કુછ રિશ્તે ઐસે ભી …


Kuchh Rishte Aise Bhi

Click on this image to read this article online on Feelings Magazine.

મારા તેર નંબરવાળા જિગાની એક દિલી તમન્ના કે એ દાઢી પર સાબુ લગાવતો લગાવતો ઓટલા પર આવે ત્યારે સામેના ઘરમાં રહેતું એનું ગમતું ફૂમતુ બહાર આવીને વેવ કરીને એને ગુડ મોર્નિંગ કહે. પણ દસમાંથી આઠ વખત બને છે એવું કે એ મનમાં ઉમંગ અને દિલમાં અરમાનો લઈને બહાર આવે એ તાકડે જ ફૂમતાની મમ્મી ઉર્ફે અમારા વાડાવાસી વીણા માસી રાતનો એઠવાડ નાખવા માટે પ્રગટ થાય, અને જિગાએ એના ફૂમતા માટે રિઝર્વ્ડ રાખેલા સ્માઇલો વીણા માસીને આલવાના થાય. માસી પણ વળતા વહેવારે મોંમાં મમરાનો ફાકડો માર્યો હોય એવી દંતાવલીનું દર્શન કરાવતા સામું ઈયર ટૂ ઈયર સ્માઈલ આપીને જિગાને ધન્ય કરે! બને, આવું બને. એ પણ પાડોશી કહેવાય અને પહેલો સગો પાડોશીના ન્યાયે એમની સાથે પણ તમારે સંબંધ નિભાવો પડે. પાડોશી-પાડોશીના સંબંધને સાસુ-જમાઈના સંબંધમાં ફેરવવો હોય તો ફૂમતાની માના ચરણોમાં રીવર ફ્રન્ટ કે કાંકરિયા લેક ફ્રન્ટ તો શું આખું સુએઝ ફાર્મ ન્યોછાવર કરવું પડે તો કરવું પડે. આખરે તમારો દાવ ખાલી જાય તો એ પછી પણ તમારે સોસાયટીમાં રહેવાનું છે.

જોડીઓ સ્વર્ગમાં નક્કી થતી હશે તો પડોશીઓ નરકમાં નક્કી થતા હશે એવું માનવાને કારણ છે. મારા અમુક પાડોશીઓને જોઇને મને કાયમ વિચાર આવે છે કે આપણે એલીયનોને શોધવા માટે અમથા રોકેટો છોડીએ છીએ. સાલું જે કોઈ રીતે આપણા જેવો ન હોય તો પણ એની સાથે સંબંધ કેવી રીતે રાખી શકાય? આવા પાડોશીઓને સગા તરીકે સ્વિકાર કરવાનો આવે ત્યારે અમને ધ્રુસકે ધ્રુસકે લાગી આવે.

સંબંધ વિષે અમે અત્યાર સુધી એટલું બધું વાંચ્યું-સાંભળ્યું છે કે હવે દરેક તો સંબંધમાં મને ડખા દેખાય છે. ખરેખર દુનિયાના વૈજ્ઞાનિકોએ સંબંધો વિષે સંશોધન કરવા જેવું છે. મારું બેટુ જબરું છે! સંબંધ ટૂંકાગાળાના અને લાંબાગાળાના પણ હોય! નેતા અને પ્રજા વચ્ચેનો ચૂંટણીલક્ષી સંબંધ ટૂંકા ગાળાનો અને લગ્ન એ બે કુટુંબો વચ્ચેનો સો વર્ષનો સંબંધ! સમય જતાં સંબંધોમાં બદલાવ પણ આવે! પુત્ર સોળ વર્ષનો થાય પછી મિત્ર ગણવો. છોકરીઓ ગૌરી વ્રત કરીને સાત જનમનો સંબંધ પાકો કરી લે છે અને આપણે કંઈ ન કરી શકીએ! ઘણીવાર સંબંધનો આખો પ્રકાર જ બદલાઈ જાય! ગરજ પડે ત્યારે લોકો ગધેડાને પણ પિતાતુલ્ય ગણતા હોય છે અને જરૂર પડે તો કાકા મટીને ભત્રીજા પણ બનતા હોય છે. સમય સમયની વાત છે. અહીં આપણે કેટલાક એવા સંબંધો નજર કરીશું કરી શું જેના વિષે ક્યારે ય ચર્ચા થઇ નથી. થોડી ટીપ પણ મળશે.

રસોઈ શોની એન્કર અને કૂકિંગ એક્સપર્ટ વચ્ચેના સંબંધો અમને બહુ રસપ્રદ લાગ્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે સારી રસોઈ રસોઈયાઓ જ બનાવે છે. આ વાત તમે નહિ માનો તો પણ એ હકીકતમાં ફેર નથી પાડવાનો કે અત્યારે જેટલી પણ રેસ્તરાં, હોટેલો, કેટરિંગ કોન્ટ્રાકટરો કે ઇવન લારી-ગલ્લાનું ફૂડ વખણાય છે એ તમામ જગ્યાએ પુરુષ રસોઈયા છે. બસ. આટલેથી વધુ ફુલાવાની જરૂર નથી કારણ કે એમાંના પાંચ ટકા લોકો પણ ટીવી પરના કૂકિંગના શોમાં એક્સપર્ટ તરીકે ચાલી શકે એમ નથી. ટીવી પર કોઈ મેલા ધોતિયા ઉપર પેટ આગળ ખિસ્સું હોય એવી પટ્ટાવાળી બંડી પહેરીને બીડી ફૂંકતા ફૂંકતા જલેબી કે પછી ગરમાગરમ દાળવડા ઉતારતા શીખવાડતું હોય એ કેવું લાગે? એમાં તો એય ને એક નાનકડી ટબૂડી એન્કર હોય, સામે એક્સપર્ટ તરીકે કોઈ જાજરમાન મહિલા હોય અને ટીવી જોનારા બૈરા એમના ધણીઓને કોણીના ગોદા મારી મારીને પાંસળી તોડી નાખે એવા મસ્ત સજાવેલા સ્ટુડિયોના કિચનમાં ‘કંકોડા કટલેસ વિથ મેક્સિકન રોસ્ટેડ ટોમેટીલ્લા સાલસા ડીપ’ બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય… ઉમ્મ્માહ … બસ, હવે બ્રેક મારીને સાઈડમાં ઉભી રાખો. આ કંકોડા કટલેસ તો તમે નેટ પરથી રેસીપી ડાઉનલોડ કરીને બનાવી શકશો પણ અત્યારે તમારે મજા પેલી બે જણીઓ જે વાતો કરે એની લેવાની છે. હા તો, પેલી ટબૂડી તો જાણે આજે જ બધું શીખી લઉં જેથી સાસરે વટ પડી જાય એવા ભાવ સાથે પેલા બહેનને પૂછતી હોય કે “આ કંકોડા કટલેસમાં વેરીએશન તરીકે શું કરી શકાય?“ અને પછી પેલા બહેન ઠાવકા થઈને કહે કે “આમાં કંકોડાના બદલે તમે કારેલા નાખો તો કારેલા કટલેસ બને, તૂરિયા નાખો તો તૂરીયા કટલેસ બને, ગલકા નાખો તો …” યુ સી … આવું બધું ચાલતું હોય. પેલી ટબૂડી, જે પોતાના ઘરે મમ્મીના કહ્યા પર શાક પણ હલાવતી ન હોય એ અહી ભક્તિભાવથી “કંકોડા લીલા લેવાના કે પીળાશ પડતા? નાના લેવાના કે મોટા? છાલ સાથે સમારવાના છોલીને? કંકોડામાં કેલરી કેટલી હોય?” એવું બધું રસ પૂર્વક પૂછતી હોય. અને કપિલના શો કરતા પણ વધુ હાસ્યની છોળો ઉડતી હોય હોં! આહાહાહા … હું તો કહું છું કે સાસુ-વહુઓ વચ્ચે આવો મીઠો સંબંધ હોય તો હર ઘરમાં ઘંટ લટકાવવા પડે, આઈ મીન દરેક ઘર પવિત્ર મંદિર જેવું બની જાય! એકતા કપૂરના શો બંધ થઇ જાય અને એનો તુસ્સાર કપૂર સાથે ગેટવે ઓફ ઇન્ડિયાની ફૂટપાથ પર પાથરણું પાથરીને બેસવાનો વારો આવે હોં બાપલ્યા!

જીવદયાવાળા તો એમ કહે છે કે કૂતરા સાથે પણ સારો સંબંધ રાખવો જોઈએ. અહી સંબંધ રાખવાનો અર્થ એ નથી કરવાનો કે બેસતા વર્ષે કૂતરું આપણે ત્યાં બેસવા આવે અને આપણે કૂતરાના ખાડામાં મઠીયા ખાવા જઈએ કે પછી આપણે એને સારા પ્રસંગે તેડાવીએ અને એ ભાદરવામાં લગન લે ત્યારે સારા કપડા પહેરીને આપણે મહાલવા જઈએ. ઘણીવાર ગુસ્સામાં પણ લોકો સામેવાળાના અમુક સગાનો સંબંધ કૂતરા સાથે જોડતા હોય છે. એ સંબંધ નહિ. સંબંધ એ ભાવ અને પ્રતિભાવની વાત છે. તમે કૂતરાને આગલી રાતનો બળેલો- વાસી પિત્ઝા પણ ભાવથી ખવડાવશો તો એ પૂછડી હલાવીને પ્રતિભાવ આપશે. તમારા સગાને એ એના પોતાના સગા ગણશે. તમારી સાસુને જોઇને પણ પૂછડી પટપટાવશે. પણ એ સંજોગોમાં સમતા પકડજો. કૂતરો માણસનો મિત્ર ગણાય છે. કહ્યું છે કે ‘સોસાયટીમાં રહેવું હોય તો કૂતરા સાથે વેર ન રખાય’. પણ કૂતરા સાથેના સંબંધમાં મને તો નિરાશા જ મળી છે. મારા સાસુ આવવાના હતા ત્યારે લાલિયાને રોટલી નાખી નાખીને મેં અમારા ઓટલે બેસતો કર્યો હતો. એને ફેરિયા, પસ્તી-ભંગારવાળા અને કુરિયર બોય જેવા અજાણ્યા પાછળ દોડીને ભગાડવાની ટ્રેઈનીંગ પણ આપી હતી. પણ મારા સાસુ એ નાખેલા બે બિસ્કીટે મારી તાલીમનો કચરો કરી નાખ્યો હતો! નાલાયક એમના ચરણોમાં જ બેસી રહેતો હતો! એ પછી ખબર નહિ કેમ પણ સાસુજી અમારા ઘરે રહ્યા ત્યાં સુધી આંખથી લાલિયા તરફ સૂચક ઇશારા કરીને મને કૈંક કહેતા હતા પણ શું કહેતા હતા એ હજી સુધી મને સમજાયું નથી!

ગૃહિણી અને કામવાળા વચ્ચેના સંબંધોમાં તણાવ ઘરની શાંતિને જોખમમાં મૂકી શકે છે. કામવાળાને સાચવવો એ અઘરું કામ છે. લાંબો સમય ટકે એવો કામવાળો એ કાલ્પનિક પાત્ર છે કારણ કે કામ છોડીને ભાગી જવું એ કામવાળાની ફિતરત હોય છે. તમે ઈચ્છતા હોવ કે કામવાળો લાંબુ ટકે તો કકળાટ કરશો નહિ. કામવાળો વહેલો આવે તો ‘કેમ વહેલા આવ્યો?’, મોડો આવે તો ‘કેમ મોડો આવ્યો?’ અને રજા પાડે તો ‘કેમ રજા પાડી?’ કહીને એને બોર ન કરશો. એ આવે છે એ જ નસીબ કહેવાય. એની સાથે ભૂલે ચુકે પણ ઉંચા આવાજે વાત કરશો તો નવો કામવાળો શોધવાનો વારો આવશે! આ કંઈ હસબંડ નથી કે સાંભળી લે. એ જે દિવસે ટાઈમસર આવે એ દિવસે લોટરીની ટીકીટ લઇ લેજો, લાગી જશે! તમારા ઘરે ખુબ મહેમાન હોય અને એ દિવસે કામવાળો આવીને ચુપચાપ કામ કરી જાય એને સદનસીબ ગણજો! જે જાતકે આગલા જનમમાં દુકાળમાં ગાયોને પાણી પાયું હોય એને જ આવો કામવાળો મળે છે. એનું એક છોડની જેમ એનું જતન કરો. ખેતીમાં જેમ કહેવાય છે કે ‘ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી’ એમજ રજા, રોકડા અને કપડા એ રામલાને તમારા ઘર સાથે બાંધી રાખશે! નવા કપડાનું ખાતર અને બોનસના પાણીથી રામલાઓ સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે! ટૂંકમાં કામવાળો એ અગિયારમો ગ્રહ છે જે ખુશ રહેશે તો ઘરની ચોકડીમાં ધોકા ધબકતા રહેશે અને વાસણો રણકતા રહેશે.

ક્રિકેટમાં કોચ, કેપ્ટન અને ખેલાડીઓ વચ્ચેના સંબંધો જીતમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. કેપ્ટન અને કોચ વચ્ચે કુંતી-દ્રૌપદી જેવા સંબંધો હોય એ ટીમની જીતવાની શક્યતાઓ વધી જાય છે. જોકે આપણા કેપ્ટનોની હાલત દ્રૌપદી કરતા ખરાબ હોય છે કારણ કે દ્રૌપદીએ તો સાસુ ઉપરાંત પાંચને સાચવ્યા હતા, જયારે આણે કોચ ઉપરાંત દસને સાચવવાના હોય છે. હવે તો હારીને આવે ત્યારે ફેસબુક અને ટ્વિટર પર હજારો સાસુઓ ફૂટી નીકળતી હોય છે. અગાઉ ચેપલ-ગાંગુલી અને તાજેતરમાં કુંબલે-કોહલી વચ્ચે સાસુ-વહુવાળી થઇ ચુકી છે. એમાં તો મોટી સંખ્યામાં ટીવી ફૂટશે એ આશાએ માલ ભરીને બેઠેલા પાકિસ્તાનના વેપારીઓ રાતે પાણીએ રોયા! બેટિંગ વખતે બેટ્સમેન અને નોન-સ્ટ્રાઈકર વચ્ચેની સંવાદિતા જરૂરી છે. એક ગેરસમજને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની હાલત શોલેના ‘આધે ઇસ તરફ, આધે ઉસ તરફ ઔર બાકી કે મેરે પીછે …’ બોલીને જય-વીરુ તરફ ધસી ગયેલા જેલર જેવી થઇ હતી એ યાદ હશે. બાકી પંડ્યાજી આઉટ થયા એ પહેલા કપરી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનની એક ઓવરમાં એમના બેટમાંથી પાંચ છક્કા છૂટ્યા હતા! ફિલ્ડીંગ વખતે બોલર એક હોય છે પણ ફિલ્ડર દસ હોય છે છતાં ચેમ્પિયંસ ટ્રોફીમાં આપણી ફિલ્ડીંગ વખતે ઉછળેલા ૨૬ કેચમાંથી ૭ કેચમાં આપણે બાઘા માર્યા હતા! શું છે કે પછી આમાં સંબંધો બગડે અને મેચો હાથમાંથી જાય. આ બધા ઝારા-ફ્રેશ તાજા દાખલા છે.

પોલીસ-ગુનેગાર અને પોલીસ-બિનગુનેગાર પ્રજા વચ્ચેના સંબંધો પર પણ એક નજર નાખવા જેવી છે. આમ તો પોલીસ પ્રજાની મિત્ર ગણાય છે. પણ કોણ જાણે કેમ પણ હિન્દી ફિલ્મોમાં પોલીસ ખાતા માટે એવું કાયમ કહેવાય છે કે ‘પુલિસ સે ન દોસ્તી અચ્છી ન દુશ્મની’. છતાં પોલીસ જવાનોના લગ્નો તો થતા જ હોય છે અને એમના બાળકોના પણ લગ્ન થતા હોય છે. આ બતાવે છે કે એમની સાથે સંબંધ બાંધી શકાય છે. અહીં સામાન્ય જનતાની વાત થાય છે. બાકી પોલીસ અને ચોર વચ્ચેનો સંબંધ ઉંદર બિલાડીનો સંબંધ કહેવાય છે. બિલાડી પણ કેવી? ઉંદરને રમાડવાના બદલે ધોઈ ધોઈને અધમુઓ કરી નાખે એવી! આની સામે પ્રમાણમાં ઢીલી ગણાતી ટ્રાફિક પોલીસ અને ટુ-વ્હીલર ચાલક વચ્ચેના સંબંધો ટોમ એન્ડ જેરી જેવા ગણાય. આમાં ટોમ ઓછા અને જેરી હજારો હોય પાછા. શહેરોમાં ‘સીટી પોલીસ’ તરીકે ઓળખાતા આ કર્મીઓ પાસે સીટી વગાડવાથી વધુ સત્તા પણ હોતી નથી. ઓછું હોય એમ આપણે ત્યાં ટ્રાફિક પોલીસને જોતાં જ કબડ્ડીના ખેલાડીની જેમ ‘તાકાત હોય તો પકડી બતાવ’ કહેતા હોય એમ બાઈક ભગાવવાનો રીવાજ છે. પેલો પણ બચારો પગ ઘસડીને એકટીવા રોકતી આંટીઓથી બચે કે પછી ટ્રાફિકની ચાલુ લેનને સાચવે કે પછી વહી જતી લોડીંગ રીક્ષાવાળા બકરાને પકડે? દરમ્યાનમાં જેરીઓ આડોઅવળા થઈને બાઈક મારી મુકતા હોય છે. આ ખેલમાં ટોમને પણ ખબર જ હોય છે કે આ જેરીઓ મારા સુધાર્યા સુધરવાના નથી એટલે ખાલી પોતાની ધાક જાળવી રાખવા અને કેસનો ટાર્ગેટ પૂરો કરવા પુરતું દંડો પછાડતા હોય છે. આ પ્રકારના સંબંધોમાં ભય વિના પ્રીતિ, કમસેકમ આપણે ત્યાં તો અસંભવ છે. એટલે સંબંધો તો તણાવ ભર્યા જ રહેવાના.

ગાંધીજી કહેતા કે ગ્રાહકને સેવા આપીને આપણે મહેરબાની નથી કરતા, બલકે એ આપણી પાસે આવીને આપણને સેવા પૂરી પડવાની તક આપે છે. ગ્રાહક શબ્દમાં હક આવેલો છે. કમનસીબે આપણે ત્યાં ગ્રાહક અને ધંધાદારી વચ્ચે ‘તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા’નો માહોલ જોવા મળે છે. દાખલા તરીકે, રેસ્તરાંની મેનેજમેન્ટ અને ગ્રાહક વચ્ચે વિશિષ્ઠ પ્રકારનો સંબંધ – જેમાં ગ્રાહકો ટેબલ સાફ મેળવવાનો હક, ગ્લાસમાં આંગળા બોળ્યા વગર પાણી મેળવવાનો હક, પોતાને ગમતી ટીવી ચેનલ જોવાનો હક, ટીશ્યુમાં સુગર કોટેડ વરીયાળી ભરીને લઈ જવાનો હક, ગુજરાતી વેઈટર સાથે હિન્દીમાં વાત કરવાનો હક, શાકને સબ્જી અને ‘દાળ’ને ‘દાલ’ કહેવાનો હક, ટેબલ પર જોરશોરથી વાતો કરવાનો અને અટ્ટહાસ્ય કરવાનો હક, અને ‘દાલ મોલી થી’ અથવા ‘તડકા તેજ નહીં થા’ જેવા કારણોસર ટીપ ન આપવા જેવા હક માગતા કે વગર માગ્યે ભોગવતા જોવા મળે છે. સામે પક્ષે વેઈટરો પણ ટીપ ગુપચાવવાનો ઈરાદો ધરાવતા ગ્રાહકોને ઓળખી જઈ ટેબલને અડે નહિ તે રીતે કપડું ફેરવી, આંગળી બોળવાનો હક જતો કરવા બદલ ધોયા વગરના ગ્લાસ આપી, ગ્રાહક ચેનલ બદલવાનું કહે ત્યારે રિમોટ બગડી ગયો છે એવું જુઠ્ઠું બોલીને, કે પછી હવાયેલી વરીયાળી પધરાવીને વળતો વહેવાર નિભાવતા હોય છે. આવું ફક્ત રેસ્તરાંમાં જ નહિ પણ શાકની લારીથી લઈને હેર કટિંગ સલુન અને કરિયાણાની દુકાનથી લઈને સાડીના શો રૂમ સુધી બધે જ જોવા મળે છે.

જુઓ આવી હળવી વાતો કરતાં કરતાં ‘કહત બધીરા’ને છ વર્ષ પુરા થયા અને દિવાળી અંકથી સાતમું બેસશે! કોલમિસ્ટ અને વાચક વચ્ચેના આ પરોક્ષ સંબંધમાં મળેલા અઢળક પ્રેમથી હૈયું ગદગદિત છે. મારા શબ્દો તમારા ચહેરા પર સ્મિત લાવી શક્યા હોય તો હું ધન્યતા અનુભવીશ. ખુબ ખુબ વહાલ …

सुन भाई साधो …
‘હલ્લો, અમારે ત્યાં ઘો નીકળી છે. આવીને પકડી જાવ ને!’
‘તમે ક્યાંથી બોલો છો?’
‘તમારા સસરાની સોસાયટીમાંથી.’

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s