ગરથની ગતિ ન્યારી


garath-ni-gati-nyariરૂપિયા, પૈસા, ધન, નાણું, નગદ નારાયણ, રોકડા વગેરે આપણે ત્યાં લક્ષ્મી તરીકે ઓળખાય છે અને લક્ષ્મી પવિત્ર ગણાય છે. આવતી લક્ષ્મી સૌને ગમે છે. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે ફેસિયલ કરાવવા જનાર અભાગીયો ગણાય છે. પૂ. મોરારી બાપુએ એક જગ્યાએ એવું કહ્યું છે કે કૂતરાને રોટલો નાખો તો પહેલાં એ એને સુંઘે છે અને ખાવા યોગ્ય જણાય તો જ એને ખાય છે. ગાય પણ ઘાસને પહેલા સુંઘે છે પછી જ એને ખાય છે. પણ રૂપિયો આવતો હોય તો એ કયા રસ્તે આવે છે એ જોવાના સંસ્કાર મનુષ્યમાં હવે રહ્યા નથી! રૂપિયાનું થોડું ઈશ્ક જેવું છે. કહ્યું છે ને કે ‘ઈશ્ક નચાયે જીસ કો યાર, વો ફિર નાચે બીચ બાઝાર …’ એમ પૈસો પણ માણસ પાસે ન કરવાના કામો કરાવે છે. એક લોકોક્તિ છે –

જર દેખી મુનિવર ચળે, ત્રિયા પસારે હાથ,
ચડ્યાં રણ* ઊતરે, જીનકી ગાંઠ મેં ગરથ.  (* ઋણના અર્થમાં)

તો રૂપિયો છે શું? પ્રેમની જેમ આ બાબતે દરેકની વ્યાખ્યા જુદી છે. અમુક લોકો સ્પષ્ટ કહે છે બાકીના માત્ર એના ગુણનું વર્ણન કરીને અટકી જાય છે. પણ વ્યવહારમાં સૌએ એનું આધિપત્ય સ્વીકાર્યું છે. આપણા એક રાજકારણીએ એક સ્ટીંગ ઓપરેશનમાં લાંચ સ્વીકારતી વખતે એવું કહ્યું હોવાનું સાંભળ્યું હતું કે ‘પૈસા ખુદા તો નહિ, પર ખુદા સે કમ ભી નહિ …’ સંસ્કૃતમાં કહ્યું છે કે ‘सः एव वक्ता सः च दर्शनीयः. सर्वे गुणाः काञ्चनम् आश्रयन्ते’. અર્થાત જેમ સોનામાં બધા ગુણો આવી જાય છે એમ પૈસાદાર વ્યક્તિની શાખ ઉંચી ગણાય છે. એ સારો વક્તા પણ ગણાય છે અને કદરૂપો હોય છતાં સુંદર પણ ગણાય છે. એવું જોવાયું છે કે કડકા લોકો પાસે રૂપિયા વિષયક વાતો વધુ હોય છે. એમની પાસે રૂપિયા કમાવાના અનેક રસ્તાઓ પણ હોય છે પણ એમનો એક પણ રસ્તો એમને સદ્ધરતાની મંઝીલ સુધી લઇ જઈ શકતો નથી. ધર્મોપદેશકો કહે છે કે પૈસો હાથનો મેલ છે. આવા કોઈ ઉપદેશક મળી જાય તો આ લખનાર એને નારિયેળનું છોતરું ઘસીને નવડાવવા તૈયાર છે! હાળી બહુ કડકી છે. બાકી ભર તડકામાં મજૂરી કરીને પેટીયું રળનાર આવું કહે તો હાસ્યાસ્પદ ઠરે છે જયારે અમીર વ્યક્તિ પૈસાને હાથનો મેલ કહે તો એની મોટાઈ ગણાય છે. જોકે આપણે ત્યાં અમીરોને એમના મેલા રાખવાનું જ ગમે છે. પણ ખરેખર જો પૈસો હાથનો મેલ હોય તો એવું કહેનારાના ઘરની ગટર આગળ લોકોની ધક્કામુક્કી થાય.

રૂપિયો સાચવવો એક કળા છે. આ બાબતમાં ધનનું વિદ્યા કરતા ઊંધું છે. એ ચોર હાર્ય, રાજ હાર્ય, ભ્રાત્રુભાજ્ય અને ભારકારી પણ છે. સૌથી પહેલું તો આપણી જાણ બહાર જે લોકો આપણી પાસેથી આર્થીક મદદ લેવાનો પ્રયત્ન કરતા હોય એવા લોકો એટલે કે ‘ચોર’ લોકોથી ધનને બચાવવું જરૂરી છે. આ જોખમ ટાળવા લોકો રૂપિયા અને દાગીના લોકરમાં મુકતા હોય છે. ત્યાં પણ ઇન્કમ ટેક્સવાળા એટલે કે ‘રાજ’નું ‘જોખમ’ (ટેક્સનું જ તો!) હોય જ છે. સ્વીસ બેંકો ખાનગીમાં રૂપિયા સાચવવાનું ભાડું વસુલે છે પણ એ અહીંના ટેક્સ કરતા ઓછું હશે ત્યારે જ લોકો ત્યાં મુકતા હશે સિવાય કે એ ધન અનીતિનું હોય. પિતાએ સંચિત કરેલા પૈસા સંતાનો વચ્ચે વહેંચાઈ જતા હોય છે. અને હવે કાળુનાણું પાંચસો અને હજારની નોટોમાં જ રખાતું હોઈ જયારે ઇન્કમ ટેક્સની રેઇડ પડે ત્યારે કોથળા ભરીને રૂપિયા પકડાય છે. એટલે રેઇડ પડે ત્યારે એ કોથળા લઈને ભગવું એ ઘોડાની રેસમાં હાથી લઈને ઉતરવા જેવું છે.

બેંકોમાં પૈસાની સુરક્ષા માટે સશસ્ત્ર ગાર્ડ રાખવામાં આવે છે. મજાની વાત એ છે કે બેન્કનું મકાન બાંધકામની રીતે ચોરી અને લુંટની સામે રક્ષણ આપી શકે એવું હોય છે પણ જ્યાં લાખો રૂપિયાની કેશ પડી રહેતી હોય છે એ એ.ટી.એમ. મશીનો સાચવવા માટે રીટાયર્ડ કાકાઓ જ હોય છે જે રાત્રે મોટે ભાગે કેબીનના એસીમાં સુઈ રહેતા હોય છે!

પૈસો માયા છે અને માયાનો ત્યાગ કરવો જોઈએ એ બાબતે તો આપણા બાબ્ભ’ઈઓ અને બચુભ’ઇઓ garath-ni-gati-nyari-1બિલકુલ ક્લીયર છે. પણ આપણી હિન્દી ફિલ્મો ઘણી કન્ફ્યુઝ્ડ છે. બોલીવુડમાં આની તરફેણમાં અને વિરુદ્ધમાં ઘણું કહેવાયું છે. અમીર-ગરીબ વચ્ચેની ‘ટગ ઑફ વૉર’ ઉપર બનેલી અનેક ફિલ્મો બોક્સ ઓફીસ છલકાવી ચુકી છે. હરફન મૌલા એવા મોજીલા કિશોર કુમારે એક ગીતમાં ગુણીજનો અને ભક્તજનોને કહ્યું છે ‘ધન તો હૈ દીવાર રેત કી ધન સે પ્રીતિ તોડો, જગત નારાયણકી જય જય બોલો, નગદ નારાયણકો છોડો …’ (બોલ – કમર જલાલાબાદી, આંસુ ઔર મુસ્કાન). તો સામે જ્હોની મેરા નામમાં રાય સાહબ ભુપેન્દ્ર સિંહના રોલમાં પ્રેમનાથ કહે છે ‘રુપયા ઉડાને કી ચીઝ હૈ ઔર જવાની એશ કરને કે લીયે હૈ.’ જોકે એ વિલન હતો એટલે એના અંતેવાસીઓમાં થોડા રખડું કોલેજીયનો સિવાય કોઈ નહોતું. પણ થોડા સમય પહેલાં આવેલી ‘અપના સપના મની મની’ના એક ગીતમાં એક કન્યાના મોઢે જયારે સાંભળ્યું કે ‘ઇફ યુ વોન્ટ માય પ્યાર, બી માય દિલદાર, શો મી યોર ક્રેડીટ કાર્ડ …’ ત્યારે અમને ભૂવામાં ભૂસકો મારવાનું મન થયેલું! સાલું રાજ-પાટ, સત્તા અને ઐશ્વર્ય પડતું મુકીને ભેખ લેનારા સત્પુરુષોના મારા દેશની આ હાલત! ધિક્કાર છે …

જોકે આવું થાય એમાં નવાઈ નથી. માણસ પાસે પૈસો આવે એની સાથે એના અનિષ્ટો પણ આવતા હોય છે. યુવાનીમાં બેજવાબદારીની માત્રા આમ પણ ઉંચી હોય છે અને એમાં સફળતા અને ધન-સંપત્તિ ઉમેરાય પછી અવિવેકીતા પાછલા રસ્તે આવી જ જતી હોય છે. એમાં પણ બી.પી.એલ. એટલે કે બાપના પૈસે લહેર કરનારા માઝા મુક્તા હોય છે. કેટલીકવાર પૈસાનો અભાવ અને એનાથી રહેતો અજંપો માણસને ખોટું કરવા પ્રેરે છે. એમાં ખાસ કરીને કોઈનું કરી નાખવાની વૃત્તિ મુખ્ય હોય છે. ટૂંકા રસ્તે પૈસા કમાવાની વૃત્તિના કારણે અસંખ્ય લોકો ઈમેઈલ અને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતી છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. ફેસબુક પર મળેલી એક કરોડો રૂપિયાની વારસદાર નાઈજીરિયન શ્યામાને ક્રેડીટ કાર્ડની માહિતી આપી બેઠેલા અમારી સોસાયટીના અલકેસ ભ’ઇ ઉર્ફે બત્રી વરહના બચુકાકા રૂપિયા સાઈઠ હજાર ગુમાવી ચુક્યા છે. આજે પણ અંધારામાં ઓળા જેવું કંઈ દેખાય તો એમને એમની ‘કિમ્બર્લી’ આવ્યાનો ભણકારો થાય છે. હવે તો આવતા જતા સોસાયટીના છોકરાં પણ એમને કિમ્બર્લી કાકીની ખબર પૂછતા હોય છે.

પૈસાના મામલે ભરોસો બહુ મહત્વની બાબત છે. થોડા વર્ષો પહેલા અમે એક બેંકમાં ગ્રાહકો માટે મુકેલી ગુંદરની બાટલીને જાડી દોરી વડે ખીલી સાથે બાંધેલી જોયેલી! આઈરની એ છે કે જે શેલ્ફ ઉપર એ garath-ni-gati-nyari-3બાટલી મુકેલી હતી એની બરોબર ઉપર પૂ. બાપુનો ‘ગ્રાહક ભગવાનનું રૂપ છે’ એ મતલબનો સંદેશ હતો! આજે એ દ્રશ્ય યાદ આવે છે ત્યારે વિચાર આવે છે કે એ બેન્કે બાટલીના બદલે બાટલીવાળાને બાંધ્યો હોત તો દેશના માણસ દીઠ એક ગુંદરની બાટલી આપી શકાય એટલા રૂપિયા બચ્યા હોત. હવે તો તાલ એ છે ડોશી તો ટપકી ગઈ પણ લોકોને ચાળે ચઢાવતી ગઈ છે. હવે ‘વિજય લોન સ્કીમ’ નામની નવી યોજના આવી છે. સામાન્ય રીતે માણસ પાસે પૈસા ન હોય તો એ ભીખ માગીને કે દાનમાં મેળવીને, ઉધાર લઈને કે પછી ચોરી કરીને મેળવી શકે છે. આ માટે ઇંગ્લીશમાં રૂઢી પ્રયોગ છે – beg, borrow or steal. પણ છેલ્લા કેટલાક સમયમાં આપણા ઉસ્તાદોએ નવો રસ્તો શોધ્યો છે. Borrow and leave!  અંગ્રેજીમાં જેને ‘લીકર કિંગ’ અને આપણી ભાષામાં જેને ‘બાટલી નરેશ’ કહે છે એવા વિજયકુમાર વિઠ્ઠલરાય માલ્યાને આપણી એક બેન્કે ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા અને માલ્યા સાહેબ રૂપિયા ચાઉં કરીને વિદેશ સિધાવી ગયા છે! તમારે પણ V.L.S. નીચે લોન લેવી હોય તો એપ્લાય કરી શકો છો.

લોન આપ્યા પછી એ પૈસા રીકવર કરવા એ હવે અઘરું કામ થઇ ગયું છે. દેશી દુકાનોની જેમ બેંકવાળા ‘આપ સે પ્યાર કાફી, પર ઉધાર સે માફી’ કે ‘આજે રોકડા કાલે ઉધાર’ એવું પાટિયું મારી શકતા નથી. મારે તો એમના બૈરી છોકરા રખડી પડે. ખાનગી ફાયનાન્સ કંપનીની જેમ એ લોકો ઉઘરાણી માટે ‘મસલ મેન’ કે ‘લઠૈત’ પણ રાખી શકતા નથી. એ હિસાબે પાકિસ્તાનની બેંકવાળા જરા ઉત્સાહી છે. એમણે લોનની રીકવરી માટે વ્યંડળોની સેવાઓ લેવાનું ચાલુ કર્યું છે! કેવી અદભુત વ્યવસ્થા! જયારે તબોટો પાડીને કોઈ ‘જે આલવાનું હોય એ આલી દો હેંડો …’ કહીને ઉઘરાણી કરે ત્યારે જોનારને પણ કેવી ગમ્મત પડી જાય! આપણે ત્યાં એક જમાનામાં નગરપાલિકામાં વેરાના બાકીદારના ઘર આગળ ઢોલ વગાડીને ઉઘરાણી કરવાનો શિરસ્તો હતો. બેંકવાળા આગળ વધીને લોનની રકમ પ્રમાણે સાદા ઢોલવાળાથી લઈને બ્રાસ બેન્ડ સાથે ઉઘરાણી કરવાનું આયોજન કરી શકે. માઈક સાથેની લારી જોડે રાખીને એની ઉપર બાકીદારનું નામ જોડી ઉઘરાણીના મ્યુઝીકલ છાજિયા પણ લઇ શકે. યોગ્ય દસ્તાવેજો સાથે ફી ભરીને બીજા ઉઘરાણીવાળા પણ એમાં પક્ષકાર તરીકે જોડાઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી શકાય.

બજેટ વખતે આપણા અર્થ શાસ્ત્રીઓ રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એ સમજાવતા હોય છે. આ એવી બાબત છે જે ભારતના જનસામાન્યની સમજની બહાર છે! અહીં દરેકને એક જ સમસ્યા છે કે હાળું રૂપિયો કમાતા કમાતા તેલ નીકળી જાય છે અને મારો બેટો ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી! આપણી હાલત તો એવી છે કે જયારે હાથમાં રૂપિયો હોય ત્યારે દુનિયા આપણા હાથમાંથી કેળું ઝૂંટવવા બેઠેલી વાંદરાની ફોજ જેવી લાગે છે. હવે તો પેકેટ પર છાપેલા કિંમતનાં આંકડા પાછળ એમાં ભાગ પડાવવા ધક્કા મુક્કી કરતી આખી ગેંગ દેખાય છે. ઘરમાં આવેલો રૂપિયો પણ આપણી ઘરવખરી રૂપી અર્થતંત્રને કોતરી નાખતા ઉંદર જેવો છે જેની હાજરીની આપણને જાણ હોય છે પણ એ ક્યાં પેસી જાય છે એની સરત રહેતી નથી! ખરીદી વખતે દુકાનદાર સાથે ભાવતાલ કરીને એક એક રૂપિયો બચાવવા માટે જહેમત ઉઠાવતી ઘરની અર્થશાસ્ત્રી એટલે કે ગૃહિણી માટે પણ રૂપિયાની આ ગતિ અકળ છે. સરકાર કહે છે કે મહત્તમ વેચાણ કિંમત (MRP) એ આખરી કિંમત નથી, તમે M.R.P. સામે ‘બાર્ગેઈન’ કરી શકો છો. એની સામે મારા જેવા અદના માનવી છે જે M.R.P. સૂચવે તે કિંમત ચૂકવી દે છે કારણ કે મારા પત્નીના નામના પ્રથમાક્ષરો (initials) જ M.R.P. છે!

યે કર્યા વન્યા સુટકા નહિ હૈ … ક્યા કરે, પૈણેલા હૈ! સમસ્યા કંઈ ઓછી છે?
garath-ni-gati-nyari-2

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s