પાણી બચાવવાના આઈડિયા


Overhead-Showerસાઉથ આફ્રિકાના શહેર કેપ ટાઉનમાં દુકાળની પરિસ્થતિ સર્જાતા એના તરંગો દુનિયામાં ફેલાયા છે. તમે કહેશો દુકાળના તરંગો? યસ, દુકાળના તરંગો. ઈલેક્ટ્રોનિક મીડિયામાં શ્રીદેવી બાથટબ એપિસોડ પછી હવે રીપોર્ટીંગની ભાષામાં પ્રયોગો કરવાનું શરુ થાય એ દિવસો દૂર નથી. હા, તો આ દુકાળના તરંગોની સિંગાપોરમાં અસર એ થઈ છે કે ત્યાં સરકારે જુના શાવરને બદલે સ્માર્ટ શાવર નાખવાનું શરુ કર્યું છે જે પાણી તો ઓછું વાપરે જ છે પરંતુ જો તમે નિર્ધારિત કરતા વધુ પાણી વાપરો તો એનું મોનીટરીંગ કરે છે, અને તમને એલર્ટ પણ કરે છે કે, ‘બસ, બહુ થયું બાબુલાલ હવે બહાર નીકળો!’. આમ તો આ કામ આપણે ત્યાં મમ્મીઓ કરતી જ હોય છે છતાં મમ્મીઓને સ્માર્ટ મમ્મી નથી કહેવામાં આવતી એ વિડમ્બના છે. હોસ્ટેલમાં પણ તમે નિરાંતે નહાતા હોવ અને બહારથી કોઈ બારણું એવી રીતે ધબધબાવે કે જાણે ધરતીકંપ આવ્યો હોય! એમાં પાછું ખખડાવનારને નહાવું હોય એવું જરૂરી નથી! તમે ઉતાવળ કરીને બહાર નીકળો ને પેલો તો ખાલી મોજ માટે ખખડાવી ને જતો રહ્યો હોય!

શાવર લેતી વખતે મુંગેરીલાલ પ્રકૃતિના માણસો ઘણી વખત વિચારોમાં ખોવાઈ જતા હોય છે. એમાં પણ કોઈ ફૂમતા પર મનડું મોહી ગયું હોય પછી તો – મુમન લાગી તુમના, ને તુમન લાગી મું – એયને ઉપરથી પાણી પડતું રહે અને જીગો બગલમાં સાબુ ઘસતો રહે! સાબુ ઘસાઈને ચપતરી થઇ જાય અને જીગાની બગલમાં કાપા પડે ત્યારે જીગો ભાનમાં આવે અને ત્યાં સુધીમાં તો ઘણું પાણી ગટરમાં વહી ગયું હોય. આવા સ્નાનમાં ચકલી ચાલુ કરવા અને સાબુ ઘસવા સિવાય જાતક અન્ય કોઈ રીતે ભાગ લેતો નથી. હવે એવા સેન્સર આવે છે જે માણસની હલનચલન જણાય તો પાણી ચાલુ કરે અને હલનચલન બંધ થઈ જાય તો પાણી આવતું ઓટોમેટીક બંધ થઈ જાય. આ ટેકનોલોજી શાવરમાં પણ વાપરવાની જરૂર છે જેથી કરીને માણસ વિચારોમાં ખોવાઈ જાય તો શાવરમાંથી પાણી આવતું આપોઆપ બંધ થઈ જાય. જેને વધુ વિચારો આવતા હોય અને પાણી બંધ થવાથી પણ ન જાગે તેમના માટે ઓડિયો એલર્ટ આપી શકાય. ‘જીગાભ’ઈ, સાબુ ઓગળી ગયો, હવે ક્યા સુધી બગલ ખંજવાળશો?’ આવો અવાજ આવે તો જીગાભ’ઈ ભોંઠા પડે પણ કોઈ જોનાર ના હોય એટલે ઝડપથી શરીર પરનો સાબુ કાઢીને નીકળી જાય.

આજકાલ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ફિંગરબાઉલ (બાઉલ નહીં બોલ બસ!) આપવાની પ્રથા લુપ્ત થવાને આરે છે. એના બદલામાં હવે વેટ ટીસ્યુ આપવામાં આવે છે. અવકાશમાં વજન વિહીન દશામાં પાણી વહી શકતું નથી એટલે ત્યાં પણ શાવર કે ડોલ-ડબલા-સાબુ સીસ્ટમ હોતી નથી. એ લોકો પાણી વગરના ડ્રાય શેમ્પૂથી વાળ ધોતા હોય છે અને ભીનો ટુવાલ ઘસીને નહાતા હોય છે. ટૂંકમાં શરીર પર પોતુ મારવાનું. આના પરથી પ્રેરણા લઈ નહાવા માટે તમે પણ ભીનો રૂમાલ આપી વાપરવા માંડો તો ખાસું પાણી બચે. એમાંય તમે બાથરૂમનું ઇન્ટીરીયર સ્પેસ શટલ જેવું કરાવશો તો અવકાશયાત્રી જેવી ફિલ પણ આવે! આ પધ્ધતિના ટેકનીકલ પાસાને જોઈએ તો તમે જેટલો પાતળો રૂમાલ વાપરશો એટલું વધુ પાણી બચશે. આપણા વડીલો ટુવાલને બદલે પંચિયું વાપરતા એનો હેતુ પાણી બચાવવાનો જ હશે. એડવાન્સ સાધકો હોસ્પીટલમાં પેશન્ટ્સને સ્પંજબાથ કરાવતા નર્સિંગ સ્ટાફ પાસે ટ્રેઈનીંગ પણ મેળવી શકે.

દૂરદર્શન પર આવતા કૃષિદર્શન કાર્યક્રમ વચ્ચે આવતી ટપક સિંચાઈ પદ્ધતિની જાહેરાતો જોઈ જોઈને અમે એટલા એક્સપર્ટ થઇ ગયા છીએ કે પરીક્ષામાં ટપક પદ્ધતિના ફાયદા કે ટૂંકનોંધ પૂછાય તો પાંચ માર્ક રોકડા આવે. શાક-ભાજી ઉગાડવા માટેના ગ્રીન હાઉસમાં મિસ્ટિંગ કે ફોગીંગ માટે અતિ ઝીણા ફુવારા વપરાતા હોય છે. નહાવામાં પણ આ પદ્ધતિ અમલમાં મુકવા જેવી છે. હેરકટિંગ સલુનમાં વપરાતો ફુવારો એ પાણી બચાવવાનો આવો જ એક અન્ય ઊપાય છે. ઘરાકની દાઢી કરી લીધા પછી પછી ફુવારો મારી અને કોરા નેપકીનથી લૂછ્યું એટલે ફીનીઈઈઈશ .. આવું નહાવામાં કેમ ન થઇ શકે?

આપણે ત્યાં તો જોકે શાવર અને શાવરમાં પ્રેશર સાથે પાણી આવતું હોય તો તમે નસીબદાર કહેવાવ. બાથટબ તો લક્ઝરી છે. જોકે ડોલથી નહાવામાં પણ પાણીનો બગાડ થઈ શકે છે અને એ અટકાવવો જોઈએ. ડોલો ઉભરાય નહીં તે માટે ઓટોમેટીક નળ હોવા જોઈએ જે ડોલમાં પાણીનું લેવલ અમુક સુધી પહોંચે એટલે બંધ થઈ જાય. અમે હોસ્ટેલમાં ભણતા ત્યારે હેક્ઝો બ્લેડની પટ્ટીથી બે ડોલ પાણી ગરમ કરી નહાવા જતાં. ઉકળતા પાણીની એક ડોલ તો ફ્લોરને સ્ટરીલાઈઝ કરવામાં વપરાઈ જતી!

​દિલ્હીમાં ટ્રાફિક માટે એકી-બેકી સિસ્ટમ હમણાં હમણાં આવી પણ ઉપરવાળાએ આદિમાનવના જમાનાથી મનુષ્યમાં જે એકી-બેકી સિસ્ટમ ફિટ કરી છે એમાં આપણે ત્યાં પાણી જ વપરાતું હોઈ ઘર દીઠ પાણીની જરૂરિયાત વધુ રહે છે.  હવે સરકારની નજર લોકોના ટોઇલેટ ઉપર છે! ચિંતા ન કરશો. સરકાર તમારા બાથરૂમમાં સીસી ટીવી મુકાવવાની નથી. એક અભ્યાસ કહે છે કે બે નંબર કરતા એક નંબરની ક્રિયા પછી ફ્લશિંગ માટે બહુ ઓછા પાણીની જરૂર હોય છે છતાં ફૂલ ફ્લશ કરવામાં આવતું હોય છે. એટલે જ સરકાર નવા મકાનો, ઓફીસ, દુકાનોમાં ડ્યુઅલ ફ્લશિંગ સીસ્ટમ નખાવવાનું ફરજીયાત કરવાની છે. પછી કાઠીયાવાડી ભોજન જેવું – જેટલું ખાવ એટલું જ ખરચવાનું!

મસ્કા ફન
“આ તમારો રેડિયો ગોળ ગોળ કેમ ફરે છે?”
“કલ્લાકમાં ત્રીજીવાર ‘ઘૂમર’ સોંગ વાગ્યું એટલે”

 

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s