બરફ ગોળો


Baraf Goloજકાલ છોકરીઓ સેલ્ફી લેતી વખતે હોઠથી પાઉટ બનાવતી હોય છે. નાયિકાની આ અદાને કવિઓએ હજી સુધી એમની કવિતાઓમાં વણી નથી એટલે સર્ટિફાઈડ અદા તો ન ગણાય પણ ફેસબુક ઉપર આવા ફોટાને હજાર દોઢ હજાર લાઈક્સ તો આસાનીથી મળી જતા હોય છે. અહીં વાત પાઉટની છે. પાઊટ એટલે સામે કોઈ હોય નહિ પણ નાના બચ્ચાને બકી ભરવા જતા હોવ એમ હોઠ લંબાવી અને એ અવસ્થામાં જ સેલ્ફી લેવાનો. મૂળભૂત રીતે આ ક્રિયા ગોળાચૂસ મુદ્રા કહેવાય. જેમને બરફના ગોળા ખાવાનો શોખ હશે એમને ખબર જ હશે. મોલ્ડના બે ફાડિયા વચ્ચે રૂના પોલ જેવું બરફનું છીણ દાબી અને એમાં સળી ખોસીને નાની ગદા કે ઘૂઘરા જેવો આકાર આપ્યો હોય; ઉપર ઓરેન્જ, કાલાખટ્ટા કે રોઝનું શરબત રેડીને રસ નીતરતો ગોળો પેશ કરવામાં આવે અને એને ચૂસવાની તલબમાં હોઠ લાંબા થાય એને પાઊટ કહેવાય.

જોકે બરફ ગોળો ખાતી વખતે સેલ્ફીની જેમ આંખો ત્રાંસી કરીને કેડ પર હાથ મુકીને વળવાનું હોતું નથી. બીજું, ગોળો ખાવામાં બંને હાથને ધંધે લગાડવાના હોય છે. એક હાથે સળી પકડીને ગોળો ચૂસતી વખતે બીજો હાથ શાયર લોકો ‘આદાબ’ કહેતા હોય એ મુદ્રામાં ગોળાની બરોબર નીચે રાખવો ફરજીયાત છે. સાથે નજર પણ આડી અવળી કર્યા વગર ગોળા ઉપર સ્થિર હોવી જોઇશે નહિ તો ચૂસતા પહેલા ગોળો ડફ્ફ દઈને નીચે પડશે અને સળીને બકી ભરવાનો વારો આવશે.

ગોળો ખાતી વખતે સળી હાથમાં રહી જાય અને ગોળો ડફાક દઈને નીચે પડી જાય એ અધૂરી કેળવણીની નિશાની છે. આ ગાંધી બાપુએ નહિ પણ બધિરદાસ બાપુએ કહ્યું છે. આપણે ત્યાં ગોળા ખાવા બાબતે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવતી નથી એટલે જેમ પડતા આખડતા સાયકલ ચલાવતા શીખી જવાય છે એમ જ બે ચાર વાર અડધા કાર્યક્રમે ગોળા ડફકી જાય અને બાકીના લોકોને ગોળા ચૂસવાનો લ્હાવો લેતા જોઈ રહેવાનો વારો આવે એટલે નીચે હાથ રાખવાનું આપોઆપ આવડી જાય છે. હવે તો ગોળા સાથે ડીશ પણ આપવામાં આવે છે અને પબ્લિક બેશરમ થઈને પાણી પુરીના પાણીની જેમ ડીશ મોઢે માંડીને ગોળામાંથી ટપકેલુ શરબત પણ પી જાય છે. એટલું જ નહિ પણ મોબાઈલની જેમ ગોળાને શરબતથી ટોપ-અપ પણ કરાવે છે.

ગોળા ખાવામાં કોઈ સ્ટાઈલ પ્રચલિત નથી. હઉ હઉના ઊજમ પ્રમાણે મચી પડતા હોય છે. કવિ લોકો ફૂલમાંથી રસ ચૂસતા ભમરાની જેમ ગોળાનો આસ્વાદ લેતા હોય છે. ભમરાની જેમ જરીક અમથો રસ ચૂસીને ફૂલની આસપાસ મંડરાવાની સ્ટાઈલ મારવા જતા ઘણા કવિઓ એમનો ગોળો ગુમાવી ચુક્યા છે પણ દેશી પદ્ધતિ એમને મંજૂર નથી. ગોળાનો માલિક સળી સુધીનો બરફ ખાવાનો અઘાટ હક ભોગવવતો હોઈ ભમરાની જેમ એક ફૂલથી બીજા ફૂલ એટલે કે એક ગોળાથી બીજા ગોળા ભ્રમણ કરવાના કવિના અભરખા પણ અધૂરા રહે છે. શાયર લોકો ગોળાને હોઠે લગાડતા પહેલા માશુકાની પરવાનગી માંગતા હોય એમ ‘છુ લેને દો નાજુક હોંઠો કો …’ કહીને પરવાનગી માંગતા હોય તો નવાઈ નહિ. અઠંગ ગોળા ચૂસકો ચલમનો કશ ખેંચતા ગિરનારી બાવાની જેમ આંખો મીંચીને એક જ ખેંચમાં ગોળામાંનું બધું જ શરબત ખેંચી લેતા હોય છે. એ લોકો ખેંચવાનું ચાલુ કરે એ સાથે જ ગોળાવાળો બાટલો ઉઠાવીને એમનો ગોળો રીફીલ કરવાની તૈયારી આદરી દેતો હોય છે. જે ગર્લ્સ સૂરસા રાક્ષસીનીની જેમ મોઢું પહોળું કરીને પાણી પૂરી મોંમાં પધરાવતી હોય છે એ જ ગર્લ્સ ગોળો ખાતી વખતે જૂની હિરોઈન પ્રિયા રાજવંશની જેમ માર્યાદિત પ્રમાણમાં હોઠ ખોલીને ગોળાને ન્યાય આપતી હોય છે.

ડીશમાં બરફના છીણનો ઢગલો કરીને એની ઉપર શરબત નાખીને આપવાની શરૂઆત લગભગ તો જેમના હાથ ગોળો પકડવા માટે સ્થિર ન રહેતા હોય એવા બાળકો અને વૃદ્ધો માટે થઇ હોવાનું ‘મિલન ડીસ ગોળા’વાળો અમારો રામસિંગ કહે છે. એ જે હોય તે પણ આ ડીશપ્રથા એ પાછળના વર્ષોમાં ગોળા ક્ષેત્રે કાંતિ આણી છે એમાં બેમત નથી. અગાઉ સળીવાળા ગોળા ઉપર વેરીએશન તરીકે માત્ર સંચળ મિશ્રિત મસાલો જ નાખવામાં આવતો પણ પછી હરીફાઈમાં જે અખતરાઓ શરુ થયા છે એમાં ગોળાવાળાઓએ ટેબલ-ખુરશી અને બાંકડા નાખવાનું જ બાકી રાખ્યું છે! મસાલા પછી કોપરાનું છીણ આવ્યું. કાઠીયાવાડીઓ તકમરિયા (બાવચીના બી) શોધી લાવ્યા. કોકે ટૂટીફ્રૂટી ધબકારવાનું ચાલુ કર્યું. પછી તો સ્કીમ્ડ મિલ્કનો ઉપયોગ શરુ થયો. ટોપિંગમાં ડ્રાય ફ્રુટ  માવા રબડીનો અભિષેક થયો. કેન્ડી સ્ટીકને ખોટું ન લાગે એ માટે એને વિસા મળ્યો. આજે હાલત એ છે કે ગોળાને રજવાડી બનાવવાની લ્હાયમાં ભુરાઓ કોથમીર-મરચા અને ખજૂર-આમલીની ચટણી નાખીને ખવડાવવાનું ચાલુ કરે એનો ડર છે. અમે તો માત્ર બરફ અને શરબતવાળા જેનેરિક ગોળાના આશિક છીએ.

सुन भाई साधो

પત્ની ઊંઘતી હોય એ સમયને શાસ્ત્રોમાં શાંતિકાળ કહ્યો છે

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s