ઘર અને હોટલ વચ્ચે ફેર છે


Cutting With ABવું જાણવા મળ્યું છે કે હ્રિતિક રોશનના ઘરમાં બ્રેકફાસ્ટ અને જમવામાં મેન્યુ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે. મતલબ કે તમારે કયો નાસ્તો કરવો એ ચોઈસ મળે છે. આ સાંભળીને સ્વાભાવિક છે કે રોજ નાસ્તામાં ચાને ભાખરી કે બટાકા પૌંઆ અને લંચમાં રોટલી-દાળભાત-શાક અને ડીનરમાં ભાખરી-શાક ખાવા પામતા લોકો ડઘાઈ જાય. ટ્રાન્સફરેબલ જોબમાં તમને ધાર્યું પોસ્ટીંગ મળી શકે છે, સારા ટકા લાવો તો તમને મનગમતી કોલેજમાં એડ્મિશન મળી શકે છે, પણ ઘર એ જગ્યા છે જ્યાં નાસ્તા-ભોજનમાં તમને ચોઈસ આપવાનો રિવાજ નથી. આપણે ત્યાં નાનપણથી જ છોકરાઓને ‘જા બહાર જઈ ને જો, લોકોને બે ટંક રોટલા નથી મળતા’, ‘હોસ્ટેલમાં જઈશ તો શું કરીશ?’ અને છોકરીઓને ‘સાસરે જઈશ તો શું કરીશ?’ જેવા અઘરા પ્રશ્નો પૂછી જે મળે છે તે ખાઈ લેવા માટે માનસિક તૈયાર કરવામાં આવે છે.

પણ ધારો કે ઘરમાં હોટેલ જેવું વાતાવરણ અને અનુકુળતા સર્જવામાં આવે તો? ધારો કે તમે સાંજે ઘેર જાવ તો રિસેપ્શનિસસ્ટની જેમ પત્ની તમારું હસીને સ્વાગત કરે તો? એ પણ વરસમાં ૩૬૫ દિવસ! ધારો કે તમે સવારે બ્રેકફાસ્ટ કરવા ઈચ્છો તો તમને આલું પરાઠાથી માંડીને ઈડલી સંભાર અને જ્યુસ, ચા-કોફી (અને કોર્નફ્લેક્સ પણ ખરા જ!) જેવા ઓપ્શન્સ મળે તો? જો તમે સંયુક્ત ફેમિલીમાં રહેતાં હોવ ને તમને તમારા બેડરૂમની બહાર ‘ડુ નોટ ડીસ્ટર્બ’ બોર્ડ’ મારવાની સગવડ મળે તો? સાબુ ચપતરી બની જાય અને એનાથી ન્હાતી વખતે બગલમાં કાપા પણ પડવા માંડે એ પહેલા સાબુ બદલી દેવામાં આવે તો? શેમ્પુની બોટલમાં પાણી નાખવાને બદલે નવી સમયાન્તરે નવી બોટલ મુકવામાં આવતી હોય તો? રોજ પલંગની ચાદર-ઓશિકાના ગલેફ બદલી નાખવામાં આવતા હોય તો? તમને પણ બચ્ચનના પેલા ‘જહાં ચાર યાર …’ ગીતમાં આવે છે એમ ‘ભૂલે સે મૈ યે કિસકે ઘર આ ગયા યાર?’ થાય કે નહિ? અને અતિશય હરખનો માર્યો માણસ ગાંડો થઇ જાય તો એના છોકરાં રખડી ના પડે?

પણ ‘દિલકો બહલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ …’. આ સગવડ હ્રીતિકને મળી છે તો તમને પણ મળી શકે છે. અને હોટેલ કે રેસ્તરાં જેવી સર્વિસ ઘરે જ મળવા માંડે પછી તો કેવા જલસા પડે! એવું બને કે તમારી પત્નીને જાણ કર્યા સિવાય તમે રાત્રે નવ વાગે તમારા ફ્રેન્ડઝને તમારા ઘરે પિત્ઝા ખાવા માટે બોલાવો છો અને પંદર-વીસ મીનીટમાં જ પાંચ છ લઠિંગા હલ્લા ગુલ્લા કરતા આવીને તમારા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય છે. તમારી મસ્તી ચાલતી હોય ત્યાં જ પત્ની-પ્રેરિત હાઉસ મેઈડ ઠંડા પાણીના ગ્લાસ ‘સર્વ’ કરી જાય છે! થોડી વાર પછી સ્માઈલ સાથે એ ફરી પ્રગટ થાય છે અને પૂછે છે ‘શું લેશો?’ તમે પણ જાણો છો કે ઘરમાં ‘ભાખરી-શાક’ બની ગયા છે છતાં બેફિકરાઈથી ‘સાત ડબલ ચીઝ પિત્ઝા વિથ કોક’નો ઓર્ડર આપો છો. ફરી સ્માઈલ સાથે એ બધાને પૂછે છે ‘બીજું કંઈ?’ ત્યારે તમે એની સામું પણ જોયા વગર ‘પહેલાં બધા માટે ગાર્લિક બ્રેડ’ એવું કહીને જવાનો ઈશારો કરો છો અને એ કિચનમાં અંતર્ધાન થાય છે.

બધા ડાઈનિંગ ટેબલ પર વાતો કરતા કરતા ગોઠવાવ છો અને થોડી જ વારમાં હાઉસમેઈડ આવીને ગાર્લિક બ્રેડ સાથેની ડીશીસ, સોસ અને ટેસ્ટ મેકર્સ સર્વ કરી જાય છે. પછી પિત્ઝાનું રાઉન્ડ આવે છે. આ દરમ્યાન તમારી પત્ની થોડા છેટે ઉભા ઉભા નાની નાની બાબતો પર દેખરેખ રાખી રહી છે. તમે બધા કોઈ વિદેશી કંપનીના ફૂડ જોઈન્ટને પણ ભુલવાડે એવા ચટાકેદાર પિત્ઝા પર તૂટી પડો છો! છેલ્લે ફિંગર બાઉલ આવે છે. તમે આંગળા ધોઈને લૂછવા માટે નેપકીન ઉપાડવા જાવ છો ત્યાં જ એ નેપકીન નીચે પડી જાય છે. તમે એ નેપકીન લેવા નીચા નમો છો અને ધબ્બ …! તમે પલંગ પરથી નીચે પડો છો!

પૂરું બોસ! પછી જાગી જવાનું!

તમે પણ શું યાર! અમે જરા કલ્પનાનું ગધેડું છુટ્ટું મુક્યું તો તમે તો મંડ્યા તબડીક તબડીક કરવા! જરા વિચારો તો ખરા કે આવું હોતું હશે? કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના? ઘર એ ઘર છે એનું તમને ભાન હોવું જ જોઈએ. હોટેલમાં તો હાઉસ કીપિંગ રૂમ એટેન્ડન્ટસ, વેઈટરો અને રસોયાઓને પગાર મળતો હોય છે. એમાં સ્માઈલો આલવાના અને તમારી સાથે વિવેકથી વાત કરવાનું પણ આવી જાય. જરા વિચારો કે ઘરે નાસ્તા અને ડીનર પછી ટીપ આપવી ફરજીયાત હોત તો? તમને મોજા અને અન્ડરવેર ધોવાના ૯૦ રૂપિયા બીલ પોસાવાનું છે? મહીનાનું ચાદરો, ગલેફો અને બ્લેન્કેટસ ધોવાનું લોન્ડ્રી બીલ જોઇને તો તમે ઉંદરની જેમ બીલમાં જ ભરાઈ જાત! વાત કરો છો.

અહીં બીજી એક વાત સમજીલો કે હ્રીતિકને આ લહાવો ચારસો કરોડ રૂપિયા ખર્ચ્યા પછી મળ્યો છે. બાકી સુઝેન ઘરમાં બેઠી હોત તો એના ઘરમાં પણ આપણી જેમ ભાખરી-શાક કે દાળ-ભાત-રોટલી-શાક બનતા હોત અને ડુગ્ગુ પણ નીચી મુંડીએ છએ આંગળીએ સબડકા ભરી ભરીને દાળ પીતો હોત સમજ્યા? એટલે જ નીદા ફાઝલીજીએ કહ્યું છે કે –

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीन तो कहीं आसमान नहीं मिलता
તમારી પાસે વધારાના ચારસો કરોડ પડ્યા છે? તો આવા સપના જોજો !


મસ્કા ફન
પહેલો વરસાદ

સાઈલન્સરમાં ભરાયેલું
પાણી કાઢવા
બાઈકને આગલા ટાયરથી
મહામહેનતે
ઊંચું કરી
એ બોલ્યો:
“એની જાતનું કોણ વરસાદ વરસાદ કરતું હતું?”

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

6 Responses to ઘર અને હોટલ વચ્ચે ફેર છે

 1. Bhumika કહે છે:

  Excellent article

  Liked by 1 person

 2. kavyendu કહે છે:

  ઘરના મેનુમાં તો બુધવારે મગ અને શનિવારે અડદની દાળ જ હોય, બીજું કઈ માંગો તો કહે કે ” જે થતું હશે તે જ થશે, અમારી વાતમાં માથું નહિ મારવાનું,” કે ” આ ઘરના રીતરિવાજ તમારી મા એ જ નક્કી કર્યાં છે એમાં કઈ ફેર નહિ થાય” —- બોલો જવાબ છે?

  Liked by 1 person

 3. જો તમે સંયુક્ત ફેમિલીમાં રહેતાં હોવ ને તમને તમારા બેડરૂમની બહાર ‘ડુ નોટ ડીસ્ટર્બ’ બોર્ડ’ મારવાની સગવડ મળે તો? …..ऐसा तो कभी सोच भी नहीं सकते

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s