તમે ભૂતમાં માનો છો?


Tame Bhoot Ma Mano Chho

મારો એક મિત્ર કહેતો કે લગ્ન પછી એનો ભૂત, પિશાચ, ચુડેલ વગેરેનો ડર જતો રહ્યો છે. જોકે પછી તો એના છુટા છેડા થઇ ગયા અને હાલ એ ક્યાં છે એની મને ખબર નથી, પણ એ મળે ત્યારે એને પૂછવું છે કે છુટાછેડા પછી  ફરી ભૂતની બીક લાગવા માંડી હતી કે નહિ? મારો મિત્ર જ નહિ પણ ભૂત પોતે મને મળે તો મારે એને પણ ઘણું બધું પૂછવાનું છે, કારણ કે ભૂત વિષે આટલું બધું ખરું-ખોટું લખાતું હોવા છતાં ભૂત કદી ખુલાસા કે રદિયો આપવા આવતું નથી!

ભૂત પરની કહેવતોમાંથી આપણને ભૂત વિશેની અમુક માહિતી મળે છે. જેમ કે ‘ભૂતને પીપળા મળી રહે છે’ અને ‘ભૂતનું ઘર આમલી’! આ કહેવતો બતાવે છે કે ભૂત લોકો પીપળા ઉપર કે આમલી ઉપર રહેવાનું વધુ પસંદ કરતા હોય છે! માની લઈએ કે પીપળા અને આમલી ભૂતના ઘર ગણાય, તો એનો અર્થ એ થયો કે ભૂતો પણ પ્રોપર્ટી વસાવતા હશે અને પ્રાઈમ લોકેશનો પરના ‘ઘર’ માટે એમનામાં પણ પડાપડી થતી હશે. જેમ કે કાંકરિયા લેક ફ્રન્ટ પર આવેલા પીપળાના ઓન બોલાતા હશે! સરકારી વૃક્ષારોપણના કાર્યક્રમો એમના માટે કોલોનીનું ખાતમુહુર્ત જ ગણાતું હશે! જોકે ભૂત વિશેના આ સંશોધન માટે કોઈએ ભૂતોનો સંપર્ક કર્યો હતો કે નહિ એ બાબતે કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત નથી!

અમદાવાદમાં આસ્ટોડિયા પાસે ભૂતની આમલી નામનું એક સ્થળ આવેલું છે અને લોક વાયકા એવી છે કે ત્યાં બહારગામના ભૂતોનો વાસ છે! આ વાત સાચી હોવાની શક્યતા એટલા માટે છે કારણ કે ત્યાં ટ્રાવેલ્સવાળાની બસો ઉભી  રહેતી હોય છે! વડોદરામાં ‘ભૂતડી ઝાંપા’ નામની એક જગ્યા છે! પણ અમને એ નામ જરા વિચિત્ર લાગે છે, કારણ કે ભૂત પોતે હવામાં ઉડી શકતા હોય છે અને ચાવીના કાણામાંથી પણ અવર-જવર કરી શકતા હોય છે તો એમને ઝાંપાની જરૂર જ કેવી રીતે પડે?

ભૂત લોકોમાં ફેશન જેવું કઈ હોય કે નહિ એ વિષેની આધારભુત માહિતી પણ કોઈ ભૂત જ આપી શકે છતાં  આપણે અનુમાન જરૂર કરી શકીએ! જેમ કે ચૂડેલનો વાંસો પોલો હોય છે, એટલે એ બેકલેસ ચોળી ઉપર સાડી પહેરીને નીકળે તો ગોખલા પર પડદો લટકાવ્યો હોય એવું લાગે! જોકે એ પણ સ્ત્રીનું ભૂત જ કહેવાય, એટલે એ પોલા વાંસામાં દીવો કે લાઈટો  મુકવાની ફેશન કાઢે તો નવાઈ નહિ! રસપ્રદ વાત એ છે કે ચૂડેલના પગ અવળા હોય છે અને એટલે એને ખાસ પ્રકારની સેન્ડલો બનાવડાવી પડતી હશે. હવે એનું જોઈને આપણાવાળી એવી સેન્ડલ માગી બેસે તો આપણે ક્યાં જવું?

માદા ભૂત એટલે કે ભૂતડીઓ અને એમાંય ખાસ કરીને હિન્દી ફિલ્મની ભૂતડીઓ તો કાયમ છુટ્ટા વાળ રાખી અને સફેદ સાડી પહેરીને ફરતી હોય છે અને સરસ ગાતી હોય છે! પણ એનો અર્થ એ નથી કે છુટ્ટા વાળ સાથે સફેદ સાડી પહેરીને ગાતી હોય એ તમામ સ્ત્રીઓ ભૂત હોય છે!

પુરુષોમાં કપડા બાબતે આમ પણ ઓપ્શનો ઓછા હોય છે તો અલાદીન પાસે હતો એવા ‘જીન’ લોકોની તકલીફ એનાથી પણ વધુ હોય છે! એ લોકો જીન્સ ન પહેરી શકે કારણ કે એમને પગને બદલે ધુમાડા જેવું કંઈક હોય છે અને એ હવામાં જ તોળાઈ રહેતા હોય છે! એટલે એ લોકોને ફરફરતું ધોતિયું કે લુંગી હોય તો ય ચાલે! એમને પગ તો હોય નહિ એટલે બુટ-ચંપલ પહેરવાની જરૂર જ ન પડે, એટલે ખર્ચો તો બચે જ પણ સાથેસાથે એ લોકો કોઈ મંદિરમાં દર્શન કરવા જાય તો ચંપલ ચોરાવાની ચિંતા પણ ન રહે! તમે કહેશો કે શું ચલાવો છો, ભૂત કંઈ મંદિરમાં જતાં હશે? તો તમારી ભૂલ થાય છે, ભૂતો મહાદેવજીના સ્ટાફમાં આવે બોસ!

ભૂતો વિષે કંઈ સંશોધન થયું હોય તો અમારે સાઉથ ઈન્ડીયન ભૂતનો રંગ કેવો હોય છે એ જાણવું છે. જોકે આ વાત તો રજનીકાંતને પૂછી લઈએ તો એ પણ કહી દે! ભલું હોય તો ભૂત પાસે ચા બનાવડાવીને તમને પીવડાવે પણ ખરો! માણસો ભૂતમાં માને કે ન માને, ભૂતો રજનીકાંતમાં માનતા જ હશે એનો આ પુરાવો! જોકે કોઈ લુંગીધારી અંધારામાં ઉભો ઉભો તામિલમાં બરાડા પડતો હોય તો એ આપણને તો એ ભૂત જ લાગે!

ઘણા લોકો આધારભૂત માહિતી કાઢી લાવવામાં પાવરધા હોય છે. પણ એમની આધારભૂત માહિતીનો આધાર ભૂત જ હોય છે! અર્થાત એ લોકો માહિતી ભૂત પાસેથી જ મેળવતા હોય છે. એટલે તમારે એ માહિતીની ખાતરી કરવી હોય તો કોઈ ભૂત ને પકડવું પડે! તો અમુક માણસો પોતે ભૂત જેવા હોય છે! થોડીવાર પહેલાં એ તમારી બાજુમાં બેઠા હોય અને ઘડીભરમાં ગાયબ પણ થઇ જાય! અમુક લોકોને મળ્યા પછી આપણે ભૂતમાં માનતા થઇ જઈએ એવું એમનું વ્યક્તિત્વ હોય છે! આપણા અમુક મિત્રો પણ એવા હોય છે કે જો આપણે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરતા હોઈએ તો લોકો આપણી પાસે ફરકવાની હિંમત પણ ન કરી શકે!

આપણે ત્યાં તો ભૂતને રેશનકાર્ડ પણ હોય છે અને એ સસ્તા અનાજની દુકાનેથી નિયમિત રીતે અનાજ પણ લઇ જતું હોય છે! પણ અમને વિચાર એ આવે છે કે જો એ રેશનીંગના ઘઉંની રોટલી બનાવીને ખાતું હશે તો એને પચતું કેવી રીતે હશે? ભલું હોય તો એ સરકારી અનાજ ખાવાને લીધે જ ભૂત થયું હોય એવું બન્યું હોઈ શકે! જોકે ભૂતિયા ગેસ કનેક્શન હોય એની અમને નવાઈ નથી લાગતી, કારણ કે ગેસ પણ દેખાતો નથી હોતો અને ભૂત પણ!
4951

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , , , . Bookmark the permalink.

2 Responses to તમે ભૂતમાં માનો છો?

 1. Ketan કહે છે:

  Bhutiya voting pan hoy chhe ane a India ma j possible chhe. are yaar aava idea kya thi aave chhe!!!! hats off

  Like

 2. Dhams કહે છે:

  બાબરા ભૂત વિશે તમારુ શું કહેવું છે?
  નોંધ: મારી ધર્મપત્ની બાબરા થી છે

  Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s