એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે


valentines-day-3145419_960_720રોઝ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઈન ડે. આમાં ચુંબન સિવાય કશુંય ભારતીય નથી. કામસૂત્રના દેશ તરીકે ચુંબન પર આપણો ટ્રેડમાર્ક ખરો. પણ કામસૂત્ર પછી આપણે કદાચ ખાસ પ્રગતિ કરી નથી. વેલેન્ટાઇન ડે વિદેશથી ઈમ્પોર્ટ થયેલો તહેવાર છે. સંત વેલેન્ટાઇન કોણ હતા અને આ તહેવાર શું કામ ઉજવવામાં આવે છે એની સાથે આપણી પ્રજાને કંઈ લેવાદેવા નથી. દશેરાએ ફાફડા-જલેબી ખાવાના એટલે ખાવાના, કેમ ખાવાના એ નહીં પૂછવાનું. દેવું કરીને ઘી પીવાનો જમાનો નથી રહ્યો, પણ દેવું કરીને પણ વેલેન્ટાઇન ડે પર નવી પ્રેમિકાને નવી નક્કોર ગીફ્ટ આપવાની પ્રથા શરુ થઈ છે. પેલી વાટકી વ્યવહારમાં માનતી હોય તો સામે બેલ્ટ કે પર્સ કે પરફ્યુમ જે મળે તે ચુપચાપ લઇ લેવાનું, ના મળે તો હરિ હરિ. આપણા ઝુઝારું નવજુવાનો એમ પાછા પડે એમ નથી. કારણ કે મુખ્ય વાત પ્રેમ છે. થોડા રૂપિયા ઢીલા કરવાથી છોકરી ઈમ્પ્રેસ થતી હોય તો લાખ ભેગા સવા લાખ કરી નખાય. પરંતુ સોસાયટી સાવ કેપીટાલીસ્ટ બની જાય તો અમને પણ ચિંતા થાય. અમને જ શું કામ આખા સમાજે ચિંતા કરવી ઘટે.

તો શું ગરીબને પ્રેમ કરવાનો અધિકાર નથી? શું મહીને પાંચ હજાર કમાતો હોય એની છાતીમાં દિલ નથી હોતું? એને વેલેન્ટાઇન ન હોઈ શકે? શું ગરીબીની રેખાને પ્રેમીઓ વચ્ચેની લક્ષમણ રેખા બનતી અટકાવી ન શકાય? શું છોકરીઓએ છોકરાઓની આર્થિક પરિસ્થિતિ જોવી જોઈએ? ના. તો પછી આ ભેદભાવ બંધ થવા જોઈએ અને પ્રેમ જ સર્વોપરી હોવો જોઈએ. પ્રેમ જુઓ – પ્રેમી ગુલાબનું ફૂલ આપે કે ગલગોટાનું, ગીફ્ટમાં મોબાઈલ આપે કે મોબાઈલનું કવર, લાગણીમાં ફેર ન પડવો જોઈએ. ‘તોફા દેને વાલી કી નિયત દેખની ચાહિયે, તોફે કી કીમત નહીં’, હિન્દી ફિલ્મનો આ ડાયલોગ નથી સાંભળ્યો? માટે જે ફાઈવસ્ટાર હોટેલમાં જમાડે એને પણ પ્રેમ કરો અને જય બજરંગ દાબેલી સેન્ટરની દાબેલી ખવડાવે એને પણ પ્રેમ કરો.

યુવાનોને આજકાલ ઘણી સમસ્યા સતાવી રહી છે. અમુક સંગઠનો પ્રેમીઓની પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને સાચા પ્રેમીઓની જાહેરમાં ધોલાઈ કરતાં ખચકાતા નથી. આવા પ્રેમીઓ માટે ૧૦૮નાં ધોરણે ૧૪૦૨ સેવા ચાલુ થવી જોઈએ. વેલેન્ટાઈન ડે હેલ્પલાઈનના આ ખાસ નંબર પર કોલ કરવાથી પ્રેમીઓને થતી કનડગતને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રોકવામાં આવવી જોઈએ. જાહેર સ્થળો પર ભિખારીઓ, બેલ્ટ અને ઘડિયાળ વેચવાવાળા, કૂતરા અને રખડતી ગાયોથી કાયમ તકલીફ થાય છે. આ ઉપરાંત ઘણીવાર નકલી પોલીસ પણ પ્રેમીઓ પાસે રૂપિયા પડાવે છે. તો આ સર્વે બાબતોનો ૧૪૦૨ ત્વરિત નિકાલ કરી શકે. આ અંગે કોમ્પુટરાઈઝડ રિસ્પોન્સ સેન્ટર અને રેપીડ ટાસ્કફોર્સ ઊભું કરી સરકારના અનુદાનથી સેવાઓ શરુ થાય એ યુવાનોની માંગ છે.

ખરેખર તો સરકારે બેરોજગાર, ઓછું કમાતા, અથવા જેના હાથમાં મહિનાની ચૌદમી તારીખ સુધી રૂપિયા ટકતા નથી તેવા દેશના ભવિષ્ય સમા યુવાન-યુવતીઓ વેલેન્ટાઈન ડેના દિવસે નિર્વિઘ્ને ગુટરગુ કરી શકે એ માટે ‘એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે’, અથવા ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ની જેમ ‘સલ્લુ ભાઈ સેટિંગ યોજના’ (SBSY) લોન્ચ કરવી જોઈએ જેના હેઠળ આર્થિક રીતે નબળા માંકડા પોતાને લાયક માંકડાને વળગી શકે. આ યોજના માટે ખાસ વેલેન્ટાઇન પેકેજ  અંતર્ગત રીવરફ્રન્ટ કે કાંકરિયા લેકફ્રન્ટ પર વેલેન્ટાઈન ડે સમારોહનું આયોજન કરવામાં આવે. તે દિવસ માટે સદર સ્થળોએ હેપ્પી અવર્સ જાહેર કરવામાં આવે. હેપ્પી અવર્સમાં પોલીસ અને હોમગાર્ડથી લઈને સિક્યોરીટીવાળા તો ઠીક પણ હાથમાં લાકડી હોય એવી વ્યક્તિ માટે પ્રવેશબંધી લાગુ કરવામાં આવે. SBSYના પ્રવેશ પાસ મેળવવા માટે સામેના પાત્ર સાથેની ફેસબુક મૈત્રીનો દાખલો મામલતદાર કચેરી પાસેથી મેળવીને આધાર કાર્ડ અને આવકના પુરાવા સાથે ૮ ફેબ્રુઆરીના ‘પ્રપોઝ ડે’ સુધીમાં સેટિંગ શાખામાં અરજી કરવાથી લાભાર્થી યુવક અને તેના એક સાથી માટે પ્રવેશ પાસ મળે. ફેસબુક પણ આધાર સાથે લિંક થઇ ગયું હોય એટલે એક કરતા વધુ પાસીસની ફાળવણી નકારી શકાય અને સ્થળ પર હરીફ પાત્રો વચ્ચેના ઝઘડા પણ ટાળી શકાય.

પ્રસંગ પત્યા પછી બંને પાત્રોને જામે નહિ અને છુટા પાડવા માગતા હોય તો પ્રોમિસ ડેના દિવસે વકીલોની હાજરીમાં મોબાઈલ-ફેસબુક ચેટ અને ફોટા ડીલીટ કર્યા બાદ ભવિષ્યમાં એક બીજાને ભૂલી જશે એવી આગોતરી લેખિત પ્રોમિસ ત્રણ નકલમાં આપવાની રહે. આમાં મામા કન્યાને તેડીને લાવે કે મામેરું-કન્યાદાનની પ્રથા તો હોય નહિ છતાં યુવાપ્રેમી વતી સરકાર દ્વારા કન્યાને ગુલાબ, પતંજલિની ચોકલેટ, ગ્રીટિંગ કાર્ડ, ખાદીનું ટેડી બેર, ખાદીના વસ્ત્રો વેચતી સરકાર માન્ય દુકાનના ગીફ્ટ વાઉચર મુકેલી છાબ આપવામાં આવે જે કન્યાએ રાજીખુશીથી સ્વીકારવાની રહે. લગ્નપ્રસંગ જેવો ઉજવણીનો માહોલ બનાવવા માટે હગ ડેના દિવસે ભેટવાની રસમ અને કિસ ડેના દિવસે ચૂમવાની રસમનું આયોજન થઇ શકે. પછી જેવો જેનો ઊજમ. આટલું જ નહીં હિતેચ્છુઓ દ્વારા આવા પ્રસંગમાં ચાંદલા પ્રથા પણ ચાલુ કરવી જોઈએ જેથી કરીને પ્રેમીઓ ખર્ચા કાઢી શકે. પ્રસંગ દરમ્યાન ઔચિત્ય જળવાય એ માટે સિસોટી સાથેના કિસ અને હગ રેફરીની નિમણુક પણ કરવી પડે. સીટી વાગે એટલે કાર્યક્રમ પૂરો.

ફુર્રર્રર્ર … જાગી જાવ.

ખરા છો તમે! સરકાર મુદત પર મુદત આપે જાય છે છતાં તમે બેંક એકાઉન્ટ સાથે આધારને લિંક  કરતા નથી અને સરકારી ખર્ચે ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે ઉજવવાના સપના જુઓ છો! ખોટી કીકો મારશો નહિ. કામે લાગો ચાલો …

મસ્કા ફન

આદ્યકવિ વાલ્મિકીજીને પણ ખબર નહિ હોય કે
છેક કળયુગમાં એમની રામાયણની એક જુનિયર આર્ટિસ્ટ અમર થઇ જશે.
#શૂર્પણખા_ચૌધરી

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

1 Response to એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે

  1. Vimala Gohil કહે છે:


    https://polldaddy.com/js/rating/rating.js“સંત વેલેન્ટાઇન કોણ હતા અને આ તહેવાર શું કામ ઉજવવામાં આવે છે એની સાથે આપણી પ્રજાને કંઈ લેવાદેવા નથી. ” હાચું ભાઈ હાચું જ .
    મસ્કા ફન અફલાતૂન!

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s