બેસણા आजकल


Besna Aajkalજેમ લોકસેવકો દ્વારા થતી અમુક જાહેરાતો પ્રથમ વિધાનસભા કે સંસદ ભવનમાં ધારાસભ્યો કે સંસદ સભ્યો સમક્ષ થતી હોય છે પછી એની માહિતી અખબારો દ્વારા આમજનતા સુધી પહોચતી હોય છે. એમજ છેલ્લા કેટલાક વર્ષોમાં બેસણાના દિવસની જાહેરાત સ્મશાનમાં હાજર લોકો સમક્ષ કરવાનો શિરસ્તો પડી ગયો છે. સામાન્ય રીતે દેહને અગ્નિદાહ દેવાય કે પછી ગેસ અથવા ઇલેક્ટ્રિક ફર્નેસને અર્પણ કરવામાં આવે ત્યાર બાદ નજીકના સગાઓમાં બેસણું ક્યારે રાખવું એની ચર્ચા શરુ થતી હોય છે. કાકા ઉંમર લાયક હોય, લાંબા સમયથી બીમાર હોય અને મોટો દલ્લો મુકીને જવાના હોય એવા કિસ્સામાં અમુક કુટુંબોમાં તો ‘ડોહા આજે જાય, તો આજે મંગળવાર એટલે આજનો દિવસ તો ગયો. કાલે બુધવારે બેવડાય એટલે બેસણું ન રખાય. રવિવારે રજા ખરી પણ બહુ મોડું કહેવાય. ગુરવારે વર્કિંગ ડે છે પણ રખાય. સવારે નવથી અગિયાર કે સાંજે પાંચથી સાત રાખીએ તો લોકો ઓફિસે જતા કે આવતા અહીં થઇને જઈ શકે શકે.’ એવું વિચારી રાખતા હોય છે. શું છે કે એક કામ પતે. ડોહાને પોતાને જ નથી પૂછતાં એ જ ગનીમત છે. બાકીના કિસ્સામાં મોટેભાગે શોકાતુર વ્યક્તિ વતી બાકીના લોકો પોતાને આવવામાં અનુકુળ પડે એવા દિવસોનું સૂચન કરતા હોય છે. એ પૈકીના એક દિવસ પર ઘટના સ્થળ પર હાજર વડીલ પાસે મંજુરીની મહોર મરાવી દેવાય પછી મસાણિયાઓ સમક્ષ બે હાથ જોડીને ‘ગુરુવારે પાંચથી સાત’ એવા અલ્પ શબ્દોમાં એની જાહેરાત કરવામાં આવતી હોય છે.

આજકાલ બેસણાની જાહેરાત અખબારોમાં આવે એ પહેલા સારા શબ્દોમાં કમ્પોઝ કરીને વોટ્સેપ ગ્રુપ્સ અને કોન્ટેક્ટસમાં ફરતો કરવાનો રીવાજ છે. જેને પણ એ મેસેજ પહોચે એ હરખપદૂડો પાછો બીજાને નહિ ખબર હોય એમ સમજીને એ ઓળખતો હોય એ બધાને ફોરવર્ડ કરી દેતો હોય છે. સરવાળે મૃતકના સગાંના ઈનબોક્સમાં બેસણમ-બેસણી થઇ જતી હોય છે! ફેસબુક ઉપર પડ્યા પાથર્યા રહેનારામાંના અમુક તો દાદાને કાઢી જાય એ પહેલાં તો એમના ફોટા સાથે ‘Will miss you Dadu’ એવો સ્ટેટસ મેસેજ ‘Feeling sad …’ના Emoticon સાથે ચઢાવી દેતા હોય છે. ફેસબુક પરના આવા સ્ટેટસ મેસેજ એ એક જાતનું ઈ-બેસણું જ ગણાય! એક રીતે જોઈએ તો ફેસબુક એ બહારગામ કે પરદેશમાં રહેતા સગા, સંબંધી અને મિત્રો માટે સમાજ સમક્ષ પુરાવો રહે એ રીતે શોક વ્યક્ત કરવાની અદભુત જગ્યા છે! એમાં ઘણા ઇંગ્લીશમાં લાંબો શોક સંદેશ લખીને શોક સાથે ઈંગ્લીશનું જ્ઞાન પણ પ્રદર્શિત કરતા હોય છે. જયારે મોટાભાગના લોકો મંકોડા જેટલું ‘RIP’ કે ‘ઓમ શાંતિ’ લખીને સંતોષ માનતા હોય છે. સ્ટેટસ મુકનાર વ્યક્તિ નારી જાતિની અને દેખાવડી હોય તો સ્ટેટસ નીચે શોકાતુરોની ભીડ જામતી હોય છે. એમાંના અમુક તો પ્રત્યક્ષ સગાંથી પણ વધુ ભાવુક થઇ જતા હોય છે. જયારે  અમુકને તો રીતસરના ઝાલી રાખવા પડે એવી હાલત હોય છે; એવું લાગે કે જનાર તો જતી રહી પણ આ ભૂરો એની વાંહે ન વયો જાય.

પરંપરાગત બેસણામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. વર્ષો પહેલાં એક સ્વજનના બેસણાની ચર્ચા ચાલતી હતી ત્યારે એક કુટુંબી બહેન બોલ્યા કે ‘મંડપ અને ખુરશીઓની વ્યવસ્થા પણ કરવી પડશેને?’ ત્યારે એમના સાસુએ ‘તારા સસરા ગુજરી ગયા છે, એમનું લગન નથી લીધું. બેસ છાનીમાની. બેસણા માટે માંડવા નાખવા નીકળી છે તે …’ કહીને તોડી પડ્યા હતા. જ્યારે આજે એ બહેનની કલ્પના હકીકત બની ગઈ છે. આજકાલ ઢીંચણના સાંધાના રીપ્લેસમેન્ટના ધંધામાં તેજી છે અને એજ કારણથી ફરાસખાનાવાળાને પણ બેસણા નિમિત્તે ખુરશીઓની વર્ધી મળતી થઇ છે. એક જમાનામાં ફક્ત વાથી પીડાતી માજીઓ માટે જ ખુરશીઓ રાખવામાં આવતી. હવે એમાં થાઉં થાઉં કરતી કાચી ઉંમરની માજીઓ પણ ઉમેરાઈ છે. બેસણા માટે હોલ ભાડે રાખવાનું, દિવંગતની જીવન ઝરમર ફોટા કે વિડીયો સ્વરૂપે દર્શાવવાનું અને દિવંગતના લાઈવ સાઈઝના ફોટાની આસપાસ ફૂલોનું ડેકોરેશન કરવાનું સામાન્ય થઇ પડ્યું છે.

અગાઉના બેસણામાં સમય પસાર કરવા માટે લોકો પાથરણામાંથી દોરા ખેંચી અને એમાં ગાંઠો મારીને કે વળ ચઢાવીને એની દિવેટ બનાવવાની પ્રવૃત્તિમાં પરોવાઈ જતા. આજકાલ એનું સ્થાન મોબાઈલે લીધું છે. ગુલાબના હાર પાછળ ફોટામાં માજી મલકતાં હોય, જગજીત સિંહનાં રેશમી અવાજમાં ‘હે રામ …’ વાગતું હોય ત્યારે કોઈના મોબાઈલમાં ‘ઐસી ધાકડ હૈ … ધાકડ હૈ … ઐસી ધાકડ હૈ …’નો રીંગટોન ભભૂકી ઉઠે એવી દુર્ઘટનાઓ હવે સામાન્ય છે. ધોળા સાડલાને સ્થાને સફેદ સલવાર કમીઝ આવી ગયા છે. ધોતિયા ગાયબ છે. શોક દર્શક ‘બેસણા’ને બદલે ‘પ્રાર્થના સભા’ પણ ગોઠવાતી હોય છે અને એ બહાને ગાવા-વગાડવાવાળા અને સાઉન્ડ સીસ્ટમ ભાડે આપનારને પણ ધંધો મળતો થયો છે એ એનું જમા પાસું છે. ફક્ત સ્થૂળ લોકાઆચાર નિભાવવા માટે આવતા લોકોની અવરજવર વચ્ચે સ્વજન ગુમાવનારની આંખમાંથી આંસુનું ટીપું પાપણ પર આવીને અટક્યું હોય એ જોવાની પણ ભાગ્યેજ કોઈને પડી હોય છે.

सुन भाई साधो …

ભૂમિતિના પ્રમેયની જેમ શાકમાં અમુક સ્વાદ ધારી લેવાનો આવે ત્યારે સાલું લાગી આવે.

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s