આવી નોટો પાછી ખેંચવા જેવી હતી!


પણા દેશમાં એવા અગણિત લોકો છે જેમને છેક રાત્રે ખબર પડે છે કે એ આખો દિવસ નવરા હતા! કમનસીબે આપણે ત્યાં આવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. એમાંના અઠંગ નવરા તો તમને ફેસબુક અને વોટ્સેપ પર ચાલતા ગ્રુપમાં જોવા મળી શકશે. દેખીતી રીતે આ લોકો કશું જ કરતા ન હોવા છતાં એમની પાસે વાત કરવાનો પણ ટાઈમ હોતો નથી. હિન્દીમાં આવા લોકો માટે કહેવત છે – काम का न काज का दुश्मन अनाज का. ગુજરાતીમાં આ પ્રકારના જાતકને હાથીના પોદળા જેવો ગણવામાં આવે છે જે લીંપવા-ગુંપવાના કામમાં પણ આવતો નથી. અત્યારની Urban lingoમાં આવા લોકોને ‘નોટ’ કહીને સંબોધવામાં આવે છે. આ એવી નોટો છે જે વટાવી શકાતી નથી છતાં ય સમાજમાં છુટ્ટી ફરે છે! ૮મી નવેમ્બર, ૨૦૧૬ પછી ચલણમાંથી રદ થયેલી રૂ. ૫૦૦

[ફીલિંગઝ મેગેઝીનની મારી કોલમ 'કહત બધિરા' માટેનો હાસ્ય લેખ.]
[ફીલિંગઝ મેગેઝીનની મારી કોલમ ‘કહત બધિરા’ માટેનો હાસ્ય લેખ.]

અને ૧૦૦૦નાં દરની નોટો સામે તો સરકાર સરખા મૂલ્યની નોટો બદલી આપે છે પણ આપણી આ નવરી નોટોનું કોઈ લેવાલ નથી! છેલ્લા કેટલાક વર્ષોમાં આવી નોટોના પણ પ્રકાર નીકળ્યા છે. એમાંનો એક પ્રકાર છે …

ફાટેલી નોટ! સામાન્ય રીતે ચલણી નોટનો નંબર સલામત હોય અને બધાજ ટુકડા નિયમસર જોડીને આખી નોટ બનાવી શકાતી હોય તેવી નોટોને બેંકવાળા બદલી આપે છે. પણ અહીં જેની વાત થઇ રહી છે એ લોકો પાંત્રીસ રૂપિયાની ફાટેલી નોટ જેવા હોય છે જે આખી હોય તો પણ ન ચાલે. બેંકવાળા પણ આવી નોટ બદલી આપતા નથી એ બધાને ખબર છે. છતાં જયારે નોટ બદલી આપવા વિષે ટીવી ઉપર જાહેરાત થઇ ત્યારે પત્નીવર્ગને પોતાના ભાગે આવેલી ફાટેલી નોટ ઠેકાણે પાડી શકાશે એવી આશા બંધાઈ હતી, જે પાછળથી ઠગારી નીકળી હતી. એટલે તમે લોકો પણ ખોટી કીકો મારશો નહિ. અહીં રમુજ પ્રેરક વાત એ છે કે ઇટાલીની નોટ આખી હોય તો પણ એને ‘લીરા’ કહે છે અને એ ત્યાંનું અધિકૃત ચલણ છે!

મુર્ખામી ભર્યું વર્તન કરનારાને પણ નોટની કક્ષામાં મૂકી શકાય. આપણી લોકબોલીમાં આવી ‘ખર’ પ્રકૃતિની નોટોના લક્ષણ કંઇક આવા આપ્યા છે : ડાળે બેસી કાપે થડ , ઘાલી હાથ ને જુવે દર, પાણી પી ને પૂછે ઘર અને દીકરી દઈ ને જુએ વર. એમાં તરંગી, ધૂની, અવિચારી અને દીર્ઘસૂત્રીનો ઉમેરો પણ કરી શકાય કારણ કે કેટલીકવાર એ લોકો વાણી, વર્તન કે તેમના કૃત્યોથી જાહેરમાં અક્કલનું એક્ઝીબીશન કરી બેસતા હોય છે. એ હિસાબે હિન્દુસ્તાનની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડી અને પાછી દિલ્હી લઇ જવાનો તરંગી નિર્ણય લેનાર મહંમદ બિન તઘલખ એક ઐતિહાસીક નોટ ગણાય. કવિ કાલીદાસ પણ આ વર્ગમાં જ આવે. એકના ડબલ કરવા જતાં રૂપિયા ગુમાવનાર લોકોના નામ તો છાપામાં અવારનવાર છપાતા જ રહે છે.

અસંબદ્ધ વાતો કરનારા કે પછી ફક્ત ટાઈમપાસ કરવા ખાતર અહેતુક પ્રશ્નો પૂછીને લોકોને પકવનારા  મોટી નોટ ગણાય છે. એક રીતે જોઈએ તો મગજની નસો પર ઠુમકા વાગે એવા પ્રશ્નો પૂછવા એ આપણા દેશની લોકપ્રિય પ્રવૃત્તિ છે. થોડા દિવસ પહેલાં જ એક એકઝીબીશનમાં એક કાકાએ અમને પૂછેલું કે ‘ઓંયથી બહાર નેક્ળવાની એન્ટ્રી ક્યોં છ બકા?’ આવા કિસ્સાઓમાં લાંબી મગજમારી કર્યા સિવાય જે છે તે સ્વીકારીને આપણે આગળ ચાલીએ છીએ. ફિલ્મોમાં આવી સિચ્યુએશન કોમિક સીક્વન્સીસ માટે અનેક વખત વપરાઈ ચુકી છે. ‘ભેજા ફ્રાય’ ફિલ્મમાં આવી નોટો જ બતાવી છે. ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્ર, ‘પીકે’માં આમિર અને ‘આજ કા દૌર’માં કાદરખાનને પણ આવી જ નોટ બતાવ્યા છે. ‘જુદાઈ’માં અબ્બા-ડબ્બા-જબ્બાના બાપ બનતા પરેશ રાવલ તો આ પ્રકારના રોલ માટે ઓથોરીટી ગણાય છે. ‘આવારા પાગલ દીવાના’માં એમણે એમના મગજવિધ્વંસક સવાલોથી એ યેડા અન્ના, ગુરુ ગુલાબ ખત્રી અને છોટા છત્રીની ખોપરી ખોલી નાખી હતી. રાજકારણમાં તો આવી અનેક નોટો પડી છે જેમના નિવેદનો આપણે અવારનવાર સાંભળીએ/ વાંચીએ છીએ.

ઘણીવાર તો કોઈ એક જ કિસ્સો માણસને નોટની પદવી અપાવી દે છે. આજકાલ રૂ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલાવવા લોકો પાંચ પાંચ કલાક લાઈનમાં ઉભા રહે છે ત્યારે સમાચાર આવ્યા કે પંજાબ નેશનલ બેંકની રેવાડીનામના શહેરની શાખામાંથી કોઈ અક્કલમઠ્ઠાએ રૂપિયા બ્યાંશી લાખની ચોરી કરી! ભ’ઈ અક્કલમઠ્ઠા એટલા માટે કહેવાય કે આખું ગામ રદ થયેલી નોટોનો નિકાલ કરવાને લઈને પરેશાન છે ત્યારે આ ભાઈ ૫૦૦-૧૦૦૦ની નોટો ઉઠાવી ગયા છે. મને લાગે છે કે આજની તારીખે આનાથી મોટ્ટી નોટ મળવી મુશ્કેલ છે.

છેલ્લે, આ રેવાડી હરિયાણામાં આવેલું છે એ આપની જાણ સારું. અસ્તુ.

सुन भाई साधो …
હથેળીમાં વધારે મોઇશ્ચરાઇઝર આવી ગયું હોય તો
પત્નીના ગાલ ઉપર વ્હાલી વ્હાલી કરી લેવી.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s