મૌખિક પરીક્ષામાં પ્રશ્નનો જવાબ બિલકુલ ન આવડતો હોય ત્યારે જવાબની શરૂઆત ઇંગ્લીશમાં કરવાનો રીવાજ છે
શિક્ષકોની પરીક્ષાઓ લેવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ગુરુ-શિષ્યની પુરાણ કથાઓ સાંભળી છે એમાં ગુરુ હાલતા અને ચાલતા શિષ્યની પરીક્ષા કરતા. પરંતુ હવે સ્કૂલના ગુરુઓ એટલા નવરા નથી એટલે વરસમાં એક કે બે મુખ્ય પરીક્ષાઓ આવે છે. પરીક્ષાનું કેલેન્ડર પણ આગાઉથી જાહેર કરવામાં આવે છે અને બોર્ડની પરીક્ષા પહેલા રીડીંગ વેકેશન પણ આપવામાં આવે છે. ટ્યુશન ક્લાસના ગુરુઓ જોકે કદાચ પ્રમાણમાં નવરા હોય છે એટલે એ લોકો પાછા દર અઠવાડિયે યુનિટ ટેસ્ટ લેતા હોય છે. આવી યુનિટ ટેસ્ટ પરથી લગભગ બધા વાલીઓને એટલું જાણવા મળતું હોય છે કે એમનો છોકરો કે છોકરી છે તો હોંશિયાર પણ નાની નાની ભૂલો કરીને માર્ક ગુમાવે છે. થોડું ધ્યાન આપે તો ઘણા સારા માર્ક આવે એમ છે. એ પછી નાની નાની ભૂલો મોટા પ્રમાણમાં કરીને સ્ટુડન્ટ ફેઈલ થાય ત્યારે શરમના માર્યા ક્લાસવાળા પાસે ફી પછી માગવા જઈ શકાતું નથી એટલે ગરીબકી જોરુ જેવી શિક્ષણ પદ્ધતિ અને સરકારી ટીચરો હડફેટે ચઢતા હોય છે.
એન્જીનીયરીંગમાં સેમેસ્ટર પદ્ધતિ હોય છે જેમાં વરસના બે સેમેસ્ટર હોય એટલે બે એક્ઝામ હોય. એટલે વરસમાં કમસેકમ બે વાર તો વાંચવું જ પડે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજ હોય, નસીબ જોગે એમાં જે તે વિષયના લેકચરર પણ હોય અને સ્ટુડન્ટને સમય હોય તો ક્લાસ ભરવા પડે બાકી સીધી જ પરીક્ષા! જોકે અમે ભણતા હતા ત્યારથી એવી અફવા ચાલે છે કે એન્જીનીયરીંગના થીયરી પેપરમાં વાર્તા લખો તો પણ પાસ થઈ જાવ.
અમુક ડમી પરીક્ષા આપનારના અપવાદને બાદ કરો તો લેખિત પરીક્ષામાં પેપર જાતે લખવાનું હોય છે. લેખિતમાં સારા અક્ષરના માર્ક મળે છે એવી અફવા છે કે હકીકત એ ખબર નથી, પણ અમે પેપર ચેક કર્યા છે અને ખરાબ અક્ષર ધરાવતા વિદ્યાર્થીને ફેઈલ કરવાની અમને અદમ્ય ઈચ્છા થઈ આવે છે જેને ટોટલ કરતા સુધી દબાવી રાખીએ છીએ. સામાન્ય રીતે સપ્લીમેન્ટરીના પહેલા પાના ઉપર મોતીના દાણા જેવા અક્ષરો જોવા મળે છે, પાંચમાં પાનાથી માત્ર દરેક શબ્દનો પહેલો અક્ષર વાંચી શકાય એવો હોય છે અને સાતમા આઠમા પાનાથી વાક્યના માત્ર પહેલા અક્ષર પરથી બાકીના વાક્યની ધારણા કરી લેવાની હોય છે. રીઢા પરીક્ષકો પહેલા પાના પરના અક્ષરોથી અંજાતા નથી એ વિદ્યાર્થી આલમની જાણ સારું. બાકી, ખરાબ અક્ષર માટે પંકાયેલા ડોકટરો ભણવામાં અને માર્ક્સની રીતે આગળ હોય છે એ જોતા આ સારા અક્ષરના માર્કવાળી વાતનો છેદ ઉડી જાય છે.
મૌખિક પરીક્ષામાં (વાઈવા) ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે જવાબ ના આવડતો હોય એવી છાપ પડે એના કરતા ગપ્પા મારીએ છીએ એવી છાપ પડે તે વધારે સારું. એમાં પણ જવાબ બિલકુલ ન આવડતો હોય ત્યારે જવાબની શરૂઆત ઇંગ્લીશમાં જ કરવાનો રીવાજ છે; પછી ભલે ઇંગ્લીશમાં ગ્રેસના માર્કથી પાસ થયા હોય. વાઈવામાં ચાર જણા સાથે બેસાડ્યા હોય એવા કિસ્સામાં જેને પ્રશ્ન પૂછાયો હોય એ સિવાયના બધાને એનો જવાબ આવડતો હોય છે જે એ લોકો બહાર નીકળ્યા પછી જ જાહેર કરતા હોય છે. ઘણી વાર વિજ્ઞાનમાં શોધાઈ ચુકેલા નિયમો ઉપરાંત વધારાના નિયમો પણ વાઈવા દરમ્યાન પ્રગટ થતા હોય છે. અમે એન્જીનીયરીંગમાં ફ્લુઇડ મિકેનિકસના વાઈવામાં સામે બેઠેલા ચાર વિધાર્થીઓને ન્યુટનના ગતિનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો નિયમ પૂછ્યો હતો. એમાં ત્રીજો નિયમ બધાને આવડતો હતો પણ જેને ચોથો નિયમ પૂછ્યો એ વિદ્યાર્થીએ પણ ચોથો નિયમ તાત્કાલિક શોધીને જવાબ આપ્યો હતો. અમે આગ્રહ કર્યો હોત તો કદાચ એ પ્રેક્ટીકલ કરીને પણ બતાવત.
પ્રેક્ટીકલ પરીક્ષામાં તમને આવડતું હોય એનું પરીક્ષકને નિદર્શન કરવાનું હોય છે. ગુરુ દ્રોણ પ્રેક્ટીકલ પરીક્ષા જ લેતા હતા અને એમાં કૌરવ-પાંડવોની ક્વોલીફાયિંગ એક્ઝામમાં ‘તમને શું દેખાય છે?’ જેવો સંદિગ્ધ પ્રશ્ન પૂછ્યો હતો જેમાં અર્જુન સિવાય બધા ફેઈલ થયા હતા. આમ છતાં દ્રોણના ઘર સામે વાલીઓએ દેખાવ નહોતા કર્યા. એ જમાનામાં પણ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જેવું હતું. દ્રોણ ગુરુએ એકલવ્યને એક કલાક પણ ભણાવ્યો નહોતો છતાં ધનુર્વિદ્યાની ઊંચામાં ઉંચી ફી વસુલી હતી. એમાં એ તો પાછો અનરજીસ્ટર્ડ એકસર્નલ સ્ટુડન્ટ હતો! .
ઓબ્જેક્ટીવ પરીક્ષામાં વિકલ્પ મળે છે. ઓબ્જેક્ટીવ પરીક્ષાના પ્રશ્નોને ગુજરાતીમાં હેતુલક્ષી પ્રશ્નો કહે છે, પરંતુ મોટે ભાગે એ પ્રશ્નોનો એક માત્ર હેતુ વિદ્યાર્થીને ગોટે ચઢાવવાનો જ હોય છે. જેમણે જી.પી. એસ.સી.ની પરીક્ષાઓ આપી હશે એમને આ વાતની ખબર હશે. એક પ્રશ્નનો જવાબ આપવા માટે સમય પણ એટલો ઓછો આપવામાં આવે કે તમે જરૂરી ગણતરી પણ ન કરી શકો! જેમ કે તમને પૂછવામાં આવે કે તમારા શરીરમાં કુલ કેટલા હાડકા છે? તમારા બધા અંગો સલામત હોય તો તમે આ પ્રશ્નનો જવાબ ત્યાં બેઠા બેઠા ગણીને આપી શકો એમ હોવ તો છતાં પણ એટલો સમય નથી આપવામાં આવતો. ઓબ્જેક્ટીવ ટેસ્ટમાં તમારે ચાર કે પાંચ વિકલ્પમાંથી એક પર ટીક કરવાની હોય છે. જો આ પરીક્ષામાં પાંચ વિકલ્પ હોય તો તમારો જવાબ સાચો હોય તેની ૨૦% સંભાવના હોય છે. ગણિતમાં સંભાવનાનો સિધ્ધાંત ભણેલા લોકો આ થીયરીનો ઉપયોગ કરીને ગપ્પા મારતા હોય છે. બાકીના અક્કડ બક્કડ બોમ્બે બો …નો મંત્ર ભણીને અડસટ્ટે જવાબો આપતા હોય છે. ટીડો જોશી આ રીતે પાસ થયેલો પહેલો વિદ્યાર્થી હતો.
મસ્કા ફન
સત્ય શોધવાની જીદ ઉપર આવી ગયેલા માણસની હાલત પોતાની જ પૂંછડીને કરડવા મથતા કૂતરા જેવી હોય છે.
Like this:
Like Loading...
Related
About 'બધિર' અમદાવાદી
Columnist with:
નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi)
ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા)
Wrote for:
મારી સહેલી મેગેઝીન (Monkey बात)
અભિયાન મેગેઝીન (Special issues)
દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)