અમદાવાદના નવા રોડની ફોઈ કોણ?


S G Highway.jpgમદાવાદમાં મુનસીટાપલીની જાણ બહાર અમુક રોડ બની ગયા છે. નવાઈ લાગે એવી વાત છે ને? આ રોડ બનાવ્યા છે બિલ્ડરભાઈઓએ. બબ્બે નવાઈ લાગી? એક તો બિલ્ડરો શું કામ રોડ બનાવે? બીજું, બિલ્ડરભાઈ જેવું સંબોધન અસ્તિત્વમાં જ નથી. બીજીની ચોખવટ પહેલા કરીએ. કોઈના વ્યવસાય કે જાતિની પાછળ ભાઈ લગાડવાનો રીવાજ બાળવાર્તાઓના પાત્રો કે પછી કલાકારો, વ્યવસાયીઓ, શ્રમજીવીઓ કે વંચિતો માટે જ અસ્તિત્વમાં છે. હાથીભાઈ, મગરભાઈ, વાંદરાભાઈ, માંગવાવાળાભાઈ, વાળવાવાળાભાઈ, દુધવાળાભાઈ, પંચરવાળાભાઈ, ફૂલવાળાભાઈ વગેરે વગેરે જેવું બધું જ ચાલે છે. પણ બિલ્ડરભાઈ, નેતાભાઈ, ઇન્સ્પેકટરભાઈ, ડોક્ટરભાઈ, એપીએમસી સેક્રેટરીભાઈ આવું ના જોવા મળે!

હવે પહેલી ચોખવટ કે શું બિલ્ડરોએ રોડ બનાવ્યા છે? ના, પરંતુ રોડના નામ જરૂર પાડ્યા છે. જેવા કે ન્યુ સીજી રોડ, ન્યુ એસજી રોડ, ન્યુ નરોડા રોડ. એસજી રોડથી માત્ર ૨૦ મીનીટના અંતરે ન્યુ એસજી રોડ આવ્યો છે, એવું કોઈ નવી સ્કીમની રવિવારના છાપામાં જાહેરાત વાંચે ત્યારે રિડરભાઈને ખબર પડે. પછી પહેલાનું જોઇને બીજા બિલ્ડરભાઈ પણ એજ રોડ પર સ્કીમ મુકે, પછી ત્રીજા મુકે. બ્રાહ્મણની બકરીને જેમ ત્રણ જણાએ કુતરું કીધું એથી કુતરું બની ગઈ એમ ન્યુ એસજી રોડ પાકા એડ્રેસમાં છપાઈ જાય. પછી ભલે એ રોડ સરખેજ કે ગાંધીનગર ક્યાંય ન જતો હોય! અથવા સોલા-ગોતા રોડ હોય. એવી જ રીતે મૂળ સીજી રોડ નવરંગપુરામાં આવ્યો છે. પણ ન્યુ સીજી રોડ ચાંદખેડામાં આવ્યો છે. સીજી રોડ એટલે શેઠ ચીમનલાલ ગીરધરલાલ રોડ. તો ન્યુ સીજી રોડ એટલે નવા શેઠ ચીમનલાલ ગિરધરલાલ ગણવાનું? અલ્યા તમે કોઈને પૂછ્યું’તુ કે બસ એમ જ? અમે પૂછ્યું તો જાણવા મળ્યું ન્યુ સીજી રોડ એટલે નવો ચાંદખેડા-ગાંધીનગર રોડ! જય હો! જોકે અહીં કવિ બિલ્ડરભાઈ ધરાર ન્યુ સીજી રોડ નામ આપી શું કહેવા માંગે છે એ સ્પષ્ટ થતું નથી. છતાં એટલું તારણ કાઢી શકાય કે સીજી રોડ અને એસજી રોડના નામે સ્કીમ વેચાઈ જશે એ ગણતરીથી બિલ્ડરભાઈઓ આ રોડની ફોઈ બની ગયા હશે. ગામમાં અને મુનસીટાપલીમાં કોઈ જાણે નહિ ને તોયે હું રોડની ફોઈ!!! રોયાઓ એમ ફોઈ ના બનાય!

તમે જોજો કે સાંકડા ગાંધી રોડ, રીલીફ રોડ કે સલાપસ રોડની નકલો નથી બનતી. ન્યુ રીલીફ રોડ, ન્યુ ગાંધી રોડ કે ન્યુ સલાપસ રોડ કેમ નથી? કેમ કોઈ બિલ્ડરભાઈની સ્કીમ ન્યુ રીલીફ રોડ પર આવી છે એવી જાહેરાત આપણને એફએમ રેડિયો પર નથી સાંભળવા મળતી? કારણ કે ન્યુ રીલીફ કે ન્યુ ગાંધી રોડ પર ચાલવાની પણ જગા નહીં મળે એવું ખરીદનારના મગજમાં ઠસી ગયું છે એટલે ત્યાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરે.

એરિયા અને રોડના નામ પાડવાની બાબતમાં આપણી પબ્લિક સદંતર નિષ્ક્રિય છે. જેને કારણે અમુક નામ સ્વયંભુ પડી ગયા છે. સૌ જાણે છે કે સેટેલાઈટ અવકાશમાં પંદરથી વીસ હજાર કિલોમીટર ઉંચે ફરતા હોય પણ દૂરથી દેખાતી ડીશ એન્ટેનાના લીધે સ્પેસ એપ્લીકેશન સેન્ટરની આસપાસનો વિસ્તાર સેટેલાઈટ તરીકે ઓળખાય છે અને નહેરુનગરથી ત્યાં જવા સુધીનો આખો રસ્તો સેટેલાઈટ રોડ તરીકે ઓળખાય છે. એવું જ ડ્રાઈવ-ઇન રોડનું પણ છે. જવાહરચોક-મણીનગરથી ઇસનપુર જતો રસ્તો વેરાન હતો એ સમયે વચ્ચે પહેલી બનેલી સોસાયટીમાં માત્ર ભાડુઆતો રહેતા અને એટલે એ વિસ્તાર ભાડુઆતનગર તરીકે ઓળખાતો થયો, બાકી નામ તો રૂડું વશિષ્ઠનગર કો. ઓ. હા. સો. લિ. છે! એ વિસ્તાર આજે પણ ભાડુઆતનગર તરીકે ઓળખાય છે. એક જમાનામાં અમે આ ભાડુઆતનગર વિસ્તારમાં રહેતા ત્યારે ક્રેડિટકાર્ડ વેચવાવાળાનો ફોન આવતો ત્યારે અમે સરનામામાં “મણિનગરમાં ભાડુઆતનગર સામે” એવું એડ્રેસ લખાવતા. એ પછી એ બેંકમાંથી ફોન આવવાના બંધ થઈ જતા!

અત્યારે તો લાડનું નામ ન પાડવાની ફેશન ચાલે છે પરંતુ એક જમાનામાં બાળકનું વિધિવત રીતે નામ પાડવામાં ન આવે ત્યાં સુધી એને બકો કે લાલો કહીને બોલાવતા. પછી આખી જિંદગી પુરુષોત્તમભાઈ લાલા તરીકે જ ઓળખાય! આવું વિસ્તારના નામમાં પણ થાય છે. ધારો કે ગામથી દૂર એક સોસાયટી બને જેનું નામ બિલ્ડરભાઈના પિતાશ્રીના નામ પરથી ‘શ્રી બાબુલાલ કો. ઓ. હા. સો. લી.’ પાડ્યું હોય. પછી આજુબાજુ બીજી સોસાયટીઓ ઉભી થાય જેમનું સરનામું ‘બાબુલાલ સોસાયટીની બાજુમાં/પાસે/સામે/થી આગળ’ એમ લખાતું થાય. આમ એ વિસ્તારનો વિકાસ થાય અને વર્ષો બાદ મુનસીટાપલી બાબુલાલ સોસાયટી તરફ જતા રસ્તાને કોઈ મહાપુરુષનું  નામ આપવા જાય ત્યાં સુધીમાં તો બાબુલાલ એટલા ફેમસ થઇ ગયા હોય કે એ રસ્તો જ ‘બાબુલાલ રોડ’ તરીકે ઓળખાતો થઇ ગયો હોય! એટલું જ નહિ પણ બાબુલાલ ગુજરી ગયા ત્યારે જે માથાબોળ નહાયા પણ ન હોય એવા બાબુલાલ સોસાયટીના રહીશો નવા નામના વિરોધમાં ઉપવાસ ઉપર પણ ઉતરી આવે!

વિસ્તાર અને રસ્તાના નામો પણ ગમી જાય એવા હોવા જોઈએ. સામાન્ય રીતે આસપાસના ગામડા શહેરમાં ભળે પછી એ જ નામ ચાલુ રહેતા હોય છે. ઠીક છે અત્યારે તો ગામના નામો ચાલી જાય એવા છે પણ ભવિષ્યમાં અમદાવાદનો વિસ્તાર થાય અને અત્યારના બોપલની જેમ બિલ્ડરો કોઈ રમણકાકાની મુવાડી ગામને ઉઠાવે તો શી હાલત થાય? શું તમે કોઈને ‘બોસ, આપણે રમકાકાની મુવાડી રોડ પર સ્વીમીંગ પુલ અને પર્સનલ જીમ સાથેનો 5 BHKનો બંગલો બનાવ્યો છે. આઓ કભી હવેલી પે.” કહી શકવાના છો?

મસ્કા ફન

ખોલકા અને મોટા થઈને અક્કલમઠા નિવડનાર નાનપણમાં તો ક્યુટ જ લાગતા હોય છે.  

 

—–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

2 Responses to અમદાવાદના નવા રોડની ફોઈ કોણ?

  1. जिगर ठक्कर કહે છે:


    https://polldaddy.com/js/rating/rating.jsमुन्सी टापली हा हा हा हा हा
    जोरदार भाई मजा आवि

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s