આપણે ત્યાં સહજીવનની શરૂઆત હનીમૂનથી જ થતી હોઈ ટુર પ્લાન કરવામાં જીવનસાથીની રસ-રૂચીનો ખ્યાલ રાખવો ખુબજ જરૂરી છે. અમે હનીમૂન પર કોવાલમ જતા હતા ત્યારે અમારી સાથે ટ્રેનમાં એક નવપરિણીત બેન્કર દંપતી સાથે થઇ ગયું હતું. વાત વાતમાં પેલાએ કહ્યું કે “મને ટ્રેકિંગનો બહુ જ શોખ છે અને લગભગ બધા જ જાણીતા ટ્રેક મેં સર કરેલા છે. એટલે મેં તો આને નીકળતા પહેલા જ સ્પોર્ટ્સ શુઝ અપાવી દીધા છે.” મેં જોયું તો બંને એ મોંઘામાંના સ્પોર્ટ્સ શુઝ પહેર્યા હતા. કોવાલમ પહોંચ્યા પછી અમે લોકો રોજ સવારે સાથે જુદા જુદા બીચ ઉપર જવા નીકળી જતા. હું અને બહેરી પ્રિયા તો બીચ ઉપર નહાતા કે બેસીને અલકમલકની વાતો કરતા, જયારે એ લોકો જ્યાં કોઈ ન ગયું હોય એવી ભેદી જગ્યાઓની શોધમાં નીકળી પડતા અને રાત્રે આવીને ડીનર ટેબલ પર એની વાતો કરતા. હરામ છે જો એમને દરિયાનું પાણી અડ્યું પણ હોય તો! ત્રીજા દિવસે સવારે અમે એ બંને આવે એની રાહ જોતા લોન્જમાં બેઠા હતા ત્યાં પેલો નાઈટ ડ્રેસમાં સ્લીપર ઘસડતો આવ્યો. મેં પૂછ્યું “શું થયું?” તો કહે “ગઈકાલના એના પગ દુ:ખે છે. અત્યારે તો પથારીમાંથી ઉભી પણ થઇ શકતી નથી એટલે દવા લેવા નીકળ્યો છું.”
આવા કારણથી જ હનીમુનની ટુરમાં સહ્પ્રવાસીઓનો પ્રકાર પણ નક્કી કરી લેવો જરૂરી છે. મોટે ભાગે તો પોતાની પત્ની સાથે જ હનીમુન પર નીકળવાનો રીવાજ છે. જો તમારા તાજેતરમાં જ લગ્ન થયા હોય અને તમે હનીમુન માટે નીકળતા હોવ તો બા-બાપુજીને ઘેર રાખશો તો ઠીક પડશે. બીજું, એમાં ‘લોગ આતે ગયે કારવાં બનતા ગયા’ના ધોરણે હાથમાં ધજાનો ડંડો ઝાલીને ડીજેના તાલે નાચતા નાચતા નીકળવાનું પણ હોતું નથી. તમારા જેવા જ એકાદ બે કપલ હોય ત્યાં સુધી ઠીક છે. પૈસા બચાવવાની લ્હાયમાં યાત્રા સ્પેશીયલ ટુરમાં ટિકિટ બુક કરાવવાની ભૂલ કરશો તો આખું હનીમુન જય બોલાવવામાં પૂરું થશે. દરિયા કિનારે વાતાવરણ સમધાત હોય છે એટલે બીચ સૌથી સારું ડેસ્ટીનેશન ગણાય છે.
દરેક ટુરિસ્ટ પ્લેસનો અલગ મૂડ હોય છે અને તમે એ મુજબ કપડા નહિ લીધા હોય તો તમે બીજા ટુરિસ્ટનો પણ મૂડ પણ બગાડશો. ગયા વર્ષે અમે ગોવાના બીચ ઉપર કેટલીક આઈટમોને લુંગી પહેરીને દરિયામાં ધુબાકા મારતી જોયેલી! એ આઈટમો લગભગ તો આપડી બાજુની જ હશે! બાજુમાં સાડી-સલવાર કમીઝમાં સજ્જ કાકીઓ જલપરી બનીને છબછબીયા કરતી બેઠી હતી. બીજા અમુક ટુવાલધારીઓ ગંજી-ચડ્ડીઓ સૂકવવા માટે રેતી પર પાથરીને આસપાસ ફરતી વિદેશી બીકીની બેબ્ઝને નિહાળીને નિસાસા નાખતા હતા. અલા ભ’ઈ, સોમનાથના દરિયા અને ગોવાના દરિયા વચ્ચેનો ભેદ તો સમજો! અને આવી રોમાંટિક જગ્યાએ જઈને પણ તમે પહેરી-ઓઢીને માણી શકવાના ન હોવ તો પછી ગોવા સુધીનો ખોટો ધક્કો ખાશો નહિ. તમારા માટે ડુમસ, ઉભરાટ અને ચોરવાડ જ બરોબર છે. સમજ્યા?
જે લોકો ચના જોરગરમવાળા સાથે ‘ભૈયાજી દસ રૂપિયે મેં સીરીફ દો ડબલી ચને? ઔર જરા ડુંગળી તો જાસ્તી ડાલો ..’ કહીને ભાવતાલ કરવા માટે જ બીચ પર ફરવા જતા હોય એમને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સિક્યોરીટી ચેકમાં જ રોકી લેવા જોઈએ. જેટલો ડુમસ, ઉભરાટ કે ચોરવાડના દરિયા અને દિવના બીચમાં ફેર છે, એટલો જ ફેર ગોવા અને દિવના બીચ વચ્ચે પણ છે. અહીં ગોવા અને દિવના પ્રતિકથી કવિ કહેવા શું માંગે છે એ રસિયાઓ ખબર જ હશે. ગોવા અને દિવના પ્રવાસીઓમાં પણ તમને દેખીતો ફરક લાગશે. દિવના પ્રવાસીઓને ૨૪ કલાકમાં કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ કે અમદાવાદ પહોંચવાનું હોઈ દરેક જણ ઉતાવળમાં હોય છે. આવા ‘દિવ્ય’ પ્રવાસીઓ ગોવામાં પણ અલગ તરી આવે છે. જયારે ગુજરાતીઓ સિવાયના લોકો ગોવામાં નિરાંતે ફરતા દેખાશે. તમે ‘દિવ્ય’ પ્રવાસી છો એ તમારા જીવન સાથીને ખબર ન હોય તો હનીમુન માટે ગોવા ન જતા. અમથો જીવ બળશે.
કરુણતા એ છે કે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતનો હોવા છતાં યુવા પ્રેમીઓને જઈને બેસવાનું મન થાય એવો એકોય બીચ નથી. અહીં તો તમે તમારાવાળીનો હાથ પકડીને ટહેલવા નીકળો તો પબ્લિક મદારીના ખેલની જેમ કુંડાળે પડીને જોવા ભેગી થઇ જશે. આ પરિસ્થિતિમાં આપણે ત્યાં ઊંટિયાઓના નસીબ ઉઘડે એમાં નવાઈ નથી. યસ, આપણે ત્યાં દરિયા કિનારે સજોડે ઊંટ સવારી કરવાની ફેશન છે. અમે તો કહીએ છીએ કે ગુજરાતના બીચ ટુરિઝમને પ્રમોટ કરવા માટે મોડેલ તરીકે ઊંટને જ રાખો બોસ કારણ કે આપણા દરિયા કિનારાઓ ઉપર ઊંટ બેસવા અને ચના જોરગરમ ખાવા સિવાય બીજું કઈં કરવાનું હોતું નથી. ઊંટની સવારી અને સાથે બાઈટિંગમાં ચના જોરગરમ! વોટ અ કોમ્બિનેશન! ભ’ઈ વાહ! આમાં કઈં નો ઘટે હોં. અહીં વાંધો હોય તો માત્ર ઊંટને હોઈ શકે કારણ કે ગુજરાતની અસ્મિતાનું રક્ષણ કરવાની જવાબદારી એની છે.
सुन भाई साधो …
જીવન અને કબજિયાતમાં આપબળે સફળતા મેળવવાની હોય છે.
—–X—–X—–
Like this:
Like Loading...
Related
About 'બધિર' અમદાવાદી
Columnist with:
નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi)
ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા)
Wrote for:
મારી સહેલી મેગેઝીન (Monkey बात)
અભિયાન મેગેઝીન (Special issues)
દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)