લુંગી Vs લેંઘો


Lungi Vs Lengho

Click to read this and other articles online on Feelings Magazine: https://feelingsmultimedia.com/feelings-gujarati-global-edition-december-2017/

કોઈ પણ કદમ ઉઠાવતી વખતે એના અંજામ વિષે પણ એકવાર વિચાર કરવો કરવો જોઈએ એવું શાણા માણસો કહેતા હોય છે, પણ બધા કિસ્સામાં એ શક્ય નથી. ઘણીવાર સમજી-વિચારીને ઉઠાવેલા કદમના કલ્પના બહારના પરિણામો આવી શકે છે. માણસે કેરી પાડવા માટે મારેલો પથરો મધપુડાને વાગી જાય અને શહીદ કપૂર જેવો હેન્ડસમ યુવાન મધમાખીઓના ડંખથી ફૂલીને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન જેવો બની જાય એવું પણ બનતું હોય છે! એટલે જ કવિએ કહ્યું છે કે ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે…’. જોકે અમારી સાથે જે બન્યું એ ભગવાન શ્રી રામ સાથે નહિ જ બન્યું હોય કેમ કે એમના સમયમાં લેંઘા અને લૂંગીઓ નહોતી.

અમે ચડ્ડીઓ વિષે લેખ લખ્યો એ પછીથી અમારા ફેસબુક પેજ પર ચડ્ડી અને લેંઘામાંથી કયું વસ્ત્ર આરામદાયક અને સગવડભર્યું પડે એ બાબતે ચર્ચા છેડાઈ ગઈ. એમાં અમારા મદ્રાસી મિત્ર રમેશ અન્નાએ જયારે ‘સગવડભરી તો અમારી લૂંગી બીજું કંઈ જ નહિ’ એમ કહીને વિવાદના મધપૂડામાં પથરો માર્યો અને પછી ચડ્ડીના બદલે  લેંઘા અને લૂંગી સામસામે આવી ગયા! લેંઘાવાદીઓનું કહેવું હતું કે લુંગી કરતાં લેંઘો વધારે સગવડ ભર્યો છે. તાકડે બીજા લુંગીધારીઓએ આ ચર્ચામાં ઝંપલાવ્યું પછી તો હલ્દી ઘાટી અને પ્લાસીના યુદ્ધ કરતા પણ વધુ ભયંકર યુદ્ધ લુંગી અને લેંઘાના મામલે ખેલાઈ જાય એવા સંજોગો ઉભા થયા! જોકે આવી તંદુરસ્ત ચર્ચા લોકશાહીની પોષક છે. આ ચર્ચામાં જે દલીલો રજુ થઇ તેના પરથી આજે કોઈ પણ માણસ પોતાને લુંગી સુગમ પડશે કે લેંઘો એ નક્કી કરી શકે છે. મુખ્ય મુદ્દા કૈંક આવા હતા.

અમારા મદ્રાસી મિત્ર રમેશ ઠાકર ઉર્ફે રમેશ અન્નાનું કહેવું છે કે લુંગીમાં જે મોકળાશ છે એ લેંઘામાં નથી. લુંગી વેલ વેન્ટીલેટેડ છે. એમાં ઘેરાવો મોટો હોઈ હવાના ‘ઇન-ટેઈક’ માટેનો અવકાશ મોટો હોય છે એટલે હવાની અવરજવર માટે પૂરતી વ્યવસ્થા છે. પગ ઉપર ગરમી થતી હોય તો લુંગી ઝટકાવીને પગને ઠંડા ઠંડા કૂલ કૂલ ‘હવા કા ઝોકા’નો અહેસાસ કરાવી શકાય છે. લેંઘામાં બાંયોની પહોળાઈની પણ એક મર્યાદા છે અને એ કારણથી અંદર વાતાવરણ બંધિયાર રહેતું હોય છે એનો પણ ઇનકાર નથી. વધુ ગરમી હોય તો  લુંગીને વાળીને ઢીંચણ સુધી ઉંચી ચઢાવી શકાય છે. પણ ઘરમાં લેંઘાની બાંયો ઉંચે ચઢાવીને ફરતા હોવ તો તમારા લીધે પાડોશીના ઘરે ઝઘડા પણ થઇ શકે કે ‘જુઓ જુઓ આ બધિરભૈ પ્રિયા ભાભીને આખું ઘર ધોવામાં પણ મદદ કરે છે અને તમને વાસણ ધોવાનું કહીએ તો પણ જોર આવે છે’.

અન્નાનું કહેવું છે કે લુંગી દેશની એકતાની ભાવનાની પોષક છે. લેંઘામાં જુદાયગી છે. લેંઘાની બે બાંયો એક જ માણસના બે પગને જુદા કરે છે. એમાં બે પગ વચ્ચે એક અંતરપટ આવી જાય છે. લુંગીમાં બંને પગ એકબીજાના સંસર્ગમાં રહે છે. એક પગને બીજા પગની હુંફ મળી રહે છે. જરૂર પડે એક પગ બીજા પગને કામ આવી શકે છે. જેમ કે એક પગથી બીજા પગ ઉપર ખંજવાળવું હોય તો લુંગીમાં સરળ પડે છે. લેંઘો પહેરતી વખતે એક પાયસામાં બે પગ જતા રહે અને પાર્ટી ગબડી પડે એવી દુર્ઘટનાઓ પણ બનતી રહે છે. લુંગીમાં એ તકલીફ નથી. સમય આવે લુંગીનો ઓઢવા, પાથરવા, શરીર લુછવા કે પછી ઘોડિયા તરીકે ઉપયોગ કરી શકાય છે. હિન્દી ફિલ્મોના ગીતોમાં ‘મૈ ઉનસે પ્યાર કર લુંગી, બાતે હજાર કર લુંગી …’ કે પછી ‘દિલમેં તુઝે બિઠા કે, કર લુંગી મૈ બંદ આંખે..’ જેવી પંક્તિઓમાં લુંગીને અંજલિ અપાઈ છે. લેંઘા ઉપર આવું કોઈ ગીત લખાવાનું હજી બાકી છે.

આની સામે લેંઘાવાદીઓની ટૂંકી પણ સચોટ દલીલો છે. પહેલું તો લુંગીમાં સલામતી વ્યવસ્થા કંગાળ છે. લેંઘામાં નાડુ હોય છે કાં બટન પટ્ટી હોય છે જે ખોલવામાં ઘણીવાર પહેરનારને પોતાને પણ તકલીફ પડતી હોય છે ત્યાં થર્ડ પાર્ટી સફળ થાય એવી શક્યતા ઓછી છે. એટલે સલામત છે. જ્યારે લુંગીમાં નાડુ નાખો તો એ ઘાઘરો બની જાય છે અને બટન પટ્ટી નાખો તો સ્કર્ટ બની જાય છે જે બંને મહિલાઓ માટેના વસ્ત્રો છે. કૂતરું પાછળ પડે ત્યારે લુંગીના કિસ્સામાં હુમલો કરવા માટેનો વિસ્તાર મોટો મળે છે એટલે વાર ખાલી જવાની શક્યતા ઓછી રહે છે. લેંઘો પહેરીને દોડવાનું સહેલું છે. જયારે લુંગી ઉચે ચઢાવીને ભાગવાનું હોય છે. મને તો શરમ આવે. આશ્ચર્ય જનક છે પણ કફન અને લુંગી બંનેમાં ખિસ્સા નથી હોતા, લેંઘામાં હોય છે. પવન વધુ હોય તો છત્રીની જેમ લુંગી પણ કાગડો થઇ શકે છે જયારે આંધી-તોફાન વચ્ચે પણ લેંઘો તમારા શરીરને જીવની જેમ વળગી રહેશે. છેલ્લે, લેંઘો પહેરીને શીર્ષાસન કરી શકાય, લુંગી પહેરીને નહિ. આટલામાં સમજી જાવ.

सुन भाई साधो …

આફતો ત્રણ પ્રકારની હોય છે:
૧. આસમાની
૨. સુલતાની
૩. સાસરાની

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , . Bookmark the permalink.

2 Responses to લુંગી Vs લેંઘો

  1. Takkartalkrmesh કહે છે:

    સ્ટાર્ટ ટુ ફીનીશ ….હિલેરીયસ લેખ…..

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s