વર ઘોડો અને વહુ જોકી


var-ghodo-vahu-jockey.jpg

નારીને મુક્ત વિહરતા પતંગિયા જેવી ગણવામાં આવતી હોય તો પુરુષ એ ઉંચે આકાશમાં ઉડતા પતંગ જેવો ગણાય જેની દોર જીવનના અલગ અલગ તબક્કે સ્ત્રી પાસે જ હોય છે. એ તમને આકાશમાં કલાત્મક ઉડાન ભરતો, મોજથી ડોલતો, ઊંચાઈઓ સર કરતો કે પછી બીજા પતંગોને માત આપતો દેખાતો હોય તો સમજજો કે એનું સંચાલન કોઈ સ્ત્રીના હાથમાં જ હશે. બાકી સામાન્ય રીતે પુરુષોની પ્રકૃતિ જ એવી છે કે એમને છુટા મુકવામાં આવે તો એ પતંગની જેમ કાંતો ગોથ ખાશે કાં છાશ ખાશે કાં ઝાડમાં ભરાશે. આ વાતની એને જણનારી અને પરણનારી બંનેને ખબર હોય જ છે. એક કુશળ પતંગ ચગાવનારની જેમ એ બંને બિન હવામાં જતા પોતાના પતંગને પાછો હવામાં પણ લાવી શકે છે કે પછી ઉંચે ચગેલા પતંગને પાછો ધાબામાં પણ લઇ આવી શકે છે. આ વાત લબૂકની કક્ષામાં આવતા પતંગથી લઈને કડકમાં કડક ઢઢ્ઢાવાળા પતંગને પણ ખબર હોય છે. માટે ચગવાનું, પણ માપમાં.

ઘોડાની રેસમાં જોકી વગર એકલો ઘોડો રેસ જીતી શકતો નથી, એમજ જીવન રૂપી રેસમાં જીતવા માટે પત્ની રૂપી જોકીની જરૂર પડે છે. ઘોડામાં રહેલી ક્ષમતાને જોકી એક દિશા અને ગતિ આપે છે, એમ જ પત્ની એના પતિમાં રહેલી ક્ષમતાને પિછાણે છે અને એનો યોગ્ય ઉપયોગ કરે છે. તમે કહેશો કે તો પછી અમે પરણ્યા ત્યાં સુધી વહેલા સુવા, વહેલા ઉઠવા, બધી જાતના શાક ખાવા, વસ્તુઓ વ્યવસ્થિત રાખવી, રોજ નહાવું, ભણવું વગેરેથી લઈને પાર્ટી, પીકનીક, ગર્લ ફ્રેન્ડઝ સુધીની બાબતો માટે મમ્મી એ અમારી પાછળ કરેલી મહેનતનું શું? તો એમાં એવું છે કે ક્રિકેટની મેચમાં હરીફ ટીમનો બોલર દાંડી ઉડાડી ન જાય એ માટે બેટ્સમેનને બાઉન્સર, સ્પીન, યોર્કર અને ફૂલટોસથી લઈને બીમર અને ઘૂસડુટ બોલ રમવા સુધીની પ્રેક્ટીસ આપીને તૈયાર કરવો પડે છે. આવું થાય તો જ મેચ વખતે સારો સ્કોર થઇ શકે છે. આ કામ મમ્મી રૂપી કોચનું છે. પણ કમનસીબે આપણા બેટ્સમેનો આ પ્રકારની પ્રેક્ટીસની ઘોર અવગણના કરતા આવ્યા છે અને એના પરિણામે કોચ વગોવાતા હોય છે. આ પ્રકારના બેટ્સમેનોએ ચાલુ બેટીંગે ‘તારી માએ તને કંઈ  શીખવાડ્યું જ નથી’ કે પછી ‘થેલીમાં ટામેટા ઉપર બટાકા ના નખાય એટલુ પણ ભાન નથી?’ જેવા તીખા કટાક્ષ બાણો રૂપી સ્લેજિંગનો સામનો કરવાનો આવે છે. ઘણીવાર આ જ બાબતને લઈને કોચ અને બોલર વચ્ચે પણ ઠેરી જતી હોય છે.

એક વાત સમજી લો કે તમે આ દુનિયામાં પુરુષ તરીકે અવતર્યા છો તો તમારે અમુક સત્યો સ્વીકારવા જ રહ્યા. પહેલું સત્ય એ છે કે પુરુષને સાચી શિક્ષા પત્ની પાસેથી જ મળે છે. અહી ‘શિક્ષા’ શબ્દના બંને અર્થ અભિપ્રેત છે. માટે તમારી ભૂલ બદલ કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવે એની પાછળનો અભિગમ પણ કેળવણીનો જ ગણવો. તમે શનિની પનોતી વિષે તો સાંભળ્યું જ હશે. કહે છે કે માણસને શનિની પનોતી ચાલતી હોય ત્યારે શનિદેવ એના આ જન્મ તેમજ પૂર્વ જન્મમાં કરેલા પાપનો દંડ કરતા હોય છે. પણ ખરેખર તો આ સમય દરમ્યાન માણસ જીવન જીવવાના અગત્યના પાઠ શીખે છે એવું જયોતિષીઓનું માનવું છે. લગ્નને પણ ઘણા પનોતી માનતા હોય છે. શનિની પનોતી રૂપના પાયે, તાંબાના પાયે કે પછી લોઢાના પાયે હોય છે જયારે લગ્ન રૂપી પનોતી પાકા પાયે હોય છે. શનિની પનોતીની જેમ એમાં શીખવાનું પણ ઘણું હોય છે. ઘણીવાર ભણેલું ભૂલી અને નવેસરથી શીખવું પડતું હોય છે.

આપણે શીખ્યા હતા કે ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય’. વિજ્ઞાનમાં પણ આપણે ‘જાનીવાલીપીનારા’ એમ સાત રંગો વિષે ભણ્યા હતા. હવે તમને નવા રંગો વિષે શીખવા મળશે. તમને જાણીને આનંદ થશે કે બીજ એ માત્ર તિથી જ નહીં કલરનું નામ પણ છે. એ જ રીતે બરગંડી, ગાજર અને રાણી પણ રંગના જ નામ છે એ પણ સમજી લો. આ ઉપરાંત તમારી પત્નીએ પોતે રંગના નામ પાડ્યા હોય તે અને આગળ ઉપર નવા નામ પાડે એ તમામ નોટમાં ટપકાવતા રહેજો. હું બજારમાંથી તાંદળજાની ભાજી કલરનો બ્લાઉઝ પીસ અને ચા કલરની લીપસ્ટીક લઈ આવવાના સાહસો સફળતા પૂર્વક ખેડી ચુક્યો છું. જોકે મેચિંગ માટે હું જે ભાજી સાથે લઇ ગયો હતો એ વાસી નીકળી અને ચા થોડી કડક હતી એ જુદી વાત છે. પણ ફરી વાર આવી ભૂલ થાય એવી શક્યતા નથી, મોર પીંછ કલરના મેચિંગ માટે મોર અને  ભેંશ કલરના મેચિંગ માટે ભેંશ સાથે લઇ જવા સુધીની મારી તૈયારી છે.

મારી જ વાત આગળ ચલાવું તો મને આડા સમારેલા એટલે કે ગોળ પતીકા પાડેલા ટીંડોળાનુ શાક જરાય ન ભાવે એટલે મારી મમ્મી મને ઉભા સમારેલા ટીંડોળાનું શાક બનાવી આપતી. આજે બહેરી પ્રિયા મને ધરાર આડા સમારેલા ટીંડોળાનું ખાક ખવડાવે છે અને હું વખાણી વખાણીને ખાઉં છું. લગ્ન સંસ્થામાં જીવનના પાઠ ભણ્યા પછી આજે મારામાં તુરિયા અને ગલકા બે અલગ શાક છે એની સમજ આવી ગઈ છે. ભીંડા લેતી વખતે એની અણી તોડવાનું ચૂકતો નથી. કાકડી હું શાકવાળાને જ ચાખવાનું કહું છું. દૂધીમાં હું નખ મારી જોઉં છું. ભૂલ ન થાય એ માટે હું કેસર, ગોલા અને તોતા કેરીના ફોટા મોબાઈલમાં રાખું છું. ચા પણ સારી બનાવું છું. લેંઘો ધોવા નાખતી વખતે એને ઉલટાવીને નાખવાનો હોય એની મને ખબર છે. ઉઠ્યા પથારીમાંથી પછી રજાઈ-બ્લેન્કેટ સંકેલી લઉં છું. શર્ટ-પેન્ટની વ્યવસ્થિત રીતે ગાડી કરી શકું છું. સાસ-બહુની રોના-ધોના છાપ સીરીયલોમાંથી આનંદ લેતા શીખી ગયો છું. બહાર મારી જાતને હું ગમે તેટલો મોટ્ટો તીસમાર ખાં ગણતો હોઉં પણ હું મારા સસરા જેટલો જ્ઞાની નથી, સાળા જેટલો સફળ નથી અને સાઢુ જેટલો સ્માર્ટ નથી જ એ વાત સ્વીકારૂ છું. બહેરી પ્રિયા જ મારી માર્ગ દર્શક છે. એ મને જે રસ્તો બતાવે એ રસ્તે હું ચાલી નીકળું છું. એ દરરોજ જુદો રસ્તો બતાવે તો એ દરેક રસ્તે રસ્તે હું જઈ આવું છું. એમ કહોને કે એના બોલ ઉપર દોડધામ કરી મુકુ છું! પણ ખાનગીમાં કહું તો એ દોડાદોડી માત્ર દેખાવની, સાચે સાચ નહી. કરું છું એજ કે જે મને ઠીક લાગતું હોય, પણ જાહેરમાં મારી સફળતાનું શ્રેય એને આપવાનું ચુકતો નથી. આ વાત એને પણ ખબર છે, પણ એને કોઈ ફેર પડતો નથી. મને એનું શાસન ગમે છે અને એ મારી આ બદમાશીઓની ચાહક છે. બીકોજ, વી લવ ઈચ અધર!

सुन भाई साधो
Hug Dayના દિવસે ડાયેરિયા થાય એને ઉલટભેર ઉજવણી ન કહેવાય.

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s