તમારી ટિકિટ કપાઈ?


ચૂંટણી જાહેર થઇ પછી જુદી જુદી બેઠકો માટે ઉમેદવારોની યાદી બહાર પડાઈ અને કાયમની જેમ જેમની ‘ટિકિટ કપાઈ’ એ ટીકીટવાંચ્છુઓમાં ‘અસંતોષની આગ ઉઠી’ અને ‘ઠેર ઠેર ભડકા થયા’ એવા અખબારી અહેવાલો આવવાના શરુ પણ થઇ ગયા. આ અહેવાલો પણ વિચિત્ર હોય છે. તમે દિલ્હી જવા માટે ટ્રેન કે ફ્લાઈટની કન્ફર્મ ટિકિટ મેળવો એને બોલચાલની ભાષામાં તમે ‘દિલ્હીની ટિકિટ કપાવી’ એમ કહેવાય છે. જયારે ચૂંટણીની ટિકિટના દાવેદારને પડતા મુકીને બીજા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે ત્યારે અમુક કે તમુક ભ’ઈની ટિકિટ કપાઈ એમ કહેવાનો રીવાજ છે. આમ થાય પછી ચુંટણીમાં ઉભા રહેવા ઈચ્છુક ભાઈ કે બહેને બેસી જવાનું હોય છે, પણ દરેક કિસ્સામાં એમ થતું નથી.

રાજકારણને અને સંગીતને કોઈ સંબંધ નથી, પણ કોઈની ટિકિટ કપાય પછી વિરોધના સૂર પણ ઉઠતા હોય છે. તમારી સાથે આવું બન્યું હોય તો વિરોધનો સૂર કાઢતા પહેલા પહેલાં તમારે એ તપાસી લેવું જોઈએ કે તમારી સાથે કેટલા લોકો છે. ક્યાંક એવું ન બને કે દુશ્મનોને ઘેરવા તમે શોલેના જેલરની જેમ ‘આધે ઉસ તરફ, આધે ઇસ તરફ ઔર બાકી મેરે પીછે આઓ’ કહીને ધસી જાવ અને પછી ખબર પડે તમે એકલા જ ‘જાનિબે મંઝીલ’ નીકળ્યા હતા અને કારવાં તો બન્યો જ નથી! જેમને ઇસ તરફ કે ઉસ તરફ મોકલ્યા હોય એમની વફાદારી પણ ચેક કરી લેવી. આ રાજકારણ છે, એમાં પૂરી-શાક અને સ્વિટ ખવડાવનારના પંડાલમાં ચા અને ગાંઠિયા ખવડાવનારના તંબુ કરતા વધારે ભીડ હોય છે.

તમારી ટિકિટ કપાય તો તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે. છેલ્લા બે વરસથી તમે સગા-સાસરીયા, ઓળખીતા-પારખીતાને ‘આ વખતે તો આપણી ટીકીટ પાક્કી જ છે’ એવું કહી રાખ્યું હોય કે પછી તમે જેન્યુઈન જનસેવક હોવ અને મેરીટ પર ટીકીટ મળે એની રાહ જોઇને બેઠા હોવ; એવે સમયે તમારી ટિકિટ રૂપી ગર્લફ્રેન્ડને શાહરૂખ જેવો કોઈ પેરાશુટ ઉમેદવાર વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મારીને ભગાડી જાય ત્યારે ખૂબ લાગી આવે એ સ્વાભાવિક છે. આજકાલ રાજકારણમાં કોઈ ‘જા સીમરન જા, ભરી દે તારું ઉમેદવારી ફોર્મ’ કહેવા આવતું નથી, માટે સૌ પહેલા ખાનગીમાં તમારા સીમરન સાથેના સેટિંગમાં ભાંજી મારનાર જાલિમ અમરીશપૂરીના નજીકના વર્તુળોમાં તમારો કોઈ રીતે મેળ પડે એમ છે કે નહિ કંઈ એની તપાસ કરાવી લો. તમને પોસાય એ રીતે મેળ પડી જાય એમ હોય તો અભિનંદન. બાકીના આગળ વાંચે.

બહુ અઘરી પરિસ્થિતિ છે. કોઈ માણસ માથે જરી-ફૂલોનો બનેલો ખૂંપ, ગળામાં ગુલાબનો હાર અને હાથમાં નારિયેળ અને ગુલછડી લઈને જાન પ્રસ્થાન કરે એની રાહ જોતો હોય ત્યારે સમાચાર મળે કે તમારી તાક ઉપર કોઈ બીલ્લસ* મારી ગયું છે (લખોટી રમ્યા છો?) ત્યારે એની હાલત કેવી થાય? એવે વખતે તમને એવું પણ આશ્વાસન ન આપી શકાય કે ‘હશે રંછોડભ’ઈ, તમારા કરતા બાબ્ભ’ઈની એમને વધારે જરૂર હશે’. તમને ખ્યાલ જ હશે કે ક્યારેક લગ્ન પ્રસંગ માટે જેણે દોડધામ કરી મુકી હોય એનો મેરેજના આલ્બમમાં એક પણ ફોટો નથી હોતો. ધરણા, મોરચા અને સરઘસોના આક્રમક મુદ્રામાં ઉગ્રતાથી સૂત્રોચ્ચાર કરનાર જ નેતા ગણાતો હોય છે અને એના જ ફોટા છાપામાં આવતા હોય છે. રાજકારણમાં આ દરેક ચૂંટણી વખતે બનતી ઘટના છે. માટે તમારે હિંમત હારવાની નથી.

આ વસમી ઘડીએ તમારા પટ્ટ સમર્થકોની જવાબદારી વધી જાય છે. તમારા જે સમર્થકોએ તરીકે અત્યાર સુધી તમારા પૈસે ચા-ગાંઠિયા ખાઈને માત્ર ‘જીતેગા ભ’ઈ જીતેગા રંછોડભ’ઈ જીતેગા’ કે ‘જબ તક સુરજ ચાંદ રહેગા રંછોડભ’ઈ કા નામ રહેગા’ના નારા લગાવવાનું જ કામ કર્યું હોય એમને ભેગા કરો. તમારી પાસે સત્તા હતી ત્યારે પગચંપી કરીને કામ કરાવી ગયા હોય એમને પણ પકડો અને બની શકે તો એ બધાની આગળ બાહુબલીની જેમ ‘ક્યા હૈ મૃત્યુ?’ સ્ટાઈલમાં ભાષણ કરીને તૈયાર કરો. આ શૂરાઓનો મારગ છે. તમારી ટિકિટ કાપનારાઓના હાંજા ગગડી જાય એવા દેખાવો કરવા પડશે. ચેનલવાળા ભાવ ન પૂછતા હોય તો ફેસબુક-ઇન્સ્ટામાં લાઈવ ધરણા-સૂત્રોચ્ચાર કરવા પડશે. ઉગ્ર નિવેદનો કરવા પડશે. જરૂર પડે તો કોઈપણ સરઘસ, પગપાળા સંઘનો વિડીયો ઉતારો અને એ એ ન મળે તો છેવટે સ્મશાન યાત્રા કે વરઘોડાના ફૂટેજને ફેસબુક અને ટ્વિટર પર તમારા ધરણામાં ઉમટેલી મેદની તરીકે બતાવો. ટીવી-છાપામાં કૈંકનું કૈંક આવતું રહે એવું ગોઠવો.

આટલું કરવાથી ખુબજ ઓછા પૈસામાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ પછી પણ પાર્ટીવાળા માંડવળી માટે ન બોલાવે કે છેવટે બોર્ડ-કોર્પોરેશનમાં સમાવી લેવાની ખાતરી પણ ન આપે તો પછી એક જ રસ્તો બાકી રહે છે – તમારા સૂત્રો મારફતે ઉપર સંકેત આપી દો કે તમને કોઈ મનાવશે તો માની જવા તૈયાર છો. સર સલામત તો પઘડિયા બહોત.

सुन भाई साधो …

બોર્ડની એક્ઝામ વખતે પડાવેલો ફોટો એ માનવીની ઉત્ક્રાંતિનો પુરાવો ન ગણાય.

* આ બંને રૂઢીપ્રયોગ લખોટીની રમતમાં વપરાય છે. આંટી શકાય એવી લખોટીને (બદલામાં વ્હેંત કરતા વધુ લખોટી મળે) કોઈ વ્હેંત ભરીને લઇ જાય એ માટે વપરાય છે.

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s