કૂતરાઓ માટે કોઈ ફિક્સ આચાર સંહિતા નથી. आहार निंद्रा भय मैथुनं च આ ચાર મુખ્ય કર્યો સિવાય બીજું શું કરવું એ બાબતે સ્પષ્ટ માર્ગદર્શનના અભાવે શ્વાન વિશ્વમાં સૌ પોત પોતાની મરજીને અનુસરી રહ્યા છે. ગાભાની ખેંચખેંચ કરવી, બેસવા માટે ખાડા કરવા, ખાડામાં બેસતા પહેલા ગોળ ફરવું, અમથા અમથા દોડવું, સોસાયટીની ચોકી કરવી, પડોશની સોસાયટીના કૂતરાઓ સાથે ઠેરાવી દેવી, ખુશ થઈને આળોટવું, ગુસ્સે થઈને કે અમથું ભસવું, અડધી રાત્રે રડવું કે પછી કો’કના ઓટલે લંબાવીને લગનગાળા/ ભાદરવાનો થાક ઉતારવો વગેરે પ્રવૃત્તિમાં એ લોકો ટાઈમ પાસ કરતાં હોય છે. એટલે જ કોઈ પણ પ્રકારના ધ્યેય વગર જીવનારા લોકોની જિંદગી કૂતરા જેવી ગણાય છે.

Image Courtesy: c.fastcompany.net
નવરો માણસ અમસ્તો ટાઈમપાસ કર્યા કરતો હોય તો એની ઉપર પસ્તાળ પડતી હોય છે. જયારે કૂતરાઓ ખાઈ-પી, આસપાસની સોસાયટીના કૂતરાં સાથે ભસાભસી કરી અને કોઈના ઓટલા ઉપર કે સલામત જગ્યાએ ખાડો કરીને જીભ લબડાવીને બેઠા રહેતા હોય છે. ભર બપોરે ઊંધ બગાડતા કુરિયરબોય અને બુમો પાડતા ભાજીવાળા અને ભંગાર-પસ્તીવાળાને પણ એમનો ડર હોતો નથી. આવા કૂતરા માટે કોઈ આચાર સંહિતા જ નહિ? સોસાયટીનું લૂણ ખાધું હોય છતાં સોસાયટીમાં ચોરી થાય તો એમને બે ડંડા મારવાની પણ સજા નહિ? મારી જાતને એક કૂતરાની જગ્યાએ મુકી જોઇ તો લાગ્યું કે એક કૂતરો ધારે તો ઘણું કરી શકે.
અમારા ઘર આગળ ખાડો કરીને બેસતા લાલિયાને તો તમે ઓળખો જ છો. ઘણીવાર એને જોઈને મને થાય છે કે એ એની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરતો નથી. મેં એને થોડું કામકાજ શીખવાડવાની કોશિશ કરી પણ જોઈ છે. એક વાર તો ટી.વી. ઉપર ‘હમ આપકે હૈ કૌન’ ચાલતું હતું ત્યારે એને રોટલી બતાવીને અમારા ડ્રોઈંગ રૂમમાં બોલાવીને બેસાડ્યો કે જેથી કરીને એ જુએ અને શીખે કે એક ‘ટફી’ નામનું બકુડું કૂતરું કેવી રીતે સલમાન અને માધુરીનું મિલન કરાવે છે. પણ એ દિવસ છે અને આજનો દિવસ છે. હજી સુધી એ લગનમાં લખણે રહી ગયેલા અમારી સોસાયટીના ‘અલકેસ’ ભ’ઇ ઉર્ફે ‘બત્રી વરહના બચુકાકા’ને ડાળે વળગાડી શક્યો નથી! આજે પણ બચુકાકા આવતાં જતાં લાલિયા સામે આશાભરી નજરે જુએ છે!
એમ જોવા જાવ તો અમારા લાલિયા અને એના જાત ભાઈઓને ગૌરવ થાય એવા અનુકરણીય સાહસો અને પ્રેરણાદાયક કાર્યો એમના પૂર્વજો કરી ગયા છે, જો એમનામાં જરા પણ શીખવાની દાનત હોય તો … જેમ કે લાયકા નામની કૂતરી રશિયાના સ્પુટનીક-૨ નામના યાનમાં અવકાશની સફરે જનાર પ્રથમ સજીવ હતી. આની સામે અમારો લાલિયો ‘કાચી પાંત્રીસ’ તરીકે ઓળખાતા અમારી સોસયટીના કાર્તિક ચીમનલાલના ૩૫ નંબરના બંગલાના ધાબાથી વધુ ઉંચે જઈ શક્યો નથી. એ તો ત્યાં જઈને પણ રોતો હતો કારણ કે કાર્તિક ભાઈ તો ઘર બંધ કરીને સિમલા ફરવા નીકળી ગયેલા. પછી અમે અમે એને ૩૬ નંબરવાળા ‘કમરા કાકી’ના ઘરના દાદરેથી ઉતારેલો. લાલિયાની આબરૂ પાછી એવી કે કમરા કાકીએ આ ઘટના પછી આખું ઘર ધોવડાવેલું!
ટીવી પર ‘ટફી’ને જોયા પછી તો લાલિયો ટીવી જોવાનો શોખીન થઇ ગયેલો. અને અમે પણ એનો જનમ સુધરે એ માટે કૂતરાના પરાક્રમોવાળી ફિલ્મો આવતી હોય ત્યારે એને ખાસ બોલાવીને બેસાડતા. જેમાં મોતી નામનો કૂતરો એમના માલિક જેકી શ્રોફ અને એની પ્રેમિકા પૂનમ ધિલ્લોનના ખૂનીને સજા આપે છે એ ‘તેરી મહેબાનીયાં’ નામની ફિલ્મ એને બતાવી. એ પછી હીરો રાજેશ ખન્નાને ગુનેગાર ઠેરવવા માગતા એના જેવાજ દેખાતા વિલન રાજેશ ખન્ના વિરુદ્ધ કોર્ટમાં સાક્ષી આપીને બચાવનાર ‘મોતી’ નામના કૂતરાના સાહસો પણ બતાવ્યા! છેલ્લે અક્ષય કુમારની ‘એન્ટરટેઈનમેન્ટ’માં ટાઈટલ રોલ નિભાવતા વફાદાર કૂતરાના પરાક્રમો બતાવ્યા. છતાં પણ અમે એનામાં વિરરસ જગાવી શક્યા નહિ!
એક દિવસ મેં એક કાર્ટુન સીરીયલમાં ‘સ્કૂબી ડૂ’ નામના કૂતરાને જોયો! એમાં સામાન્ય સંજોગોમાં બીકણ જણાતા સ્કૂબી ડૂમાં ‘સ્કૂબી સ્નેક્સ’ ખાધા પછી અનેરી શક્તિનો સંચાર થતો અને એની અસરમાં એ એનો ફટ્ટુ માલિક ‘શેગી’ સાથે મળીને ભેદી ષડયંત્રોનો પર્દાફાશ કરતા જોયા! એ પછી મને વિચાર આવ્યો કે અમારી સોસાયટીના કૂતરાઓને આવા ન્યુટ્રીયન્ટસ્ સાથેના સ્નેક્સ ખવડાવવામાં આવે તો એ કંઇક સમાજોપયોગી કામો પણ કરે. આ માટે મેં હોળી ઉપર સોસાયટીની કમિટી સમક્ષ ફંડ માટે પ્રસ્તાવ પણ મૂક્યો, તો ૯ વિરુદ્ધ બે મતે ઉડી ગયો! મને કહેવામાં આવ્યું કે પહેલાં દશેરાના ફાફડા-જલેબીની પાર્ટીના સોળ ઘરના પૈસા બાકી છે એ લઇ આવો પછી વાત! આ વખતે મારા પક્ષે માત્ર મારો દોસ્ત પુષ્કી ઉર્ફે પુષ્કર સળીકર હતો જેની સાસુને અમારી સોસાયટીની કૂતરી ફ્રેન્કીએ બચકું ભર્યું હતું!
सुन भाई साधो …
પ્યાર કિયા નહિ જાતા, હો જાતા હૈ …
ઝાડાનું પણ એવું જ છે!
—–X—–X—–
Wah lovely. Love the humor and reality
LikeLiked by 1 person
Thank you sir
LikeLike