ઉત્તરાયણની લુપ્ત થતી પરંપરાઓ


સોશિયલ મીડિયામાં એક હકીકતનુમા જોક ફરે છે જેમાં કહેવાયું છે કે ‘આજકાલ બોરડી પરથી બોર જાતે જ ખરી પડે છે કારણ કે એને ખેરવનાર હાથમાં મોબાઈલ છે’. આ કરુણતા છે. ઇન્ફ્રોર્મેશન અને કોમ્યુનીકેશન ટેકનોલોજીના વિકાસ સાથે કેટલીક કળા, કૌશલ્યો, પ્રથાઓ અને પરંપરાઓ એવી છે જે લુપ્ત થવાના આરે છે. એક આખી પેઢી લખોટી, ગીલ્લી ડંડા અને ભમરડા રમ્યા વગર મોટી થઇ છે; એની સાથે લાખોટીને આંટવાની, ગીલ્લીને ટોલ્લો મારવાની અને ભમરડામાં સાત જાળ કરવાની કળા પણ ભુલાવાની કગાર ઉપર છે. આ તો થઇ રમતોની વાત પણ દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોની પણ આ જ હાલત છે.

ઉત્તરાયણના તહેવારમાં લચ્છા પ્રથા કાળની ગર્તામાં ખોવાઈ ગઈ એ ચાલુ સદીના સૌથી મોટા સામાજિક પરિવર્તન તરીકે જોવાવું જોઈએ એવો અમારો આગ્રહ છે. પકડેલા પતંગનું શું કરવું એ સૌને ખબર છે, પણ સાથે આવેલી દોરીનું શું કરવું અ બાબતે આજની પેઢીમાં અંધાધુંધી પ્રવર્તે છે. કોઈનો પતંગ પેચમાં હોય એ વખતે ઢીલમાં દોરી સાથે કપાયેલા પતંગની દોરીનું ગૂંચળું જતું દેખાય ત્યારે અમને ગઈ પેઢીના જ્યોતિર્ધરોની બેદરકારી માટે ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે છે. લચ્છા વાળવા કે લચ્છા મારવા એક લોકકળા હતી. તમે જીવનમાં ગમે તેટલી શ્રેષ્ઠકક્ષાના લચ્છા માર્યા હોય પણ પકડેલી દોરીના લચ્છા વાળવા એ જુદી વાત છે. જેની જન્મ કુંડળીના ધન સ્થાનનો સ્વામી ગુરુ ગ્રહ શની સાથે યુતિમાં હોય (ટૂંકમાં કંજૂસ) એવા જાતકો આ કળામાં પારંગત જોવા મળ્યા છે. આવા જાતકો પાસે નવી દોરીની પાચ-પાંચ ફીરકીઓ પડી હોય તો પણ લચ્છા ઉકેલીને બનાવેલા પીલ્લાથી પતંગ ચગાવતા હોય છે. જે જાતકો લચ્છો વાળ્યા પછી એને ગુંચ પાડ્યા વગર પાછો ઉકેલી પણ શકતા એમને માટે કન્યાઓની લાઈન લાગતી. જોકે, લગ્ન પછી આવા જાતકોના હુન્નરનો ઉપયોગ સદ્યસ્નાતા પત્નીના માથાની ગૂંચો ઉકેલવામાં થવા માંડ્યો અને કદાચ એ જ કારણોસર આ પ્રથા લુપ્ત નહિ તો મૃતપ્રાય તો થઇ જ ગઈ છે.

ફાટેલો પતંગ સાંધીને ચગાવવો એ પણ એક કળા હતી જેના ઉપાસકોની સંખ્યા અત્યારે ગીરના સિંહો કરતા પણ ઓછી છે! સમાજમાં એમને પુરતું માન પણ મળતું નથી. આજે તો હાલત એ છે કે કાચી પાંત્રીસનો માવો ખાનારને કદાચ ગર્લફ્રેન્ડ મળી જાય પણ સાંધેલો પતંગ ચગાવનારને તો વાંઢા જ રહેવું પડે. બાકી એક જમાનામાં પતંગ ઉપર એટલી ગુંદરપટ્ટીઓ લાગેલી રહેતી કે પતંગનો અસલ કાગળ કયો એ જાણવું મુશ્કેલ પડતું. પતંગની એક બાજુ ગુંદરપટ્ટીથી ભારે થઇ જાય તો બીજી બાજુ કમાન ઉપર નમણ બાંધવાના બદલે છાપાના કાગળનું પૂછડું બાંધવાનો ટૂંકો રસ્તો અપનાવનાર દીકરાને બાપ લોકો જાયદાદમાંથી બેદખલ કરવા ઉપર આવી જતા. શાક-ભાજી સાથે કોથમીર મરચા મફત મેળવવાની ટેવવાળા અમદાવાદીઓ એક કોડી પતંગ સાથે બીજી એક કોડી પતંગ સાંધી શકાય એટલી ગુંદરપટ્ટી પ્રેમથી મફત માગી લેતા.

થોડી શિખામણ પતંગ કપાયા પછી દોરી લપેટવા બાબતે આપવાનું મન થાય છે. આજનો યુવાન પતંગ કપાયા પછી દોરી પાછી ખેંચતા શરમ અનુભવે છે. દોરી લપેટવા માટે ઉંધી મુકેલી સાયકલ વાપરવાના પ્રયોગો થઇ ચુક્યા છે. અહી યુવાનો એ એક વાત સમજી લેવાની જરૂર છે કે આજે તમે દોરી ખેંચવા માટે તમે ધાબામાં સાયકલો ચઢાવશો પછી કાલે ‘જોર લગા કે હૈશો …’ બોલીને ટેલીફોનના કેબલો ખેંચવાવાળા મજૂરોને બોલાવશો. પછી પતંગને છૂટ અપાવવા અને ઠુમકા મારવા માટે રામલા રાખશો. તો તમે પોતે સેલ્ફા પાડ્યા સિવાય બીજું કરશો શું? અહીં કવિ કહેવા એ માંગે છે કે આમાં જાતે જ મચી પડવાનું હોય બકા. હજાર કોશિશ કરીશ તો પણ દોરી ખેંચતી વખતે તું હીરો લાગવાનો નથી. ઇન ફેક્ટ જરકસી જામો, સોનેરી સાંકાળીઓવાળો કોટ અને માથે રજવાડી સાફો પહેરીને દોરી ઉતારીશ તો પણ તું માંજો ઘસનારો ભૈયો જ લાગવાનો છે. જરા સમજ. દોરી હશે તો પતંગ ચગાવી શકીશ. માટે શરમાયા વગર લપેટી લેવાનું.

હવે તો પતંગોને કિન્ના બાંધવાનું તો દૂર રહ્યું પણ કીન્ના બાંધી અને શૂન-શૂન કરવાનું કામ પણ મમ્મીઓએ કરી આપવું પડે છે. એટલું જ નહિ પણ ધાબામાં તલ સાંકળી, બોર અને શેરડી લઈને આવનારી મમ્મીને દેશી કહીને મશ્કરી કરવામાં આવે છે. જેને બે ધાબા વચ્ચે લટકતો પતંગ લંગસીયાથી કેવી રીતે લપટાવી શકાય કે પછી લટપટીયાથી દુશ્મનનો પતંગ આપણા ધાબામાં કેવી રીતે બેસાડી શકાય એ પણ શીખવાડવું પડે એ યુવાન પાસે દેશ માટે મરી ફીટવાની આશા રાખવી નક્કામી છે. આ બાબતે સમાજ જાગૃત નહિ થાય તો ‘સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ’ના નિયમ મુજબ ઉત્તરાયણનો તહેવાર પણ લુપ્ત થઇ જશે એવી અમને બીક છે.

सुन भाई साधो …

“પેલી છોકરી જેના મોઢા ઉપર બહુ તલ છે એનું નામ શું છે?”
“હેતલ”
“તલસાંકળી હોવું જોઈએ”

—–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s