો હાથવગો જવાબ કોઈપણ આપી શકે, પણ એમાં દેશની સેનિટેશન સામે ઘણાં પ્રશ્નો ઊભા થાય. એમાં પાછું ઘી ગોળ ખાઈને નહાવા જવું યોગ્ય જણાતું નથી, કારણ કે આપણી સંસ્કૃતિમાં નાહીને ખાવાનું કહ્યું છે. જોકે સંસ્કૃતિની વાત અમે કરવા માંગતા નથી, કારણ કે આજકાલ સંસ્કૃતિની વાત કરનાર હિંદુ, જુનવાણી, અને ભક્ત પ્રકારના ગણાય છે.

મસ્કા ફન
ઓર્ડર આપતી વખતે ‘ભૂખનથી’ એવું કહી ના પાડનાર
ફૂડ સર્વ થયા પછી જયારે ઝાપટવા લાગે …
ત્યારે સાલું લાગી આવે !

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s