Loveની ભવાઈ


થોડા સમય પહેલા એક ઉપર એક અને કેટલાક કિસ્સામાં એક સાથે બે કે વધુ ગુજરાતી ફિલ્મો ‘અર્બન ગુજરાતી મુવી’ના નામે આવી પડતી હતી ત્યારે અમે બધાને ધીરજ ધરવાનું કહ્યું હતું. કેમ કે પુર આવે ત્યારે પાણી ડહોળું હોય એટલે પીવા લાયક ન રહે. પણ એ પ્રવાહ ધીમો પડે પછી એમાંથી સ્વચ્છ અને નિર્મળ પાણી મળે. બસ એવી જ નિર્મળ કાચ જેવી ફિલ્મ ગયા શુક્રવારે રીલીઝ થઇ. ફિલ્મ અભિનય અને મનોરંજનની દ્રષ્ટીએ #MustWatch તો છે જ પણ ટેકનીકલી પણ છેલ્લા વર્ષોમાં આવેલી ફિલ્મોમાં અવ્વલ નંબરે ઉભી રહે છે. દિગ્દર્શકના માનસમાં ફિલ્મ સ્વરૂપે આકાર લઇ રહેલી વાર્તા અસરકારક રીતે દર્શકો સુધી પહોંચાડવી એ પડકાર રૂપ બાબત ગણાય છે કારણ કે એમાં અભિનય, સંવાદ, સીનેમેટોગ્રાફી, એડિટિંગ, સંગીત (એમાં ગીતો, બેકગ્રાઉન્ડ સ્કોર, ઇફેક્ટસ બધું આવી ગયું) અને લોકેશન ઉપરાંત ઘણી બધી બાબતોનો સમન્વય સાધવાનો હોય છે. આ ફિલ્મમાં આ બધાને લગતા દરેક પાસા ઉપર ચીવટ પૂર્વક કામ કરવામાં આવ્યું છે. ફિલ્મ જોતી વખતે સતત એ ફીલિંગ રહી કે દિગ્દર્શક સંદીપ પટેલ સાહેબે સિનેમેટોગ્રાફર તપન વ્યાસ અને એડિટર પ્રતિક ગુપ્તા પાસે ફિલ્મને એક મૂર્તિની જેમ ઘડાવી છે.

અહી દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને એડિટરની ત્રિપુટી વચ્ચે એક પ્રકારની હાર્મની/ સંવાદિતા દેખાઈ આવે છે. સંદીપભાઈ સાથેની અવિધિસરની વાતચીતમાં જાણવા મળ્યું કે આ માટે ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલાં ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારો અને આર્ટ ડાયરેક્ટર સહીતના કસબીઓ સાથેના વર્કશોપ ગોઠવવામાં આવ્યા હતા અને એમાં ‘Loveની ભવાઈ’ માટેનો દિગ્દર્શકનો અભિગમ અને વાર્તા માટેની જરૂરિયાતો પ્રત્યેકને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી હતી. આવું હિન્દી ફિલ્મો બનાવતા પહેલા પણ ભાગ્યે જ કરવામાં આવતું હોય છે. કલાકારોમાં પણ અમિતાભ બચ્ચન અને આમીર ખાન જેવા કેટલાકને બાદ કરતા ભાગ્યેજ કોઈ આ આવકાર્ય પ્રવૃત્તિમાં રસ પણ લેતું હોય છે. જયારે અહીં એક રીજનલ ફિલ્મ હોવા છતાં એને હિન્દી ફિલ્મોને ટક્કર આપે એવું કામ થયું હોય તો એ આ અભિગમને આભારી છે. અગાઉ જે સફળ અર્બન ગુજરાતી ફિલ્મો આવી છે તેના સર્જકો સહીત તમામ આ ફિલ્મના ટેકનીકલ પાસાને અનુસરશે તો ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજ્વળ છે.

એક નાના સીનની વાત કરવી છે. ફિલ્મમાં એક તબક્કે બાપ અને દીકરા વચ્ચે ટૂંકી પણ ગંભીર ચર્ચાનું દ્રશ્ય આવે છે. સ્થળ પોળના ઘરના ઝરૂખો છે. આપણે ત્યાં આવા દ્રશ્યો બને ત્યાં સુધી એક જ એંગલ અને થોડાક ક્લોઝપની મદદથી ફિલ્માવવામાં આવતા હોય છે. અહીં આવા નાના સીન પાછળ પણ પુરતો સમય આપીને સમય આપીને ફિલ્માવ્યો છે. તમને થશે કે આવા સીનમાં સંવાદ અને અભિનય સિવાય શું હોય? આ દ્રશ્યમાં સંવાદ અને અભિનય તો બાકીની ફિલ્મની જેમ અવ્વલ દરજ્જાના છે જ પણ એ સિવાયનું ઘણું છે. આટલા નાના દ્રશ્યને વિવિધ એંગલથી શૂટ કરવું, દરેકમાં લાઈટનું લેવલ/ બેલેન્સ જાળવવું અને એડીટીંગમાં એની અપેક્ષા મુજબની પ્રવાહિતા સુપેરે જળવાય એ સમય અને જહેમત માગી લેતું કામ છે. ભલે આપણે સેલ્યુલોઈડ પરથી ડીજીટલમાં આવી ગયા છીએ પણ આપણે જાણીએ છીએ કે આ પ્રકારના પરફેક્શનનો આગ્રહ ખુબ સમય અને પૈસાની રીતે મોંઘો પડતો હોય છે. આ ફિલ્મમાં કોઈ કસર છોડવામાં આવી નથી એ તમને આખી ફિલ્મમાં જોવા મળશે. આ એક વરિષ્ઠ અને અનુભવી દિગ્દર્શકની કમાલ છે. ખુબ ખુબ અભિનંદન સંદીપ ભાઈ.

Love ni bhavai-1

Click on image to visit official Facebook page of ‘Loveની ભવાઈ’ and share your views.

ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ જગત માટે અનોખી ઉપલબ્ધી એવી આરોહી ઉપરાંત મલ્હાર ઠાકર (છેલ્લો દિવસ) અને પ્રતિક ગાંધી (બે યાર, રોંગ સાઈડ રાજુ) જેવા નવી તરાહની ગુજરાતી ફિલ્મોના સફળ અને લોકપ્રિય અભિનેતાઓ મુખ્ય ભૂમિકામાં છે. રેડિયો ઉપર Love Line નામના શોમાં ‘Loveની ભવાઈ’મા પ્રેમરોગીઓની દવા કરતી આર.જે. અંતરા પોતે પ્રેમમાં માનતી નથી! આ ફિલ્મમાં એની આસપાસના પાત્રો સાથે જીવતા જ એને સાચા પ્રેમનો અર્થ સમજાય છે. આરજે અંતરાના રોલમાં આરોહીએ અદભુત કામ કર્યું છે. હળવી, ગંભીર અને સંવેદના સભર ક્ષણોમાં એની સંવાદની અદાયગી કાબિલે દાદ છે. અમુક અનુભવી કલાકારમાં જ જોવા મળતી સાહજિકતા એના અભિનયમાં છે. આર.જે. અંતરાના શોના પ્રોડ્યુસર કમ મેન્ટર કમ ફ્રેન્ડ કમ મોમ ‘ક્રિશ્ના’ જે આ ફિલ્મના પણ પ્રોડ્યુસર છે એ આરતીબહેન પટેલ સાથેની અંતરાની કેમેસ્ટ્રીમાં Ph Value 7 એટલે કે નોર્મલ હોય એ સ્વાભાવિક છે. આરજે-પ્રોડ્યુસર વચ્ચેનો બોન્ડ કદાચ વાસ્તવિક જિંદગીમાંથી જ લેવામાં આવ્યો છે કારણકે ફિલ્મ લખનાર અને અભિનય કરનાર તમામ રેડિયોની દુનિયા સાથે પણ સંકળાયેલા છે. સ્ટેજ હોય, ટીવી હોય, રૂપેરી પડદો હોય કે પછી એફ.એમ. ચેનલની ‘જીંદગી એક્સપ્રેસ’ના IRF Award Winner આર.જે. આરતી હોય, એમનું નામ આપણા સહુ માટે પોતીકું છે.

અમદાવાદી લઢણમાં સંવાદો સાથે સોફ્ટવેર એન્જીનીયર ‘સાગર’ ઉર્ફે મલ્હાર ઠાકર કૈંક અલગ જ ભૂમિકામાં છે. સાગર પોળનો બાશિંદો છે. ચોવીસમાંથી સાડા અઢાર પ્રેમ સંબંધમાં તો સામેવાળી પાર્ટીને ખબર જ નહોતી પડી કે સાગર સાથે એમનું બ્રેક-અપ થયું છે! એના ફની રિસ્પોન્સથી હાસ્યની છોળો ઉડે છે. ટ્રુથ એન્ડ ડેર ગેમમાં અંતરા જયારે એને કહે છે કે પહેલી કિસનો અનુભવ એને પંદર વર્ષની ઉંમરે થયો હતો ત્યારે એ કહે છે ‘બે પંદર વર્ષની ઉંમરે તો હું ગોળા ચુસતો’તો!’ હસવામાં અને હસવામાં એ છોકરાઓની દુનિયાની અમુક ખાનગી વાતો પણ એને કહી દે છે. મલ્હારનું મૌલિક નાયક (બે યાર, વિટામીન શી) સાથેનું કોમિક ટાઈમિંગ ગજ્જબનું છે.

આદિત્ય ઉર્ફે પ્રતિક ગાંધી અહીં ગંભીર ભૂમિકામાં છે અને એમાં એ બરોબર ફીટ બેસે છે. એનો રોલ જેને વ્યવસાય સિવાય બીજી બાબતો પર ધ્યાન આપવાની ઈચ્છા જ ન થઇ હોય એવા એક યુવાન વ્યસ્ત બીઝનેસમેનનો છે, જે એક પ્રોજેક્ટનો અમલ કરવાનો હોય એ રીતે પાંચ વર્ષમાં પિયાનો શીખીને દસ વર્ષમાં કોન્સર્ટ કરવાના અભરખા રાખે છે. રોલમાં અન્ડર પ્લે હોવા છતાં અંતરાને એ બીઝનેસ પ્રપોઝ્લની રીતે પ્રપોઝ કરે છે એમાં એના અભિનયની ખૂબી સામે આવે છે.

આજની મુક્ત હવામાં શ્વસતા, લડતા, ઝઘડતા, રીસાતા, બ્રેક-અપ કરતા, ફરી પેચ-અપ કરતા, લાગણીઓને અચરજથી જોતા, સંબંધોના ઊંડાણ અને સચ્ચાઈ પર પ્રશ્નો ઉઠાવતા અને જાતેજ એનું સમાધાન શોધતા યુવા હૈયાઓની અદભુત પ્રેમ કહાની જે સતત ૨ કલાક ૨૬ મીનીટસ સુધી તમારા ચહેરા ઉપર સ્મિત રમતું રાખશે.

દરિયો, એડવેન્ચર અને વોટર સ્પોર્ટ્સ, સમુદ્ર કિનારાના સૂર્યાસ્ત અને રાતના દ્રશ્યો, દીવના બીચના એરિયલ શોટ્સ અને એવું બીજું ઘણું બધું ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર જોવા મળ્યું! ધૂન લાગી .. ગીતની ફોટોગ્રાફી વિશેષ ગમી. રીયલ લોકેશન પર ફિલ્માવાયેલા પોળના દ્રશ્યોમાં આમ તો ખાસ છૂટ ન મળે પણ ખૂબી પૂર્વક ફિલ્માવાયા છે. આઉટડોર લોકેશન અને શુટિંગના સમયની પસંદગી અત્યંત કાળજી પૂર્વક કરવામાં આવી છે અને એને લીધે ફોટોગ્રાફીમાં નિખાર આવ્યો છે. આ બધું ફિલ્મના કથનનું રમ્યત્વ અને ફિલ્મનું નિર્માણ મુલ્ય વધારે છે.

ફિલ્મની સ્ક્રીપ્ટ માટે મિતાઈ શુક્લ અને નેહલ બક્ષીને ફૂલ માર્ક્સ. સંવાદોને લઈને પાત્રોનું ચરિત્ર ખીલે છે. ઘટનાઓ વચ્ચે આવતા દમદાર ક્વોટસને ફિલ્મમાં આગળ ઉપર સરસ રીતે સાંકળ્યા છે. હળવી ક્ષણો પણ ભરપુર પ્રમાણમાં છે. અભિનય માટે પાત્રોને પુરતી મોકળાશ અપાઈ છે અને દરેકે એનો ભરપુર લાભ ઉઠાવ્યો છે.

સચિન-જીગરે સંગીતબદ્ધ કરેલા ગીતોમાં જીગરદાન ગઢવીના કંઠે ગવાયેલું ‘વ્હાલમ આવોને …’ અને સિદ્ધાર્થના કંઠે ગવાયેલુ ‘ધૂન લાગી ..’ રીલીઝ પહેલાં જ હિટ થઇ ચુક્યા છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડમાં ભવાઈના બોલ ‘તા થૈયા થૈયા તા થઇ …’નો સરસ ઉપયોગ થયો છે.

યુવા હૈયાને ગમી જાય એવી અને સહ કુટુંબ માણી શકાય એવી મીઠ્ઠી મજાની સંગીત સભર ફિલ્મ આપણા શહેરમાં આવી છે, જોઈ નાખજો. મારા તરફથી ટીમ ‘Loveની ભવાઈ’ને ખુબ ખુબ અભિનંદન.

Official Trailer of Loveની ભવાઈ

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Movie Review. Bookmark the permalink.

4 Responses to Loveની ભવાઈ

  1. પિંગબેક: Reviews of Gujarati film Love Ni Bhavai – GUJARATI MOVIES

  2. Krunal16 કહે છે:

    Reblogged this on kk841016.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s