ચડ્ડી પે ચર્ચા


Chaddi Pe Charcha

Click on image to read this and other articles online on Feelings Gujarati Magazine

રંપરાગત રીતે આપણે ત્યાં દરિયામાં નહાવા પડતી વખતે બધા જ કપડા પહેરી રાખવાનો રીવાજ હતો. આપણામાં ભુરીયાઓ જેવું નહિ કે કપડાના બે કકડા લપેટીને દરિયામાં ઝંપલાઈ દઈએ. એ જમાનામાં બાથરૂમમાં પણ નાડાવાળી ચડ્ડી ઉપર બનિયાન પહેરીને કે માત્ર લુંગી અથવા ગમછો પહેરીને નહાવાના લહાવા લેનારો વર્ગ પણ મોટો હતો. આવા સુશીલ યુવાનોને એ વખતે સમાજે રોકી રાખ્યા ન હોત તો આજે આપણે ત્યાં સુટ-બુટ અને ટાઈ પહેરીને દરિયામાં નહાવાની ઉજ્વળ પરંપરા પ્રસ્થાપિત થઇ હોત. આજે પણ જુરાસિક યુગના અવશેષો વિષે સંશોધન કરતા લોકોમાંના કેટલાકે આ પુરાતન ઉજ્વળ પરંપરાના અમુક ઉપાસકોને વોટર પાર્ક અને હોલીડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં જીન્સ-ટીશર્ટ, લેંઘો-ગંજી, સલવાર-કમીઝ કે સાડી સહીત ધબાધબી કરતા જોયા હોવાનું નોંધ્યું છે.

સુટ-બુટ કે ધોતિયા-ખમીસ સાથે સમુદ્રસ્નાન કરવાની પરંપરાને નેસ્ત નાબુદ કરવા માટે જવાબદાર હોય તો ‘હાલોને આપણા મલકમાં’ની હાકલ સાથે ડીસેમ્બર મહિનામાં વતનમાં ઉતરી પડતા ભારતીય ઉપખંડની એન.આર.આઈ. તરીકે ઓળખાતી ઉપજાતીના મનુષ્યો! દેખાવે આ મનુષ્યો આપણા જેવા જ લાગતા હોવા છતાં બસો માણસોના ટોળામાં એમની ચડ્ડીને કારણે ઓળખાઈ જતા. એવું નહોતું કે એ લોકો સુપરમેનની જેમ પેન્ટ ઉપર ચડ્ડી પહેરતા. ઊંહું… એ લોકો અધોવસ્ત્ર તરીકે માત્ર ચડ્ડી પહેરતા. ઉપર લખડું પડી ગયેલું ટીશર્ટ હોય પાછું. સાવ એવું નહિ એમનામાં. એમાં પહેલી ધારના એન.આર.આઈ. (એટલે કે બોર્ન એન્ડ બ્રોટ-અપ ઇન યુ.એસ. યુ સી!) હોય એ પાછા ચડ્ડી ઉપર માત્ર ગંજી પહેરતા. આ પોશાક પહેરવામાં એમને સ્થળ-કાળ પણ નડતો નહિ! અમે મસાણમાં અને બેસણામાં પણ ચડ્ડી પહેરીને બેઠેલા ભાઈઓને જોયેલા છે. આ તો આપણા ગોર મહારાજોની જોહુકમી બાકી વરરાજા બર્મુડા પહેરીને બેઠા હોય એવા ફોટા પણ આલ્બમોમાં જોવા મળતા હોત. દેશમાં આવ્યા પછી પણ છોકરાની બાબરી કે ત્યાં કરેલા લગ્ન નિમિત્તે કુળદેવીના સ્થાનકની મુલાકાત નક્કી જ હોય. એટલે મંદિરના પરિસરમાં પણ આવા જાતકો દાળમાં પડેલા કોકમની જેમ અલગ તરી આવતા. કાળક્રમે દેખાદેખીમાં એમનો ચેપ આપણી પ્રજાને લાગ્યો. હવે તો એવી હાલત છે કે મંદિરોની બહાર ‘પૂરી લંબાઈના વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશવું’ના પાટિયા મારવા પડે છે.

મને તો ચડ્ડી નથી ફાવતી. ઘરમાં ચડ્ડીઓ પહેરીએ તો મચ્છરને કરડવા માટે મોકળું મેદાન મળી જાય. જયારે ચડ્ડી પહેરીને બહાર નીકળીએ તો કૂતરાને બટકું ભરવા માટે છાલ ઉતારેલા કેળા જેવા ખુલ્લા પગ મળી જાય. જોકે હવે પોણીયા બાંયની ચડ્ડીઓ મળવા માંડી છે એ ગનીમત છે બાકી, ચડ્ડીના ક્ષેત્રે આપણે દુનિયાને આપવા જેવું કંઈ નહોતું. એક જમાનામાં આપણે ત્યાં નાડુ નાખેલી પટ્ટાવાળી ચડ્ડીઓનું એકચક્રી શાસન હતું. જેમ ભાંગના બંધાણીને સ્કોચ વ્હિસ્કીનો નશો પણ ફિક્કો લાગે એમ નાડુ નાખેલી પટ્ટાવાળી ચડ્ડીઓ પહેરવાના શોખીનોને બર્મુડા પ્રકારના ચડ્ડામાં ઘર જેવું વાતાવરણ લાગતું નહોતું! એ જે હોય તે પણ ઘણા સંશોધન પછી અમને ચડ્ડીનો એક માત્ર ફાયદો દેખાયો છે કે એમાં તમે બાંય ઉંચી કર્યા વગર પગ ઉપર વલૂરી શકો છો.

નાડાને ચડ્ડીનું અગત્યનું અંગ ગણી શકાય, પણ અવિભાજ્ય અંગ ન ગણી શકાય કારણ કે નાડાના પોતાના ભયસ્થાનો છે. તમારી આંગળી પહોચી શકે એનાથી વધુ ઊંડે સરકી જવું એ નાડાનો સ્વભાવ છે. કહેવત છે કે પાણીમાં ગયેલું પાડું, ઘાંચમાં ગયેલું ગાડું અને નેફામાં ગયેલું નાડુ બહાર કાઢવું મુશ્કેલ છે. એ વાત સાચી કે સરકાર ટકાવવા માટે જેટલી જરૂર ધારાસભ્યોના ટેકાની હોય છે એટલી જ જરૂર ચડ્ડીને કમર પર ટકાવી રાખવા માટે નાડાની હોય છે. નાડાનું બે ટુકડામાં વિભાજન થાયા પછી એક હાથે ચડ્ડી પકડી અને બીજા હાથે નાડું શોધી રહેલા માણસની હાલત મત્સ્યવેધ માટે ત્રાજવામાં ઉભેલા અર્જુન કરતાં પણ કફોડી બની જાય છે. સ્વિમિંગ પુલમાં કે દરિયામાં ખાબકતી વખતે પણ નાડુ દગો દે ત્યારે રોકેટમાંથી સેટેલાઈટ છૂટો પડે એમ ચડ્ડીમાંથી તરવૈયો છૂટો પડી જાય છે. તમે ભલે નાડ પારખી શકતા હોવ પણ નાડુ પારખવામાં થાપ ખાઈ જાવ તો ઉભી બજારે ભયાનક દ્રશ્યો ઉભા થઇ શકે છે. નાડાનો બહારથી દુરસ્ત દેખાતો ભાગ નેફાની અંદરના નાડાની મજબુતીની ખાતરી નથી આપતો એવું અઠંગ ચડ્ડા-પહેરુ લોકોનું કહેવું છે. એ હિસાબે નાડાનું કામ ભારતીય ક્રિકેટ ટીમ જેવું છે; બહારથી તો મજબુત, પણ જેવી રીતે પાકિસ્તાન સામે આપણી ટીમ ફાઈનલમાં તૂટી ગઈ એમ નાડુ તૂટે તો વિકેટોની જેમ ચડ્ડી પગમાં ઢગલો થઈને પડે ય ખરી! એટલે નાડી પરીક્ષણ કર્યા પછી જ ચડ્ડી પહેરવી. સદભાગ્યે ચડ્ડીમાં પણ પરિવર્તનનો પવન વાયો છે. હવે ઈલાસ્ટીકવાળી અને બટનવાળી ચડ્ડીઓ પણ મળતી થઇ છે. અમો નાડા અને ઈલાસ્ટિક બંનેથી સજ્જ હાઈ સિક્યોરીટીવાળી ઈમ્પોર્ટેડ હાઈબ્રીડ ચડ્ડી પહેરીએ છીએ એ જાહેર જનતાની જાણ સારું.

सुन भाई साधो …

ભવ્ય ભાતીગળ ગુજરાતી ફિલ્મ:
ચારસોની ચોયણી ને નવસોનું નાડુ, હાલ ગોરી તને ગરબે રમાડું.

 

—–x—–x—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s