જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ આરજે ધ્વનિતની ‘વિટામીન શી’ આખરે આવી ગઈ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા અરસા પછી કદાચ પહેલીવાર એવું થયું છે જયારે કોઈ બીજા ક્ષેત્રમાં ભરપુર લોકચાહના ધરાવતી હસ્તી સિલ્વર સ્ક્રીન પર પગલાં માંડતી હોય. એક આર,જે, તરીકે ધ્વનિતનો મોટો ચાહક વર્ગ છે. અમદાવાદ અને એના આસપાસના વિસ્તારોમાં લાખો ઘરો એવા હશે જેમાં સોમથી શનિ સવારે સાતથી અગિયાર વાગ્યા વચ્ચે ધ્વનિત એના અવાજથી હાજરી પુરાવતો હોય. ‘વિટામીન શી’માં જીગરના રોલ માટે એની પસંદગી માટે એની લોકપ્રિયતા અને વ્યક્તિત્વની સાથોસાથ એનો અવાજ મુખ્ય કારણ હોઈ શકે કારણ કે ફિલ્મની વાર્તા મુખ્ય પાત્ર જીગરના વોઈસ ઓવરમાં કહેવાઈ છે. આ એવી બાબત છે જેમાં ધ્વનિત બેતાજ બાદશાહ છે.
ભાઈ-ભાભી સાથે રહેતો જીગર ઉર્ફે જીગો વિમાની પોલીસીઓ વેચતો માધ્યમ વર્ગનો યુવાન છે. આ લખાય છે ત્યાં સુધી એ સ્પષ્ટ થઇ ગયું છે કે ધ્વનિતને આ ભૂમિકામાં દર્શકોએ વધાવી લીધો છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ફિલ્મમાં જીગરનું પાત્ર ‘બોય નેક્સ્ટ ડોર’ જેવું છે અને ‘ટ્રી ઈડિયટ’ કેમ્પેઈન હોય કે ‘મિર્ચી નિયોન રન’, ધ્વનિત સતત એના ચાહકો વચ્ચે રહ્યો છે. એના શ્રોતાઓ સાથે દૈનિક ધોરણે સતત સંવાદ ચાલે છે. એમના માટે એ ‘આપણો ધ્વનિત’ જ છે.
ફિલ્મની વાર્તા વિષે મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણું આવી ગયું છે અને તમે વિકેન્ડમાં કદાચ જોઈ પણ હશે એટલે એની વધુ ચર્ચા નથી કરવી. મને વાર્તાને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી છે એ રસપ્રદ લાગી છે અને એની વાત અહી કરવી છે. એક સારી વાર્તામાં જે હોવું જોઈએ એ બધું જ ‘વિટામીન શી’માં મોજુદ છે. રસપ્રદ વળાંકો દર્શકમાં ઉત્સુકતા જગાવે છે અને હળવી ક્ષણો તથા પ્રેક્ષકને લાગણીવશ કરી દે એવી ઘટનાઓ દર્શકને વાર્તા સાથે જોડે છે. આ સફર દરમ્યાન સમય ક્યાં વહી ગયો એની દર્શકને જાણ પણ ન થાય એ માટે વાર્તામાં સારી રીતે વણાયેલું હાસ્ય હોવું પણ એટલું જ જરૂરી છે. ફૈસલ હાશમી, મોહસીન ચાવડા અને અને પરેશ પટેલની ટીમે ‘વિટામીન શી’માં આ બધું જ મુક્યું છે.
ફિલ્મની શરૂઆતમાં જીગર પોતાની કથની કહે છે જે ધ્વનિતના જ વોઈસ ઓવરથી કહેવાય છે. પાત્રોની ઓળખ પણ ત્યાં જ આવે છે. કહે છે ને કે યુવા વસ્થામાં લગભગ બધી જ સમસ્યાઓના મૂળમાં મિત્રો હોય છે અને એના સમાધાનમાં પણ મિત્રો જ હોય છે. એવું અહીં પણ છે. ડીલ ફાઈનલ થવામાં હોય તે જ સમયે મિત્ર ‘વડીલ’નાં ફોનના કારણે (એ સિક્વન્સ પછી પણ સરસ રીતે પ્રયોજાઈ છે) વીમાના ગ્રાહક ગુમાવતા જીગરને એ જ વડીલ બટાટા પૌંવા અને લીંબુના પ્રતિકથી ‘વિટામીન શી’ ની ઉણપ વિષે સમજાવે છે. કહે છે ‘ડીશ છીછરી છે, પણ વિચાર ઊંડો છે’. બસ, એ ક્ષણથી જીગર, વડીલ, મનીયા અને એડમીનની કેમેસ્ટ્રી જામી જાય છે. હીરોના ત્રણેય મિત્રોનું કામ અદભૂત છે. ફૂલ માર્ક્સ. એ ચારે ભેગા હોય એવા સીનમાં ટાંગ ખીંચાઈનો સબ્જેક્ટ પ્રેમ જવરથી પીડાતો અથવા એમાં અટવાયેલો અને છૂટવા મથતો જીગર જ હોય એટલે એના ભાગે ટપલા ખાવાનું જ આવે એ સ્વાભાવિક છે. પણ શ્રુતિ સાથેની એની ઓળખાણ અને એ પછીની મુલાકાતોની ઘટનાઓમાં રોમાંસ સાથે હ્યુમર નિષ્પ્રયત્ને અને ખૂબીથી નિષ્પન્ન કરે છે. ધ્વનિત હોય એટલે અમદાવાદનો ટ્રાફિક, પાર્કિંગ, ખાડા અને ટ્રાફિક પોલીસ અંકલની વાત પણ હોય જ અને એ છે જે અને એ બધા જ સીનમાં હાસ્યની છોળો ઉડે છે. શ્રુતિના ટુ વ્હીલરમાં પેટ્રોલનું ખૂટી જવું, એ સમયે જીગરનું બાઈક લઈને આવવું અને પીછો કરી રહેલા જીગર પરના શ્રુતિના ગુસ્સાનો એ સીન હીરો-હિરોઈનની કેમેસ્ટ્રી જમાવવા માટે ખૂબીથી પ્રયોજાયો છે! વડીલના શબ્દોમાં જીગર ‘ખિસકોલી જેવા નબળા હૃદયનો’ છે, છતાં પણ ટોળકી શ્રુતિને પ્રપોઝ કરવા માટે એને હવા ભરીને તૈયાર કરે છે. પણ એ જતો હોય છે ત્યારે વડીલ કહે છે ‘આપણું ઘેટું ચરવા ગયું છે પણ ઉન મુકીને આવશે…’ અને એવી જ ઘટનાઓ પણ બને છે. કેફેમાં પહેલી ડેટ અને એ પછીના બંનેના દરેક સંયુક્ત સીનમાં તમારા ચહેરા પર સ્મિત આવ્યા વગર નહિ રહે. શ્રુતિ જીગરને ‘યસ’ કહે છે એ મોમેન્ટ વિશેષ રીતે ફિલ્માવાઈ છે.
ફિલ્મના વાર્તા પ્રવાહ દરમ્યાન ભવિષ્યમાં બનનાર ઘટનાઓ માટે વવાયેલા બીજને આગળ ઉપર જે રીતે કથા સાથે જોડીને ઉપયોગમાં લેવાયા છે એ દાદને પાત્ર છે. અકસ્માતમાં પત્ની અને બાળક ગુમાવનાર માનસિક અસ્થિર બાબુ એવી જ કેટલીક મીઠી અને હૃદય સ્પર્શી ક્ષણો આપે છે. પતિ-પત્નીના સંબંધોને સ્પર્શતા સબપ્લોટમાં શ્રુતિના પિતા સંજયના પાત્રમાં આશિષ કક્કડ લગ્નજીવનમાં આવતા મનમુટાવ અને અત્યંત સંવેદના સભર દ્રશ્યોમાં અસર છોડી જાય છે. હીરોનું પાત્રા લેખન જેટલું સ્પષ્ટ છે એટલું કદાચ (એકાદ છૂટક સૂચક પ્રસંગને બાદ કરતાં) હીરોઈનનું નથી, પણ રોમાન્ટિક કેમેડી ડ્રામામાં એટલા ઊંડા ઉતારવાનું પણ હોતું નથી. એ ન્યાયે એ પોતાના ગર્લીશ નખરાથી જીગરના મગજની નસો ખેંચવાનું કામ બરોબર રીતે બજાવે છે. આ પ્રકારની રિલેશનશિપમાં રહેલી વ્યક્તિ પોતાને એકેએક ઘટના સાથે આસાનીથી જોડી શકે એટલી સાહજિક છે. પ્રસ્તુતિ જરા નાટકીય છે જે આ જોનરની ફિલ્મોમાં સામાન્ય છે. અહીં જીગરના પ્રતિભાવ ઝીલવા માટે ક્લોઝ-અપનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે જે ન કર્યું હોત તો પણ સિન એટલા જ અસરકારક બન્યા હોત. કૃશ દેબુ ઉર્ફે સુધીરના એની પત્ની ગીતા સાથેના સીનમાં ગૃહિણીની સમસ્યાઓને વાચા અપાઈ છે. એ જ સંદર્ભમાં કુરુષ દેબુ સાથેના બ્રહ્મજ્ઞાનવાળા કેમિયોમાં બંનેના કૃષ્ણ-અર્જુનના લિબાસ સીનને સપોર્ટીવ છે. ડાયલોગ પણ એટલાજ હિલેરીયસ છે. ધ્વનિતને એ ગેટઅપમાં જોઇને એના ફેન્સને ગમ્મત પડી હશે. ‘ભાઈ સાથે પચીસ વર્ષમાં પહેલી વાર ઝઘડયો’ હોય કે પછી મિત્રો પરના ગુસ્સાનો સીન હોય ધ્વનિતે પોતાના તરફથી કોઈ કસર રાખી નથી.
Chhokri song from Gujarati film Vitamin She
મેહુલ સુરતીનું સંગીત તુષાર શુક્લ તથા ડૉ રઈશ મનીઆરના ગીતો ફિલ્મનું મજબુત પાસું છે. ફિલ્મનો ટાઈટલ ટ્રેક એક રેપ સોંગ છે જેના શબ્દો ખુબજ રમતિયાળ છે. ગીતના શબ્દો અને અવાજ ધ્વનિતના જ છે અને એણે ગીતના મૂડ પ્રમાણે જ ગયું છે. હળવા ડાન્સ સ્ટેપ્સ સાથે અમદાવાદના જ વિવિધ લોકેશન્સ પર એનું ફિલ્માંકન પણ સરસ થયું છે. મને અપેક્ષા હતી જ અને પ્રોમોમાં પણ જોયું કે ફિલ્મમાં કમસેકમ એક આખું ગીત ધ્વનિતની આસપાસ હશે અને છે! માછલીઓ ઉડે – ધ્વનિતને નિયમિત રીતે સાંભળનારાને સતત ‘આપણો ધ્વનિત’ની ફિલ આપે એવા આ મેલોડીયસ ગીતમાં ધ્વનિતને બધા જ મૂડમાં ઝડપવામાં આવ્યો છે. ધ્વનિતના ઓડિયો આલ્બમ ‘મજ્જાની લાઈફ’ના લોન્ચિંગ વખતે એણે કહ્યું હતું કે એને ડાન્સ સાથે બીયાબારું છે પણ હાઈટેમ્પો ગીત ‘છોકરી’માં એણે પોતાની એ ગેરમાન્યતાને બાજુ ઉપર મુકીને કામ કર્યું છે અને સફળ થયો છે. કોરિયોગ્રાફી સરસ છે. ‘એ દીવાનગી’ ગીતમાં મનોમંથન અસરકારક રીતે ફિલ્માવાયું છે. સમગ્ર ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોરમાં અમુક જગ્યાએ ઢોલ સાથે આલાપો (દર્શન રાવલ?) સરસ લેવાયા છે. ગુજરાતી ફિલ્મમાં 6D સાઉન્ડનો ભાગ્યે જ લાભ ઉઠાવવામાં આવે છે પણ આ ફીલ્મને પુરા માર્ક આપવા પડે. અમુક જગ્યાએ એ તમને દ્રશ્યની વચ્ચે મૂકી દે છે. એ માટે તમારે ફિલ્મ ફરી જોવી પડશે.
ફિલ્મના કથા પ્રવાહ સાથે આકાર લેતી ઘટનાઓને સાંકળતી ક્લાઈમેક્સમાં હળવી ક્ષણો છે. ફિલ્મનો અંત રૂટીન છે અને નાટ્યાત્મક ઢબે શૂટ કરાયો છે પણ રોમાન્ટિક કેમેડી ડ્રામા જોવા આવેલા ફેમીલી ઓડીયન્સને મનોરંજન સાથે નિસ્બત હોય છે અને એ પૂરેપૂરુ મળે છે. હું ‘વિટામીન શી’ને ‘મસ્ટ સી’ની કક્ષામાં મુકું છું. હજી બાકી હોય તો જોઈ આવો.

વાહ વડીલ!
Nice vitamin she
LikeLiked by 1 person
એક નારીનુ સાચુ મહત્વ નારીની ગેર હાજરીમાં જ સમજાય…
નારી એક એવી ચીજ છે જે દરેક કામ કરશે પણ એના વળતરની અપેક્ષા પણ નહી રાખે…
આ મુવી માં આવુ જ કાંઈક છે…
LikeLike
એ આખો સંવાદ ચોટદાર છે.
LikeLike
Aa movie ni rah to enu shooting start thayu tyar ni joi rahi hati. Dhvanit mate ek vat kahis k je e Kare chhe ene 100% Justice aape chhe . And aama pan ene eni jat ne pure Puri parovi chhe. I love this movie. And mane to music khub j game chhe. And mara favorite music director chhe Mehul surti etle khub j mast music , khub j mast chemistry and khub j mast songs that’s why 5 out of 5 mirchis
LikeLiked by 1 person
Agree entirely on this. 👍
LikeLike