અમે આધાર કાર્ડ કઢાવ્યું – ૧


રકારે ઇન્કમટેક્સના કામકાજ માટે આધાર કાર્ડ ફરજીયાત કરી દીધું એમાં અમારે તાકીદે આધાર કાર્ડ કઢાવવાનું આવ્યું. એની ઓફીસ તો દોઢેક કિલોમીટર જ દૂર હતી એટલે ખાસ તકલીફ નહોતી. બસ, કાર્ડમાં અમારો ફોટો સારો આવે એ માટે સારો દિવસ જોવાનો હતો. એની પાછળ કારણ પણ હતું. છેલ્લે અમે ચૂંટણી કાર્ડ કઢાવ્યું એમાં બહેરી પ્રિયાનો જે ફોટો આવ્યો છે એની ઉપર અમે ક્રીસ ગેઈલનો ઓટોગ્રાફ લેવાના છીએ અને એ ખુશી ખુશી આપશે પણ ખરો. કદાચ ગેઈલ એના કોઈ ફોટામાં આટલો ખુબસુરત અને હસીન નથી લાગતો! જયારે મારો ફોટો પાડનાર કલાકારને ડીસ્કવરી કે નેશનલ જીયોગ્રાફી ચેનલે ચિમ્પાન્ઝીના ફોટા પાડવા માટે ઊંચા પગારે રોકી લેવો જોઈએ કારણ કે કાર્ડમાં જે આકાર દેખાતો હતો એવો હું ખરેખર દેખાવા લાગુ તો મારા સસરા તાબડતોબ એમની છોકરીને છોકરાં સાથે પાછી લઇ જાય! એટલે પ્રિયાએ પંચાંગ જોઇને ખાસ દિવસ શોધી રાખ્યો અને એ દિવસે અમે બહાર પડ્યા. મેં પણ બે વાર દાઢી કરી અને ડાયરેક્ટ ગીરનાર રીટર્ન લાગુ એટલી માત્રામાં પાવડર પણ લગાડ્યો. શું છે કે પછી કોઈ મારો વાંક ના કાઢે.

Ame Aadhaar Card Kadhvyu-1અમે ઓફિસ પહોચ્યા ત્યારે આખું કમ્પાઉન્ડ વાહનોથી ભરચક હતું. લગભગ પોણો કિલોમીટર દૂર પાર્કિંગની જગ્યા મળી એ જોતા બધાને અમારી જેમ આજનું જ મુહુર્ત નીકળ્યું હોય એવું લાગ્યું! લોકોને બીજા કામ પણ હશે એમ માનીને અમે બહુમાળી બિલ્ડીંગમાં પ્રવેશ્યા.

આધાર કાર્ડ માટે ક્યાં જવાનું એ કોને પૂછવું એ વિચારતા હતા ત્યાં જ સામે એક નાક દેખાયું! એક્ચુલી એ નાક પાછળ પેન્ટ-શર્ટ પહેરેલા આખા ભાઈ હતા પણ એમનું નાક લાંબુ અને નીચે તરફ વળેલું હતું એટલે પહેલું એ જ દેખાતું હતું. નાકનો વળાંક એવો હતો કે એ ભાઈ જીભ વડે નાક પર બેઠેલી માખી ઉડાડી શકે. એમને નીચલા હોઠને અડે એટલી લાંબી લચ્છેદાર મૂછો પણ હતી. કદાચ એમના મૂછ અને નાકના વાળ વચ્ચે ક્રોસ-બોર્ડર છમકલા ચાલુ રહેતા હશે એમ લાગ્યું. અમે એને જ પૂછ્યું અને એની મૂછનો ગુચ્છો થોડો હાલ્યો અને અંદરથી હવા સાથે અવાજ આવ્યો ‘પોંચમાં મારે, ખાલી સાઈડે બીજો રૂમ’. ખાલી સાઈડ! મતલબ કે એ ભાઈ ડ્રાઈવર હતા!

અમે લીફ્ટ બાજુ સરક્યા. ત્યાં આગળ ચાર-પાંચ જણાનું ટોળું હતું. લીફ્ટનો દરવાજો ખુલ્યો. મેં અંદર દાખલ થતી વખતે લીફ્ટમેનને પૂછ્યું ‘પાંચમાં માળે થઇ ને જશે ને?’ પેલાએ તમાકુથી કાળા પડી ગયેલા દાંત બતાવતા કહ્યું ‘હોવે.’ પણ એના ચહેરા પર ભાવ એવો હતો કે ‘આ કંઈ રાજકોટની બસ છે તે લીમડી- બગોદરા ઉભી રહેશે કે નહિ એ પૂછો છો!’

પાંચમાં માળે પહોંચીએ અમે ખાલી સાઈડ એટલે કે એટલે કે ડાબી બાજુની વિંગ તરફ વળ્યા. એક દરવાજાની બાજુમાં લખ્યું હતું ‘નવા આધાર કાર્ડ માટે ટેબલ નં-3 પર દસ્તાવેજની ચકાસણી કરાવી લેવી’. ચાલો ટુકમાં પત્યું સમજીને અમે અંદર પેઠા. રૂમમાં એક દીવાલને સમાંતર ચાર ટેબલો ગોઠવેલા હતા. બીજી બે દીવાલને અડીને ખુરશીઓનો હાર ગોઠવેલી હતી. કેટલીક ખુરશીઓ ખાલી હતી અને બાકીની ઉપર બેઠેલા લોકોમાં મોટા ભાગના સીનીયર સીટીઝન હતા. કોઈ જનરલ પ્રેકટીસનરના દવાખાના જેવું વાતાવરણ હતું. બધાના હાથમાં કાગળિયાં હતા અને ફોટો પડાવવા માટેનો કોલ આવે એની રાહ જોતા હતા. ત્રણ નંબરના ટેબલ આગળ બે જણા લાઈનમાં ઉભા હતા અને ટેબલ પાછળ એક ફિક્સ પગાર હેડફોનમાં મ્યુઝીક સાંભળતો સાંભળતો યંત્રવત કાગળિયાં ચકાસતો બેઠો હતો. અમારો વારો આવ્યો ત્યારે એણે કાગળિયામાં બે-ત્રણ જગ્યાએ ટીક મારી અને કહ્યું ‘ચાર નંબર પર ડેટા એન્ટ્રી કરાવી લો અને ફોટા-ફિંગર પ્રિન્ટ માટે બોલાવે ત્યારે જજો’.

સદનસીબે ડેટા એન્ટ્રીના ટેબલ પર અમારો વારો પહેલો હતો. ડેટા એન્ટ્રી માટે માથામાં બરોબરની તેલચંપી કરેલી કન્યા બેઠી હતી. એ ક્રમવાર મને પૂછતી ગઈ એમ હું લખાવતો ગયો.

‘નામ?’

‘બધિર અમદાવાદી’

નામ સાંભળીને એ ચોંકી! પહેલા એણે મારી સામે જોયું, પછી કાગળિયાં ઉથલાવીને મારો ફોટો જોયો અને પછી બોલી,

‘તમે જ બધિર અમદાવાદી?’

‘હા. હું જ બધિર અમદાવાદી છું. કેમ?’ મેં કહ્યું.

સાંભળીને એ લગભગ કિકિયારી જેવા અવાજે એ બાજુના ટેબલ પર બેઠેલી છોકરીને ઉદ્દેશીને બોલી,

‘આય હાય અલી મનીસા, હું ક્યારની વિચારું છું કે આમને ક્યાંક જોયા છે જોયા છે પણ યાદ નહોતું આવતું કે ક્યાં જોયા છે. હવે યાદ આવ્યું. એમને ફેસબુક પર જોયા છે. સર, તમે ફેસબુક પર છો ને? મેં તમારા પ્રોફાઈલ પિક્ચર પરથી તમને ઓળખી પાડ્યા. તમે કોલમ લખો છો ને? હેં ને?’

હવે ચોંકવાનો વારો મારો હતો કારણ કે ‘બધિર અમદાવાદી’ તરીકેના મારા ફેસબુક પેજ પરના પ્રોફાઈલ પિકચરમાં તો આ લેખના અંતે જેમનું ચિત્ર છે એ વાનર મહાશય છે! જય હો …

(ક્રમશ:)

सुन भाई साधो …

કેવું ધુપ્પલ ચાલે છે! એકલી હવાથી ભરેલો આઈસ્ક્રીમ કિલોમાં વેચાવો જોઈએ એ લીટરમાં વેચાય છે અને ગેસથી ભરેલી ફાંદ ઈંચમાં મપાય છે!

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s