‘દાઢી-મૂછ વધારો અને મેચ જીતો’ એ સફળતાની ફોર્મ્યુલા નથી!


Cutting With AB

ર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસી એના શાનદાર પ્રદર્શનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ કોપા અમેરિકા ૨૦૧૬ ટુર્નામેન્ટ દરમ્યાન એ એની દાઢીને લઇને ચર્ચામાં રહ્યો! આ વખતે ટુર્નામેન્ટ શરુ થઇ ત્યારથી એણે દાઢી વધારવાનું શરુ કર્યું હતું. યોગાનુયોગ એવો થયો કે એની દાઢી વધતી ગઈ એની સાથે સાથે આર્જેન્ટીનાની ટીમ પણ આગળ વધતી ગઈ, અને છેક ફાઈનલમાં પહોંચી ગઈ! અહીં કહાનીમાં ટ્વિસ્ટ એ આવે છે કે મેસીના સાથીઓ ફાઈનલ સુધીની જીતનું શ્રેય પાંચ ગોલ કરનાર એના ચરણ કમળ ઉર્ફે ટાંટિયાને નહીં પણ એની દાઢીને આપે છે! મેસીની મેસી-બરછટ દાઢી ટીમ માટે ‘લકી ચાર્મ’ ગણાતી હતી! ફાઈનલમાં તો વખાણી ખીચડી દાંતે વળગી એ કહેવતની જેમ મેસીની વખાણી દાઢી ગૂંચવાણી અને પેનલ્ટી શુટઆઉટની એની બોણીની એટલે કે શકનની કીક ગોલપોસ્ટની ઉપરથી ગઈ! છેલ્લા વાવડ એ છે કે ‘બા’ની જેમ મેસી પણ રીટાયર થાય છે. હવે દાઢીનું શું થાય છે એના સમાચારની રાહ જોવાય છે.

આવી અંધશ્રદ્ધા સામાન્ય લોકોનેય હોય છે, પણ સ્પોર્ટ્સમેન, ફિલ્મસ્ટાર્સ અને પોલીટીશિયન્સ અંધશ્રદ્ધા ધરાવે તો એ તરત લોકોનું ધ્યાન ખેંચે છે. એકતા કપૂરની સિરીયલો અને રાકેશ રોશનના પિક્ચર્સના નામમાં “કે” હોય, શાહરૂખનાં કાફલાની અનેક કારની નંબર પ્લેટમાં ૫૫૫ નમ્બર હોય, કે ઇશાંત શર્માનાં માદળિયાં, આ તેમની માન્યતાઓ દર્શાવે છે. આ નવી વાત નથી. આ અગાઉ ૧૯૮૩ના ક્રિકેટના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ખૂંખાર ટીમને ધૂળ ચટાડનાર ભારતીય ટીમમાં બધા મૂછોવાળા હતા! એમાં કાયમ ક્લીનશેવ રાખનારા મોહિન્દર અને ગાવસ્કર પણ સામેલ છે જેમણે કપ જીતવાની નેમ સાથે મૂછો વધારી હતી! ૯/૧૧ના હુમલા પછી ગ્રે વેડલ નામના અમેરિકન શિક્ષકે લાદેન પકડાય કે મૃત જાહેર થાય ત્યાં સુધી દાઢી નહિ કરવાનું પ્રણ લીધું હતું. ખેર, એને તો દાઢી કરવાનો મોકો મળ્યો, પણ આપણા કોઈ માસ્તરે ૧૯૯૩ના મુંબઈમાં બોમ્બ ધડાકાના માસ્ટર માઈન્ડ દાઉદ માટે આવી બાધા રાખી હોત તો આજે એણે દાઢી ઊંચકવા માટે અલગથી એક લારી લઈને ફરવું પડતું હોત. આ તો એક વાત છે.

ફિલ્મ ‘વિશ્વનાથ’માં અન્યાયનો બદલો લેવા માટે પ્રમાણિક અને બાહોશ વકીલમાંથી ગુનાની દુનિયામાં પગ મુકનાર શોટગન સિન્હાની દાઢી જોઈને ક્લીન શેવ્ડ વિલન મદનપુરી કહે છે ‘દાઢી બઢાને સે કોઈ ડાકૂ નહિ બન જાતા. મૈ બીના દાઢી બઢાએ બરસોં સે લોગોં કો લૂટતા આ રહા હૂં!’ આમ દાઢી એ નિમિત્ત હોઈ શકે, પણ સફળતા માટેનું આવશ્યક સાધન નહિ. કૌભાંડોનો ઈતિહાસ જુઓ તો આપણને દાઢીધારીઓ કરતાં ખાદીધારીઓએ વધારે લૂંટ્યા છે. એક જમાનામાં શૂરવીરની મૂછનો એક વાળ કરોડ રૂપિયા બરોબર હતો, પણ અત્યારે માલ્યાને ૭૦૦૦ કરોડની લોન કંઈ એની દાઢીનાં કોલેટરલ પર નહિ મળી હોય. બાકી ફક્ત દાઢી વધારવાથી કોઈ નબળો ફૂટબોલર ગોલ કરવા માંડે કે વાળ વધારવાથી કોઈ ઝૂડાઉ બોલરને વિકેટ મળવા માંડે તો આપણી ચારે તરફ દાઢી-મુછ જમીન પર અડતી હોય એવા અઘોરીઓ જ ફરતાં દેખાય.

રીઅલ લાઈફમાં અમિતાભ બચ્ચનની બીજી ઇનિંગ્ઝની સફળતાને પણ એમની દાઢી સાથે સાંકળી શકાય એમ છે. બીજી ઇનિંગ્ઝમાં એમણે દાઢીને જતનથી સાચવી છે. એનો આકાર કે પ્રકાર બદલ્યો હશે પણ એમણે દાઢી હટાવી નથી! આ જોતાંએ પોતે પણ એને લકી ચાર્મ માનતા હોય તો નવાઈ નહિ. અને જે રીતે એ મોત સામે લડીને પાછા આવ્યા છે એ જોતાં કોઈ પણ વ્યક્તિ ચમત્કારમાં માનતો થઇ જાય. બાકી એમણે કોઈ પણ અંધશ્રધ્ધા વગર નિષ્ફળતામાંથી ફરી સફળ થઈ દેખાડ્યું છે. રીલ લાઈફમાં ફિલ્મ ‘ગોલમાલ’માં ઉત્પલ દત્ત મૂછોવાળા ઉમેદવારને જ નોકરી આપે છે. ‘શરાબી’માં નથ્થુલાલજી એમની સ્પેશિયલ મૂછોને કારણે જ વિકીબાબુના પ્રીતિપાત્ર બને છે અને એની દીકરીના લગ્નની જવાબદારી ઉઠાવી લે છે. આવા લોકોએ એમની મૂછોને રોજ ધૂપ આપવો જોઈએ.

અબ્રાહમ લિંકનને ૧૮૬૦ની ચૂંટણી પહેલા એક નાનકડી છોકરી એ પત્ર લખીને એવી સલાહ આપેલી કે તમે દાઢી વધારશો તો તમને વધુ વોટ મળશે અને તમે અમેરિકાના પ્રમુખ બનશો. જવાબમાં લિંકને કોઈ વાયદો તો નહોતો કર્યો પણ ચૂંટણી સુધીમાં દાઢી વધારી દીધી હતી અને જીતીને અમેરિકાના પ્રમુખ પણ બન્યા હતા. આમ દાઢી એ એમના માટે ગાદી સુધી જવાનો રસ્તો બની ગઈ કહેવાય.

આમ છતાં દાઢી કે મૂછ કે બંને રાખવાથી અચ્છે દિન આવશે જ એમ માનવું ભૂલ ભરેલું છે. દાઢી-મૂછ સાથે ઘણી સમસ્યાઓ ઉગી નીકળતી હોય છે. જેમ કે ઘેઘૂર મૂછો ધરાવનારા મુચ્છડો ચા પીવે ત્યારે અડધી ચા તો એમની મૂછો પી જતી હોય છે. નાકમાં ગલીપચી થાય એ જુદું. બીજું દાઢી-મૂછ મેન્ટેનન્સ માગી લેતી વસ્તુ છે. એને વગડાના વેલાની જેમ નહીં પણ બગીચાના છોડની જેમ ઉછેરવી પડતી હોય છે. સલૂનવાળા હેરકટિંગ જેટલો જ ચાર્જ દાઢી-મૂછ ટ્રીમ કરવાનો લેતાં હોય છે. તમે આગથા ક્રિસ્ટીની નવલકથાના ડિટેકટીવ ‘હરક્યુલ પોઈરો’ (Hercule Poirot)ને ફિલ્મમાં રાત્રે સુતી વખતે એની હેન્ડલબાર સ્ટાઈલની મૂછો ઉપર ‘મુસ્ટાચ વેક્સ’ લગાડતો જોયો હશે. એટલે જેને મૂછોના આંકડા ચઢાવવાનો શોખ હોય એણે નિયમિત રીતે મૂછોને ખાસ રીતે મરડવી ફરજીયાત છે અને એને ઉંચી રાખવા માટે ખાસ પ્રકારના ‘મુસ્ટાચ વેક્સ’નો ખર્ચો પણ પાડવો પડે છે. આ જોતાં એક અમદાવાદી તરીકે અમને એટલો જ વિચાર આવે છે કે આટલો જ ખર્ચો અને મહેનત ધંધા પાછળ કરીએ તો નસીબ આપોઆપ દોડતું આવે. શું કહેવું છે?

મસ્કા ફન
કુતરું અને નસીબ ન માંગ્યા દોડતાં આવે છે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s