કેવી રીતે પકડીશ પોકેમોન ?


ગાયના શીંગડે ચઢવું એ અમદાવાદીઓ માટે નવું નથી. સદીઓથી રસ્તાઓ ઉપર ગાયો સ્વૈર વિહાર કરતી આવી છે અને એમના વિહારમા ખલેલ પહોંચાડનારને એ શીંગડે ચઢાવતી આવી છે. અત્યારે શહેરમાં ગાયના શીંગડાના ભોગ બનેલા લોકોની કેટલામી પેઢી ચાલતી હશે એ સંશોધનનો વિષય છે. હવે શહેરમાં રખડતી ગાયો અને કૂતરા સાથે ‘સ્પેસ’ એટલેકે ‘અવકાશ’ નહિ પણ સાયબર સ્પેસમાંથી ઉતરી આવેલા ‘પોકેમોન’ પ્રકારના એલિયન્સનો ઉમેરો થયો છે. આ જીવો શહેરની જાહેર જગ્યાઓથી લઈને ખૂણેખાંચરે ફેલાયેલા છે પણ એ ફક્ત મોબાઈલના કેમેરાની આંખે જ દેખાતા હોઈ જનસામાન્ય માટે અદ્રશ્ય છે. અત્યારે શહેરમાં રખડતી ગાયો કે કૂતરા પકડવા માટે પાલિકાકર્મીઓ દેખાય કે ન દેખાય, પણ મોબાઈલ વડે ‘પોકેમોન’ પકડનારા શહેરમાં ઘૂમી રહ્યા છે. આમાં દેખીતી રીતે જ શહેરના ટીનેજર્સ અને યુવાવર્ગનું પ્રમાણ ઊંચું છે. આ પ્રવૃત્તિ યુવાઓમાં ઘેલછા કક્ષાએ છવાયેલી હોઈ ભાવી નાગરિકોના ભવિષ્ય બાબતે સદા ચિંતિત રહેતા ખડૂસ લોકો શહેરના યુવાનો પોતાની તમામ શક્તિ ગાયો અને કૂતરા પકડવા તરફ વાળે એવું ઇચ્છી રહ્યા છે.

‘પોકેમોન ગો’ નામની આ ગેમમાં મોબાઈલમાં તમને પોકેમોનની હયાતી જણાય છે જેને મોબાઈલનો કેમેરા ઓન કરી શોધવાના હોય છે. 2014 માં ગુગલ મેપનાં એપ્રિલ ફૂલ પ્રેન્કમાં પોકેમોન માસ્ટર બનવા માટે પોકેમોન પકડવાની વાત કરાઈ હતી જે ૨૦૧૬માં હકીકત બની ગઈ છે. મોબાઈલ ગેમને લગતા અવનવા સમાચારો અખબારોમાં અને સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે. આવા પોકેમોન વાંચ્છુંઓ પોતાના હાથપગ તો ભાંગી જ રહ્યા છે તદુપરાંત કોઈના ઘરો કે પ્રોપર્ટીમાં ગેરકાયદેસર ઘુસી રહ્યા છે. ટ્રાફિકમાં પોતે અટવાઈ અને બીજા ને ભેખડે ભેરવી ટ્રાફિક જામ કરી રહ્યા છે.

અત્યારે સુધી ટ્રાફિક ઓછો હોય એ રસ્તે વાહન ચલાવતા હતા પણ આ પોકેમોન પકડવાની લ્હાયમાં જુવાન છોકરા છોકરીઓ લાંબા રસ્તે જઈ મા-બાપ અને અંતે દેશના પેટ્રોલનો ધુમાડો કરી રહ્યા છે. ખરેખર તો આ ગેમ પગે ચાલીને રમવાની છે. જોકે બગીચા અને જાહેર સ્થળોએ પોકેમોન વધુ મળતા હોવાથી પોકેહન્ટ કરનારા બગીચામાં ચક્કર મારતાં થઈ ગયા છે. આને લીધે બગીચામાં પ્રેમયજ્ઞ કરી રહેલા પ્રેમી પંખીડાઓને ચોકીદાર અને પોલીસ ઉપરાંત ‘પોકેમોન હંટર્સ’ નામના રાક્ષસોથી બચવાનું આવ્યું છે. સામાન્ય રીતે બગીચામાં પ્રેમીપંખીડા ઉપરાંત ફોર્ટી પ્લસ લોકોની બાંકડા ક્લબ ચાલતી હોય છે. એ લોકો શરૂઆતમાં તો નવાગંતુક યંગસ્ટર્સને બગીચામાં જોઈને નવી પેઢીમાં આવેલી આરોગ્ય સંબંધિત જાગૃતિના વખાણ કરવા માંડ્યા હતા. પણ પછી પકડનારાનાં શારીરિક હાવભાવ અને ચાલચલનથી એ શારીરિક સ્વાસ્થ્યનું સંવર્ધન કરવા આવેલા ન જણાતા અગાઉની જેમ ‘નવી પેઢી તો જવા દો …’ કહી બગડતા જોવા મળ્યા હતા.

આજકાલ કચરાને પણ રીસાયકલ કરીને એની ઉપયોગીતા સિદ્ધ કરવામાં આવી છે ત્યારે ટાઈમપાસ ગણાતી આ રમતના ફાયદા પણ અખબારોમાં ચમકવા મંડ્યા છે. ફાયદામાં ચાલવાનું અને હેલ્થ બેનીફીટ તો સૌ ગણાવે જ છે. પરંતુ પોકેમોન પકડવાના બહાને ઘણા ઘરકૂકડીઓ ટીવી છોડીને ઘરની બહાર નીકળતા થયા છેઆ મોટો ઉપલબ્ધી ગણાય છે. આમાં પોકેમોન પકડવાના ધ્યેયની પ્રાપ્તિ માટે મંડ્યા રહેવાનું હોય છે. આને સાધકો રમતનું અધ્યાત્મિક પાસુ ગણાવી રહ્યા છે. આ ગેમમાં નકશા દ્વારા પોકેમોનની નજીક પહોંચા પછી દડા આકારનો ‘પોકેબોલ’ નાખીને એને પકડવાનું હોય છે. આનાથી પ્રભાવિત થયેલા અમુક સ્થૂળકાય પોલીસકર્મીઓ ગુનેગારોને પકડવા માટે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવા માગણી કરી રહ્યા છે. આઇઆઇટી અને આઇઆઇએમમાં એડમિશન મેળવવું પણ એક પ્રકારનું ‘ઇન્ટેલેક્ચ્યુઅલ કોમ્બેટ’ હોઈ એના માટે યુવાધનને ‘ટ્રેઈન’ કરવા માટે ‘પોકેમોન ગો’ના ધોરણે ખાસ ‘જીમ’ બનાવવામાં આવે અને એમાં લેવલ 5 પર પહોચેલા લોકોને જ એડમિશન આપવામાં આવે એવી માંગ પણ દેશમાં ઉઠી છે. જોકે ઉત્સાહી ગુજરાતી અર્બન ફિલ્મ મેકર્સ ‘કેવી રીતે પકડીશ પોકેમોન’, ‘છેલ્લા લેવલનો છેલ્લો પોકેમોન’, ‘પીકાચ્યુના પ્રેમમાં’, કે ‘ક્મોન પોકેમોન’, જેવી ફિલ્મ બનાવવા નથી મંડ્યા એટલી ગનીમત છે.

એવું કહેવાય છે કે શોધવા જાવ તો ભગવાન મળે છે, પરંતુ જીંદગીમાં બધું કાયમ શોધવાથી જ નથી મળતું. સફરજન ન્યુટનના માથા પર પડ્યું હતું અને ન્યુટનને વિચારતો કરી મુક્યો હતો. આર્કિમીડીઝ બાથટબમાં બેસવાથી ઉભરાઈ જતાં પાણીને કારણે ચિંતિત થયો હતો. પાણી ઉભરાઈ જાય એ કારણે એમની પત્ની રિવાજ મુજબ કકળાટ કરતી હશે કે ‘એક તો મોડો ઉઠે છે અને પાછો બાથટબમાં નહાવા પડે છે, એટલે વધુ વાર થાય, જો નહાવાનો આટલો શોખ હોય તો બે બાથરૂમવાળું ઘર કેમ નથી લેતો?’ પછી તરંગી આર્કિમીડીઝને બત્તી થઈ કે બાથટબમાં ફૂલ પાણી ભરીએ છીએ એટલે છલકાય છે, થોડું ઓછું પાણી ભરવું જોઈએ. પછી તો જે થયું તે જગજાહેર છે. પણ ઇસુનાં જન્મનાં ૨૮૭ વર્ષ પહેલા જન્મેલ આર્કિમીડીઝનાં ઘરમાં એ વખતે બાથટબ હતું, એમાં પુરતું પાણી પણ આવતું હતું એ અમને આશ્ચર્યચકિત કરવા માટે પુરતું છે. એટલે જ અમને લાગે છે કે જો તમે પોકેમોન ગો શોધવા જશો, તો તમને પોકેમોન જ મળશે! એ પણ વર્ચુઅલ.

મસ્કા ફ્ન
દિલના જ કોઈ ખૂણામાં મળીશ હું,
મને પોકેમોનની જેમ ના પકડ તું.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

2 Responses to કેવી રીતે પકડીશ પોકેમોન ?

 1. બગીચામાં પ્રેમયજ્ઞ કરી રહેલા પ્રેમી પંખીડાઓને ચોકીદાર અને પોલીસ ઉપરાંત ‘પોકેમોન હંટર્સ’ નામના રાક્ષસોથી બચવાનું આવ્યું છે 🙄👿😂
  ઉત્સાહી ગુજરાતી અર્બન ફિલ્મ મેકર્સ ‘કેવી રીતે પકડીશ પોકેમોન’, ‘છેલ્લા લેવલનો છેલ્લો પોકેમોન’, ‘પીકાચ્યુના પ્રેમમાં’, કે ‘ક્મોન પોકેમોન’, જેવી ફિલ્મ બનાવવા નથી મંડ્યા એટલી ગનીમત છે. 👍
  મસ્કા ફ્ન
  દિલના જ કોઈ ખૂણામાં મળીશ હું,
  મને પોકેમોનની જેમ ના પકડ તું. Super Like

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s