માટીડાઓ મોળા ન પડશો, માર ખાવ અને નં ૧ બનો


NGS

ક જાણીતું ગુજરાતી ગીત છે કે “લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો”. આમાં લડાઈની વાત છે, પણ નજાકત ભરી છે. ભારતમાં આજકાલ સ્ત્રીઓનો દબદબો છે. ઓલમ્પિકમાં પણ કુસ્તી અને બોક્સિંગ સ્પર્ધાઓમાં સ્ત્રીઓ મેડલ લઈ આવે છે. નારી સશક્તિકરણની ચળવળમાટે આ ઘટનાઓ જરૂર પ્રોત્સાહક હશે, પરંતુ અકોણા પુરુષો માટે ચેતવણીરૂપ છે.

Cutting With ABભારતમાં પુરુષો સ્ત્રીઓ પર હાથ ઉપાડે એ આમ તો સોળમી સદીની માનસિકતા ગણાય છે, પણ કમનસીબે એ આજે પણ હકીકત છે. પરંતુ પુરુષ પત્નીના હાથનો માર ખાય તો એ સમાચાર બની જાય છે. અહીં અમે માણસને કૂતરું કરડે વાળું ઉદાહરણ ટાંકવા નથી માંગતા કારણ કે એમ કરવામાં સ્ત્રીઓની સરખામણી કૂતરા સાથે થાય. તો વાત એ છે કે, પુરુષો ગુંડાનો માર ખાઈ શકે. ડાકુ અને લુંટારાનો માર ખાઈ શકે. પોલીસનો માર ખાઈ શકે. પણ પત્ની કે અન્ય સ્ત્રીનો માર ખાય તો એ સમાચાર હેડલાઈન બની જાય છે. અહીં પાછું એવું ધારી લેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ ડાકુ, ગુંડી, પોલીસ ન હોય! થોડા સમય પહેલા જ, ઈજીપ્તના પુરુષો સ્ત્રીઓના હાથે પીટાતી દુનિયાના સૌથી વધુ કમનસીબ જાત છે એવું સદા અલ બલાદ (શહેરનો અવાજ)  ન્યૂઝમાં આવ્યું હતું. સમાચાર મુજબ ઈજીપ્તના ૨૮%, અમેરિકા ૨૩%, યુકેનાં ૧૭% અને ભારતના ૧૧% પુરુષો સ્ત્રીના હાથનો માર ખાય છે. ઈજીપ્તના પિરામીડ અત્યાર સુધી દુનિયાની અજાયબીમાં ગણાતા હતા. હવે પુરુષોએ ધ્યાન ખેંચ્યું છે. આમાં ઈજીપ્તની સ્ત્રીઓ મારફાડ છે કે પુરુષો ઢીલા છે એ કંઈ જાણવા મળતું નથી. આમ જોઈએ તો ઈસ્વીસનના તેરસો-ચૌદસો વર્ષ પહેલા થઇ ગયેલા ઈજીપ્તના ફેરો આખેનાતેન અને તેની પત્ની નેફરતિતિએ મળીને રાજ કર્યું એ ઈજીપ્તનો સુવર્ણકાળ ગણાય છે. એટલે પછીની સદીઓમાં જરૂર કૈંક લોચા થયા હોવા જોઈએ નહિ તો આવું બને નહિ. એ જે હોય તે, પણ પુરુષ સ્ત્રીના હાથે માર ખાય એ સમાચારમાં સ્ત્રી-પુરુષ સૌને રસ પડે છે.

ભ્રષ્ટ્રાચારને બાદ કરતાં ભારત ઓલમ્પિક, ફૂટબોલ, સરેરાશ ઊંચાઈ જેવી ઘણી બાબતોમાં દુનિયાથી પાછળ છે. પણ માર ખાવામાં આપણને ઈજીપ્ત જેવા ટચુકડા દેશના પુરુષો પછાડી જાય તે ઘણી શરમજનક વાત છે. સામાન્ય રીતે આપણા માટીડાઓ કોઈ બાબતમાં મોળા પડે એમ નથી પણ કોણ જાણે પત્ની સામે મોળા પડતા કેમ ચૂંક આવે એ સમજાતું નથી. ભારતીય સ્ત્રીઓએ પણ આ અંગે ગંભીર થવાની જરૂર છે. સામાન્ય રીતે તો માર ખાવાની વાત કોઈ પુરુષ સ્વીકારે જ નહીં. ભારતમાં તો અમે હજુ સુધી કોઈના મોઢે એવું નથી સાંભળ્યું કે ‘મારી પત્ની મને રોજ મારે છે’. એટલે જ સર્વેક્ષણના પરિણામ કરતાં ખરો આંકડો કૈંક જુદો જ હોય એવું બની શકે. કદાચ સર્વેક્ષણમાં પડોશીઓ અને એમાં પણ પડોશમાં રહેતી મહિલાઓને સામેલ કરવામાં આવી હોત તો ચોંકાવનારા તથ્યો બહાર આવવાની સંભાવના હતી. હશે, આ સમાચાર વાંચીને પણ કોઈનું હૃદય દ્રવી ઉઠે અને એ દેશને આગળ કરવા માટે કટિબદ્ધ થાય તો પણ લેખે લાગશે.

આપણું પદ્ય સાહિત્ય તપાસશો તો નજરનાં બાણ કે નયન કટારીથી ઘાયલ થયેલા કૈંક મળી આવશે. થોડા સમય પહેલા ‘અખીયોં સે ગોલી મારે’ એવી નારીની પ્રજાતિ પણ મળી આવી હતી. પણ એ બધા ડોકટરોને ઘરાકી થાય કે પેલા સર્વેક્ષણ માટે ક્વોલીફાય થાય એવા કિસ્સાઓ નથી. ઉપર જણાવ્યું એમ લવિંગની લાકડી અને ફૂલનાં દડૂલિયાની કલ્પના બરોબર છે, પરંતુ જયારે લડાઈ થાય ત્યારે સ્ત્રીઓ પાસે લોખંડ કેરી સાણસી, લાકડા કેરું વેલણ કે પછી તાવેથા કેરું તીર હાથવગું હોય છે. લોખંડના હોવા છતાં સાણસી અને તાવેથા રોજ વપરાતા હોવાથી એ વાગવાથી ધનુરનાં ઇન્જેક્શન નથી લેવા પડતા. એવી જ રીતે વેલણ રોજ રસોઈમાં વપરાતું હોવાથી એ એડીબલ હોય છે, અને વેલણ વાગવાથી પણ પુરુષને ઇન્ફેકશન નથી થતું. આ સ્ત્રીઓની પુરુષો પ્રત્યેની કુણી લાગણી દર્શાવે છે

આ ઉપરાંત આ ક્ષેત્રે દેશને આગળ કરવાના બીજા પણ અનેક રસ્તાઓ છે. મારવા ઉપરાંત ચૂંટલી ભરવાની પણ પ્રથા પણ હજુ સાવ લુપ્ત નથી થઈ. જોકે કાકાઓ ધોતિયાધારી હતા તે જમાનામાં ચૂંટલી ભરવામાં સુગમતા રહેતી હશે, જે જીન્સ પેન્ટના ઉદય પછી અદ્રશ્ય થતી જાય છે. આદમી મોંવગો હોય તો બચકું સુગમ પડે. આવડત હોય તો ધોકાથી માંડીને છાપાનો વીંટો હાથવગા હથિયાર તરીકે કામ આવી શકે છે. આ સિવાય સેન્ડલનો ઉપયોગ આઉટડોરમાં અને પરપુરુષ માટે વધુ પ્રચલિત છે. હાથોહાથનાં આ માર પછી, ઘરમાં જગ્યા હોય તો, ફેંકી શકાય તેવા પદાર્થો જેવા કે વાસણોનો ઉપયોગ સર્વસામાન્ય છે. કિચન સિવાય ઘટનાસ્થળ બેડરૂમ હોય તો કાંસકા પણ છુટ્ટા ફેંકવામાં આવે છે. એમાય જુના સમયની કાંસકીઓની સરખામણીમાં આજના બ્રશ વજનદાર તેમજ વાગે એવા હોય છે. આ માહિતી અમારા અનુભવનો નહિ, પણ અભ્યાસનો પરિપાક છે. તમે નવા ચીલા ચાતરીને સમાજમાં તમારું આગવું સ્થાન બનાવી શકો છો.

અમુક માર ઉપરવાળાની લાઠી જેવા હોય છે જે પડે તો એનો અવાજ નથી થતો. જેમ કે શેરબજાર જયારે આપણે ધાર્યું હોય એ પ્રમાણે ના વર્તે તેનો માર; પાર્ટી ઉઠી જાય કે કરી જાય ત્યારે કિસ્મતનો માર; બેવફા ગર્લફ્રેન્ડ પાછળ વપરાયેલા ઉધારના રૂપિયાની ઉઘરાણીવાળાનો માર; આવા અનેક પ્રકારના માર જાતકના નસીબમાં હોય છે. પણ ઘરવાળીનો માર કિસ્મતને કારણે નહિ, કર્મોને લીધે ખાવો પડતો હોય છે.

મસ્કા ફન
ઉપવાસમાં પણ વેલણ ખાઈ શકાય છે.
એટલે વેલણ ફરાળી ગણાય.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

4 Responses to માટીડાઓ મોળા ન પડશો, માર ખાવ અને નં ૧ બનો

  1. Vimala Gohil કહે છે:

    ભાઈઓ, એક વધુ ફરાળી વાનગી બઝારમાં આવી ગઈ છે તો ઉપવાસ કરવા ચાલુ કરી દો………

    Liked by 1 person

  2. Vimala Gohil કહે છે:

    ભાઈઓ, એક વધુ ફરાળી વાનગી બઝારમાં આવી ગઈ છે તો ઉપવાસ કરવા માંડો……

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s