સિક્કો જ કેમ ઉછાળવાનો?


Coin Tossપણે ત્યાં ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડે તો કિંગ-ક્રોસ કરીને વિજેતા નક્કી કરવામાં આવે છે. ક્રિકેટમાં પણ વર્ષોથી કોણ બેટિંગ અથવા બોલિંગ શરુ કરશે તેનો નિર્ણય કરવા માટે બે કપ્તાનને સાથે રાખીને સિક્કો ઉછાળવામાં આવે છે અને જે જીતે તેને નિર્ણય કરવાનું સોંપવામાં આવે છે. એ તો ઠીક પણ હમણાં જ એક પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં બે સમાન ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવાર વચ્ચે પસંદગી કરવામાં મુઝવણ થતા સિક્કો ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો હતો. આંકડાશાસ્ત્રમાં સિક્કો ઉછાળો તો હેડ અથવા ટેઈલ આવવાની સંભાવના ૫૦-૫૦% હોય છે. ક્રિકેટ અને ટેનિસમાં હોક આઈ જેવી લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ પણ હજુ સિક્કો ઉછાળવાની જરીપુરાણી પદ્ધતિ ચાલે છે એ જરા વિચિત્ર નથી લાગતું?

ક્રિકેટમાં તો તકની વાત છે પણ અન્ય કિસ્સાઓમાં સિક્કો ઉછાળી નિર્ણય લેવામાં નિર્ણાયકતાનો અભાવ જવાબદાર ગણાય. ઢીલા લોકો સિક્કા ઉછાળે છે. તમે નક્કી નથી કરી શકતા એટલે સિક્કો ઉછાળો છો. શુરવીર લોકો સિક્કા નથી ઉછળતા, કે હેડ આવે તો માથું ઊંચું રાખીને આક્રમણ કરીએ અને ટેઈલ આવે તો પૂછડી બે પગ વચ્ચે દબાવીને ભાગીએ. એ તો સામી છાતીએ ચડી જ બેસે છે. કોલેજ કાળમાં અમે ઘણીવાર સિક્કો ઉછાળીને ક્લાસ ભરવો કે મુવી જોવા જવું એ બે વચ્ચેનો નિર્ણય કર્યો છે. એમ કરવામાં દસમાંથી આઠ વખત અમારા ભાગ્યમાં મોજ કરવાનું જ આવ્યું છે, ભલે પછી વધારે વખત સિક્કો ઉછાળવો પડે! પરીક્ષામાં પણ સાતમું ચેપ્ટર છોડવું કે અગિયારમું એ પણ સિક્કો ઉછાળીને નક્કી કરતા અને આજે અમે એન્જીનીયર છીએ. બંને કિસ્સામાં અમે તો માત્ર ઈશ્વરના આદેશને અનુસર્યા છીએ. એરેન્જડ મેરેજમાં અમારે બે કન્યાના માંગા આવ્યા હતા જેમાં એક થોડીક વધારે દેખાવડી હતી જયારે બીજી સારું કમાતી હતી. સિક્કો ઉછાળીને નિર્ણય કરવો પડે તેવી સ્થિતિમાં અમે હતા, ત્યાં બંને એ સામેથી ના પાડી એવું જાણ્યું. અને અમે અનિર્ણાયક છીએ એ છાપ લાગવાથી જરીક્ સારું બચી ગયા!

પોળની રમતોમાં સિક્કો ન હોય ત્યારે માટલાના ઠીકરાની એક બાજુ ઉપર થુંક લગાડીને ઉછાળવાની ‘લીલ કે સુક’ નામની વિધિ કરવામાં આવતી. એક બાજુ પર થુંક એટલા માટે લગાડવામાં આવતું કે એ બીજી બાજુથી જુદી પડે. સિક્કામાં પણ બે બાજુઓ પર જુદી છાપ હોય છે. જોકે શોલેમાં અમિતાભ પાસે બંને બાજુ પર હેડ હોય એવો નકલી સિક્કો હતો. શોલેમાં પણ ડાકુ સામે લડતા ઘાયલ થયેલા ઠાકુરને હોસ્પિટલ ભેગો કરવો કે પછી પોબારા ગણવા એ નક્કી કરવા અમિતાભે સિક્કો ઉછાળેલો અને એમાં હેડ્ઝ આવતા બંને એ જેલમાં જવું પડેલું. એ વખતે ધરમ પાજીએ સિક્કાની બીજી બાજુ જોવા માગી હોત તો છેલ્લી ફાઈટમાં ડીવીઝન ઓફ લેબર થાત. પણ યમલા પગલા દીવાના ધરમ પાજીને ઇત્તીસી બાતમાં ટપ્પી પડતી હોત તો એ પોતે જ મીલેનીયમ સ્ટાર ન હોત? અને આમેય સિક્કો તો અમિતાભનો જ ચાલે છે ને? હજુય!

T20 ફોરમેટમાં ટાઈ પડે ત્યારે સુપર ઓવર રમવામાં આવે છે. એવું બીજા ક્ષેત્રોમાં પણ થવું જોઈએ. યુરોપ અને ખાસ કરીને ફ્રાંસમાં બે વક્તિઓ વચ્ચેના મતભેદ કે તકરારના ઉકેલ માટે ડ્યુઅલ (Dual નહિ પણ Duel) યોજવામાં આવતું. જેમાં તલવાર કે પિસ્તોલ/ તમંચા વડે દ્વંદ્વ યુદ્ધ માટે આવાહન કરવામાં આવતું. શૂરવીરો પડકાર અચૂક ઝીલતા અને પછી જીતતા, ઘાયલ થતા કે મરી પણ જતા! અમેરિકાના સાતમા પ્રમુખ એન્ડ્ર્યુ જેક્સને આવા બે ડ્યુઅલમાં છાતી તથા ખભામાં ગોળીઓ ખાધેલી અને એકમાં તો સામેવાળાને ટપકાવી પણ દીધેલો! સાવ આવું નહિ તો કંઇક મનોરંજક અને પડકારજનક તો બનાવવું જ જોઈએ. જેમ કે ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડે તો બંને વચ્ચે કુશ્તીનું દંગલ યોજવું જોઈએ; જે જીતે એ ધારાસભ્ય! આ મામલે આપણે ત્યાં અમુક ઉમેદવારો તો એટલા તૈયાર છે કે ચૂંટણીના બદલે કુશ્તીના દંગલથી જ ફેસલો લાવવાનો જ આગ્રહ કરે. શેણીને પામવા માટે વિજાણંદને એક વર્ષમાં એકસો એક નવચંદરી ભેંશો લાવી આપવાની ચેલેન્જ આપવામાં આવેલી. સીતાજી માટે શિવ ધનુષ ઉઠાવવાનું તેમજ દ્રૌપદીને પરણવા માટે ત્રાજવામાં ઉભા રહી પાણીમાં જોઇને માછલીની આંખ વીંધવાની શરત રાખવામાં આવેલી. એવી જ રીતે પહેલી બેટિંગ લેવી કે ફિલ્ડીંગ એ નક્કી કરવા માટે બંને કેપ્ટનો વચ્ચે એકએક અમ્પાયરને ઉચકીને પેવેલિયનથી પીચ સુધી દોડવાની રેસ રાખવી જોઈએ. જે જીતે એ બેટિંગ ફિલ્ડીંગ નક્કી કરે. જોકે આમાં પરણેલા કેપ્ટનને એડવાન્ટેજ મળે એવી કોઈ ફરિયાદ કરી શકે!

સિક્કો ઉછાળવાની શરૂઆત ઈસુના જન્મના છ સાત દાયકા પહેલા રોમન સમયમાં થઈ હતી એવું મનાય છે. મતલબ કે અનિર્ણાયકતા એટલી જૂની છે. આપણા વડવાઓ ભલે ઘણા અક્કડ ગણાતા હોય, પણ એ લોકો પણ નિર્ણય લેવામાં ઢીલા હતા એ આપણે આ ઇતિહાસને આધારે કહી શકીએ. નિર્ણય લેવા આમેય સહેલા નથી હોતા. જેમ કે સ્ત્રીઓ માટે આજે ક્યા કપડા પહેરવા એ. પુરુષોને આવી દ્વિધા નથી થતી. સ્ત્રી અને પુરુષ તૈયાર થવાની સાથે શરૂઆત કરે તો સ્ત્રી જયારે પોતાના નિર્ણય પર પહોંચે ત્યાં સુધીમાં તો પુરુષ ઓફીસ પહોંચી જાય. પોલીટીક્સમાં પણ સહેલા નિર્ણયો લઈ લેવામાં આવે છે અને અઘરા નિર્ણયો લેવાનું કામ કોર્ટ પર છોડવામાં આવે છે. પછી કોર્ટની કાર્યવાહીમાં વર્ષો વીતે ત્યાં સુધી ‘સૌએ ખાધું પીધુને રાજ કીધું’ સાચું ઠરે !!

મસ્કા ફન

ઘણા લોકોમાં દુનિયાને સિક્કાની બીજી બાજુ બતાવવાની ખુબજ ઉત્સુકતા હોય છે. કમનસીબે આવા લોકો પાસે શોલેના અમિતાભવાળો સિક્કો જ હોય છે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

1 Response to સિક્કો જ કેમ ઉછાળવાનો?

  1. Vimala Gohil કહે છે:

    “ક્રિકેટમાં તો તકની વાત છે પણ અન્ય કિસ્સાઓમાં સિક્કો ઉછાળી નિર્ણય લેવામાં નિર્ણાયકતાનો અભાવ જવાબદાર ગણાય.”

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s