આવી એપ્લીકેશન પણ આવવી જોઈએ …


વોટ્સેપ નામની એપ હવે એસએમએસની સર્વિસને બદલે વ્યાપક રીતે વપરાય છે. મફત મળતા વાઈફાઈ અને અનલિમિટેડ ડેટાનો લાભ લઇ નવરા લોકો બિનજરૂરી અને ન મોકલવાના મેસેજીઝ, ફોટા અને  એમએમએસ ફોરવર્ડ કરી રહ્યા છે. આવા મેસેજીઝ મોકલનાર અને મેળવનાર બંનેમાંથી કોઈ આના વિષે ગંભીર નથી. અને એટલે જ હવે એકના એક મેસેજીયા વારંવાર જુદી જુદી જગ્યાએથી માથે મારવામાં આવે છે. ઉપરથી બ્લુ ટીક થાય છે કે નહિ એ દ્વારા જાણી શકાય છે કે સામેવાળી પાર્ટીએ તમારો મેસેજ વાંચ્યો કે નહિ. અમુક તો પાછા ધોખા પણ કરે કે, ‘તમે તો મેસેજ જોતા જ નથી!’ હવે તમે જે વિડીયો કંટાળીને તમારા મોબાઈલમાંથી પંદર વખત ડીલીટ કર્યો હોય એ જ વિડીયો માટે કો’ક તમારે ઘરે આવીને ‘આજે એક મસ્ત વિડીયો મોકલ્યો છે એ જોજો. રાત્રે ફોન કરું છું’ એવું કહી જાય એ દિવસ જોવાનો જ બાકી છે.

અમને લાગે છે કે આવી પ્રવૃત્તિ પર લગામ મુકવા અમુક એપ્લીકેશન્સ બજારમાં આવવી જોઈએ. જેમ કે, તમે મોકલેલ સુવિચારનો વ્યક્તિ અમલ કરે છે કે નહિ તે પણ ચેક કરી આપે એવી એપ્લીકેશન. તમારા મેસેજ સાથે તમે Embedded command tags મોકલવાની સગવડ પણ આવવી જોઈએ,  જે સામેવાળાને તમે કરેલા સૂચનનો અમલ કરવાની યાદ અપાવતું રહે. ધારોકે તમને તમારા નિસર્ગોપચાર પ્રેમી બનેવીએ કંકોડાના એકત્રીસ ગુણવાળો મેસેજ ફોરવર્ડ કર્યો અને તમે એ વાંચીને ભૂલી ગયા. પણ ‘એપ’ તમને એ નહીં ભૂલવા દે. એપ તમે કંકોડા ખાશો તો એની નોંધ કરીને તમારા બનેવીને મોકલશે કે ‘તમારા સાળાએ તમે મોકલેલ સંદેશા અનુસાર આજે ૧૭૬ ગ્રામ કંકોડા-બટાકાનું શાક થાળીમાં લીધું હતું જેમાં રહેલા ૩૭ ગ્રામ કંકોડા પૈકી ૨૬ ગ્રામ દાળની વાડકીની પાછળ ધકેલી બાકીના કંકોડા બટાકા સાથે ખાધા છે જેની નોંધ લેવી, આભાર!’.

અમુક આરોગ્ય વિષયક એપ પણ આવી શકે. ધારોકે તમને કોઈ ડાયાબિટીસ માટે જાંબુના ઠળિયાનો બે ચમચી જેટલો પાવડર નરણે કોઠે ખાવાની સલાહ આપતો મેસેજ મોકલે તો સવારમાં જ એપ તમને એલર્ટ આપશે કે ‘ભાઈ ચા નહીં, જાંબુના ઠળિયાના પાવડરનો ડબ્બો કાઢો. ઘરમાં ગાંઠીયા આવ્યા છે, પણ ખબરદાર જો અડ્યા છો તો.’ ઉપરાંત ધારોકે તમે જાંબુનો પાવડર બજારમાંથી લાવવાનો ભૂલી જતા હોવ તો રસ્તામાં જે દુકાનોમાં આવો પાવડર મળતો હશે તે દુકાન પાસેથી પસાર થાવ તો મોબાઈલ વાઈબ્રેટ થશે. આ ઉપરાંત જો તમે ઘરકૂકડી હશો તો તમને આવો પાવડર ઓનલાઈન ક્યાં મળે તે અંગે એપ એલર્ટ કરશે. આમ છતાં તમે જો કંકોડા કે જાંબુના ઠળિયાના ફોર્વર્ડેડ મેસેજને સિરિયસલી નહિ લો તો તમને મેસેજ મોકલનારને ચાડી ખાશે કે, ‘જુઓ પેલાને તમે મેસેજ મોકલ્યો એ કંકોડાને બદલે હજુ પીઝા-બર્ગર ઝાપટે છે’. તમને થશે કે આવું બધું તે કંઈ થતું હશે? થાય. તમે જ ફેસબુક પર ચેક ઇન કરો કે ‘ઇટીંગ ફલાણા પીઝા એટ ફલાણી જગ્યા’ અને તમારી તબિયતની ચિંતા કરનારને વોટ્સેપ પર કહો કે ‘ઇટીંગ કંકોડા …’ તો પકડાઈ જ જશો. યાદ રાખો કે ફેસબુક અને વોટ્સેપ બંને ચેન મિંગયુ ઉર્ફે મેક્સીમા ચાનના છે! સમજ્યા? (મેક્સીમા ચાન માર્ક ઝુકરબર્ગની દીકરી છે.) હવેથી ‘ટર્મ્સ એન્ડ કંડીશન’ નીચે ‘એગ્રી’ પર ક્લિક કરતી વખતે હજાર વાર વિચાર કરજો.

અત્યારે સ્માર્ટ ફોન એના સેન્સર વડે ફિંગર પ્રિન્ટ કે આંખની કીકી સ્કેન કરીને પોતાના માલિકને ઓળખી શકે છે. આગળ જતા સ્માર્ટ ફોન માટે એવી સુપર સ્માર્ટ એપ્લીકેશનો આવશે જે દાંતની સંભાળ રાખવાની ટીપ્સ આપતો મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં એના માવાબાજ માલિક માટે સ્ક્રીન પર મેસેજ ફ્લેશ કરશે કે ‘ટોપા, તું બ્રશ કરતો થા પહેલા પછી બીજાને ટીપ્સ આપજે.’ તમને કંકોડા ખાવાની સલાહ આપનાર બનેવી પોતે કંકોડા ખાય છે કે નહિ તે પણ તમે જાણી શકશો ! એટલે એકંદરે જેણે પોતે કંકોડા ખાતા હોય એ જ બીજાને કંકોડાના એકત્રીસ ગુણના મેસેજ ફોરવર્ડ કરી શકે તેવી શિસ્ત આવે તે આવકાર્ય છે. ટૂંકમાં કોઈ ગધેડાને ભૂંગળીથી ગોળી ગળાવી જાય એ પહેલાં ગધેડાને પણ સામી ફૂંક મારવાની તક મળવી જોઈએ એવી અમારી માગણી છે અને તો જ આપણને આવા સુધારક સંદેશાઓ વાંચવામાંથી મુક્તિ મળશે! બાકી જે વ્યક્તિ પોતે બીજાને આપેલી સલાહ પર જાતે જ અમલ ન કરતી હોય તો કોઈને સલાહ આપતા ફોર્વર્ડસ મોકલવાનો એને કોઈ જ અધિકાર નથી.

सुन भाई साधो …
મૂછ એ તમારા સ્માઈલનું હાઈલાઈટર છે.

Statutory warning :
મહિલાઓએ મૂછો વધારવાની કોશિશ ન કરવી. તમારા માટે લિપસ્ટિક છે જ!

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s