સીમકાર્ડમાં ડાટા સાથે આટા!


પણા દેશના લોકોને કોઈ ફિલ્મ સ્ટાર, ખેલાડી કે અન્ય સેલીબ્રીટી ગમી જાય પછી લાડમાં એને એના હુલામણા નામથી બોલાવવાનું ચાલુ થઇ જાય છે. જેમ કે અક્ષય કુમારને અક્કી, યુવરાજ સિંહને યુવી કે સંજય દત્તને મુન્નાભાઈ તરીકે સંબોધવાનો રીવાજ છે. હમણાં સુધી કોઈ ઉદ્યોગપતિને આ માન મળ્યું નહોતું. પણ ગઈ દિવાળીથી એ મહેણું પણ ભાંગ્યુ છે. ધનતેરશના દિવસે મારી ઉપર એક મેસેજ આવ્યો કે ‘મુકેશ અંબાણી ધન પૂજા માટે તિજોરીમાંથી સિક્કા બહાર કાઢતા હતા ત્યારે લક્ષ્મીજીએ એમનો હાથ પકડીને કહ્યું – મૂકા, તું રહેવા દે!’ કવિ અહીં કહેવા એ માંગે છે કે દુનિયાના ટોચના અબજપતિ તરીકે પ્રખ્યાત મુકેશભાઈ સોશિયલ મીડિયા માટે ‘ધીરુ ભાઈનો મુકો’ બની ગયા છે! કદાચ દેશબંધુઓએ બતાવેલી આ આત્મીયતાને લઈને જ મૂકાભાઈએ મફત કોલિંગ અને અનલિમિટેડ 4G ડેટા સાથેની JIOની સેવા તરતી મૂકી અને ફક્ત ૧૭૦ દિવસમાં એમાં દસ કરોડ ગ્રાહકો તરતા થઇ ગયા! માત્ર તરતા જ નહિ પણ એમાં ભારતના દરેક બાબ્ભઈ, બચુભઈ અને રંછોડભઇઓ ધૂબાકા મારતા થઇ ગયા છે!

શિંગ-સાકરીયાના પ્રસાદની જેમ જીઓના સીમકાર્ડ વહેંચવાના શરુ થયા એ પહેલા સમાજમાં બે ભાગ પડી ગયા હતા. જેઓ પાસે જીઓના સીમકાર્ડ હતા એમના ઈન્ટરનેટ હોટ-સ્પોટ પર મફતમાં ટીંગાવા માટે પડાપડી શરુ થઇ ગઈ હતી. જેમની પાસે એક્સ્ટ્રા સીમકાર્ડ હતું એમાંના કેટલાકને ગર્લફ્રેન્ડ પણ મળી હતી. ભિખારીઓએ તો શિયાળામાં ધાબળા ઓઢાડનારને ન આપ્યા હોય એટલા આશિર્વાદ મુકેશભાઈને આપ્યા છે.

આ સ્કીમ પાછળ લોજીક છે. ગ્રાહકોને સ્વાદનો ચસકો લાગે અને એ મીઠાઈ ખરીદવા પ્રેરાય એ માટે માટે મીઠાઈવાળા એમને મીઠાઈ ચખાડતા હોય છે; બરોબર એમ જ આ સ્કીમના પહેલા તબક્કામાં રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લીમીટેડે ગ્રાહકોને ત્રણ મહિના માટે મફતમાં ચખાડી હતી. એ એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. અને પછી લોકોને એવો ચસકો લાગ્યો છે કે અમુક તો આવી રીતે મળતું મફતનું ચંદન ઘસવા માટે અડધી રાત્રે પણ ઓનલાઈન રહેવા માંડ્યા છે. જોકે હવે તો પૈસા ભરવા પડશે, પણ કેટલાક લોકોને આ ચખાડવાની સીસ્ટમ ગમી ગઈ છે અને અને બીજા ક્ષેત્રોમાં પણ આ પ્રકારની યોજના લાગૂ કરવાની માગણી ઉઠી છે.

આપણા સમાજમાં લગ્ન એ બે કુટુંબો વચ્ચેનું સો વરસનું સગપણ ગણવામાં આવે છે. પત્ની પણ ભવોભવ એનો એ જ પતિ મળે એ માટે વ્રત કરતી હોય છે. પણ જ્યારથી મોબાઈલ નામની બલા આપણા જીવનમાં પ્રવેશી છે ત્યારથી બળતરાનું પ્રમાણ વધ્યું છે. આજકાલ દર બે-ત્રણ મહિનામાં વધુ સારા ફીચર્સ ધરાવતું મોબાઈલનું નવું મોડેલ અગાઉ કરતા ઓછી કિંમતે મળવા લાગે છે. જે લોકો એ પહેલા મોબાઈલ ખરીદી ચુક્યા હોય છે એ ‘સાલું થોડી રાહ જોઈ હોત તો સારું મોડલ મળ્યું હોત ને!’ એવું વિચારીને જીવ બાળતા હોય છે. એ જ રીતે ઘણાને લગ્નમાં ઉતાવળ કરી નાખી એવું લાગતું હોય છે. પણ એમાં પડ્યું પાનું નિભાવવા સિવાય કોઈ છૂટકો નથી હોતો. આ સંજોગોમાં લગ્નમાં જીઓ જેવી સ્કીમ આવવી જોઈએ. લગ્ન પછી ત્રણ મહિનામાં ફાવી જાય તો સાથે રહેવાનું નહિ તો કંપનીના ગોર મહારાજ આવીને ઉંધા ફેરા ફેરવીને લગન ઉતારી જાય. હોવ.

આ દરમ્યાનમાં બજારમાં જીઓ બ્રાંડ નેમ નીચે ઘઉં મળતા થઇ ગયા છે. ના. હજી મૂકાભાઈએ આ ક્ષેત્રમાં ઝૂકાવ્યું નથી પણ લોકો ઘઉંમાં એમની ટાઈપની સ્કીમની આશા રાખતા હોય તો નવાઈ નહિ. જેમ કે કોઈ નવરાએ જીઓ બ્રાન્ડના ઘઉંની બોરીના ફોટો સાથે અમને મેસેજ મોકલ્યો કે આ ઘઉં ખરીદનારને ત્યાં કંપની તરફથી ત્રણ મહિના સુધી મહારાજ આવીને મફત રોટલી વણી જશે! જય હો. પછી જીઓ બ્રાન્ડની શેવિંગ ક્રીમ બજારમાં આવે જે ખરીદો તો ત્રણ મહિના સુધી કંપનીનો કારીગર આવીને તમારી દાઢી કરી જાય. એનું કામ ફાવી જાય તો પેઈડ સર્વિસ બંધાવી દેવાની. જીઓ બ્રાન્ડના વાસણ પણ આવવા જોઈએ જેમાં ત્રણ મહિના સુધી કંપનીનો રામલો આવીને મફત વાસણ માંજી જાય. એટલું જ નહિ પણ વાસણ લુછીને રેકમાં કે શેલ્ફ પર ગોઠવતો પણ જાય. આમ કરતા તમને મહારાજ કે રામલાનું કામ ગમી જાય તો પછી ત્રીજા મહિના પછી પૈસા ભરીને તમે એની સેવાઓ ચાલુ રાખી શકો. સિમ્પલ!

છેલ્લા ડેવલપમેન્ટ પ્રમાણે અત્યારે જે રીતે મોટી મોટી બ્રાન્ડ્સ સામે બાબા રામદેવ મેદાને પડ્યા છે એ જોતા આગામી સમયમાં લોકો પતંજલિનું સીમકાર્ડ આવે એની રાહ જોઇને બેઠા છે. કહે છે કે પતંજલિના સીમકાર્ડમાં ડાટા સાથે બાબા ‘પતંજલિકા ફાઈબર યુક્ત, ભૂરે રંગકા શુદ્ધ આટા’ની બોરી આપવાના છે.

सुन भाई साधो …

ટીવી અને એસીનું રીમોટ મિસકોલ મારીને શોધી શકાતું નથી.

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s