ચાલી નીકળો …


Chali Niklo-01-03-2018-ચાલી નીકળવા અને હાલી નીકળવા વચ્ચે બહુ મોટો ફેર છે. ચાલી નીકળવા પાછળ કોઈ સારો ઉદ્દેશ હોય છે. કોલંબસ અમેરિકા ખંડની શોધ કરવા માટે ભલે વહાણ લઈને નીકળ્યો હતો પણ ટેકનીકલી એને ચાલી નીકળ્યો કહેવાય. ગાંધી બાપુ એ મીઠાનો કાયદો તોડવા માટે દાંડી કૂચની હાકલ કરી હતી અને એમની સાથે હજારો લોકો ચાલી નીકળ્યા હતા. ઘણા શાંતિના સંદેશ સાથે સાઈકલ ઉપર કે ચાલતા નીકળી પડતા હોય છે. કવિવર ટાગોરે કહ્યું છે કે આવા કામોમાં તમને કોઈ સાથ આપનાર ન હોય તો એકલા ચાલી નીકળો. આવી રીતે ચાલી નીકળનારને સમાજમાં માનભર્યું સ્થાન મળે છે.

શરૂઆતમાં કહ્યું એમ ચાલી નીકળનાર પાસે ચાલી નીકળવાનો હેતુ હોય છે. મંઝીલ પર પહોચવાની નેમ હોય છે. એ માટે સાચી દિશામાં અને સમજ પૂર્વક મહેનત કરવાની હોય છે. તમારી સાયકલ સ્ટેન્ડ ઉપર હોય અને તમે પેડલ માર્યા કરો એ ના ચાલે. મંઝીલ એ સાધ્ય છે અને મંઝીલ પર પહોચવા માટે ચાલવું માત્ર એક તદબીર છે, સાધ્ય નથી. ઘાણીના બળદ ચાલતા હોય છે પણ એમને ક્યાંય પહોંચવાનું હોતું નથી. એ પોતે ઘાણીના માલિક માટે તેલ કાઢવા માટેનું સાધન માત્ર છે. બહેરી પ્રિયા ખરીદી માટે હાકલ કરે ત્યારે હું પણ ચાલી નીકળું છું. એ વખતે મને ખબર હોય છે કે હું એણે ખરીદેલી વસ્તુઓના બોક્સ-થેલા ઉચકવા અને પેમેન્ટ કરવા માટેનું સાધન માત્ર છું; પણ એક આદર્શ પતિ તરીકે એની મંઝીલને મારી મંઝીલ ગણી ને ચાલી નીકળું છું. એ વધુને વધુ ખરીદી કરી શકે એ માટે વધુ કમાવા મહેનત કરું છું. બદલામાં સમાજ એટલે કે મારા સાસરીયા મારું શાલ કે લુંગી ઓઢાડીને સન્માન કરે એવી તુચ્છ અપેક્ષાઓ રાખતો નથી.

આની સામે હાલી નીકળવામાં પ્રેક્ટીકલી ચાલી નીકળવાનું હોતું નથી. બૌદ્ધિક સાહસો કરનાર કોઈ પણ બાબ્ભઈ, બચુભ’ઈ કે રંછોડભ’ઈ આ કેટેગરીમાં નામ નોંધાવી શકે છે. પ્રભુ ઈસુએ જે કહ્યું કે ‘આ લોકો શું કરી રહ્યા છે એની એમને ખબર નથી’ એ આવા લોકોને લાગુ પડે છે. ખરેખર એ અબુધ લોકોને ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. જેમ કે ‘સેલ્ફી મૈને લેલી આજ…’ અને ‘દીલોં કા શૂટર હૈ મેરા સ્કૂટર…’ના વિડીયોથી સુર, તાલ અને શબ્દને ગોળીએ દેનાર ઢીંચાક પૂજા! બીજો એક નમુનો છે વિશાખાપટ્ટનમનો રહેવાસી સંગીતકુમાર. એ ભાઈનો અભૂતપૂર્વ દાવો છે કે એ ભૂતપૂર્વ મિસવર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનનો પુત્ર છે! હજી ઐશ્વર્યનો ભાણો કે ભત્રીજો છું એમ કહ્યું હોત તો સમજ્યા કારણ કે એ ભાઈ ઐશ્વર્યાથી માત્ર સત્તર વર્ષ નાના છે! રામ ગોપાલ વર્મા પણ કંઈ કમ નથી. આટઆટલી વાહિયાત ફિલ્મો બનાવ્યા પછી પણ એ ભાઈ નવી ફિલ્મ લઈને આવી જાય છે. સુશ્રી રાખી સાવંત નોંધાવવામાં નંબર વન છે. પોતાના એક શોના લોન્ચિંગ વખતે એ સ્વામી રામદેવ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુકી છે! આવી આઈટમો જોઇએ ત્યારે ઉપરવાળાની સેન્સ ઓફ હ્યુમર માટે માન થઇ આવે.

આપણે બધા ચાલીએ છીએ એ ચાલી નીકળવાનો ‘ચાલુ’ પ્રકાર છે. અમુક લોકો વજન ઉતારવા કે પછી ડોક્ટરની સલાહને લઈને લોકો ચાલવા નીકળતા હોય છે. એકસો વીસ કિલોના મદનિયાને અને ડોક્ટર કસરત અને ડાયેટિંગ પર ઉતારે પછી એ પણ રથયાત્રાના હાથીની જેમ ઝૂલતા ઝૂલતા સવાર સવારમાં નીકળી પડતા હોય છે. કોણ જાણે કેમ પણ ખેંપટની કક્ષામાં આવતા લોકો પણ વગર લેવા દેવાના ચાલવા નીકળી પડતા હોય છે. આવા લોકોને જોઇને પેલા મદનભ’ઈઓ અને ગજગામિનીઓનો જીવ બળી જતો હોય છે. કમનસીબે જીવ બાળવાથી કેલરી બળતી નથી નહી તો લોકો જીમમાં જવાને બદલે આવા ખેંખલી લોકોને જોઇને જ કેલરી બળી નાખે. જોકે ઘણા કુદરતને માણવાના હેતુસર અમસ્તા ટહેલવા પણ નીકળતા હોય છે. તો બીજા ટ્રેક પેન્ટ, ટીશર્ટ અને ખુલ્લા વાળ સાથે જોગીંગ માટે નીકળેલી સુંદરીઓને નયન ભરીને નીરખીને આખા દિવસ માટે ચાર્જ થવા માટે નીકળી પડતા હોય છે. ટપાલી અને કુરિયર બોય પણ ચાલતા હોય છે. આ બધું એમનો નિત્યક્રમ છે. એમાં ‘જોઈ શું રહ્યા છો જોડાઈ જાવ’ની હાકલ સાથે કે ‘આજ મેરે યારકી શાદી હૈ…’ની ધૂન પર નાચતા-કૂદતા નીકળી પડવાનું નથી હોતું. આવી સિદ્ધિઓ મેળવનાર લોકોના ફોટો ‘જ્ઞાતિનું ગૌરવ’ મથાળા નીચે છપાતા નથી. ચાલી નીકળવાના આ બધા પ્રકારમાં કામ પત્યા પછી સામાન્ય રીતે લોકો મૂળ સ્થાને પાછા આવી જતા હોય છે. માત્ર ચાર જણના ખભે ચઢીને નીકળ્યા હોય એ લોકો જ પાછા આવતા નથી. એમની મંઝીલ એક જ હોય છે – અવ્વલ મંઝીલ!

सुन भाई साधो …

બધિર: કવિ, તમારો ઝભ્ભો ટૂંકો નથી લાગતો? આનાથી તો શર્ટ લાંબુ હોય છે.
કવિ: આજકાલ હું ટૂંકી બહેરની ગઝલો લખું છું.
બધિર: હાઈકુ લખવાનો વિચાર માંડી વાળજો.

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , . Bookmark the permalink.

1 Response to ચાલી નીકળો …

  1. kavyendu કહે છે:

    માત્ર ચાર જણના ખભે ચઢીને નીકળ્યા હોય એ લોકો……………ને કાઢી ગયા કહેવાય છે કોઈ એ રીતે ચાલી નથી નીકળતું,એક સૂચન
    બાકી આજકાલ આપનું જોઈને ઘણા બધા મારા જેવા લેખક — હાસ્યલેખક બનવા ચાલી નીકળે છે અને self appointed -nominated Oscar Winner પોતાને જાહેર કરવા હાલી નીકળ્યા છે એમાં આટલું બધું motivation ? જમાનાને ક્યાં લઇ જવા માંગો છો?

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s